હોમપેજક્રાઈમશું છે સરલા ભટ હત્યા કેસ, જેમાં આતંકી યાસીન મલિક સહિત 5...

શું છે સરલા ભટ હત્યા કેસ, જેમાં આતંકી યાસીન મલિક સહિત 5 સામે દાખલ થઈ ચાર્જશીટ: ગેંગરેપ બાદ થઈ હતી કાશ્મીરી હિંદુ મહિલાની હત્યા, 36 વર્ષે ખૂલ્યો કેસ

સરલા ભટના આ કેસે હવે કાશ્મીર ઘાટીના અન્ય ઘણા વણઉકેલાયેલા કેસોના દરવાજા પણ ખોલી દીધા છે. અહેવાલ અનુસાર આ તપાસ દરમિયાન મળેલા નવા પુરાવાઓને આધારે જસ્ટિસ નીલકંઠ, વકીલ ટીકા લાલ ટપલું અને કવિ સર્વાનંદ કૌલ પ્રેમી જેવા મહાનુભાવોની હત્યાના કેસો પણ ટૂંક સમયમાં ફરી ખૂલી શકે છે.

- Advertisement -

કાશ્મીર ઘાટીના ઇતિહાસમાં વર્ષ 1990નો સમયગાળો એક એવો કાળો અધ્યાય છે, જેની કલ્પના માત્રથી આજે પણ ધ્રુજારી છૂટી જાય છે. આ એ દોર હતો જ્યારે લઘુમતી કાશ્મીરી હિંદુ પંડિતો પર અત્યાચાર ગુજારીને તેમને પોતાના જ વતનમાંથી ભાગી જવા મજબૂર કરવામાં આવ્યા હતા. આ લોહિયાળ ઇતિહાસની વચ્ચે જ દબાઈ ગયેલો એક આક્રોશ એટલે 27 વર્ષની નિર્દોષ નર્સ સરલા ભટનો બર્બર હત્યાકાંડ.

લાંબા સમય સુધી એવું લાગતું હતું કે વહેતા સમયની સાથે આ ગુનો પણ ફાઈલોની ધૂળમાં ક્યાંક ખોવાઈ ગયો છે. પરંતુ તારીખ 29 જૂન 2026ના રોજ જમ્મુ-કાશ્મીર પોલીસની સ્પેશિયલ સેલ ‘સ્ટેટ ઇન્વેસ્ટિગેશન એજન્સી’એ (SIA) શ્રીનગરની વિશેષ અદાલતમાં 737 પાનાંની ચાર્જશીટ દાખલ કરીને એક નવો ઇતિહાસ રચી દીધો છે. આ ચાર્જશીટમાં જે ઘટસ્ફોટ થયા છે, તેમાં અનેક બાબતો ચોંકાવનારી છે.

કોણ હતાં સરલા ભટ?

સરલા ભટ મૂળ જમ્મુ-કાશ્મીરના અનંતનાગ જિલ્લાના વતની હતાં. તેઓ શ્રીનગરની સૌથી પ્રતિષ્ઠિત મેડિકલ ઇન્સ્ટિટ્યૂટ ‘શેર-એ-કાશ્મીર ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેડિકલ સાયન્સીસ’ (SKIMS), સૌરામાં નિયોનેટોલોજી (નવજાત શિશુ) વિભાગમાં સ્ટાફ નર્સ તરીકે ફરજ બજાવતાં હતાં. વર્ષ 1990ની શરૂઆતમાં જ્યારે આખી કાશ્મીર ઘાટી આતંકવાદની આગમાં સળગી રહી હતી, ત્યારે હોસ્પિટલના મોટાભાગના કાશ્મીરી પંડિત કર્મચારીઓ જીવ બચાવવા પલાયન કરી રહ્યા હતા. પરંતુ સરલા ભટે પલાયન કરવાને બદલે ઘાટીમાં જ રહીને દર્દીઓની સેવા કરવાનો અડગ નિર્ણય લીધો.

