હોમપેજવગેરે...ધર્મ/સંસ્કૃતિમલ્લિકાર્જુન જ્યોતિર્લિંગ: કાર્તિકેયની કથાથી આગળ શિવ-શક્તિના એકત્વ સુધીની યાત્રા

મલ્લિકાર્જુન જ્યોતિર્લિંગ: કાર્તિકેયની કથાથી આગળ શિવ-શક્તિના એકત્વ સુધીની યાત્રા

મલ્લિકાર્જુન આ યાત્રામાં એ બિંદુ છે જ્યાં ભક્તિ અને દર્શન એકબીજાને મળે છે. કાર્તિકેયની કથા આપણને શ્રીશૈલ સુધી લઈ આવે છે, શ્રીશૈલ આપણને શિવ-શક્તિના એકત્વ સુધી લઈ જાય છે અને ત્યાંથી શિવત્વ કોઈ દૂરના તત્વનું નામ ન રહીને અસ્તિત્વને સમજવાની દૃષ્ટિ બની જાય છે.

- Advertisement -

ભારતીય આધ્યાત્મિક પરંપરામાં પરમ તત્વ સુધી પહોંચવાની યાત્રા સામાન્ય રીતે માણસથી શરૂ થાય છે. માણસ શોધે છે, પ્રશ્ન કરે છે, સાધના કરે છે, ઉપાસના કરે છે અને પોતાના અંતરમાં રહેલા સત્ય સુધી પહોંચવાનો પ્રયત્ન કરે છે. પરંતુ શિવની પરંપરામાં કેટલીક કથાઓ એવી છે જ્યાં આ દિશા બદલાઈ જાય છે. અહીં માણસ શિવ સુધી પહોંચતો નથી, શિવ પોતે તેની પાસે આવે છે. ભક્તિ જ્યાંથી ઊઠે છે, ત્યાં સુધી શિવત્વની ઉપસ્થિતિ પહોંચે છે.

મલ્લિકાર્જુનની કથા આ ભાવને સુંદર રીતે વ્યક્ત કરે છે. શ્રીશૈલ પર્વત પર પ્રગટ થયેલા મલ્લિકાર્જુનને સમજવા માટે કાર્તિકેયની કથા જાણવી જરૂરી છે, પરંતુ એટલું જાણીને અટકી જવું એ આ જ્યોતિર્લિંગના અર્થને માત્ર પૌરાણિક પ્રસંગ સુધી સીમિત કરી દેવા જેવું છે. આ કથા આપણને એક એવા શિવ સુધી લઈ જાય છે જે પોતાના ભક્તથી અંતર રાખતા નથી અને ત્યાંથી ધીમે-ધીમે એ પ્રશ્ન સુધી લઈ જાય છે કે આ શિવત્વને પૂર્ણ રીતે સમજવા માટે શક્તિનું તત્વ સમજવું કેમ જરૂરી છે.

દ્વાદશ જ્યોતિર્લિંગોની પરંપરામાં મલ્લિકાર્જુનનું બીજું સ્થાન છે અને તેનું પવિત્ર ક્ષેત્ર શ્રીશૈલ પર્વત છે. શ્રીશૈલની પોતાની ધાર્મિક પરંપરા મલ્લિકાર્જુનને શિવ અને ભ્રમરાંબાને શક્તિના સ્વરૂપ તરીકે સ્થાપિત કરે છે. એક જ તીર્થક્ષેત્રમાં જ્યોતિર્લિંગ અને શક્તિપીઠની આ ઉપસ્થિતિ શ્રીશૈલને વિશેષ બનાવે છે. અહીં શિવને શક્તિથી અલગ કરીને જોવામાં આવતા નથી. શ્રીશૈલ દેવસ્થાનની પરંપરામાં મલ્લિકાર્જુન અને ભ્રમરાંબાની આ સંયુક્ત ઉપાસના સ્પષ્ટ રીતે જોવા મળે છે. એટલે મલ્લિકાર્જુનની યાત્રા માત્ર એક જ્યોતિર્લિંગ સુધી પહોંચવાની યાત્રા નથી, તે શિવત્વને તેની પૂર્ણતા સાથે સમજવાની યાત્રા પણ છે.

