હોમપેજવગેરે...ધર્મ/સંસ્કૃતિમહાકાલેશ્વર: જ્યાં કાળ પણ શિવની સીમા વટાવી શકતો નથી

મહાકાલેશ્વર: જ્યાં કાળ પણ શિવની સીમા વટાવી શકતો નથી

મહાકાલ એટલે માત્ર દૂષણનો કાળ નહીં. મહાકાલ એટલે કાળની પણ પેલે પાર ઊભેલું શિવત્વ અને કદાચ આ જ કારણે ઉજ્જૈનમાં શિવનું સ્મરણ કરતા 'મહાકાલ' શબ્દ માત્ર એક નામ બનીને રહેતું નથી, તે માણસને પોતાની જ ક્ષણભંગુરતા સામે ઊભો કરે છે અને એ જ ક્ષણે તેની નજરને અનંત તરફ ફેરવી દે છે.

- Advertisement -

માણસ માટે કદાચ કાળથી મોટું કોઈ સત્ય નથી. જન્મની સાથે જ જીવન કાળના પ્રવાહમાં પ્રવેશી જાય છે. બાળપણ યુવાનીમાં બદલાય છે, યુવાની વૃદ્ધાવસ્થામાં અને એક દિવસ જીવન મૃત્યુમાં વિલીન થઈ જાય છે. રાજા હોય કે રંક, શક્તિશાળી હોય કે નિર્બળ, કાળ કોઈના માટે થોભતો નથી. ભારતીય ચિંતને કાળને માત્ર ઘડિયાળના કાંટા કે દિવસ-રાતની ગણતરી તરીકે જોયો નથી.

કાળ એટલે પરિવર્તનની અનિવાર્ય ગતિ, જેમાં જે જન્મે છે તે બદલાય છે, જે રચાય છે તે ક્ષીણ થાય છે અને જે આવ્યું છે તેનો એક દિવસ અંત આવે છે. આથી જ્યારે શિવ ઉજ્જૈનમાં ‘મહાકાલ’ સ્વરૂપે પ્રગટ થાય છે ત્યારે આ નામને માત્ર દૂષણનો વધ કરનાર શિવ કહી દેવું એ વિશાળ અર્થને ખૂબ નાનો કરી નાખે છે. અહીં પ્રશ્ન એક અસુરના મૃત્યુનો નથી, અહીં પ્રશ્ન કાળની સામે ઊભા થતા એ તત્વનો છે, જેને ભારતીય પરંપરા મહાકાલ કહે છે.

અવંતિકા, જ્યાં ધર્મ શ્વાસ લેતો હતો

આજે ઉજ્જૈન તરીકે ઓળખાતી અવંતિકા પ્રાચીન કાળથી જ ભારતીય ધાર્મિક ચેતનામાં વિશેષ સ્થાન ધરાવતી રહી છે. મહાકાલેશ્વરની ઉત્પત્તિની પરંપરામાં આ જ અવંતિકામાં એક અત્યંત ધર્મનિષ્ઠ બ્રાહ્મણ રહેતો હતો. તેના ચાર પુત્રો દેવપ્રિય, પ્રિયમેધ, સુકૃત અને સુવ્રત હતા. પિતાએ જે જીવન જીવ્યું હતું, એ જ ધર્મ અને શિવભક્તિનો માર્ગ ચારેય પુત્રોએ પણ સ્વીકાર્યો હતો.

- Advertisement -

તેમનું જીવન માત્ર શિવની પૂજા પૂરતું નહોતું. શિવભક્તિ તેમના જીવનનો આધાર બની ગઈ હતી. તેથી અવંતિકા માત્ર એક નગર નહોતું, પરંતુ એવી ભૂમિ બની હતી જ્યાં ધર્મ કોઈ ગ્રંથમાં બંધાયેલો વિચાર નહીં, જીવનમાં શ્વાસ લેતી પરંપરા હતો અને જ્યાં ધર્મ આ રીતે જીવાતો હોય ત્યાં તેનો વિરોધ પણ માત્ર મંદિર તોડવાથી થતો નથી. તેની સામેની શક્તિ સૌથી પહેલાં માણસની શ્રદ્ધા તોડવાનો પ્રયત્ન કરે છે. મહાકાલની કથામાં દૂષણનું આગમન આ જ સંદર્ભમાં થાય છે.

