હોમપેજરાજકારણબંગાળની શુભેન્દુ સરકારે બદલ્યું OBC અનામતનું માળખું: મમતા સરકારે નિયમો નેવે મૂકીને...

બંગાળની શુભેન્દુ સરકારે બદલ્યું OBC અનામતનું માળખું: મમતા સરકારે નિયમો નેવે મૂકીને ઘૂસાડી દીધેલી 77 મુસ્લિમ જ્ઞાતિઓ બહાર

OBC માળખું બદલાતાં કુલ અનામતમાં પણ ઘટાડો, એસસી/એસટી અનામત યથાવત રહેશે. મમતા સરકારના નિર્ણયને 2024માં કલકત્તા હાઇકોર્ટે ગેરબંધારણીય ઠરાવ્યો હતો.

- Advertisement -

પશ્ચિમ બંગાળની રાજનીતિ અને સામાજિક માળખામાં એક બહુ મોટો કાયદાકીય અને રાજકીય ઉલટફેર જોવા મળ્યો છે. મુખ્યમંત્રી શુભેન્દુ અધિકારીના નેતૃત્વવાળી ભાજપ સરકારે રાજ્યના અન્ય પછાત વર્ગ (OBC) અનામત માળખામાં ફેરફાર કરવા માટે વિધાનસભામાં બે મહત્વપૂર્ણ બિલો પસાર કર્યાં છે. આ નવા કાયદાઓથી પૂર્વવર્તી તૃણમૂલ કોંગ્રેસ (TMC) સરકારનો મુસ્લિમ જ્ઞાતિઓનો સમાવેશ કરીને OBC યાદી અને ક્વોટા વધારવાના નિર્ણયને સંપૂર્ણપણે પલટાવી દેવામાં આવ્યો છે.

તાજેતરમાં બંગાળ વિધાનસભામાં ‘વેસ્ટ બેંગાલ કમિશન ફોર બેકવર્ડ ક્લાસીસ (એમેન્ડમેન્ટ) બિલ, 2026’ અને ‘વેસ્ટ બેંગાલ બેકવર્ડ ક્લાસીસ (રિઝર્વેશન ઓફ વેકેન્સીઝ ઇન સર્વિસીસ એન્ડ પોસ્ટ્સ) (એમેન્ડમેન્ટ) બિલ, 2026’ બહુમતીથી પસાર કરવામાં આવ્યાં હતાં. આ નવી જોગવાઈઓ લાગુ થતાંની સાથે જ પશ્ચિમ બંગાળમાં OBC અનામતની ટકાવારી જે મમતા બેનર્જી સરકારે વધારીને 17 ટકા કરી હતી, તે ફરીથી ઘટાડીને મૂળ 7 ટકા કરી દેવામાં આવી છે. સાથે હાઇકોર્ટના આદેશાનુસાર 77 મુસ્લિમ જાતિઓને અનામતના ક્વોટામાંથી બહાર કરી દેવામાં આવી છે.

કલકત્તા હાઇકોર્ટના નિર્દેશ પર લેવાયો નિર્ણય

વર્તમાન સરકારે ગૃહમાં સ્પષ્ટ કર્યું હતું કે આ પગલું કલકત્તા હાઇકોર્ટના 22 મે, 2024ના રોજ આપેલા ઐતિહાસિક ચુકાદાના પાલન માટે લેવામાં આવ્યું છે. હાઇકોર્ટે પોતાના આદેશમાં ઠરાવ્યું હતું કે 2010 પછી જાહેર કરવામાં આવેલાં તમામ OBC સર્ટિફિકેટ ગેરબંધારણીય છે અને માત્ર વર્ષ 2010 પહેલાંની મૂળ 66 OBC શ્રેણીઓ જ કાયદાકીય રીતે માન્ય ગણાશે.

- Advertisement -

મમતા બેનર્જી અને તે અગાઉની લેફ્ટ સરકારના શાસનકાળ દરમિયાન કોઈપણ યોગ્ય વૈજ્ઞાનિક સર્વેક્ષણ વગર OBC યાદીનો વ્યાપક વિસ્તાર કરવામાં આવ્યો હતો. આ સમયગાળામાં 113 વધારાના જ્ઞાતિ જૂથોને આ યાદીમાં ઉમેરી દેવામાં આવ્યાં હતાં, જેમાંથી મોટાભાગની જ્ઞાતિઓ મુસ્લિમ સમુદાયની પેટાજ્ઞાતિઓ હતી.

TMC સરકારે અનામતના આખા માળખાને બે અલગ-અલગ બકેટમાં વહેંચી દીધું હતું. જેમાં ‘OBC-A’ એટલે અતિપછાત શ્રેણી બનાવીને 49 સમુદાયોને 10 ટકા અનામત અને ‘OBC-B’ પછાત શ્રેણી હેઠળ 91 સમુદાયોને 7 ટકા અનામતનો લાભ આપવાનું નક્કી કરવામાં આવ્યું હતું. આ આખી વ્યવસ્થાને કારણે લિસ્ટમાં મુસ્લિમ સમુદાયોની સંખ્યા બહુ મોટી થઈ ગઈ હતી.

SC-STની યાદીમાં નથી કરાયો કોઈ ફેરફાર

વિધાનસભામાં આ સુધારા બિલો રજૂ કરતાં પછાત વર્ગ કલ્યાણ મંત્રી ગૌરી શંકર ઘોષે જણાવ્યું હતું કે આ કાયદાનો ઉદ્દેશ્ય હાઇકોર્ટે રદ કરેલી જોગવાઈઓને દૂર કરવાનો છે. તેમણે ગૃહને ખાતરી આપી હતી કે રાજ્યની અનુસૂચિત જાતિ (SC) કે અનુસૂચિત જનજાતિની (ST) યાદીમાં કોઈ ફેરફાર કરવામાં આવી રહ્યો નથી, તેમજ વર્ષ 2010 પહેલાંની મૂળ 66 OBC જ્ઞાતિઓની સુરક્ષા જાળવી રાખવામાં આવી છે.

