ભૂટાને ભારતનું E20 પેટ્રોલ આયાત કરવાનો ઇનકાર કર્યો? પેટ્રોલિયમ મંત્રાલયે ફગાવ્યા અહેવાલો, કહ્યું– ઑફર જ નહોતી અપાઈ

ભારતમાં E20 પેટ્રોલને લઈને ચાલતી ચર્ચાઓ વચ્ચે એક સમાચાર સામે આવ્યા હતા કે પાડોશી દેશ ભૂટાને ભારતીય ઓઇલ માર્કેટિંગ કંપનીઓ પાસેથી E20 પેટ્રોલ લેવાનો ઇનકાર કરી દીધો છે. પરંતુ કેન્દ્રીય પેટ્રોલિયમ મંત્રાલયે આ અહેવાલોને ફગાવી દીધા છે.

મંત્રાલયે જણાવ્યું છે કે ભૂટાને ભારત પાસેથી E20 પેટ્રોલની આયાત કરવાની ના પાડી દીધા હોવાના અહેવાલો ફરી રહ્યા છે, પરંતુ હકીકતે ઓઇલ માર્કેટિંગ કંપનીઓ દ્વારા ભૂટાનને E20 પેટ્રોલ એક્સપોર્ટ કરવાની કોઈ ઑફર જ આપવામાં આવી ન હતી.

હવે જ્યારે ઑફર જ નથી અપાઈ તો ભૂટાન દ્વારા પેટ્રોલની આયાત નકારવાનો કોઈ પ્રશ્ન જ પેદા થતો નથી એવું મંત્રાલયનું કહેવું છે.

સાથે પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલયે કહ્યું કે માત્ર ઓઇલ માર્કેટિંગ કંપનીઓ અને મંત્રાલય દ્વારા જે જાણકારી આપવામાં આવે તેની ઉપર જ આધાર રાખવામાં આવે.

ભારતમાં અમુક મીડિયા અહેવાલોમાં ભૂટાનના અખબાર ‘ધ ભૂટાનીઝ’ના એક રિપોર્ટને ટાંકીને આ દાવો કરવામાં આવ્યો હતો. અહેવાલોમાં જણાવવામાં આવ્યું છે કે ભૂટાને ભારતની ઓઇલ માર્કેટિંગ કંપનીઓને જણાવ્યું છે કે ભારતમાં જ્યાં સુધી શુદ્ધ પેટ્રોલ ઉપલબ્ધ રહે ત્યાં સુધી એ ચાલુ રાખવામાં આવે.

ત્યારબાદ ભારતીય મીડિયાએ પોતાની રીતે ભૂટાને કેમ ના પાડી હશે તેનાં કારણો દર્શાવતા લેખો લખવા માંડ્યા હતા. બીજી તરફ ભારતમાં પણ સતત સરકારની E20 પેટ્રોલ પોલિસીને લઈને સતત ચર્ચા થઈ રહી છે, જેના કારણે સમાચાર વાયુવેગે પ્રસર્યા હતા.

અહેવાલો અનુસાર, ભૂટાને કથિત રીતે એટલા માટે ના પાડી હતી કારણ કે ત્યાં ફ્યુલ સ્ટોરેજ માટે ઈન્ફ્રાસ્ટ્રક્ચર કમજોર છે અને મોટાભાગની ફ્યૂલ ટેન્ક જમીનમાં નીચે બનાવવામાં આવી છે, જ્યાં પાણીના લીકેજની આશંકા રહે છે. આ સંજોગોમાં E20 પેટ્રોલ બગાડવાની સંભાવના રહે છે અને એટલે વાહનોને પણ નુકસાન પહોંચી શકે છે. સાથે એક કારણ જણાવવામાં આવ્યું હતું કે ભૂટાન પર્વતીય વિસ્તાર છે જ્યાં વાહનોને વધુ પાવરની જરૂર રહે છે, જેથી શુદ્ધ પેટ્રોલ જ જરૂરી છે.

ઉલ્લેખનીય છે કે ભૂટાન અને નેપાળ વગેરે દેશો ભારત પાસેથી મોટા પ્રમાણમાં ઇંધણ ખરીદતા રહ્યા છે. નેપાળ તેની જરૂરિયાતના લગભગ મોટાભાગના ઈંધણ માટે ભારત પર નિર્ભર રહે છે.