હોમપેજગુજરાતચૈતર વસાવાને સજા થયા બાદ 'બદલાના રાજકારણ'નો નરેટિવ ઘડવા સક્રિય થઈ મીડિયા...

ચૈતર વસાવાને સજા થયા બાદ ‘બદલાના રાજકારણ’નો નરેટિવ ઘડવા સક્રિય થઈ મીડિયા જમાત, પણ ધારાસભ્યની ગુંડાગિરીની ચર્ચા કોઈએ ન કરી!

નોંધવા જેવી વાત એ પણ છે કે બાકીના દહાડામાં જો કોઈ ભાજપ કે કોંગ્રેસના નેતાઓ આવા કોઈ કેસમાં ફસાય તો આ જમાત કેસની, નેતાનાં કૃત્યોની ચર્ચા કરવા માંડે છે, પણ મીડિયાની પ્રિય આમ આદમી પાર્ટીના નેતાની વાત આવી એટલે ચર્ચાનો વિષય સીધો વેન્ડેટા પોલિટિક્સ પર વાળી દેવામાં આવ્યો છે.

- Advertisement -

ડેડિયાપાડા સીટ પરથી આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાને રાજપીપળા સેશન્સ કોર્ટે એક કેસમાં સાત વર્ષની સજા ફટકારી પછી ગુજરાતી મીડિયાના એક વર્ગે એ કામ ફરીથી શરૂ કરી દીધું છે, જેમાં તેમને હવે ફાવટ આવી ગઈ છે. મુખ્યધારામાંથી નવરા પડી ગયા બાદ યુટ્યુબ ચેનલ ખોલી બેઠેલા સ્વઘોષિત પત્રકારો, કાયમ ચૈતર વસાવા અને ગોપાલ ઈટાલિયા જેવા નેતાઓની પાછળ કૅમેરા લઈને ફર્યા કરતા યુટ્યુબરો અને અમુક ન્યૂઝ એન્કરો પણ આમાં જોડાયા છે.

આ તમામમાંથી કોઈ કેસનાં મેરિટ પર, ચૈતર વસાવાના ગુના પર, તેની કરતૂતો પર વાત કરી રહ્યું નથી અને સામૂહિક રીતે એક નરેટિવ એવો ઘડવામાં આવી રહ્યો છે કે ચૈતર વસાવાએ ભારતીય જનતા પાર્ટીમાં જોડાવાનું, સત્તાપક્ષને તાબે થવાનું ન સ્વીકાર્યું એટલે યેનકેન પ્રકારે તેમને ફસાવવામાં આવી રહ્યા છે. આમાંથી કોઈ કોર્ટના આદેશની, કોર્ટે જે કહ્યું છે એની, પુરાવાઓ પર જે ચર્ચાઓ અને દલીલો થઈ એની ચર્ચા કરી રહ્યું નથી કારણ કે તેની ચર્ચા કરવા જાય તો એજન્ડા પાર પડી શકે તેમ નથી.

નોંધવા જેવી વાત એ પણ છે કે બાકીના દહાડામાં જો કોઈ ભાજપ કે કોંગ્રેસના નેતાઓ આવા કોઈ કેસમાં ફસાય તો આ જમાત કેસની, નેતાનાં કૃત્યોની ચર્ચા કરવા માંડે છે, પણ મીડિયાની પ્રિય આમ આદમી પાર્ટીના નેતાની વાત આવી એટલે ચર્ચાનો વિષય સીધો વેન્ડેટા પોલિટિક્સ પર વાળી દેવામાં આવ્યો છે.

- Advertisement -

એક મોડસ ઓપરેન્ડી એ પણ ધ્યાને લેવા જેવી છે કે અન્ય કેસોમાં મીડિયા જમાત તરફ પોતાની રીતે જજમેન્ટ પાસ કરવા માંડે છે, પણ જો આમ આદમી પાર્ટી કોઈ ફૉલ્ટમાં આવે તો પહેલાં સમાચાર બતાવવા ખાતર બતાવશે પણ પછીથી તરત AAP નેતાઓને ફોન કરીને તેમની સફાઈ આપતી બાઈટ પણ ફરતી કરી દેવાશે. ઉપરાંત આ નેતાઓના વિડીયો પોતાના માધ્યમ પરથી ચલાવી દેવાશે. કોઈ એમ કહી શકે કે આ પત્રકારત્વનો ભાગ છે, તો એ વિશેષ પાર્ટીઓને લાગુ પડે અને બાકીનાને ન પડે એમ ન બની શકે. સરકાર વાંકમાં આવે ત્યારે શું આમાંથી કોઈ જઈને મુખ્યમંત્રી કે મંત્રીઓ પાસેથી સ્પષ્ટતા માંગીને તેમનાં નિવેદનો ચલાવે છે? ના. ત્યારે સીધા સવાલો કરવા માંડે છે અને જાતે જ ચુકાદાઓ પણ પસાર કરી દે છે.