શુભેન્દુ સરકારે આક્ષેપ કર્યો હતો કે અગાઉની મમતા સરકારે કેવળ પોતાનો રાજકીય સ્વાર્થ સાધવા અને મુસ્લિમ સમુદાયના મત મેળવવા માટે તેને રાજી કરવા માટે OBC કમિશનને બાયપાસ કરીને ઉતાવળે 113 જ્ઞાતિઓને યાદીમાં ઘૂસાડી દીધી હતી. નિયમોનું ઉલ્લંઘન કરીને કરવામાં આવેલા આ ઉમેરાને કલકત્તા હાઇકોર્ટે 2024માં જ ફગાવી દીધો હતો.

કલકત્તા હાઇકોર્ટે પોતાના 2024ના ચુકાદામાં ટિપ્પણી કરતાં કહ્યું હતું કે અમુક મુસ્લિમ સમુદાયોને સરવે વગર જ પછાત વર્ગમાં નાખી દેવા એ બાકીના સમુદાય માટે તિરસ્કાર સમાન છે. વધુમાં એવો સંશય પણ થઈ શકે કે આ સમુદાયોનો ઉપયોગ માત્ર ચૂંટણી જીતવા માટે એક ‘વસ્તુ’ એટલે કે કોમોડિટી તરીકે કરવામાં આવ્યો હતો, જે લોકશાહી અને બંધારણની મજાક સમાન છે.

બંગાળમાં અનામતનું માળખું બદલાયું

હાઇકોર્ટના આદેશ અનુસાર, બંધારણના આર્ટિકલ 16(4) હેઠળ જ્ઞાતિ અન્ય વર્ગો કરતાં પાછળ રહી ગઈ છે કે કેમ અને સરકારી સેવાઓમાં કોઈ જ્ઞાતિનું પૂરતું પ્રતિનિધિત્વ છે કે નહીં તે ચકાસવા માટે કાયદાકીય પ્રક્રિયા અને ડેટા અનિવાર્ય છે. ભૂતકાળની સરકારે સામાન્ય નાગરિકો પાસેથી વાંધા અરજીઓ મંગાવ્યા વગર કે કોઈ ચોક્કસ વૈજ્ઞાનિક માપદંડ અપનાવ્યા વિના જ ગેઝેટ નોટિફિકેશન બહાર પાડી દીધાં હતાં.

હવે નવા સુધારેલા કાયદા મુજબ, પશ્ચિમ બંગાળમાં ફક્ત 66 સમુદાયો જ OBC અનામત માટે પાત્ર રહેશે, જેમાં 54 હિંદુ અને 12 મુસ્લિમ જ્ઞાતિઓનો સમાવેશ થાય છે. આ ફેરફારના કારણે અગાઉની યાદીમાંથી 65 મુસ્લિમ પેટાજૂથો અને 9 હિંદુ પેટાજૂથો સત્તાવાર રીતે બહાર થઈ ગયા છે.

OBC ક્વોટામાં કરાયેલા આ ઘટાડાને કારણે પશ્ચિમ બંગાળમાં કુલ અનામતની ટકાવારીમાં પણ 10 ટકાનો મોટો ઘટાડો નોંધાયો છે. અગાઉ SC (22%), ST (6%), OBC-A (10%) અને OBC-B (7%) મળીને કુલ અનામત 45 ટકાની આસપાસ થતી હતી, જે હવે ઘટીને 35 ટકા પર આવી ગઈ છે.

આ હાઈપ્રોફાઈલ બિલ પસાર કરવા માટે વિધાનસભામાં મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી, જેમાં બિલની તરફેણમાં 186 ધારાસભ્યોએ મત આપ્યા હતા, જ્યારે વિરોધમાં 17 મત પડ્યા હતા. વિરોધ પક્ષ તૃણમૂલ કોંગ્રેસના બળવાખોર ધારાસભ્યોએ વિપક્ષના નેતા ઋતુબ્રત બેનર્જીની આગેવાનીમાં ગૃહમાંથી વોકઆઉટ કરી દીધું હતું.

મંત્રીએ સ્પષ્ટતા કરી હતી કે આ સુધારાથી નવી જ્ઞાતિઓના સમાવેશ માટેના દરવાજા કાયમ માટે બંધ થઈ રહ્યા નથી. ભવિષ્યમાં જો કોઈ સમુદાય સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત હોવાનો દાવો કરશે તો OBC કમિશન નિયમ મુજબ તેના પર ક્ષેત્રીય સર્વેક્ષણ અને તપાસ હાથ ધરશે.

આ નવા કાયદા દ્વારા પશ્ચિમ બંગાળ કમિશન ફોર બેકવર્ડ ક્લાસીસ એક્ટ, 1993ની સ્વાયત્તતા અને કેન્દ્રીય ભૂમિકા ફરી સ્થાપિત કરવામાં આવી છે. હવે કમિશન દ્વારા યોગ્ય પ્રક્રિયા અને ભલામણ બાદ જ સરકાર કોઈપણ નવી જ્ઞાતિને અનામત આપવા અંગે કાનૂની નિર્ણય લઈ શકશે, જેથી બોગસ OBC સર્ટિફિકેટ કૌભાંડો અટકાવી શકાય.

- Advertisement -
Join OpIndia's official WhatsApp channel

સંબંધિત લેખો

- Advertisement -

તાજા સમાચાર

ચૂકશો નહીં