- Advertisement -

આતંકીઓનો ખોટો વહેમ અને કાવતરું

સરલા ભટ જે હોસ્પિટલમાં કામ કરતા હતાં, ત્યાં અવારનવાર સુરક્ષાદળો સાથેની અથડામણમાં ઘાયલ થયેલા આતંકીઓને પણ સારવાર માટે લાવવામાં આવતા હતા. આ કારણે તે વિસ્તારમાં સક્રિય ‘જમ્મુ એન્ડ કાશ્મીર લિબરેશન ફ્રન્ટ’ના (JKLF) આતંકીઓ ભારે સંખ્યામાં આવતા હતા અને ઘણા સમયથી સરલા પર તેમની નજર હતી.

8 એપ્રિલ 1990ના રોજ જમ્મુ-કાશ્મીર પોલીસે એક સચોટ બાતમીના આધારે શ્રીનગરના નરવારા વિસ્તારમાં એક મોટો દરોડો પાડ્યો હતો. આ ઑપરેશન એટલું સફળ રહ્યું કે JKLFના કેટલાય ટોચના આતંકીઓ જીવતા પકડાઈ ગયા. JKLFનો તત્કાલીન ચીફ કમાન્ડર યાસીન મલિક પણ ત્યાં જ હાજર હતો, જે પોલીસને જોઈને ભાગવા જતાં ઈજાગ્રસ્ત થયો હતો પરંતુ માંડ-માંડ બચીને નીકળ્યો હતો.

આ ઑપરેશનથી આતંકી સંગઠનની કમર તૂટી ગઈ અને યાસીન મલિક ગુસ્સાથી પાગલ થઈ ગયો. તેને વગર કોઈ પુરાવે એવો પાકો વહેમ થઈ ગયો કે આ બાતમી હોસ્પિટલની નર્સ સરલા ભટે જ પોલીસને આપી હતી. તેણે પોતાના સાથી આતંકીઓ સાથે મળીને સરલા ભટને રસ્તામાંથી હટાવવાનું અને કાશ્મીરી પંડિતોને ‘પાઠ ભણાવવા’નું કાવતરું ઘડી કાઢ્યું.

18 એપ્રિલ 1990: એ કાળી રાત

નરવારાના દરોડાના બરાબર દસ દિવસ પછી, એટલે કે 18 એપ્રિલ 1990ના રોજ બપોરે આશરે અઢી વાગ્યે જ્યારે સરલા ભટ હોસ્પિટલ કેમ્પસની બહાર નીકળ્યાં, ત્યારે JKLFના આતંકીઓએ તેમનું અપહરણ કરી લીધું. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા મુજબ તેઓ બુચપોરા ક્રોસિંગ પાસે આતંકીઓ સાથે જોવા મળ્યાં હતાં અને ત્યાંથી તેમને ઇલ્લાહીબાગ-લાલ બજાર તરફ લઈ જવામાં આવ્યાં હતાં.

આતંકીઓએ સરલા ભટને એક અજ્ઞાત સ્થળે બંધક બનાવી રાખ્યાં અને તેમના પર અમાનુષી અત્યાચારો ગુજાર્યા હતા. ચાર્જશીટમાં નોંધાયેલા મેડિકલ પુરાવા દર્શાવે છે કે તેમને ગોળી મારતા પહેલાં ભારે શારીરિક ટોર્ચર કરવામાં આવ્યું હતું અને તેમના પર ક્રૂર યાતનાઓ ગુજારવામાં આવી હતી. આ સાથે તેમના પર ગેંગરેપ પણ થયો હતો, આતંકીઓએ વારંવાર તેમનું શિયળ લૂંટ્યું હતું.