આમ આદમી પાર્ટીના સમાચારોથી ઉભરાતી યુટ્યુબ ચેનલો પર અત્યારે ચૈતર વસાવા કેસ સંબંધિત અનેક વિડીયો જોવા મળશે, જેમાં વસાવાના સમર્થનમાં જે-જે નેતાઓએ નિવેદનો આપ્યાં છે એ જ જોવા મળશે. વારંવાર એક જ સૂરમાં થતી વાતો એટલા માટે ફેલાવવામાં આવી રહી છે જેથી નરેટિવ એવો ઘડી શકાય કે ચૈતર વસાવા ‘બદલાના રાજકારણ’નો ભોગ બની રહ્યા છે.

દેવાંશી જોશીએ બેલેન્સ કરીને નરેટિવ સેટ કરવાનો પ્રયાસ કર્યો, અમુક ગપગોળા પણ ચલાવ્યા

આ કારસ્તાનમાં ઘણા ભાગીદારો છે. યુઝઅલ સસ્પેક્ટ યુટ્યુબ ચેનલો તો ખરી જ. ‘જમાવટ’ પર દેવાંશી જોશીએ સ્વઘોષિત વિશ્લેષણ કર્યું છે. થમ્બનેલમાં લખવામાં આવ્યું છે, ‘ચૈતર વસાવાની રાજનીતિ પુરી કે જશે વૉશિંગ મશીનમાં?’ જેની ઉપરથી ઘણોખરો ખ્યાલ આવી શકે કે અંદર શું દલીલો કરવામાં આવી હશે.

દેવાંશી જોશી વિડીયોની શરૂઆતમાં કેસની માહિતી આપે છે. પછી તરત જ ગોળગોળ વાતો કરવાની શરૂ કરી દે છે. તેઓ કહે છે, “જે જમીનના કારણે વિવાદ થયો તે ભાડાપટ્ટે આપી હતી કે નહીં એ આખો વિષય અલગ છે.” પરંતુ હકીકત એ છે કે એ વિષય અલગ નથી.

દેવાંશીએ જો કોર્ટનો આદેશ કાઢીને વાંચવાની તસ્દી લીધી હોત તો સમજાયું હોત કે કોર્ટમાં આ વિષય પર બહુ વિગતવાર ચર્ચા થઈ હતી અને જંગલ ખાતાએ જમીન સરકારી હતી એવું સાબિત કર્યું પછી જ કોર્ટે ચુકાદો આપ્યો છે. એટલે આ પ્રશ્ન હજુ યથાવત હોય એમ નથી. છતાં દેવાંશી વિષયને બાજુ પર મૂકી દઈને ઉમેરી દે છે કે આદિવાસી વિસ્તારોમાં સ્થાનિકો અને જંગલ ખાતા વચ્ચે સંઘર્ષ ચાલતા જ રહે છે.

ત્યારબાદ તેઓ આગળ ધારાસભ્ય પદ રહેશે કે જશે તેની ચર્ચા કરે છે અને નિયમો સમજાવે છે, જેના હેઠળ 2 વર્ષ કે તેથી વધુની સજા પામવા પર ધારાસભ્ય-સાંસદોનું પદ રદ થઈ શકે છે.

આગળની ચર્ચા ચૈતર વસાવાનાં કારસ્તાનો પર થતી નથી કે ન કોર્ટના આદેશ પર ચર્ચા કરવામાં આવી. મુદ્દો સીધો લઈ જવામાં આવ્યો કથિત ‘વૉશિંગ મશીન’ પર અને એ પ્રશ્ન શરૂ કરી દીધા કે શું હવે ચૈતર વસાવા પણ ભાજપમાં જશે. જોકે બેલેન્સ કરવા માટે સતત એવું ચાલુ રાખે છે કે ચૈતરે જે કર્યું એ બદલ સજા થઈ પણ પછીથી તરત મુદ્દાને વાળીને કહેવાનું શરૂ કરી દે છે કે ભૂતકાળમાં પણ અનેક વિપક્ષી નેતાઓ કેસ થયા બાદ ભાજપમાં આવી ગયા છે.

