ભારતમાં સમયની ગણતરી અને તેની ચોકસાઈને લઈને એક બહુ મોટો અને ઐતિહાસિક બદલાવ આવ્યો છે. સામાન્ય રીતે આપણે ઘડિયાળમાં સમય જોઈએ છીએ ત્યારે આપણને લાગે છે કે બધી ઘડિયાળો એક સરખો જ સમય બતાવે છે, પરંતુ વાસ્તવિકતા કંઈક જુદી જ હતી. ભારત સરકારે તાજેતરમાં ‘લીગલ મેટ્રોલોજી (ઈન્ડિયન સ્ટાન્ડર્ડ ટાઈમ) રૂલ્સ 2026’ જાહેર કરીને દેશમાં સમય જાળવણી માટે એક નવું અને ચોક્કસ માળખું અમલી બનાવ્યું છે.
સરકારે 27 ઑગસ્ટના રોજ આ નવા નિયમોનું નોટિફિકેશન બહાર પાડ્યું છે. આ નિયમો અનુસાર, હવે સમગ્ર દેશમાં તમામ કાનૂની, વહીવટી, વ્યાપારી અને સત્તાવાર કામકાજ માટે ફક્ત ‘ભારતીય માનક સમય’ એટલે કે ઇન્ડિયન સ્ટાન્ડર્ડ ટાઈમ– ISTને જ એકમાત્ર અધિકૃત સમય તરીકે માન્યતા આપવામાં આવશે. ભારત પોતાના સમય માટે હવે અન્ય કોઈ દેશની સિસ્ટમ કે સર્વર પર નિર્ભર નહીં રહે.
આ નવા નિયમો સરકારી ગેઝેટમાં પ્રકાશિત થયાના 180 દિવસ પછી એટલે કે 2027માં અમલમાં આવશે. આ 180 દિવસનો સમયગાળો સરકારી વિભાગો, બેન્કો, ટેલિકોમ કંપનીઓ અને ઉદ્યોગોને આપવામાં આવ્યો છે જેથી તેઓ પોતાની તમામ સિસ્ટમ, કોમ્પ્યુટર અને ઘડિયાળોને ભારત સરકારની આ નવી સમય પ્રણાલી સાથે જોડી શકે.
આ નિયમોનું નોટિફિકેશન આવ્યા બાદ સામાન્ય વ્યક્તિને ઘણા પ્રશ્નો થયા હશે, કે શું હવે ભારતનો સમય બદલાઈ જશે? શું આપણે આપણા ઘરના કેન્ડલ ક્લોક, કાંડા ઘડિયાળ અને મોબાઇલમાં સમય સેટિંગ બદલવું પડશે? આ તમામ પ્રશ્નોનો જવાબ છે ‘ના’.
દૈનિક જીવનમાં એક સામાન્ય વ્યક્તિની ઘડિયાળમાં આ નિયમના કારણે સમયનો કોઈ બદલાવ આવવાનો નથી. ઊલટું આ નિયમના કારણે ડિજિટલ વ્યવહારો અત્યંત સુરક્ષિત અને ચોક્કસ બનશે. UPI પેમેન્ટ ફેઈલ થવાના કિસ્સા ઘટશે, રેલવે કે ફ્લાઈટના બુકિંગ વખતે કન્ફર્મેશનમાં થતી ભૂલો બંધ થશે, મોબાઈલ નેટવર્ક કટ થવાની સમસ્યાઓ ઓછી થશે અને સાયબર ક્રાઈમ જેવા કિસ્સાઓમાં ગુનેગારોને પકડવા સરળ બનશે.
આ પહેલાં ભારતમાં સમય કેવી રીતે જોવાતો હતો?
અત્યાર સુધી દેશમાં ભારતીય માનક સમય તો હતો જ, પરંતુ દરેક ક્ષેત્ર કે કંપની પોતાના કોમ્પ્યુટર અને સર્વરમાં સમય સેટ કરવા માટે જુદા-જુદા સ્ત્રોતનો ઉપયોગ કરતી હતી. કેટલીક કંપનીઓ અમેરિકાના GPS સેટેલાઈટમાંથી સમય લેતી હતી, તો કેટલીક વિદેશી પબ્લિક ઈન્ટરનેટ સર્વર પર નિર્ભર હતી. આના કારણે અલગ-અલગ સર્વર વચ્ચે મિલિસેકન્ડ કે માઈક્રોસેકન્ડનો તફાવત રહી જતો હતો, જે મોટું જોખમ ઊભું કરતો હતો.
