એપ્રિલ 2026માં સંસદમાં રજૂ કરવામાં આવેલું, પરંતુ પસાર ન થઈ શકેલું લોકસભાની બેઠકોમાં વધારો કરતું ડિલિમિટેશન બિલ હવે ફરી સંસદમાં આવી રહ્યું છે. શુક્રવારે (27 નવેમ્બર) મોદી સરકારની કેબિનેટે નવા પ્રસ્તાવને મંજૂરી આપી. સોમવારથી ફરી શરૂ થતા સંસદના સત્રમાં ફરી ત્રણ બિલ રજૂ થશે. ડિલિમિટેશન બિલ સાથે એક બંધારણીય સુધારો પણ છે એટલે તેને પસાર કરવા માટે સંસદનાં બંને ગૃહોમાં બે તૃત્યાંશ બહુમતની જરૂર પડે છે. એપ્રિલમાં આ બહુમત ન મળ્યો એટલે બિલ પડી ગયું. આ વખતે સરકારને વિશ્વાસ છે.
પહેલી વખત બિલ આવ્યું ત્યારે વિપક્ષની મુખ્ય સમસ્યા એ હતી કે જો વસ્તીના આધારે સીમાંકન કરવામાં આવે તો દક્ષિણનાં રાજ્યોની લોકસભાની બેઠકોનો હિસ્સો ઘટી શકે છે. ત્યારે પણ સરકારે દરેક રાજ્યની બેઠકો સમાન પ્રમાણમાં વધારવાનું આશ્વાસન આપ્યું હતું. આ વખતે એ આશ્વાસનને બિલમાં જ સામેલ કરી દેવામાં આવ્યું છે. નવા પ્રસ્તાવ પ્રમાણે દરેક રાજ્યની લોકસભાની બેઠકોમાં 50 ટકાનો વધારો કરવામાં આવશે. આ સાથે આ વ્યવસ્થા 25 વર્ષ સુધી એટલે 2051 સુધી યથાવત રાખવાની જોગવાઈ છે.
MASSIVE: Delimitation Bill Copy accessed NDA ALLAYS ANXIETIES OF SOUTHERN STATE. Parliament Bill Paves Way for Women’s Reservation: Lok Sabha and Assembly Seats to Rise 50%, New Delimitation Commission not to consider census data till 2051. The objective of the present Bill is to give immediate effect to one-third reservation for women, including women belonging to the Scheduled Castes and the Scheduled Tribes, in the House of the People and the Legislative Assemblies of the States and the Union territories, through a delimitation exercise, and for the said purpose, such delimitation shall provide for an increase of fifty per cent., in the number of seats in the House of the People and the Legislative Assemblies of the States and Union territories, over and above the number of seats existing immediately before such delimitation. Therefore, the implementation of reservation of seats for women is linked to the constitutional scheme of readjustment in the allocation of seats in the House of the People and the Legislative Assemblies and re-drawing boundaries of territorial constituencies by the Delimitation.
— Rahul Shivshankar (@RShivshankar) November 27, 2026
આ ડિલિમિટેશનનો સીધો સંબંધ મહિલા અનામત સાથે છે. 2023માં સરકારે સંસદના વિશેષ સત્રમાં મહિલા અનામત સંબંધિત 106મો બંધારણીય સુધારો પસાર કરાવ્યો હતો. આ કાયદા મુજબ લોકસભા અને રાજ્યોની વિધાનસભાઓમાં મહિલાઓ માટે 33 ટકા બેઠકો અનામત રાખવાની જોગવાઈ છે. જોકે આ અનામત લાગુ કરવા માટે કાયદામાં એક શરત છે. કાયદો કહે છે કે તેના અમલ બાદ થનારી પ્રથમ વસ્તીગણતરી અને તેના આધારે થનારા સીમાંકન પછી જ મહિલા અનામત લાગુ કરી શકાશે. આ પ્રક્રિયા સમય માંગી લે તેવી છે અને એ પ્રમાણે જઈએ તો 2029ની લોકસભા ચૂંટણી પહેલાં મહિલા અનામત લાગુ ન થઈ શકે. આ કાયદાકીય અડચણ દૂર કરવા માટે સરકાર આ નવા બિલો લાવી રહી છે.