અહીં મૂળ વાત એ છે કે ચૈતર વસાવાએ વન વિભાગના કર્મચારીઓને ઘરે બોલાવ્યા, તેમની સાથે મારપીટ કરી, હવામાં ગોળીબાર કર્યો. કર્મચારીએ ફરિયાદ નોંધાવી, પોલીસે તપાસ કરી અને કોર્ટે ચુકાદો આપ્યો. આમાં સરકાર વચ્ચે ક્યાંથી આવી?

દેવાંશી જોશી ‘વૉશિંગ મશીન’ની દલીલોમાં આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાનું પણ નામ લે છે અને કહે છે કે તેમનું નામ શારદા ચિટ ફંડ કેસમાં આવ્યું હતું, પણ આ અર્ધસત્ય છે. હિમંતાનું નામ આરોપી તરીકે નહીં સાક્ષી તરીકે હતું. આ કેસમાં તેમની ક્યારેય આરોપી તરીકે પૂછપરછ નથી થઈ એ સ્પષ્ટતા તેઓ કરી ચૂક્યા છે. CBIએ તપાસ બાદ ચાર્જશીટ દાખલ કરી હતી તેમાં હિમંતા સરમાનું નામ વિટનેસ તરીકે હતું. ઉપરાંત તેઓ ભાજપમાં જોડાયા તે પહેલાં CBI તપાસ કરીને કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરી ચૂકી હતી. વિડીયોમાં ગપગોળા ચલાવનાર દેવાંશી જોશીએ આ વાત કહી નથી.

આ જ દેવાંશી જોશીએ પછીથી આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઈટાલિયા સાથે એક વિડીયો ઇન્ટરવ્યુ કર્યો જેમાં ગોપાલે આદત અનુસાર બફાટ કર્યો છે અને એવું સાબિત કરવાના પ્રયાસ કર્યા છે કે ચૈતરને ભાજપના ઈશારે હેરાન કરવામાં આવે છે.

પ્રશાંત દયાળને અનેક વાતે સમસ્યા, બધું જ્ઞાન વહેંચ્યું પણ ચૈતરની કરતૂતો પર મૌન

Screenshot

એક પત્રકાર છે પ્રશાંત દયાળ. હાલ નવજીવન ન્યૂઝ નામની એક યુટ્યુબ ચેનલ ચલાવે છે. પ્રશાંત દયાળ જ્યારે અગાઉ એક ન્યૂઝ પોર્ટલ ચલાવતા ત્યારે કોઈ ભાજપ નેતાના દૂરના સંબંધી સામાન્ય ગુનામાં પકડાય તોપણ સમાચારો ચલાવતા. હવે આમ આદમી પાર્ટીના ધારાસભ્યને જેલ થઈ ત્યારે તેમના સૂર બદલાઈ ગયા છે અને વાતને ‘વેન્ડેટા પોલિટિક્સ’ તરફ વાળી દીધી છે.

પ્રશાંત દયાળની ચેનલ પર એક વિડીયો અપલોડ કરવામાં આવ્યો છે, જેમાં તેઓ અન્ય એક પત્રકાર સાથે વાતચીત કરતા જોવા મળે છે. આવું આ બંને અગાઉ પણ કરી ચૂક્યા છે, જેમાં સામે બેઠેલો ‘પત્રકાર’ પ્રશાંતને એવા જ પ્રશ્નો પૂછીને ગ્રાઉન્ડ સેટ કરી આપે છે જેથી પ્રશાંત પોતાનો એજન્ડા ચલાવી શકે. અહીં પણ એ એમ કહીને શરૂઆત કરે છે કે, “ભૂતકાળમાં પણ આપણે જોયું છે કે કોઈ આગેવાનને આવી મુશ્કેલી આવે ત્યારે તેની પાસે ભાજપમાં જવાનો રસ્તો રહે છે, આ કેસમાં (ચૈતરના કેસમાં) એવું કશું થઈ શકે કે નહીં?”

પ્રશાંત દયાળની વાતનો ટૂંકસાર એટલો છે કે ચૈતર વસાવા આદિવાસીઓના પ્રશ્નો ઉઠાવતા નેતા છે અને તેઓ તાબે ન થતાં સરકાર તેમને ભાજપમાં આવવા માટે મજબૂર કરી રહી છે. ચૈતર વસાવા સરકાર સામે જોખમ ઊભું કરી રહ્યા છે અને તેમને ડરાવવાનો પહેલા પ્રયાસ થયો પણ ફેર ન પડ્યો એટલે હવે તેમને આ રીતે કેસમાં મજબૂર કરવામાં આવી રહ્યા છે. જો ચૈતર વસાવા ભાજપમાં ન જાય તો તેમના માટે ધારાસભ્ય પદ બચાવવું જોખમી રહેશે અને હવે એકમાત્ર વિકલ્પ ભાજપમાં જોડાવાનો છે.