સમયની આ ગણતરીને સમજવા માટે બે શબ્દો જાણવા જરૂરી છે: UTC અને IST.
UTC (કોઓર્ડિનેટેડ યુનિવર્સલ ટાઇમ): આ આંતરરાષ્ટ્રીય સ્તરનો માનક સમય છે, જેના આધારે આખી દુનિયાના સમય નક્કી થાય છે. તેનું મુખ્યાલય પેરિસમાં છે.
IST (ઇન્ડિયન સ્ટાન્ડર્ડ ટાઈમ): ભારતીય માનક સમય એ UTC કરતાં બરાબર 5 કલાક અને 30 મિનિટ આગળ છે જેને ટેકનિકલ ભાષામાં ‘UTC+5:30’ કહેવાય છે.

નવી દિલ્હીમાં આવેલી CSIR-નેશનલ ફિઝિકલ લેબોરેટરી ભારતની ટાઈમકીપર છે. ત્યાં ‘એટોમિક ક્લોક્સ’ એટલે કે સીઝિયમ ક્લોક અને હાઇડ્રોજન મેઝરવાળી પરમાણુ ઘડિયાળો રાખવામાં આવી છે. આ ઘડિયાળો ક્યારેય ધીમી કે ઝડપી થતી નથી અને પરમાણુના કંપન પર ચાલે છે. આ બધી ઘડિયાળોના સમયની સરેરાશ કાઢીને ભારતનો એકદમ સચોટ IST સમય તૈયાર કરવામાં આવે છે. તેથી સમગ્ર ભારતમાં એક સરખો જ સમય હોય છે.
તો પછી આ નિયમો લાવવાની જરૂર કેમ પડી?
તો પછી પ્રશ્ન થાય કે, જો ગુજરાતથી અસમ અને કાશ્મીરથી કેરળ સુધી એક સરખો જ સમય ચાલે છે તો આવા નવા નિયમની જરૂર શું પડી?
આજે આપણું અર્થતંત્ર અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડિજિટલ બની ગયાં છે, જ્યાં સેકન્ડના હજારમા ભાગમાં કરોડોના વ્યવહારો થાય છે. એવા સમયમાં વિદેશી ટાઈમ સર્વર કે GPS પર નિર્ભર રહેવામાં મોટું જોખમ એ હતું કે જો વિદેશી ગ્લોબલ સિસ્ટમમાં કોઈ ટેકનિકલ ખામી સર્જાય, હેકિંગ થાય કે સાયબર હુમલો થાય, તો ભારતનું આખું કમ્યુનિકેશન, બેંકિંગ અને પાવર ગ્રીડ ઠપ્પ થઈ જાય. આથી ભારતને ટાઇમિંગ સોવરેનિટીની જરૂરિયાત ઊભી થઈ હતી.
આ મામલે સરકાર ઘણા સમયથી કામ કરી રહી હતી. તેના જ ભાગરૂપે જાન્યુઆરી 2025માં સરકારે ‘વન નેશન, વન ટાઈમ’ (એક દેશ, એક સમય) વિઝનની જાહેરાત કરી હતી. જેનો મુખ્ય હેતુ એ છે કે કાશ્મીરથી કન્યાકુમારી અને અરુણાચલ પ્રદેશથી ગુજરાત સુધી તમામ ડિજિટલ ઉપકરણો, સર્વર અને મશીનોમાં એક જ સમયે, એક જ નેટવર્કથી ચોક્કસ સમય ડિસ્પ્લે થાય. આ નવા રૂલ્સ 2026 એ જ વિઝનને કાયદાકીય સ્વરૂપ આપે છે.
આ નિયમોથી કયા કયા મુખ્ય ક્ષેત્રોને અસર થશે?