એપ્રિલમાં શું પ્રસ્તાવ હતો?
એપ્રિલમાં સંસદમાં ત્રણ બિલ રજૂ કરવામાં આવ્યાં હતાં. એક બંધારણીય સુધારો હતો, જેના થકી લોકસભાની મહત્તમ બેઠકો 550થી વધારીને 850 કરવાની જોગવાઈ હતી. આમાં 815 બેઠકો રાજ્યો માટે અને 35 બેઠકો કેન્દ્રશાસિત પ્રદેશો માટે રાખવાનો પ્રસ્તાવ હતો.
આ ઉપરાંત હાલની વ્યવસ્થા પ્રમાણે રાજ્યોને મળતી લોકસભાની બેઠકોની ફાળવણી 1971ની વસ્તીગણતરીના આધારે નક્કી કરવામાં આવી હતી. 42મા બંધારણીય સુધારા દ્વારા આ ફાળવણી પર રોક લગાવવામાં આવી હતી, જેને 84મા બંધારણીય સુધારા દ્વારા 2026 પછીની પ્રથમ વસ્તીગણતરી સુધી લંબાવવામાં આવી હતી. એપ્રિલમાં રજૂ થયેલા 131મા બંધારણીય સુધારા બિલમાં આ રોક દૂર કરીને રાજ્યોને મળતી બેઠકોની નવેસરથી ફાળવણી કરવાનો પ્રસ્તાવ હતો.
ત્યારે દલીલ એવી થઈ કે વધુ વસ્તી ધરાવતાં રાજ્યોની લોકસભાની બેઠકો વધી શકતી હતી, જ્યારે પ્રમાણમાં ઓછી વસ્તી ધરાવતાં દક્ષિણનાં રાજ્યોની બેઠકોનો હિસ્સો ઘટી શકતો હતો.
આ ઉપરાંત આ બંધારણીય સુધારા હેઠળ સીમાંકન માટે કઈ વસ્તીગણતરીના આંકડાનો ઉપયોગ કરવો તે નક્કી કરવાનો અધિકાર સંસદને આપવાનો પ્રસ્તાવ હતો. તેની સાથે રજૂ થયેલા ડિલિમિટેશન બિલમાં જોગવાઈ હતી કે ડિલિમિટેશન કમિશનની રચના થાય ત્યારે જે છેલ્લી વસ્તીગણતરીના આંકડા ઉપલબ્ધ હોય તેનો ઉપયોગ કરવામાં આવશે. અત્યારે કમિશનની રચના થાય તો 2011ની વસ્તીગણતરીના આંકડા ઉપયોગમાં લેવા પડે.
આ જ બંધારણીય સુધારા દ્વારા મહિલા અનામત લાગુ કરવામાં જે કાયદાકીય અડચણ હતી તેને પણ દૂર કરવાનો પ્રસ્તાવ હતો, જેથી 2029ની લોકસભા ચૂંટણી પહેલાં અનામત લાગુ કરી શકાય.
એપ્રિલના બિલ સામે દક્ષિણનાં રાજ્યોનો વિરોધ શા માટે હતો?
33 ટકા મહિલા અનામત લાગુ કરવા માટે લોકસભાની બેઠકો વધારવાની આવશ્યકતા ઊભી થઈ, જેથી હાલની બેઠકોનું પ્રમાણ ઘટાડ્યા વગર મહિલા અનામત લાગુ કરી શકાય. પરંતુ એપ્રિલના બિલમાં વસ્તીના આધારે બેઠકોની પુનઃફાળવણી કરવાની જોગવાઈ સામે દક્ષિણનાં રાજ્યોને વાંધો હતો.