દૂષણ કોઈ એક ગામ કે નગરનો શત્રુ બનીને આવ્યો નહોતો. પુરાણોમાં તેનું લક્ષ્ય સમગ્ર પૃથ્વી પરથી ધર્મનો નાશ કરવાનું હતું. દેવતાઓના લોક પર કબજો મેળવવાથી લઈને વેદ, શાસ્ત્ર અને તીર્થોમાંથી ધર્મને દૂર કરવાનો પ્રયાસ અને લોકો પાસેથી તેમનો ધર્મ છીનવીને પોતાને જ સર્વસત્તાધીશ તરીકે સ્થાપિત કરવાની તેની ઇચ્છા, આ બધું તેને માત્ર યુદ્ધખોર અસુર કરતાં કૈક વધારે બનાવે છે.

તે વ્યવસ્થાનો વિરોધી હતો, પરંતુ તેના કરતાં પણ વધુ તે ધર્મસ્મૃતિનો વિરોધી હતો. જ્યાં લોકો પોતાના આરાધ્યને છોડવા તૈયાર ન થયા ત્યાં તેની શક્તિ નિષ્ફળ થતી જણાઈ અને એ સ્થાન હતું અવંતિકા. દૂષણે નગરવાસીઓને ધમકી આપી કે તેઓ પોતાનો ધર્મ છોડી તેની ભક્તિ સ્વીકારે, પરંતુ શિવ પ્રત્યેની તેમની અડગ શ્રદ્ધા ડગમગી નહીં. અંતે દૂષણે પોતાની સેના અવંતિકા તરફ મોકલી.

અહીં કથા એક સુંદર વાત કહે છે. અવંતિકાના લોકો પાસે દૂષણ સામે લડવા માટે વિશાળ સૈન્ય નહોતું, કોઈ મહાન શસ્ત્ર નહોતું, પરંતુ ચાર બ્રાહ્મણો તેમને એક એવી શક્તિ તરફ લઈ જાય છે જેને પરાજિત કરી શકાય નહીં, એ શક્તિ હતી શિવભક્તિ. લોકો ચારેય બ્રાહ્મણો સાથે શિવસ્મરણમાં લીન થાય છે અને દૂષણની સેના જ્યારે આ ભક્તિને તોડવા આગળ વધે છે ત્યારે પાર્થિવ શિવલિંગની પૂજાના સ્થળે એક ખાડો પડે છે. એ ખાડામાંથી વિકરાળ સ્વરૂપ ધારણ કરેલા શિવ પ્રગટ થાય છે. આ પ્રાગટ્યને જ મહાકાલના પ્રાગટ્ય તરીકે વર્ણવવામાં આવે છે.

દૂષણનો વધ નહીં, મહાકાલનું પ્રાગટ્ય

આ પછીની ઘટના સરળ છે. શિવ દૂષણને જણાવે છે કે તેઓ આ ભક્તોના આરાધ્ય દેવ છે અને તેના જેવા દુષ્ટોનો કાળ બનવા માટે મહાકાલ સ્વરૂપે પ્રગટ થયા છે. પછી એક હૂંકાર સાથે દૂષણ અને તેની સેના ભસ્મ થઈ જાય છે. ભક્તો અને દેવતાઓ શિવની સ્તુતિ કરે છે અને ચાર બ્રાહ્મણો તેમને ત્યાં જ નિવાસ કરવાની પ્રાર્થના કરે છે. આ રીતે ઉજ્જૈનમાં મહાકાલેશ્વર જ્યોતિર્લિંગની સ્થાપનાની કથા પૂર્ણ થાય છે.

પરંતુ અહીંથી જ આ કથાનો સાચો અર્થ શરૂ થાય છે. દૂષણને મારી નાખવો એ ઘટના હતી. મહાકાલ તરીકે પ્રગટ થવું એ તત્વ હતું. જો મહાકાલનો અર્થ માત્ર એટલો જ હોય કે જે કોઈ અસુરનો વધ કરે તે મહાકાલ તો આ નામ શિવની વિશાળ સંકલ્પનાને વ્યક્ત કરી જ ન શકે. કારણ કે મૃત્યુ તો પોતે જ કાળના હાથમાં છે. કોઈ એક જીવનું જીવન સમાપ્ત કરનારને કાળ કહી શકાય, પરંતુ જે તત્વ સમગ્ર સર્જન, પરિવર્તન અને અંતની પાછળ રહેલા કાળને પણ પોતાની અંદર ધારણ કરે છે તેના માટે ‘મહાકાલ’ શબ્દ વધુ ઊંડો અર્થ ધરાવે છે.

