ડભોઈમાં કોંગ્રેસ આવતાની સાથે સરદાર બાગમાં હનુમાન ચાલીસા બંધ કરાવાઈ, સમિતિ ચેરમેન નશલીનબાનુના પતિએ આદેશ આપ્યાનો આરોપ: ઓડિયો વાયરલ થતાં હિંદુઓ રસ્તા પર

વડોદરા જિલ્લાના ડભોઈ નગરપાલિકામાં કોંગ્રેસના સત્તા પર આવતાની સાથે જ બહુમતી હિંદુ સમાજની ધાર્મિક લાગણીઓ પર પ્રહાર થવાની શરૂઆત થઈ ગઈ છે. અહીંના ઐતિહાસિક સરદાર બાગમાં શાંતિપૂર્ણ રીતે ચાલતા હનુમાન ચાલીસાના પાઠને બંધ કરાવી દેવાનો આદેશ છૂટતા જ સમગ્ર પંથકમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ સર્જાઈ છે. તુષ્ટિકરણની રાજનીતિ હેઠળ લેવાયેલા આ નિર્ણય સામે સ્થાનિક હિંદુઓ અને ભાજપના કાર્યકરોમાં તીવ્ર રોષ જોવા મળી રહ્યો છે.

માહિતી મુજબ ડભોઈ નગરપાલિકામાં કોંગ્રેસ પક્ષ તરફથી બાગ-બગીચા સમિતિના ચેરમેન બનેલા નશલીનબાનુ મન્સૂરીના શોહર શાકિર મન્સૂરીના કારણે  (કેટલાક અહેવાલોમાં રિઝવાન) આ વિવાદ ઉભો થયો છે. શાકિર મન્સૂરીએ બાગના કર્મચારીઓને મૌખિક રીતે સ્પીકર પર વાગતી હનુમાન ચાલીસા તાત્કાલિક અસરથી બંધ કરવા માટે કહ્યું હતું. ઉલ્લેખનીય છે કે આ ગાર્ડનમાં ભગવાન શ્રીરામની મૂર્તિ સ્થાપિત છે અને ત્યાં દરરોજ સવાર-સાંજ નિયમિત રીતે હનુમાન ચાલીસા થતી હતી, જેને સત્તાના જોરે રોકવાનો પ્રયાસ કરાયો છે.

આ ઘટનાનો પર્દાફાશ ત્યારે થયો જ્યારે આ મામલાને લગતી એક ઓડિયો ક્લિપ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ. આ ઓડિયો ક્લિપમાં હિંદુ ધાર્મિક પાઠ અને હનુમાન ચાલીસા બંધ કરાવવા માટેના દબાણ અંગેની ચોંકાવનારી વિગતો સામે આવી છે. આ માહિતી પ્રસરતા જ સ્થાનિકોમાં એક જ સવાલ ઉઠી રહ્યો છે કે શું કોંગ્રેસના સત્તામાં આવ્યા બાદ હવે હિંદુઓએ પોતાના જ દેશમાં અને જાહેર સ્થળોએ ભગવાનનું નામ લેવા માટે પણ કોઈ ચોક્કસ સમુદાયની પરવાનગી લેવી પડશે?

બીજી તરફ આ નિર્ણયને ‘સેક્યુલર’ અને ‘તટસ્થતા’નું રૂપ આપવાનો પ્રયાસ કર્યો છે. તેમની દલીલ છે કે તેમણે માત્ર હનુમાન ચાલીસા જ નહીં પરંતુ મુસ્લિમ નાત શરીફ સહિત તમામ સામુદાયિક ગીતો પર પ્રતિબંધ મૂક્યો છે. જોકે, ગાર્ડનમાં ભગવાન રામની મૂર્તિ પહેલેથી જ બિરાજમાન હોવા છતાં માત્ર બે-ચાર લોકોની કથિત ફરિયાદના બહાને વર્ષોથી ચાલતી ધાર્મિક પરંપરા પર તરાપ મારવાના આ તર્કને હિંદુ સંગઠનોએ સદંતર ફગાવી દીધો છે.

કોંગ્રેસી નેતાના આ તુષ્ટિકરણના નિર્ણય સામે વિપક્ષ ભાજપના કોર્પોરેટરો અને હિંદુ સંગઠનો રસ્તા પર ઉતરી આવ્યાં હતાં. વિરોધના ભાગરૂપે મોટી સંખ્યામાં સ્થાનિક રહેવાસીઓ અને આગેવાનો મોડી રાત્રે જ સરદાર બાગ પહોંચી ગયા હતા. ત્યાં તેમણે ભેગા મળીને હનુમાન ચાલીસાના સામૂહિક પાઠ કર્યા હતા અને જય શ્રીરામના નારા લગાવીને કોંગ્રેસશાસિત પાલિકાની હિંદુવિરોધી માનસિકતાનો વિરોધ નોંધાવ્યો હતો.

આ મામલે ડભોઈના સ્થાનિક અગ્રણી વિશાલ વિજયભાઈ શાહે મીડિયા સમક્ષ આક્રોશ ઠાલવતા જણાવ્યું હતું કે, “બાગ સમિતિના કોંગ્રેસી ચેરમેનના પતિ દ્વારા હનુમાન ચાલીસા બંધ કરાવવા માટે મૌખિક આદેશ અપાયો હોવાની પુષ્ટિ કર્મચારીઓએ પણ કરી છે. અમે તાત્કાલિક ચીફ ઓફિસર પાસે પહોંચીને રજૂઆત કરી છે. અમે સ્પષ્ટ કહીએ છીએ કે હનુમાન ચાલીસા અહીં રોજ વાગશે અને વગાડવામાં જ આવશે, જેનામાં તાકાત હોય તે રોકીને બતાવે.” હાલ આ ઘટના બાદ ડભોઈમાં રાજકીય ગરમાવો ચરમસીમાએ પહોંચ્યો છે અને હિંદુ સમાજ આ પ્રકારની દાદાગીરી સામે નમવા તૈયાર નથી.