- Advertisement -

શ્રીશૈલ સુધી શિવ પોતે કેમ પહોંચ્યા?

મલ્લિકાર્જુનની ઉત્પત્તિ સાથે જોડાયેલી સૌથી જાણીતી કથા કાર્તિકેયથી શરૂ થાય છે. શિવ મહાપુરાણ અનુસાર એક પ્રસંગે ગણેશ અને કાર્તિકેય વચ્ચે વિવાહને લઈને પ્રશ્ન ઊભો થયો. કોણ પહેલાં વિવાહ કરશે એ નક્કી કરવા માટે બંનેને પૃથ્વીની પરિક્રમા કરવાની શરત આપવામાં આવી. કાર્તિકેય મોર પર સવાર થઈને પૃથ્વીની પરિક્રમા કરવા નીકળી ગયા, જ્યારે ગણેશે પોતાનાં માતા-પિતા શિવ અને પાર્વતીની પરિક્રમા કરીને કહ્યું કે તેમના માટે માતા-પિતા જ સમગ્ર જગત છે. ગણેશ વિજયી થયા.

કાર્તિકેય પાછા ફર્યા ત્યારે તેમને આ નિર્ણય સ્વીકાર્ય ન થયો અને તેઓ કૈલાસ છોડીને ક્રૌંચ પર્વત તરફ ચાલ્યા ગયા. કથાની આગળની પરંપરા કહે છે કે શિવ અને પાર્વતી પોતાના પુત્રને મળવા ત્યાં પહોંચ્યાં. પુત્ર પાછો કૈલાસ ન આવ્યો તો માતા-પિતાએ જ તેમના સ્થાનને પોતાનું સ્થાન બનાવી લીધું. આ રીતે શ્રીશૈલ પર શિવ મલ્લિકાર્જુન સ્વરૂપે સ્થિર થયા. મલ્લિકાર્જુનના શ્રીશૈલ નિવાસની આ પરંપરા શૈવ ગ્રંથોમાં મળે છે અને શ્રીશૈલની તીર્થપરંપરામાં આજે પણ જીવંત છે.

પરંતુ અહીં એક વાત ધ્યાન આપવા જેવી છે. જો આ કથાને માત્ર કાર્તિકેય રિસાયા અને શિવ તેમને મનાવવા ગયા એવી જ રીતે વાંચવામાં આવે તો શિવનું પરમ તત્વ ક્યાં ગયું? શિવ તો કોઈ સામાન્ય પિતા નથી કે માત્ર પુત્રને મનાવવા માટે એક પર્વત પર જઈને વસે. પૌરાણિક કથાની ભાષા માનવીય છે, કારણ કે પરમ તત્વને સમજાવવા માટે ભારતીય પરંપરા ઘણી વાર માનવીય સંબંધોનો આશ્રય લે છે. પરંતુ આ માનવીય કથાની પાછળ જે દાર્શનિક ભાવ છે તે વધુ મોટો છે. અહીં શિવનું એક એવું સ્વરૂપ સામે આવે છે જેમાં પરમ તત્વ ભક્ત કે પોતાના પ્રિયજનને પોતાની પાસે આવવાની રાહ જોતું નથી, તે પોતે તેની પાસે પહોંચે છે.

આ ભાવને માત્ર કાર્તિકેય પૂરતો સીમિત કરવાની જરૂર નથી. ભારતીય ભક્તિપરંપરામાં ઈશ્વર સુધી પહોંચવાનો માર્ગ એકતરફી નથી. સાધક શિવ તરફ આગળ વધે છે, પરંતુ શિવની કૃપા પણ સાધક તરફ આવે છે. માણસની પ્રાર્થના આકાશમાં ખોવાઈ જતી નથી, ઉપાસનાનો અર્થ જ એ છે કે ઉપાસક અને ઉપાસ્ય વચ્ચેનું અંતર ધીમે-ધીમે ઘટે. મલ્લિકાર્જુનની કથા આ ભાવને એક જીવંત સ્વરૂપ આપે છે. કાર્તિકેય શ્રીશૈલ પહોંચ્યા અને શિવ ત્યાં આવ્યા. અંતે શિવે ત્યાં જ નિવાસ કર્યો. એટલે શ્રીશૈલની પવિત્રતા માત્ર એટલા માટે નથી કે અહીં શિવનું જ્યોતિર્લિંગ છે, આ સ્થાન એ ભાવનું પણ સ્મરણ કરાવે છે કે જ્યાં સાચો ભાવ હોય ત્યાં શિવને દૂર શોધવા પડતા નથી.