આ વિચાર માટે ભારતીય શાસ્ત્રીય પરંપરામાં એક અદભૂત પૃષ્ઠભૂમિ છે. ભગવદ્‌ગીતામાં શ્રીકૃષ્ણ વિશ્વરૂપ દર્શન દરમિયાન કહે છે- ‘કાલોસ્મિ લોકક્ષયકૃત્’, એટલે કે, ‘હું લોકક્ષય કરનાર કાળ છું.’ અહીં કાળ કોઈ સામાન્ય સમય નથી, તે સમગ્ર લોકવ્યવસ્થાના ક્ષય સાથે જોડાયેલું તત્વ છે અને શ્વેતાશ્વતર ઉપનિષદમાં રુદ્રને ‘એકોહિ રુદ્રો ન દ્વિતીયાય તસ્થુઃ’ કહીને એકમાત્ર રુદ્ર તરીકે વર્ણવવામાં આવે છે, જે સમગ્ર લોકવ્યવસ્થાને ધારણ કરે છે અને અંતકાળે સમગ્ર ભુવનને સંકોચી પોતાની અંદર સમેટી લે છે.

એટલે પુરાણની મહાકાલકથા જ્યારે દૂષણના સંહારથી આગળ વાંચવામાં આવે છે ત્યારે તેની અંદર રુદ્રના એ વિશાળ સ્વરૂપની છાયા દેખાય છે, જેમાં શિવ માત્ર સંહારકર્તા નથી, પરંતુ સૃષ્ટિની ઉત્પત્તિ, સ્થિતિ અને અંતને ધારણ કરતું પરમ તત્વ છે.

આ કારણે મહાકાલને સમજવાનો સૌથી સુંદર માર્ગ કદાચ દૂષણથી નહીં, કાળથી શરૂ થાય છે. દૂષણનો કાળ બનનાર શિવ એ એક ક્ષણનું સ્વરૂપ છે. મહાકાલ એ શિવનું એવું તત્વ છે જે કાળની સમગ્ર ગતિને પોતાની અંદર સમાવે છે. કાળ દરેકને લઈ જાય છે, પરંતુ મહાકાલ કાળથી ભય પામતા મનુષ્યને એ યાદ અપાવે છે કે અંતિમ સત્ય મૃત્યુ નથી. ઉપનિષદિક દૃષ્ટિમાં પણ મૃત્યુને પાર કરવાનું જ્ઞાન પરમ તત્વના જ્ઞાન સાથે જોડાય છે. શ્વેતાશ્વતર ઉપનિષદ કહે છે કે જે પરમ પુરુષને જાણે છે તે મૃત્યુને વટાવી જાય છે.

કાળને સમજવા માટે શિવને સમજવા પડે

અહીં મહાકાલની કથા આપણને ભારતીય સમયદૃષ્ટિ તરફ લઈ જાય છે. સમય અહીં સીધી રેખા નથી કે એક બિંદુથી શરૂ થઈને અંતિમ બિંદુએ સમાપ્ત થઈ જાય. સર્જન થાય છે, ચાલે છે, પરિવર્તિત થાય છે અને વિલીન થાય છે. પછી ફરી સર્જનનું ચક્ર શરૂ થાય છે. જે કંઈ દેખાય છે તે પરિવર્તનશીલ છે, પરંતુ પરિવર્તનને જોનાર તત્વ પોતે પરિવર્તનનો વિષય નથી. આ ભેદ જ શિવને માત્ર સમયના એક ભાગમાંથી સમયને ધારણ કરનાર તત્વ સુધી લઈ જાય છે.

શિવના આ નિરાકાર અને સર્વવ્યાપક સ્વરૂપને સમજવા માટે જ લિંગનું પ્રતીક પણ એટલું ગહન છે. પાર્થિવ લિંગ સામે ભક્તો બેઠા છે અને ત્યાંથી મહાકાલ પ્રગટ થાય છે. કથાનું આ દૃશ્ય માત્ર ચમત્કાર તરીકે વાંચી શકાય, પરંતુ તેની અંદર એક આધ્યાત્મિક ગતિ પણ છે. ઉપાસક માટીના લિંગમાં શિવને શોધે છે અને અંતે એ જ ઉપાસનાના કેન્દ્રમાંથી શિવનું વિકરાળ સ્વરૂપ પ્રગટ થાય છે.