સાથે કહે છે કે ચૈતર વસાવા સામે ધારાસભ્ય થયા બાદ અનેક કેસ નોંધાયા છે, પણ એ કહેતા નથી કે ચૈતરની કરતૂતો કેવી હતી. તાજેતરમાં જ ઝઘડિયા GIDCમાં ચૈતર વસાવાએ જાહેરમાં એક યુવકને લાફો મારી દીધો હતો. છાશવારે વિવાદિત ટિપ્પણીઓ આવતી રહે છે. પોલીસ સાથેની દાદાગિરીના વિડીયો આવતા રહે છે. શું પ્રશાંત ઇચ્છે છે કે આ બધા વિરુદ્ધ કાર્યવાહી ન કરવામાં આવે? જો કાર્યવાહી ન થાય તો કાલે ઉઠીને પોતે વિડીયો બનાવશે કે ગુજરાતમાં કાયદો-વ્યવસ્થા જેવું કશું રહ્યું નથી! પ્રશાંત અને તેમના જેવા ‘પત્રકારો’ને બંને હાથમાં લાડુ છે!

આ દલીલોમાં પ્રશાંત દયાળ એવું પણ કહી જાય છે કે સામાન્ય રીતે કેસો બહુ ઝડપથી ચાલતા નથી પણ આ કેસમાં અઢી જ વર્ષમાં ચુકાદો આવી ગયો! પત્રકાર હોવાનો દાવો કરતા પ્રશાંત દયાળને એટલું પણ જ્ઞાન સંભવતઃ નથી કે ધારાસભ્યો-સાંસદો વિરુદ્ધના કેસોનો ઝડપી નિકાલ કરવા માટે સુપ્રીમ કોર્ટ પણ સૂચના આપી ચૂકી છે. કોઈ કેસનો ઝડપી ચુકાદો આવે એમાં પણ કોઈને શું સમસ્યા હોય શકે?

આગળ બંને સ્વઘોષિત પત્રકારો આદિવાસી સમાજને આનું સૌથી મોટું નુકસાન થશે એમ કહીને ભાવનાત્મક વાતોએ ચડી જાય છે. આખી ચર્ચા દરમ્યાન બંને ચૈતર વસાવાએ શું કર્યું હતું, કેસ કેમ નોંધાયો હતો, કોણે નોંધ્યો હતો તેની કોઈ ચર્ચા કરી નહીં અને વાતનો વીંટો વાળીને છૂટા પડી ગયા!

એક ન્યૂઝ એન્કર છે જનક સુતરિયા. તેમની પણ એક X પોસ્ટ બહુ વાયરલ થઈ રહી છે અને આમ આદમી પાર્ટીના નેતાઓ પણ રિપોસ્ટ કરીને ફેલાવી રહ્યા છે. બીજા ધોરણમાં ભણતા બાળક જેવી ભાષામાં લખેલી આ પોસ્ટ વાચક વાંચવા જશે તો મગજના તાર ખેંચાવાની શક્યતા ભરપૂર છે એટલે અહીં ટૂંકસાર આપી દઈએ.

જનક પોસ્ટમાં ગોળગોળ વાતો કરીને કહે છે કે જે નેતા હાથમાં ન આવે તેને ડરાવવા-ધમકાવવામાં આવે છે અને જો કોઈ લોકપ્રિય કે પરિણામ મેળવતા થયા તો તેને ઠેકાણે પાડી દેવામાં આવે છે.

અંતે જનક સુતરિયાએ કૌંસમાં ઓળખ ‘પત્તરકાર’ તરીકે આપી છે, એ જોડણીની ભૂલ છે કે સજાગપણે લખ્યું છે એ અલગ સંશોધનનો વિષય છે, એમાં અત્યારે ન પડીએ.

અહીં પણ એ જ નરેટિવ ગોઠવવાનો પ્રયાસ થયો. આડકતરી રીતે એવું કહેવામાં આવ્યું કે ચૈતર વસાવા લોકપ્રિય થઈ રહ્યા છે એટલે સરકાર તેમને ફસાવી રહી છે. જનક સુતરિયાએ જોકે કોર્ટનો આદેશ કાઢીને વાંચ્યો હશે એવી અપેક્ષા રાખવી તો વધારે પડતી છે પરંતુ એવું પણ નથી કે તેમને કેસ વિશે ખબર નથી. તેમ છતાં કેસનો એક પણ શબ્દ અહીં લખ્યો નથી.