તેમની દલીલ એવી હતી કે ઉત્તરનાં રાજ્યોમાં વસ્તીનો વધારો વધુ થયો હોવાથી સીમાંકન વખતે તેમને વધુ બેઠકો મળશે અને દક્ષિણનાં રાજ્યોની બેઠકોનો હિસ્સો ઘટશે. દલીલ થઈ કે દક્ષિણનાં રાજ્યોએ વસ્તી નિયંત્રણ માટે પ્રયાસો કર્યા અને તેમાં સફળતા પણ મેળવી. હવે એ જ કારણસર તેમની રાજકીય ભાગીદારી ઘટે તે યોગ્ય નથી.
સરકારે ત્યારે પણ કહ્યું હતું કે દરેક રાજ્યની બેઠકો સમાન પ્રમાણમાં વધારવામાં આવશે અને કોઈ રાજ્યને અન્યાય નહીં થાય. પરંતુ આ બાબત એપ્રિલના બિલમાં સ્પષ્ટ રીતે લખવામાં આવી નહોતી. આ વખતે સરકારે આ જોગવાઈ બિલમાં જ સામેલ કરી દીધી છે.
આ વખતે શું બદલાયું છે?
નવી ફોર્મ્યુલા પ્રમાણે સીમાંકન પ્રક્રિયામાં દરેક રાજ્યના દરેક લોકસભા મતવિસ્તારનું નવેસરથી સીમાંકન થશે, પરંતુ દરેક રાજ્યની કુલ લોકસભા બેઠકોમાં 50 ટકાનો વધારો કરવામાં આવશે. એટલે કે વસ્તીમાં થયેલા વધારાના આધારે રાજ્યો વચ્ચે બેઠકોની ફાળવણી બદલાશે નહીં.
ઉદાહરણ તરીકે ગુજરાતની હાલ 26 લોકસભા બેઠકો છે. તેના 50 ટકા એટલે 13. આ 13 બેઠકો ઉમેરવામાં આવે તો ગુજરાતની બેઠકો 39 થાય. એ જ રીતે ઉત્તર પ્રદેશની હાલ 80 બેઠકો છે. તેમાં 50 ટકા એટલે 40 બેઠકો ઉમેરવામાં આવે તો કુલ 120 બેઠકો થાય.
અહીં એકી સંખ્યામાં બેઠકો ધરાવતાં રાજ્યો માટે અડધી બેઠકનો પ્રશ્ન ઊભો થાય છે. જેમ કે તમિલનાડુની હાલ 39 બેઠકો છે. તેના 50 ટકા 19.5 થાય. એટલે નવી ફાળવણીમાં તેને 59 બેઠકો મળી શકે છે. અંતિમ આંકડો સીમાંકનના નિયમો પ્રમાણે નક્કી થશે. બાકીનાં એકી સંખ્યામાં લોકસભા બેઠકો ધરાવતાં રાજ્યો માટે પણ આમ જ થશે.
આ જોગવાઈ માત્ર લોકસભા પૂરતી મર્યાદિત નથી. રાજ્યોની વિધાનસભાઓની બેઠકોમાં પણ 50 ટકાનો વધારો કરવાનો પ્રસ્તાવ છે.
આમ, દરેક રાજ્યમાં બેઠકો વધશે, પરંતુ લોકસભામાં રાજ્યોનો હાલનો સાપેક્ષ હિસ્સો જળવાઈ રહેશે. અગાઉ કહ્યું એમ આ વ્યવસ્થા 2051 સુધી ચાલુ રાખવાનો પ્રસ્તાવ છે.
વસ્તીગણતરીના ડેટામાં પણ ફેરફાર
એપ્રિલના બિલમાં પ્રસ્તાવ હતો કે ડિલિમિટેશન કમિશનની રચના થાય ત્યારે જે છેલ્લી વસ્તીગણતરીના આંકડા ઉપલબ્ધ હોય તેનો ઉપયોગ કરવામાં આવશે. આ વખતે નવા પ્રસ્તાવમાં વસ્તીગણતરીના ડેટા માટેની તારીખ બદલવામાં આવી છે. હવે કાયદો અમલમાં આવે ત્યારે જે છેલ્લી વસ્તીગણતરીના આંકડા પ્રકાશિત થઈ ચૂક્યા હોય તેનો ઉપયોગ કરવામાં આવશે.