એટલે બહારના પથ્થર કે માટીથી વધારે મહત્વ એ ચેતનાનું છે જે તેમાં શિવને અનુભવે છે. જ્યોતિર્લિંગની સંકલ્પનામાં જે વાત આપણે જોઈ હતી– દૃશ્ય ચિહ્નમાંથી અદૃશ્ય તત્વ તરફ જવાની, મહાકાલની ઉત્પત્તિની કથામાં એ જ વાત બીજી રીતે સામે આવે છે.

મહાકાલની કથા અહીં પૂરી થતી નથી

મહાકાલેશ્વરની પરંપરામાં દૂષણની કથા પછી બીજી કથા આવે છે અને આ બીજી કથા પહેલી કથાથી અલગ હોવા છતાં તેના અર્થને વધુ ઊંડો બનાવે છે. અહીં ઉજ્જૈનના રાજા ચંદ્રસેન આવે છે. ચંદ્રસેન મહાદેવના ભક્ત હતા અને તેમને ચિંતામણિ નામની અદભૂત મણિ પ્રાપ્ત થઈ હતી. આ મણિ સૂર્ય જેવું તેજ ધરાવતી હતી અને તેની વિશેષતા એવી વર્ણવાય છે કે તેના પ્રકાશથી ધાતુઓ સોનામાં પરિવર્તિત થતું હતું.

આ મણિની ખ્યાતિ સાંભળીને પૃથ્વીના અનેક રાજાઓ તેને મેળવવા માટે ચંદ્રસેન સામે યુદ્ધ કરવા લાગ્યા. એક પછી એક રાજાઓ પરાજિત થયા, પરંતુ મણિ તેમને મળી નહીં. અંતે તેઓ એકસાથે મળીને ઉજ્જૈનને ઘેરવાની યોજના બનાવે છે. આ કથામાં ચિંતામણિ માત્ર એક અદભૂત મણિ નથી. કથાના સ્તરે તે અપરિમિત સંપત્તિ અને શક્તિનું આકર્ષણ છે. માણસ ધાતુને સોનામાં ફેરવવાની શક્તિ મેળવવા માટે રાજ્યો અને સૈન્યોને એકબીજા સામે ઊભા કરી શકે છે. પરંતુ આ આખી દોડની વચ્ચે ચંદ્રસેન અંતે મહાકાલની ભક્તિમાં શરણ લે છે. બહારની દુનિયા મણિ માટે યુદ્ધ કરી રહી છે અને મણિના માલિક પાસે એ બધાથી ઉપર જવાની એક જ રીત છે- શિવના ચરણોમાં આશ્રય.

અહીં કથા અચાનક ધન અને ભક્તિ વચ્ચેનો ભેદ દેખાડવા લાગે છે. ચિંતામણિ ધાતુને સોનામાં ફેરવી શકે છે, પરંતુ કાળને અટકાવી શકતી નથી. રાજ્ય મનુષ્યને સત્તા આપી શકે છે, પરંતુ મૃત્યુ પર અધિકાર આપી શકતું નથી. મણિ ભૌતિક વસ્તુને બદલી શકે છે, પરંતુ મહાકાલનું તત્વ માણસને પોતાની અંદરની દૃષ્ટિ બદલવાનું કહે છે.

ચિંતામણિ સામે એક નાનકડા બાળકની ભક્તિ

અને પછી આ કથામાં એક એવું પાત્ર પ્રવેશે છે જે આખા દૃશ્યને બદલી નાખે છે. એક વિધવા પોતાના નાના પુત્ર સાથે મહાકાલના દર્શન કરવા આવે છે. બાળક મહાકાલને જુએ છે અને પાછો ફર્યા પછી તેનું મન ત્યાં જ અટકી જાય છે. પોતાની સમજ પ્રમાણે તે શિવભક્તિ શરૂ કરે છે અને ધીમે-ધીમે એટલો તલ્લીન થઈ જાય છે કે ભોજન અને પાણીની પણ તેને સ્મૃતિ રહેતી નથી.

