
પશ્ચિમ બંગાળનાં પૂર્વ મુખ્યમંત્રી અને તૃણમૂલ કોંગ્રેસનાં (TMC) સુપ્રીમો મમતા બેનર્જીની ભત્રીજી બ્રિષ્ટિ મુખર્જીએ આત્મહત્યા કરી હોવાનો મામલો સામે આવ્યો છે. અહેવાલો અનુસાર 1 સપ્ટેમ્બરના રોજ બિરભૂમ જિલ્લાના રામપુરહાટ નજીક આવેલા કુસુમ્બા ગામમાં સ્થિત ઘરના ઉપરના માળેથી મુખર્જીનો મૃતદેહ મળી આવ્યો હતો.
ઘટનાની જાણ થતાં જ પોલીસે સ્થળ પર પહોંચીને મૃતદેહને કબ્જે લીધો હતો. આ મામલે પોલીસે ગુનો નોંધીને મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સરકારી હોસ્પિટલમાં મોકલી આપ્યો છે. હાલ પોસ્ટમોર્ટમ રિપોર્ટની રાહ જોવાઈ રહી છે.
મૃતક બ્રિષ્ટિ મુખર્જીની ઉંમર 28થી 31 વર્ષની વચ્ચે હોવાનું કહેવાઈ રહ્યું છે. તે મમતા બેનર્જીના મામાના દીકરા અને તૃણમૂલ કોંગ્રેસના સ્થાનિક નેતા નિહાર મુખર્જીની પુત્રી હતી. પરિવારજનોના જણાવ્યા અનુસાર, બ્રિષ્ટિ છેલ્લા કેટલાક સમયથી ગંભીર માનસિક તાણ અને ડિપ્રેશનનો સામનો કરી રહી હતી અને તેની સારવાર પણ ચાલી રહી હતી. આ ઉપરાંત તેણે પોતાના પતિ સામે છૂટાછેડાની અરજી પણ દાખલ કરી હતી.
બ્રિષ્ટિ મુખર્જી બોલપુર અપર પ્રાથમિક શાળામાં બિન-શિક્ષણ કર્મચારી તરીકે ફરજ બજવતી હતી. પશ્ચિમ બંગાળના ચર્ચિત ‘કેશ-ફોર-જોબ’ એટલે કે શિક્ષક ભરતી કૌભાંડ કેસમાં કલકત્તા હાઇકોર્ટે સરકારી સહાયતા પ્રાપ્ત શાળાઓની ભરતી રદ કરી હતી, જેને પાછળથી સુપ્રીમ કોર્ટે પણ યોગ્ય રાખી હતી.
માર્ચ 2023માં આ આદેશ બાદ આશરે 26,000 જેટલા શિક્ષકો અને બિન-શિક્ષણ કર્મચારીઓએ પોતાની નોકરી ગુમાવી હતી, જેમાં બ્રિષ્ટિનો પણ સમાવેશ થતો હતો. નોકરી ગુમાવ્યા બાદ અને કૌભાંડમાં નામ ઉછળ્યા પછી તેની માનસિક સ્થિતિ વધુ કથળી હતી. રામપુરહાટ પોલીસ સ્ટેશને આ મામલે અકસ્માતે મોતનો ગુનો નોંધીને વધુ તપાસ શરૂ કરી છે.