આતંકીઓના ટોર્ચર સામે પણ સરલા ભટ તૂટ્યાં નહીં. અંતે યાસીન મલિકના સીધા આદેશ પર મુખ્ય શૂટર આતંકી ખુરશીદ અહેમદ ચાલ્કુએ પોતાની ઓટોમેટિક રાઇફલથી સરલા ભટ પર અંધાધૂંધ ગોળીઓ ચલાવી દીધી. આતંકીઓએ તેમની છાતી અને પેટમાં અનેક ગોળીઓ ધરબીને તેમનો જીવ લીધો હતો.

બીજા દિવસે એટલે કે 19 એપ્રિલ 1990ની સવારે શ્રીનગરના મલ્લાબાગ-ઓમર કોલોની રોડ પરથી સરલા ભટનો લોહીલુહાણ મૃતદેહ મળી આવ્યો હતો. આ સમાચાર વાયુવેગે આખા કાશ્મીરમાં ફેલાઈ ગયા અને લોકોમાં ફફડાટ વ્યાપી ગયો. તે સમયે આ ઘટના એટલી ઘાતકી હતી કે જે પણ કાશ્મીરી પંડિતો ઘાટીમાં રહી ગયા હતા, તેમનો વધેલો-ઘટેલો વિશ્વાસ પણ તૂટી ગયો હતો.

તાજેતરમાં દાખલ કરવામાં આવેલી ચાર્જશીટમાં સામેલ મેડિકલ અને ફોરેન્સિક પુરાવાઓ દર્શાવે છે કે સરલા ભટને ગોળી મારતા પહેલાં કલાકો સુધી ભારે શારીરિક ટોર્ચર કરવામાં આવ્યું હતું, તેમની સાથે નિર્દયતાથી મારપીટ કરવામાં આવી હતી અને તેમના આખા શરીર પર આ ઈજાઓના નિશાન હતાં.

ક્રૂર ચિઠ્ઠી અને એક પરિવારની બરબાદી

હત્યાની ક્રૂરતા આટલેથી જ અટકી નહોતી. આતંકીઓએ સરલા ભટના મૃતદેહ પર એક ‘ટેરર ક્લેમ નોટ’ (ચિઠ્ઠી) છોડી હતી. આ ચિઠ્ઠીમાં JKLFએ આ હત્યાની જવાબદારી સ્વીકારી હતી અને ફરીથી સરલા ભટને દ્રોહી અને ઇન્ફોર્મર ચિતરવાનો પ્રયાસ કર્યો હતો. આ ચિઠ્ઠી ઘાટીના ઇતિહાસમાં આતંકીઓ દ્વારા સત્તાવાર રીતે મુકાયેલી સૌથી પહેલી ક્લેમ નોટોમાંની એક હતી.

આ મોટી દુર્ઘટના પછી પણ સરલા ભટના પરિવાર પર આતંકીઓનો પ્રકોપ ચાલુ રહ્યો. થોડા જ દિવસો પછી આતંકીઓએ તેમના શ્રીનગર સ્થિત ઘર પર મોટો ગ્રેનેડ હુમલો કર્યો હતો. આ હુમલામાં ઘર બરબાદ થઈ ગયું અને જીવ બચાવવા માટે સરલા ભટના સગા-સંબંધીઓએ રાતોરાત બધું જ છોડીને જમ્મુના શરણાર્થી કેમ્પો તરફ ભાગવું પડ્યું હતું. પરિણામે એક ઝાટકે આખો પરિવાર રસ્તા પર આવી ગયો હતો.

‘બાતમીદાર’ માત્ર એક બહાનું હતું

SIAની તાજેતરની ઊંડી તપાસમાં એ વાત સાબિત થઈ ગઈ છે કે સરલા ભટ કોઈ ‘બાતમીદાર’ (ઇન્ફોર્મર) હતાં જ નહીં. પોલીસને મળેલી બાતમી સાથે સરલા ભટને કોઈ લેવાદેવા નહોતી. આ માત્ર એક જૂઠાણું હતું, જે યાસીન મલિકે પોતાના પાપને યોગ્ય ઠેરવવા માટે સોશિયલ મીડિયા અને મીડિયામાં ફેલાવ્યું હતું.