આ ભાવને વધારે ઊંડો કરીએ તો મલ્લિકાર્જુનનું શિવત્વ ભક્તિની એક એવી કલ્પના સામે મૂકે છે જેમાં પરમ તત્વ અપ્રાપ્ય નથી. ઉપનિષદો પરમ તત્વને ઇન્દ્રિયોથી પરે, મન અને વાણીથી પરે કહે છે, છતાં ભક્તિ તેને હૃદયથી નજીક લાવે છે. આ વિરોધાભાસ નથી. પરમ તત્વ ઇન્દ્રિયોથી પકડાતું નથી, પરંતુ તેથી તે ઉપાસકથી દૂર થઈ જતું નથી. શિવનું જ્યોતિર્લિંગ સ્વરૂપ જાણે અદૃશ્યને દૃશ્યનો સંકેત આપે છે અને મલ્લિકાર્જુનની કથા તેમાં એક વધુ ભાવ ઉમેરે છે કે આ પ્રકાશ માત્ર દૂરથી દેખાતો નથી, તે ભક્તની નજીક પણ આવે છે.

શ્રીશૈલમાં કથા કરતાં મોટું કંઈક છે

મલ્લિકાર્જુનની કથા અહીંથી બીજી દિશામાં આગળ વધે છે. કાર્તિકેય શ્રીશૈલ ગયા અને શિવ ત્યાં પહોંચ્યા, આ પૌરાણિક પ્રસંગ આપણને શ્રીશૈલ સુધી લાવે છે. પરંતુ શ્રીશૈલ પહોંચ્યા પછી આપણું ધ્યાન એક બીજી બાબત પર જાય છે. અહીં મલ્લિકાર્જુન સાથે ભ્રમરાંબા પણ છે. શિવ સાથે શક્તિ છે. જ્યોતિર્લિંગ સાથે શક્તિપીઠ છે. આ સંયોગને માત્ર તીર્થની વિશેષતા તરીકે જોવાથી તેનો દાર્શનિક અર્થ છૂટી જાય છે.

શિવ અને શક્તિને બે અલગ સત્તા માનવાની જગ્યાએ ભારતીય શૈવ પરંપરા બંનેને એક જ પરમ વાસ્તવિકતાના પરસ્પર અભિન્ન આયામ તરીકે સમજવાની દિશા આપે છે. શિવને ચેતનાના પરમ આધાર તરીકે સમજીએ તો શક્તિ એ ચેતનાની અભિવ્યક્તિ છે. શિવ સ્થિર તત્વ છે તો શક્તિ તેની ગતિ છે. શિવ અસ્તિત્વ છે તો શક્તિ તેની પ્રગટતા છે. એકને બીજા વિના સમજવાનો પ્રયાસ અસ્તિત્વના અડધા ચિત્રને સમજવા જેવો છે.

આ વિચાર પાછળની વૈદિક-ઉપનિષદીય અર્થ પણ મહત્વનો છે. શ્વેતાશ્વતર ઉપનિષદમાં રુદ્રને એકમાત્ર પરમ સત્તા તરીકે રજૂ કરવામાં આવે છે- ‘એકોહિ રુદ્રો ન દ્વિતીયાય તસ્થુઃ.’ એ જ ઉપનિષદ રુદ્રને સમગ્ર જગતના અધિપતિ અને સર્જન-સંહારના આધારરૂપ તરીકે રજૂ કરે છે. પછી રુદ્રને ‘શિવા તનુ’ એટલે કલ્યાણકારી સ્વરૂપમાં સંબોધવામાં આવે છે. અહીં રુદ્ર કોઈ એક સીમિત દેવરૂપમાં બંધાયેલ નથી, તે સમગ્ર અસ્તિત્વને વ્યાપી રહેલા પરમ તત્વ તરફ સંકેત કરે છે.