માતા પોતાના બાળકને આ રીતે જોઈ ચિંતિત થાય છે અને અંતે તે જે શિવલિંગની આરાધના કરી રહ્યો હતો તેને ત્યાંથી ઉઠાવીને બહાર ફેંકી દે છે. પરંતુ બાળકની ભક્તિ માટે એ અવરોધ પણ અંતિમ નથી. તે જ્યાં શિવલિંગ પડેલું છે ત્યાં પહોંચે છે અને ફરી શિવની આરાધનામાં લીન થઈ જાય છે.

આ દૃશ્ય મહાકાલની કથાનો સૌથી સુંદર માનવીય પ્રસંગ છે. એક બાજુ ચંદ્રસેન પાસે ચિંતામણિ છે, જેના માટે પૃથ્વીના રાજાઓ યુદ્ધ કરી રહ્યા છે, બીજી બાજુ આ બાળક પાસે કશું જ નથી. ન રાજ્ય, ન સૈન્ય, ન ચિંતામણિ, ન કોઈ વિશેષ સાધન. તેની પાસે માત્ર શિવ પ્રત્યેનું નિર્દોષ આકર્ષણ છે.

એક તરફ રાજાઓ એવી વસ્તુ મેળવવા માટે ઉજ્જૈનને ઘેરીને બેઠા છે જે ધાતુને સોનામાં ફેરવી શકે, બીજી તરફ એક બાળક માટીના શિવલિંગમાં એ તત્વ શોધી રહ્યું છે જે સોનાથી પણ પરે છે. કથા અહીં કોઈ ઉપદેશ આપતી નથી, પરંતુ બંને દૃશ્યોને સાથે મૂકી દે છે અને નિર્ણય વાચક પર છોડી દે છે.

બાળક ત્યાં જ ઊંઘી જાય છે અને સવારે તેને એક અદભૂત દૃશ્ય દેખાય છે. જ્યાં શિવલિંગને ફેંકવામાં આવ્યું હતું ત્યાં એક વિશાળ અને સુંદર શિવમંદિર ઊભું થયેલું હોય છે. વાત આખા નગરમાં ફેલાય છે. રાજા ચંદ્રસેન પણ ત્યાં પહોંચે છે અને બાળકને ગળે લગાવે છે અને જે રાજાઓ ચંદ્રસેનની ચિંતામણિ માટે ઉજ્જૈનને ઘેરીને બેઠા હતા, તેઓ પણ જ્યારે આ બાળકની ભક્તિ અને મહાકાલની ઉપસ્થિતિનો અનુભવ કરે છે ત્યારે ચંદ્રસેન સાથે મિત્રતા કરે છે.

અહીં કથાનો એક સુંદર વિરોધાભાસ પૂર્ણ થાય છે. ચિંતામણિએ રાજાઓને એક કર્યા નહોતા, તેણે તેમને યુદ્ધમાં ઉતાર્યા હતા. એક બાળકની ભક્તિએ તેમને શસ્ત્ર મૂકાવી દીધાં. ચિંતામણિ માણસને ધાતુ સોનામાં ફેરવવાની શક્તિનું સ્વપ્ન બતાવે છે, જ્યારે ભક્તિ માણસને પોતાના અહંકારમાંથી બહાર લાવે છે. એકમાં મેળવવાની લાલસા છે, બીજામાં સમર્પણ છે. એક કાળની અંદર સંપત્તિ મેળવવાની દોડ છે, બીજામાં કાળની સામે પણ ટકી રહે તેવા તત્વની શોધ છે.

શ્રીકરથી આગળ વધતી એક પૌરાણિક સ્મૃતિ

આ જ બાળભક્તને આગળની પરંપરામાં શ્રીકર નામ મળે છે. કથામાં હનુમાનના પ્રાગટ્યનો પ્રસંગ આવે છે અને હનુમાન શ્રીકરની ભક્તિની પ્રશંસા કરીને તેના વંશમાં આગળ નંદના જન્મ અને તેમની વંશરેખામાં શ્રીકૃષ્ણના અવતારની વાત કરે છે. આ પ્રસંગ મહાકાલની ઉત્પત્તિની મૂળ કથાથી આગળનો પૌરાણિક ભાગ છે, પરંતુ તે એક વાત સ્પષ્ટ કરે છે કે મહાકાલની કથા માત્ર એક અસુરના સંહાર પર અટકતી નથી, તે ભક્તિની પરંપરાને પણ આગળ ધપાવતી કથા બની જાય છે.