નોંધનીય છે કે તે જ વર્ષે જાન્યુઆરી મહિનાથી આ હત્યાકાંડ શરૂ થયો હતો જેણે મોટાભાગના કાશ્મીરી પંડિત પરિવારોને ઘાટી છોડવા માટે મજબૂર કરી દીધા હતા. આ દરમિયાન માત્ર સરલા જ નહીં પરંતુ  સમુદાયના અગ્રણી સભ્યો જેવા કે વકીલ ટીકા લાલ ટપલું, હાઇકોર્ટના સીટીંગ જજ જસ્ટિસ નીલકંઠ ગંજુ, કવિ સર્વાનંદ કૌલ પ્રેમી અને બ્રોડકાસ્ટર લસા કૌલની એક પછી એક હત્યા કરવામાં આવી હતી. આ હત્યાઓ પાછળનો હેતુ સમગ્ર સમુદાયમાં આતંક ફેલાવીને તેમને પલાયન કરવા મજબૂર કરવાનો હતો.

36 વર્ષ સુધી કેમ ન મળ્યો ન્યાય? ભયનું સામ્રાજ્ય

સૌથી મોટો સવાલ એ થાય કે આટલા ખુલ્લેઆમ થયેલા હત્યાકાંડ પછી પણ ન્યાય મેળવવામાં 36 વર્ષ કેમ લાગી ગયા? તેનું મુખ્ય કારણ એ હતું કે 1990ના દાયકામાં અને ત્યારપછી પણ કાશ્મીરમાં આતંકીઓનો એટલો ભારે ખોફ હતો કે કોઈ સામાન્ય નાગરિક કે સાક્ષી કોર્ટ કે પોલીસ સામે આવીને જુબાની આપવાની હિંમત કરી શકતો નહોતો.

જે લોકો પ્રત્યક્ષદર્શી હતા, તેમને કાં તો મારી નાખવામાં આવતા અથવા ડરાવી દેવાતા. અગાઉની સરકારોના ઢીલા વલણને કારણે પણ આ કેસ વર્ષો સુધી દબાયેલો રહ્યો. પીડિત પરિવારે પણ આશા છોડી દીધી હતી કે ક્યારેક તેમને ન્યાય મળશે કે ગુનેગારો જેલના સળિયા પાછળ જશે.

તપાસમાં SIAનો પ્રવેશ

જોકે માર્ચ 2024માં પીડિત પરિવારની ન્યાયની આશાને એક નવું કિરણ મળ્યું અને માર્ચ 2024માં જમ્મુ-કાશ્મીરના ડાયરેક્ટર જનરલ ઑફ પોલીસના (DGP) એક આદેશથી આ કેસ સત્તાવાર રીતે સ્ટેટ ઇન્વેસ્ટિગેશન એજન્સીને (SIA) સોંપવામાં આવ્યો. SIAએ આ કેસને માત્ર એક ગુના તરીકે નહીં, પણ કાશ્મીરી પંડિતોના ઇતિહાસના સૌથી મોટા અન્યાયનાં પ્રતીક તરીકે લીધો. એજન્સીએ 35 વર્ષ જૂની ફાઇલોની ધૂળ ખંખેરી અને એક ખાસ ઑપરેશન શરૂ કર્યું.

SIAની ટીમે ઘાટીમાં અને દેશના અલગ-અલગ ખૂણે વિખરાઈ ગયેલા જૂના સાક્ષીઓ અને કડીઓને જોડવાનું શરૂ કર્યું. આ કોઈ સામાન્ય તપાસ નહોતી, કારણ કે મોટાભાગના સાક્ષીઓ હવે 70થી 80 વર્ષની વયના વૃદ્ધો થઈ ગયા હતા અને ઘણાના માનસિક સ્તર પર એ ભયાનક ભૂતકાળ આજે પણ હાવી હતો.