આ નિયમોથી દેશના ચાર સૌથી મહત્વપૂર્ણ ક્ષેત્રો પર સીધી અને વ્યાપક અસર પડશે:
- બેન્કિંગ અને ફાઇનાન્શિયલ સિસ્ટમ (UPI, NEFT, એટીએમ)
- શેરબજાર અને કેપિટલ માર્કેટ્સ (NSE, BSE)
- ટેલિકોમ નેટવર્ક અને ઈન્ટરનેટ પ્રોવાઈડર્સ
- પાવર ગ્રીડ (વીજળી પુરવઠો) અને ભારતીય રેલવે/હવાઈ વાહનવ્યવહાર.

ધારો કે તમે તમારા ફોનથી કોઈ દુકાનદારને ₹500 UPI કર્યા. તમારું ખાતું બેન્ક ઑફ બરોડામાં છે અને દુકાનદારનું ખાતું સ્ટેટ બેન્કમાં છે. આવા કિસ્સામાં આ વ્યવહારમાં બે અલગ-અલગ બેંકોના સર્વર સામેલ થયાં. જો બેન્ક ઑફ બરોડાનું સર્વર 2 મિલિસેકન્ડ પાછળ હોય અને સ્ટેટ બેન્કનું સર્વર ટાઈમસર હોય તો સિસ્ટમમાં એવું નોંધાશે કે પૈસા જમા પહેલાં થયા અને ઉપાડ પછી થયો! આવી વિસંગતતાના કારણે જ ઘણી વખત UPI પેમેન્ટ અટકી જતાં હોય છે. સચોટ ISTથી આ સમસ્યા દૂર થશે.
બીજું ઉદાહરણ લઈએ કે, શેરબજારમાં એક સેકન્ડમાં લાખો ઓર્ડર પ્લેસ થતા હોય છે. SEBIના નિયમ મુજબ દરેક ટ્રેડનો સમય માઈક્રોસેકન્ડ સુધી સચોટ હોવો જરૂરી છે. જો બે ટ્રેડર્સમાંથી કોનો ઓર્ડર પહેલો આવ્યો તે સમયની ભૂલના કારણે નક્કી ન થઈ શકે તો કરોડોનું નુકસાન થઈ શકે છે અથવા ઇનસાઇડર ટ્રેડિંગ જેવી ગેરરીતિ થઈ શકે છે. હવે ભારતના બંને શેરબજાર (NSE અને BSE) સીધા IST સાથે સિંક્રનાઈઝ રહેશે.
આ સિવાય જ્યારે કોઈ સાયબર ફ્રોડ થાય છે ત્યારે તપાસ અધિકારીઓ આઈપી એડ્રેસ અને લોગ ફાઈલો ચકાસે છે. જો ટેલિકોમ કંપનીનું સર્વર અને બેન્કનું સર્વર અલગ-અલગ સમય બતાવતા હોય તો ગુનેગારે કયા ચોક્કસ સમયે ગુનો કર્યો તે સાબિત કરવું અદાલતમાં મુશ્કેલ બને છે. હવે એક જ સચોટ ટાઈમસ્ટેમ્પ હોવાથી તપાસ એકદમ સચોટ બનશે.
આપણા દેશનું પાવર ગ્રીડ એક જટિલ નેટવર્ક છે. જો કોઈ વિસ્તારમાં વીજળીનો મોટો ફોલ્ટ થાય કે નેશનલ ગ્રીડ ટ્રીપ થાય તો તે મિલિસેકન્ડ્સની રમત હોય છે. જો ફોલ્ટ રેકોર્ડમાં સમય સાચો ન હોય તો વીજ એન્જિનિયરો સમજી જ ન શકે કે સમસ્યા કયા સબ-સ્ટેશનથી શરૂ થઈ હતી. ચોક્કસ ISTથી પાવર કટ અને ગ્રીડ ફેલ્યોર અટકાવી શકાશે.
આ બધું કઈ ટેકનોલોજીથી કામ કરશે?
દિલ્હીની લેબમાંથી આખા દેશનાં મશીનો સુધી ચોક્કસ સમય પહોંચાડવા માટે સરકારે પંચમુખી યોજના બનાવી છે. દેશમાં 5 પ્રાદેશિક પ્રયોગશાળાઓ એટલે કે રિજનલ રેફરન્સ સ્ટાન્ડર્ડ લેબોરેટરીસ– સ્થાપવામાં આવી રહી છે, જે અમદાવાદ, બેંગલુરુ, ભુવનેશ્વર, ફરીદાબાદ અને ગુવાહાટીમાં હશે. આ સેન્ટરો દિલ્હીથી સમય મેળવીને પોતાના વિસ્તારની બેન્કો અને કંપનીઓને પૂરો પાડશે.