એટલે કે, કાયદો અમલમાં આવે ત્યારે જો 2027ની વસ્તીગણતરીના આંકડા ઉપલબ્ધ નહીં હોય તો 2011ની વસ્તીગણતરીના આંકડા ઉપયોગમાં લેવાશે. જોકે, આ ડેટાનો ઉપયોગ મતવિસ્તારોની સીમાઓ નક્કી કરવા માટે થશે. રાજ્યો વચ્ચે બેઠકોની ફાળવણીમાં વસ્તીના આધારે ફેરફાર નહીં થાય.
ટૂંકમાં કહેવાની વાત એટલી છે કે સીમાંકન વખતે વસ્તીગણતરીના આંકડા ઉપયોગમાં તો લેવામાં આવશે, પરંતુ વસ્તીમાં થયેલા ફેરફારના આધારે રાજ્યોની લોકસભા બેઠકોની સંખ્યામાં વધઘટ નહીં થાય. દરેક રાજ્યને સમાન પ્રમાણમાં 50 ટકાનો વધારો મળશે. આમ, લોકસભામાં કોઈ રાજ્યનો સાપેક્ષ હિસ્સો ઘટશે નહીં અને બેઠકોમાં પણ વધારો થશે.
આ વ્યવસ્થા 2051 સુધી ફ્રીઝ કરવાનો પ્રસ્તાવ છે. એટલે રાજ્યો વચ્ચે બેઠકોની હાલની ભાગીદારી જળવાઈ રહેશે. નવી વ્યવસ્થા હેઠળ લોકસભાની મહત્તમ બેઠકો 850 હશે, જેમાંથી 815 રાજ્યોની અને 35 કેન્દ્રશાસિત પ્રદેશોની હશે. જોકે, જરૂરી નથી કે લોકસભામાં ખરેખર 850 સભ્યો જ હોય. આ મહત્તમ મર્યાદા છે. જેમ અત્યારે લોકસભાની બંધારણીય મહત્તમ મર્યાદા 550 છે, પરંતુ ચૂંટાયેલા સભ્યોની સંખ્યા 543 છે.
સરકાર પાસે આ વખતે બહુમતીનું શું ગણિત છે
એપ્રિલમાં રજૂ થયેલા 131મા બંધારણીય સુધારા વિધેયકને લોકસભામાં જરૂરી બે તૃતિયાંશ બહુમતી મળી શકી નહોતી. તેની તરફેણમાં 298 અને વિરોધમાં 230 મત પડ્યા હતા. બંધારણીય સુધારા માટે માત્ર સામાન્ય બહુમતી પૂરતી નથી. ગૃહના કુલ સભ્યોની બહુમતી ઉપરાંત હાજર રહીને મતદાન કરનારા સભ્યોના બે તૃત્યાંશ મતની જરૂર પડે છે.
આ વખતે સરકારે દક્ષિણનાં રાજ્યોની ચિંતાઓને ધ્યાનમાં રાખીને 50 ટકાના વધારાની જોગવાઈ બિલમાં જ ઉમેરી છે. આંધ્ર પ્રદેશની YSRCPએ સમર્થન જાહેર કર્યું છે અને DMKએ પણ પોતાની અગાઉની સરખામણીએ નરમાશ દાખવી છે. એટલે કોંગ્રેસ અને સમાજવાદી જેવી પાર્ટીઓ વિરોધ કરે તોય અમુક પ્રાદેશિક પક્ષોનું સમર્થન અને કેટલાક પક્ષો ગેરહાજર રહે અથવા મતદાનથી દૂર રહે તો સરકાર માટે જરૂરી બહુમતી મેળવવી સરળ બની શકે છે.
સોમવારથી શરૂ થતા સંસદના વિશેષ સત્રમાં આ બિલો ચર્ચા માટે આવે તેવી શક્યતા છે. લોકસભા અને ત્યારબાદ રાજ્યસભામાં સરકાર આ બિલો કઈ રીતે પસાર કરાવે છે તે જોવું રહ્યું. બિલ આ વખતે પસાર થશે એ નક્કી છે.