આ અશક્ય ઑપરેશનને પાર પાડવામાં વરિષ્ઠ આઈપીએસ ઓફિસર નીતિશ કુમારના (ADG CID/SIA) માર્ગદર્શન હેઠળ બે અધિકારીઓએ કમાલ કરી બતાવી. વર્ષ 2018 બેચના તમિલનાડુના યુવા આઈપીએસ ઓફિસર દિવ્યા દેવે (SP, SIA) આ કેસની કમાન સંભાળી. દિવ્યા દેવે કોઈ પણ હોબાળા વગર, પોતે રૂબરૂ જઈને પીડિત પરિવારો અને વૃદ્ધ સાક્ષીઓના દરવાજા ખખડાવ્યા.

તેમણે સાક્ષીઓને સુરક્ષાનો ભરોસો આપ્યો અને તેમનો ખોવાયેલો વિશ્વાસ પાછો મેળવ્યો. તેમની સાથે કાશ્મીરના જ સ્થાનિક ઓફિસર તાહીર અશરફ ભટે (SSP, SIA) પણ સ્થાનિક સ્તરેથી મહત્વના પુરાવા એકઠા કરવામાં સિંહફાળો આપ્યો. કાશ્મીર પોલીસની આ ટીમે દિલ્હીની તિહાર જેલમાં બંધ યાસીન મલિકની પણ કલાકો સુધી આકરી પૂછપરછ કરીને આખા કાવતરાના રહસ્યો કઢાવ્યા.

737 પાનાંની ચાર્જશીટમાં રહેલા પુરાવા

SIAએ કોર્ટમાં રજૂ કરેલી આ 737 પાનાંની ચાર્જશીટ કોઈ વાર્તા નથી, પણ પાકા અને વૈજ્ઞાનિક પુરાવાઓનો દસ્તાવેજ છે.  ચાર્જશીટ અનુસાર સેન્ટ્રલ ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીના (CFSL) રિપોર્ટ મુજબ ઘટનાસ્થળેથી મળેલી ત્રણેય કારતૂસોની તપાસમાં સાબિત થયું કે આ બધી ગોળીઓ 7.62 × 39 mmની એક જ ઓટોમેટિક રાઇફલમાંથી છોડવામાં આવી હતી. આનાથી સાક્ષીઓની એ વાત સાબિત થઈ કે સરલા ભટ પર એક જ આતંકીએ અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો.

વર્ષ 1990માં ‘ઇન્ડિયા ટુડે’ અને અન્ય નેશનલ ન્યુઝ ચેનલોએ કરેલા ગ્રાઉન્ડ રિપોર્ટિંગ અને વિડીયો ફૂટેજને એજન્સીએ શોધી કાઢ્યા અને તેને પુરાવા તરીકે કોર્ટ સમક્ષ રજૂ કર્યા. આ સિવાય JKLFના જ અન્ય એક કુખ્યાત આતંકી ફારૂક અહેમદ ડાર ઉર્ફે ‘બિટ્ટા કરાટે’ના એક જૂના ટેલિવિઝન ઇન્ટરવ્યુને પણ પુરાવો બનાવાયો છે. આ ઇન્ટરવ્યુ ઇન્ડિયન એવિડન્સ એક્ટની કલમ 65-B હેઠળ પ્રમાણિત છે. આ ઇન્ટરવ્યુમાં તેણે સ્વીકાર્યું હતું કે JKLFની અંદર એક આખી કમાન્ડ સિસ્ટમ હતી અને તેઓ ટોચના નેતાઓના આદેશ પર જ કાશ્મીરી પંડિતોનું ટાર્ગેટ કિલિંગ કરતા હતા.

