
અમેરિકાના ડિપાર્ટમેન્ટ ઑફ જસ્ટિસે સ્થાનિક કોર્ટમાં એક દસ પાનાંનું એફિડેવિટ દાખલ કરીને ગૌતમ અદાણી અને અદાણી જૂથ વિરુદ્ધ કેસ બંધ કરવાના નિર્ણયનો બચાવ કર્યો છે. અમેરિકાના ન્યાય વિભાગે કહ્યું કે બાયડન પ્રશાસન વખતે શરૂ કરવામાં આવેલો આ કેસ કાયદાકીય રીતે અત્યંત નબળો છે અને સાબિત પણ કરવો કઠિન છે. DoJએ અંતે કહ્યું કે આ કેસ શરૂ જ કરવા જોઈતો ન હતો અને હવે તેને બંધ કરવો જ એકમાત્ર વિકલ્પ છે.
થોડા સમય પહેલાં અમેરિકન ન્યાય વિભાગે કોર્ટમાં જણાવ્યું હતું કે તેઓ ગૌતમ અદાણી વિરુદ્ધના તમામ કેસ બંધ કરી રહ્યા છે. ત્યારબાદ કોર્ટે પ્રોસિક્યુટરોને તેમના નિર્ણય પાછળનાં કારણ જણાવવા માટે આદેશ આપ્યો હતો. આ આદેશના ભાગરૂપે DoJએ લગભગ દસ પાનાંનું એફિડેવિટ દાખલ કર્યું હતું.
વર્ષ 2024માં ગૌતમ અદાણી અને અદાણી જૂથ વિરુદ્ધ આરોપ એ હતો કે તેમણે ભારતમાં સોલાર એનર્જી પ્લાન્ટની મંજૂરી મેળવવા માટે ભારત સરકારના અધિકારીઓને કરોડોમાં લાંચ આપી હતી અને તેના કારણે અમેરિકન રોકાણકારો ગેરમાર્ગે દોરાયા હતા, કારણ કે તેમને આવી કોઈ બાબતની જાણ કરવામાં આવી ન હતી. અદાણી જૂથ સતત આ આરોપો નકારતું રહ્યું છે.
હવે ડિપાર્ટમેન્ટ ઑફ જસ્ટિસે કહ્યું કે આ કેસ શરૂ કરવામાં જ કોઈ તર્ક બનતો નથી કારણ કે તેમાં ન તો કોઈ અમેરિકન કંપની સામેલ છે કે ન કોઈ ક્રિમિનલ ઓર્ગેનાઈઝેશન. કોઈ બીજા દેશમાં થયેલા કથિત નાણાં વ્યવહાર સાથે અમેરિકાને કશું લાગતું-વળગતું નથી અને ન તો અમેરિકાની રાષ્ટ્રીય સુરક્ષા સામે તેનાથી કોઈ જોખમ છે.
સાથે જણાવવામાં આવ્યું કે કેસની બાબતો મોટેભાગે ભારતમાં કેન્દ્રિત છે, ભારતીય એજન્સીઓએ જે તપાસ કરી તેમાં તેમને કશું વાંધાજનક મળી આવ્યું નથી કે ગેરરીતિના કોઈ પુરાવા મળ્યા નથી. ન તો કોઈ રોકાણકારોએ નાણાં ગુમાવ્યાના કોઈ પુરાવા મળી આવ્યા છે. જે કોઈ સાક્ષીઓ છે એ પણ વિદેશમાં છે. કોઈ કાળે આ કેસ અમેરિકામાં ચાલી શકે એમ નથી.
આગળ જણાવવામાં આવ્યું કે અગાઉના બાયડન પ્રશાસનમાં આ કેસ શરૂ કરવામાં આવ્યો હતો અને આરોપો લગાવી દેવાયા હતા પણ એ વિચાર કર્યો ન હતો કે ટ્રાયલમાં આને સાબિત કઈ રીતે કરવામાં આવશે. આ કેસ શરૂ થયો ત્યારથી જ કોર્ટમાં સાબિત થવાની સંભાવનાઓ અનેકગણી ઓછી હતી અને એટલે હવે કેસ બંધ કરવામાં આવ્યા છે.