એટલે જ મહાકાલેશ્વરની પરંપરામાં બે દૃશ્યો એકબીજાની સામે ઊભાં રહે છે. પ્રથમ દૃશ્યમાં ભય છે. દૂષણની સેના છે, ધર્મ પર સંકટ છે અને ભક્તો પાસે કોઈ ભૌતિક શક્તિ નથી. બીજાં દૃશ્યમાં લાલસા છે. ચિંતામણિ માટે રાજાઓ એકબીજા સામે ઊભા છે અને એક નાનકડું બાળક દુનિયાની આ દોડથી સંપૂર્ણપણે અજાણ થઈ શિવમાં લીન છે. બંને દૃશ્યોમાં અંતે કેન્દ્ર એક જ છે. શિવ. એકમાં તેઓ ભક્તના ભય સામે મહાકાલ બને છે, બીજામાં તેઓ ભક્તિના નિર્દોષ ભાવ સામે પોતાનું ધામ પ્રગટ કરે છે.

મૃત્યુ સામે અડગ શિવ

મહાકાલને સમજવા માટે અહીં માર્કંડેયની કથા પણ યાદ કરવી જરૂરી છે. માર્કંડેયની કથામાં મૃત્યુ નિર્ધારિત આયુષ્ય સાથે તેમના દ્વાર સુધી આવે છે અને માર્કંડેય શિવની શરણમાં જાય છે. યમરાજ સામે શિવનું પ્રગટ થવું અને માર્કંડેયનું રક્ષણ થવું એ કથાનો મુખ્ય પ્રસંગ છે. આ કથા મહાકાલેશ્વરની ઉત્પત્તિની કથા નથી, પરંતુ શિવના કાળ અને મૃત્યુથી પરે સ્વરૂપને સમજવા માટે તેની સાથે એક ઊંડી આંતરિક કડી જરૂર બને છે.

દૂષણની કથામાં શિવ ભક્તો માટે તેમના શત્રુનો કાળ બને છે. માર્કંડેયની કથામાં શિવ મૃત્યુ સામે ઊભા થાય છે. બંને કથાઓમાં બહારની ઘટના અલગ છે, પરંતુ અંદરનો પ્રશ્ન એક જ છે કે માણસને આખરે કાળના હાથમાં સોંપાયેલો માનવો કે કાળથી પરે કોઈ તત્વ છે? શ્વેતાશ્વતર ઉપનિષદમાં રુદ્રને એવો એકમાત્ર સ્વામી કહેવામાં આવે છે જે અંતકાળે સમગ્ર ભુવનને પોતાની અંદર સંકોચી લે છે, એ જ ઉપનિષદ પરમ પુરુષને જાણવાથી ‘અતિમૃત્યુ’ પ્રાપ્ત થવાની વાત કરે છે. અહીંથી મહાકાલનું નામ એક પૌરાણિક ઉપાધિથી આગળ વધીને શિવના તત્વનું દાર્શનિક સંકેત બની જાય છે.

મહાકાલ અને જ્યોતિ

આ આખી વાતને જ્યોતિર્લિંગના મૂળ અર્થ સાથે જોડીએ ત્યારે મહાકાલેશ્વરનું સ્વરૂપ વધુ સ્પષ્ટ થાય છે. જ્યોતિર્લિંગ એટલે અનંત, પ્રકાશરૂપ શિવત્વને ઓળખાવતું ચિહ્ન અને મહાકાલ એ જ અનંત શિવત્વનું કાળ સાથેનો એક વિશિષ્ટ સંવાદ છે. કાળ જે બધું બદલે છે, તેની સામે અચળ શું છે? જે જન્મ અને મૃત્યુની વચ્ચેની આખી ગતિને જોઈ શકે છે, પરંતુ પોતે એ ગતિનો એક ક્ષણિક ભાગ નથી, તે શિવ છે.