પાંચ ગુનેગારોની યાદી

SIAએ આ કેસમાં JKLFના પાંચ મુખ્ય આતંકીઓને નામજોગ આરોપી બનાવ્યા છે.

  • મોહમ્મદ યાસીન મલિક: JKLFનો તત્કાલીન ચીફ અને આ આખા કાંડનો મુખ્ય કાવતરાખોર. તે હાલમાં ટેરર ફંડિંગના કેસમાં દિલ્હીની તિહાડ જેલમાં આજીવન કેદની સજા ભોગવી રહ્યો છે.
  • ખુરશીદ અહેમદ ચાલ્કુ: આ એ મુખ્ય શૂટર આતંકી છે જેણે સરલા ભટ પર ગોળી ચલાવી હતી. તે હાલ ફરાર છે અને PoKમાં હોવાની આશંકા છે. તેની સામે કાયદાકીય કાર્યવાહી શરૂ કરાઈ છે.
  • અબ્દુલ હમીદ શેખ: (હાલ જીવિત નથી)
  • મોહમ્મદ યુસુફ સોફી ઉર્ફે ઇદ્રીસ: (હાલ જીવિત નથી)
  • ગુલામ મોહમ્મદ તાપલુ: (હાલ જીવિત નથી)

ભલે ત્રણ આરોપીઓ મૃત્યુ પામ્યા હોય, પરંતુ યાસીન મલિક અને ચાલ્કુ જેવા જીવતા નરાધમોને સજા અપાવવા માટે વહીવટતંત્ર પૂરી તાકાત લગાવી રહ્યું છે.

ચાર્જશીટમાં રણબીર પીનલ કોડની (RPC) કલમ 364 (અપહરણ), 341 (ખોટી રીતે અટકાવવા), 302 (હત્યા), 201 (પુરાવાનો નાશ કરવો) અને 120B (ગુનાહિત કાવતરું) લગાવવામાં આવી છે. આ ઉપરાંત આતંકવાદી-વિરોધી કાયદા TADAની કલમ 3(2), 3(3), 4, 6 અને ઇન્ડિયન આર્મ્સ એક્ટની કલમો હેઠળ ગુનો નોંધીને કેસને મજબૂત કરાયો છે.

જમ્મુ-કાશ્મીર પોલીસે આ સફળતાને આતંકવાદ સામેની લડાઈમાં એક ‘ડિફાઇનિંગ મોમેન્ટ’ ગણાવી છે. આ ચાર્જશીટ દુનિયાભરના આતંકીઓને એક સ્પષ્ટ અને કડક સંદેશ આપે છે કે ભારતની કાયદા વ્યવસ્થા પોતાના નાગરિકો પર થયેલા અન્યાયને ક્યારેય ભૂલતી નથી.

સરલા ભટના આ કેસે હવે કાશ્મીર ઘાટીના અન્ય ઘણા વણઉકેલાયેલા કેસોના દરવાજા પણ ખોલી દીધા છે. અહેવાલ અનુસાર આ તપાસ દરમિયાન મળેલા નવા પુરાવાઓને આધારે જસ્ટિસ નીલકંઠ, વકીલ ટીકા લાલ ટપલું અને કવિ સર્વાનંદ કૌલ પ્રેમી જેવા મહાનુભાવોની હત્યાના કેસો પણ ટૂંક સમયમાં ફરી ખૂલી શકે છે. 36 વર્ષ પછી આવેલી આ ચાર્જશીટ માત્ર એક કાગળ નથી, પણ લાખો વિસ્થાપિત કાશ્મીરી પંડિતોના આંસુ અને તેમના લાંબા સંઘર્ષને મળેલી એક સત્તાવાર સ્વીકૃતિ છે.

- Advertisement -
Join OpIndia's official WhatsApp channel

સંબંધિત લેખો

- Advertisement -

તાજા સમાચાર

ચૂકશો નહીં