સંદેશનાં એક એન્કર છે ક્રિષ્ના પટેલ. તેમણે પણ એક વિડીયો બનાવ્યો છે, જેની લાઇન પણ એક જેવી જ છે. વિડીયો પોસ્ટ કરીને તેમણે લખ્યું, ‘કેમ ભાજપમાં જોડાતાં જ નેતાઓ ‘સાફ’ થઈ જાય છે? આગળ લખ્યું, ‘કેમ સજાથી બચવા ચૈતર વસાવાએ પણ હાર્દિક પટેલની જેમ ભાજપમાં જોડાઈ જવું જોઈએ?’

અહીં તેઓ પણ દલીલો આપે છે કે બધા નેતાઓ આરોપો લાગ્યા બાદ ભાજપમાં આવી જાય છે. તેઓ પણ હિમંતા બિસ્વા સરમાના નામનો ઉલ્લેખ કરે છે એ કેસની હકીકત ઉપર જણાવી. ક્રિષ્ના પટેલે જ વિડીયોમાં અમિત શાહની એક બાઇટ પણ ચલાવી છે જેમાં શાહે સ્પષ્ટ કહ્યું હતું કે કોઈ નેતાના કેસ પરત ખેંચાયા નથી અને આ કામ સરકાર નથી કરતી પણ ન્યાયતંત્રનું છે. ક્રિષ્ના પટેલે પણ ચૈતરની કરતૂત પર કોઈ વાત કરી નથી.

જો આ પત્રકારો અલગથી આ બધી ચર્ચા કરતા હોત તોપણ એ સમસ્યા નથી. એવું નથી કે આ પ્રશ્ન ન કરવો જોઈએ કે ભ્રષ્ટાચારના આરોપ લાગે પછી નેતાઓ ભાજપમાં સામેલ કેમ થઈ જાય છે અને તેને એક સેફ વિકલ્પ તરીકે કેમ જોવામાં આવે છે. જોકે એક હકીકત અમિત શાહે કહી એ પ્રમાણે એ પણ છે કે કેસો રદ કરવાનું કામ સરકારનું નથી, એ કોર્ટનું છે. જો કોઈ માનતું હોય કે ભારતની કોર્ટો સરકાર કહે એ પ્રમાણે ચાલે છે તો તેમણે બંધારણ ફરી એક વખત વાંચવું જોઈએ. છતાં પત્રકારોનું કામ છે વિશ્લેષણ કરવાનું અને એ થવું જોઈએ. પ્રશ્નો પણ પૂછાવા જોઈએ.

અહીં સમસ્યા એ છે કે આ આખી જમાત આ ચર્ચા એટલા માટે કરી રહી છે જેથી ચૈતર વસાવાએ જે કારસ્તાન કર્યું છે એ ઢંકાઈ જાય અને તેની ઉપર કોઈ ચર્ચા ન થાય. કારણ કે તેની ઉપર ચર્ચા થશે તો એ હકીકત બહાર આવશે કે આમાં સરકાર ક્યાંય વચ્ચે હતી જ નહીં અને વન વિભાગના કર્મચારીઓને માર માર્યો હતો, તેમને અપમાનિત કર્યા હતા એટલે તેમણે ફરિયાદ નોંધાવી અને કાર્યવાહી બાદ કોર્ટે ચુકાદો આપ્યો. તો આમ આદમી પાર્ટી જે એજન્ડા ચલાવી રહી છે તેની ઉપર પાણી ફરી જશે. એ જ કારણ છે કે કોઈ કોર્ટના આદેશની પણ ચર્ચા કરી રહ્યું નથી, કારણ કે તેમાં ચૈતરની તમામ કરતૂતો લખવામાં આવી છે.

જો કોઈ બીજી પાર્ટીનો કે ભાજપનો ધારાસભ્ય આ રીતે જાહેર રસ્તા પર ગુંડાગિરી કરતો હોત, સામાન્ય નાગરિકોને લાફા મારતો હોત કે પછી આ રીતે સરકારી અધિકારીઓને ઘરે બોલાવીને મારામારી અને હવામાં ગોળીબાર કરતો હોત તો આ જ જમાતે આખું ગામ માથે લઈ લીધું હોત, પણ પાર્ટીઓ જોઈને, માણસો જોઈને કેટલો ઘોંઘાટ કરવો એ નક્કી કરવામાં આવે છે.

- Advertisement -
Join OpIndia's official WhatsApp channel

સંબંધિત લેખો

- Advertisement -

તાજા સમાચાર

ચૂકશો નહીં