અહીં કઠોપનિષદનો પ્રકાશનો વિચાર પણ અચાનક આ આખી યાત્રા સાથે જોડાઈ જાય છે. ઉપનિષદ કહે છે કે ત્યાં સૂર્ય પ્રકાશતો નથી, ચંદ્ર અને તારાઓ પ્રકાશતા નથી, વીજળી પણ નહીં અને અગ્નિ પણ નહીં. તે સ્વયં પ્રકાશે છે અને તેના પ્રકાશથી બધું પ્રકાશિત થાય છે. આ પ્રકાશ આંખે દેખાતી જ્યોતિ નથી. એ સ્વયંપ્રકાશી તત્વ છે. જ્યોતિર્લિંગના ‘જ્યોતિ’ શબ્દને જ્યારે આ ઉપનિષદિક શિખરે લઈ જઈએ ત્યારે મહાકાલની કથા માત્ર વિકરાળ સ્વરૂપની કથા રહેતી નથી. તે આપણને એવા શિવ સુધી લઈ જાય છે જે કાળના અંધકારમાં પણ અંતિમ પ્રકાશ છે.

મહાકાલ એટલે કાળનો પણ કાળ

અવંતિકામાં દૂષણનો અંત થયો, પરંતુ મહાકાલની કથા ત્યાં પૂરી થઈ નહીં. ચંદ્રસેનની ચિંતામણિ આવી, રાજાઓની લાલસા આવી, એક નાનકડા બાળકની ભક્તિ આવી, મંદિરનું પ્રાગટ્ય આવ્યું અને આગળની પૌરાણિક પરંપરામાં શ્રીકરનું નામ આવ્યું. આ બધાં પ્રસંગોને એકસાથે જોતા સમજાય છે કે મહાકાલેશ્વરની કથા માત્ર એક યુદ્ધની કથા નથી. તે ભય, શક્તિ, સંપત્તિ, લાલસા, ભક્તિ અને અંતે કાળ, આ બધાને એક જ કેન્દ્ર તરફ લઈ જાય છે.

દૂષણ બધાનો કાળ બનવા માગતો હતો, પરંતુ પોતે જ મહાકાલના કાળમાં સમાઈ ગયો. રાજાઓ ચિંતામણિ મેળવવા દોડ્યા, પરંતુ અંતે એક બાળકની ભક્તિ સામે નમી ગયા. માણસ સોનાની પાછળ દોડે છે, રાજ્યની પાછળ દોડે છે, શક્તિની પાછળ દોડે છે, પરંતુ કાળની સામે આ બધું કેટલું નાનું છે એ મહાકાલની ઉપસ્થિતિ સતત યાદ કરાવે છે. શિવ માટે કાળ કોઈ બહારની શક્તિ નથી, કાળ પણ તેમની જ વિશાળ સત્તાની અંદરનો એક ભાગ છે.

એટલે ઉજ્જૈનનું મહાકાલેશ્વર જ્યોતિર્લિંગ માત્ર એ સ્થાન નથી જ્યાં શિવે દૂષણનો સંહાર કર્યો હતો. એ એવી સ્મૃતિ છે જ્યાં ભારતીય પરંપરાએ કાળને સમજવાની પોતાની દૃષ્ટિને એક જ્યોતિર્લિંગમાં સ્થાપિત કરી છે. માણસ કાળમાં જન્મે છે, કાળમાં જીવે છે અને કાળમાં વિલીન થાય છે, પરંતુ જે તત્વ કાળની આ આખી ગતિને ધારણ કરે છે, જે મૃત્યુને અંતિમ સીમા માનતું નથી અને જે ભક્ત માટે ભયના ક્ષણે આશ્રય બનીને પ્રગટે છે, એ મહાકાલ છે.

મહાકાલ એટલે માત્ર દૂષણનો કાળ નહીં. મહાકાલ એટલે કાળની પણ પેલે પાર ઊભેલું શિવત્વ અને કદાચ આ જ કારણે ઉજ્જૈનમાં શિવનું સ્મરણ કરતા ‘મહાકાલ’ શબ્દ માત્ર એક નામ બનીને રહેતું નથી, તે માણસને પોતાની જ ક્ષણભંગુરતા સામે ઊભો કરે છે અને એ જ ક્ષણે તેની નજરને અનંત તરફ ફેરવી દે છે.

- Advertisement -
Join OpIndia's official WhatsApp channel

સંબંધિત લેખો

- Advertisement -

તાજા સમાચાર

ચૂકશો નહીં