આ વાત મલ્લિકાર્જુનમાં આવીને વધુ અનુભૂતિપૂર્ણ બની જાય છે. શ્વેતાશ્વતર ઉપનિષદના રુદ્ર જ્યારે સમગ્ર અસ્તિત્વનો આધાર છે ત્યારે તેની શક્તિ કોઈ બહારની, અલગ સત્તા કેવી રીતે હોય શકે? સર્જન છે એટલે શક્તિ છે. ગતિ છે એટલે શક્તિ છે. પ્રકૃતિ છે એટલે શક્તિ છે અને આ બધાની પાછળ રહેલું મૂળ અસ્તિત્વ શિવત્વ છે. શ્રીશૈલનું મલ્લિકાર્જુન-ભ્રમરાંબા સ્વરૂપ આ વિચારને દાર્શનિક ભાષામાં નહીં, પરંતુ ઉપાસનાના જીવંત સ્વરૂપમાં સામે મૂકે છે. અહીંથી શિવ-શક્તિ માત્ર બે દેવનામો રહેતા નથી. તે અસ્તિત્વને સમજવાની દૃષ્ટિ બની જાય છે.

ઉપનિષદોમાં પરમ તત્વ અને શ્રીશૈલમાં તેની અનુભૂતિ

ઉપનિષદોનો એક મોટો ગુણ એ છે કે તેઓ આપણને નામ અને રૂપની પાછળ લઈ જાય છે. ‘કોણ છે?’ કરતાં ‘મૂળમાં શું છે?’ એ પ્રશ્ન વધારે મહત્વનો બની જાય છે. કેન ઉપનિષદમાં દેવતાઓને પોતાની શક્તિનો ગર્વ થાય છે, પરંતુ પછી તેમને સમજાવવામાં આવે છે કે તેમની પાછળ પણ કોઈ પરમ શક્તિ છે. ત્યાં ઉમા હૈમવતી બ્રહ્મના જ્ઞાન તરફ ઇન્દ્રને દોરી જાય છે. આ પ્રસંગનો અર્થ માત્ર એક દેવીના આગમન તરીકે જોવો પૂરતો નથી, ઉપનિષદ અહીં દેવતાઓની પોતાની શક્તિની મર્યાદા બતાવીને તેમને મૂળ બ્રહ્મતત્વ તરફ વાળે છે. ઉમા જ્ઞાનના પ્રગટ થવાના માધ્યમ તરીકે સામે આવે છે.

મલ્લિકાર્જુનના સંદર્ભમાં આ વાત સુંદર રીતે ગૂંથી શકાય છે. શિવ અને શક્તિને અલગ-અલગ પૂજનીય સ્વરૂપો તરીકે જોવાની પરંપરા હોવા છતાં અંતિમ દિશા એક જ પરમ તત્વ તરફ જાય છે. શક્તિ પરમ તત્વથી બહારની કોઈ વસ્તુ નથી, તે તેની અભિવ્યક્તિ અને અનુભવનો માર્ગ બને છે. એટલે શ્રીશૈલમાં શિવની જ્યોતિની સાથે શક્તિની ઉપાસના થવી માત્ર ધાર્મિક સંયોગ નથી. તે ભારતીય આધ્યાત્મિક વિચારના એક ઊંડા સ્તરને સ્પર્શે છે.

આ જ કારણથી મલ્લિકાર્જુનની પરંપરામાં કાર્તિકેયની કથા માત્ર શરૂઆતમાં આવીને પૂરી થઈ જવી જોઈએ નહીં. કાર્તિકેયનો પ્રસંગ આપણને એ બતાવે છે કે શિવ પોતાના સુધી બોલાવતા નથી, પોતે પણ આવે છે. પછી શ્રીશૈલ બતાવે છે કે આ શિવ એકલા નથી, તેમની સાથે શક્તિ છે અને ઉપનિષદીય વિચાર બતાવે છે કે શક્તિ અને ચેતનાને સંપૂર્ણ રીતે અલગ કરવાથી પરમ તત્વની સમજ અધૂરી રહી જાય છે.