આ ઉપરાંત ઈન્ટરનેટ ફાઈબર ઓપ્ટિક કેબલથી અત્યંત સચોટ સમય મોકલવા માટે સરકારે ‘White Rabbit’ (વ્હાઇટ રેબિટ) નામની એક ઓપન સોર્સ નેટવર્કિંગ ટેકનોલોજી અપનાવી છે. આ ટેકનોલોજી સૌપ્રથમ યુરોપિયન સંસ્થા CERNએ વિકસાવી હતી. તે ફાઈબર કેબલમાં સિગ્નલ આપતી વખતે થતા વિલંબને (Delay) જાતે જ માપી લે છે અને તેને એડજસ્ટ કરીને નેનો સેકન્ડમાં જ સચોટ સમય પહોંચાડે છે. આ સિસ્ટમનું જુલાઈ 2026માં બેંગલુરુ અને ચેન્નઈ વચ્ચે સફળ પરીક્ષણ પણ થઈ ચૂક્યું છે.
સ્પેસ ટેકનોલોજી: હવે GPS નહીં, NavICનો ઉપયોગ!
અત્યાર સુધી સેટેલાઈટ દ્વારા સમય મેળવવા માટે આપણે અમેરિકાના GPS પર નિર્ભર હતા. પરંતુ હવે ISROના પોતાના સેટેલાઈટ નેવિગેશન સિસ્ટમ NavIC એટલે કે નેવિગેશન વિથ ઇન્ડિયન કન્સટેલશનનો ઉપયોગ કરવામાં આવશે. NavICના દરેક ઉપગ્રહમાં પણ એટમિક ક્લોક લગાવેલી છે, જે દિલ્હીના IST સાથે જોડાયેલી રહે છે. આનાથી હવામાં વગર કેબલે પણ સુરક્ષિત રીતે ભારતીય સમય મળી રહેશે. જોકે સામાન્ય વ્યક્તિ GPSનો ઉપયોગ કરી શકશે, NavICનો ઉપયોગ સામન્ય વ્યક્તિ માટે ફરજિયાત બનાવવામાં આવ્યો નથી.
આ સિસ્ટમ પણ સુરક્ષાની ચિંતાના કારણે બનાવવામાં આવી છે. કારણ કે અમેરિકી GPS સિગ્નલને કોઈ દુશ્મન દેશ કે હેકર્સ વાયરલેસ માધ્યમથી ‘જામ’ કરી શકે છે અથવા ખોટા સિગ્નલ મોકલીને એટલે કે સ્પૂફિંગ કરીને આપણી સિસ્ટમની ઘડિયાળનો સમય બદલી શકે છે. પરંતુ ભારતનું પોતાનું NavIC સેટેલાઈટ નેટવર્ક અને જમીન પર પથરાયેલું ‘વ્હાઇટ રેબિટ’ ફાઈબર નેટવર્ક હોવાથી જો સેટેલાઈટ સિગ્નલ ખોરવાય તો પણ જમીન પરનું કેબલ નેટવર્ક દેશના મશીનોને એક જ સેકન્ડમાં સમય આપતું રહેશે.
અત્યાર સુધી ડિજિટલ દુનિયામાં સમયને એક સામાન્ય બાબત ગણવામાં આવતી હતી, પણ ડિજિટલ ઇન્ડિયાના યુગમાં ‘સાયબર સમય’ એ જ સુરક્ષા છે. ‘લીગલ મેટ્રોલોજી રૂલ્સ 2026’ દ્વારા ભારતે પોતાની ડિજિટલ સીમાઓ અને દેશની સંપત્તિઓને સુરક્ષિત કરી લીધી છે. 2027થી ભારત દેશનું દરેક મશીન, દરેક સર્વર અને દરેક મહત્વપૂર્ણ ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિદેશી ઘડિયાળના આશરે નહીં, પરંતુ ભારતની પોતાની ‘અણુ ઘડિયાળ’ની ટિક-ટિક પર ચાલશે.