‘મલ્લિકાર્જુન’ નામમાં પણ શિવ-શક્તિનો સંકેત

મલ્લિકાર્જુન નામને લઈને શ્રીશૈલમાં એકથી વધુ પરંપરાઓ જોવા મળે છે. શ્રીશૈલ પરંપરામાં મલ્લિકા એટલે જાસ્મિનની વેલ અને અર્જુન વૃક્ષ સાથે જોડાયેલી કથા મળે છે. બીજી પરંપરામાં મલ્લિકા પુષ્પોથી કરવામાં આવેલી શિવ ઉપાસના સાથે નામને જોડવામાં આવે છે. આ કથાઓ પોતાની રીતે શ્રીશૈલની લોકસ્મૃતિનો ભાગ છે. પરંતુ નામને માત્ર વ્યુત્પત્તિ સુધી સીમિત રાખવાની જરૂર નથી. મલ્લિકાર્જુન જે તીર્થપરંપરાનું પ્રતિનિધિત્વ કરે છે તેમાં શિવ અને શક્તિની સંયુક્ત ઉપસ્થિતિ જ સૌથી મોટો સંકેત છે.

મલ્લિકાર્જુનને સમજવા માટે માત્ર ‘મલ્લિકા’ અને ‘અર્જુન’નો અર્થ જાણવો પૂરતો નથી. નામની પાછળ જે ઉપાસના ઊભી થઈ છે તેને જોવી પડે. શ્રીશૈલમાં મલ્લિકાર્જુન જ્યોતિર્લિંગ છે અને ભ્રમરાંબા શક્તિ છે. બંને એક જ પવિત્ર ક્ષેત્રમાં છે. આ દૃશ્ય કહે છે કે શિવત્વને સમજવું હોય તો ચેતનાને તેની શક્તિથી અલગ ન કરો.

જેમ અગ્નિ અને તેની દાહક શક્તિને અલગ કરીને સમજવી મુશ્કેલ છે, તેમ શિવ અને શક્તિને બે સંપૂર્ણપણે સ્વતંત્ર તત્વ તરીકે જોવાથી વાત અધૂરી રહે છે. અહીં ‘એકત્વ’નો અર્થ એ નથી કે બંનેના સ્વરૂપોનો ભેદ જ નથી. અર્થ એ છે કે બંનેના અસ્તિત્વનું મૂળ એકબીજાથી વિચ્છિન્ન નથી. શિવત્વની અભિવ્યક્તિ શક્તિ વિના શક્ય નથી અને શક્તિનો પરમ આધાર શિવ વિના સમજાતો નથી.

ભક્તિ અને પરમ તત્વ વચ્ચેનું અંતર અહીં ઓગળે છે

મલ્લિકાર્જુનની કથામાં એક માનવીય પ્રસંગ છે કે કાર્તિકેય પોતાનાં માતા-પિતાથી દૂર જાય છે. પરંતુ આ જ કથા જ્યારે જ્યોતિર્લિંગની પરંપરામાં પ્રવેશે છે ત્યારે તે માનવીય સંબંધથી આગળ વધી જાય છે. શિવ ત્યાં પહોંચે છે અને ત્યાં જ સ્થિર થાય છે. આ સ્થિરતા જ મલ્લિકાર્જુનનું તીર્થ બને છે.

અહીંથી ભક્તિનો એક અર્થ બહાર આવે છે. ભક્તિ માત્ર માણસની અંદર થતી ભાવના નથી, તે ઉપાસક અને ઉપાસ્ય વચ્ચે સંબંધ ઊભો કરે છે. ભક્ત પોતાના ઇષ્ટને બોલાવે છે. ઇષ્ટની ઉપસ્થિતિનો અનુભવ થાય છે. ક્યારેક મૂર્તિમાં, ક્યારેક મંત્રમાં, ક્યારેક તીર્થમાં અને ક્યારેક પોતાના અંતરમાં. મલ્લિકાર્જુન આ ઉપસ્થિતિને ભૂમિ સાથે જોડે છે. શ્રીશૈલમાં શિવ હતા એટલું જ નહીં, પરંપરા કહે છે કે શિવ રહ્યા.

આ ‘રહ્યા’ શબ્દ જ મલ્લિકાર્જુનના ભાવને પકડે છે. શિવ આવ્યા અને ચાલ્યા ગયા નહીં. તેમણે ત્યાં નિવાસ કર્યો. ભક્તિ જ્યાં પહોંચી હતી ત્યાં શિવની ઉપસ્થિતિ સ્થિર થઈ. આથી શ્રીશૈલનું તીર્થમહાત્મ્ય માત્ર ભૂગોળનું મહાત્મ્ય નથી. પર્વત, જ્યોતિર્લિંગ, કથા અને ઉપાસના મળીને એક એવો આધ્યાત્મિક અનુભવ રચે છે જેમાં શિવત્વ દૂરનું નથી લાગતું. પરમ તત્વને શોધવા માટે માણસ બહાર જાય છે, પરંતુ કોઈ તબક્કે તેને અનુભવાય છે કે જેની શોધમાં નીકળ્યો હતો તે જ તત્વ તેની તરફ પણ આવી રહ્યું છે.

મલ્લિકાર્જુન આપણને શું શીખવે છે?

મલ્લિકાર્જુનની કથા વાંચ્યા પછી જો માત્ર કાર્તિકેય અને ગણેશના પ્રસંગનું સ્મરણ રહે તો આપણે કથાનો બહારનો ભાગ જ જોઈ રહ્યા છીએ. જો શ્રીશૈલમાં શિવનું જ્યોતિર્લિંગ છે એટલું યાદ રહે તો આપણે તીર્થને સમજી શક્યા નથી. પરંતુ જો આ બંનેની પાછળનો ભાવ સમજાય, ભક્તિ જ્યાં છે ત્યાં શિવની ઉપસ્થિતિ છે અને શિવત્વને પૂર્ણ રીતે સમજવા માટે શક્તિથી તેને અલગ કરી શકાય નહીંમ તો મલ્લિકાર્જુનની યાત્રા આપણા અંદર આગળ વધે છે.

મહાકાલમાં શિવત્વને કાળથી પરના સ્વરૂપ તરીકે અનુભવ્યા પછી હવે મલ્લિકાર્જુન આપણને શિવત્વના બીજા આયામ સુધી લઈ જાય છે. અહીં શિવ સંહારની મહત્તામાં નહીં, ઉપસ્થિતિની કરુણામાં દેખાય છે. તેઓ ભક્ત અથવા પોતાના પ્રિયજનથી અંતર રાખતા નથી અને શ્રીશૈલમાં એ જ શિવ શક્તિ સાથે એકરૂપ થઈને ઉપાસ્ય બને છે.

આથી મલ્લિકાર્જુનને માત્ર કાર્તિકેયની કથાથી સમજવું એ સમુદ્રને માત્ર તેની સપાટી પરથી જોવું છે. કથા આપણને કિનારે લાવે છે. ત્યાંથી અંદર ઉતરવાનું કામ શિવત્વની સમજ કરે છે. શિવ પોતાના સુધી આવનારની રાહ જોતા નથી. જ્યાં ભાવ તેમને બોલાવે છે, ત્યાં તેઓ પોતે પહોંચે છે. શ્રીશૈલમાં એ ઉપસ્થિતિ મલ્લિકાર્જુન બનીને સ્થિર થાય છે અને તેની બાજુમાં ભ્રમરાંબા બનીને શક્તિ ઊભી રહે છે.

જ્યોતિર્લિંગની યાત્રા માત્ર બાર પવિત્ર સ્થળોની યાત્રા રહેતી નથી. તે શિવત્વને ધીમે-ધીમે ઓળખવાની યાત્રા બની જાય છે. ક્યાંક શિવ કાળથી પરે છે, ક્યાંક ભક્તની પાસે આવીને ઊભા થાય છે અને ક્યાંક પોતાની શક્તિથી અભિન્ન રહીને સમગ્ર અસ્તિત્વમાં પ્રગટે છે.

મલ્લિકાર્જુન આ યાત્રામાં એ બિંદુ છે જ્યાં ભક્તિ અને દર્શન એકબીજાને મળે છે. કાર્તિકેયની કથા આપણને શ્રીશૈલ સુધી લઈ આવે છે, શ્રીશૈલ આપણને શિવ-શક્તિના એકત્વ સુધી લઈ જાય છે અને ત્યાંથી શિવત્વ કોઈ દૂરના તત્વનું નામ ન રહીને અસ્તિત્વને સમજવાની દૃષ્ટિ બની જાય છે.

- Advertisement -
Join OpIndia's official WhatsApp channel

સંબંધિત લેખો

- Advertisement -

તાજા સમાચાર

ચૂકશો નહીં