દૈનિક ભાસ્કરે કોકરોચ જનતા પાર્ટીના પ્રદર્શનમાં હજારો માણસો એકઠા થયા હોય તેવો AI વિડીયો શૅર કર્યો, પોલ ખુલી જતાં ચૂપચાપ કર્યો ડિલીટ

6 જૂનના રોજ કોકરોચ જનતા પાર્ટીના પ્રદર્શન બાદ અખબાર દૈનિક ભાસ્કરના X અકાઉન્ટ પરથી એક વિડીયો પોસ્ટ કરવામાં આવ્યો હતો, જેમાં બહુ મોટી સંખ્યામાં પ્રદર્શનકારીઓને એકઠા થયેલા દર્શાવવામાં આવ્યા.

હજારોની સંખ્યામાં માનવમહેરામણ દેખાતો હોય તેવો વિડીયો પોસ્ટ કરીને ભાસ્કરે લખ્યું, “NEET પેપર લીક મામલામાં શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગ લઈને કોકરોચ જનતા પાર્ટી દિલ્હીના જંતર-મંતર પર પાંચ કલાક પ્રદર્શન કર્યું. CJPએ પ્રદર્શનનો વિડીયો શૅર કર્યો.”

હવે ડિલીટ થઈ ગયેલી ભાસ્કરની X પોસ્ટ

ભાસ્કરે શૅર કરેલા વિડીયોમાં દિલ્હીના જંતર-મંતર પર બહુ મોટી સંખ્યામાં લોકોનું ટોળું જોવા મળે છે. જેનાથી સંદેશ ગયો કે શનિવારના પ્રદર્શનમાં હજારોની સંખ્યામાં લોકો એકઠા થયા હતા. જ્યારે હકીકત એ હતી કે પ્રદર્શનમાં માંડ બસો-પાંચસો માણસો આવ્યા હતા અને બાકીના મીડિયાકર્મીઓ, યુટ્યુબરો અને પોલીસ કર્મચારીઓ વધારે હતા.

ભાસ્કરે આ વિડીયો પોસ્ટ કર્યો તેની સાથે સોશિયલ મીડિયા પર લોકોએ પકડી પાડ્યું કે આ વાસ્તવમાં AI (આર્ટિફિશીયલ ઇન્ટેલિજન્સ)થી બનાવેલો વિડીયો છે, સાચો નથી.

જે ઇન્સ્ટાગ્રામ યુઝરે આ વિડીયો પોસ્ટ કર્યો હતો તેણે પણ AIનું લેબલ લગાવ્યું હતું, જેમાં સ્પષ્ટ કરવામાં આવ્યું હતું કે વિડીયો માટે AIનો ઉપયોગ થયો છે.

Screenshot

આ હકીકત સામે આવ્યા બાદ દૈનિક ભાસ્કરે વિડીયો હટાવી લીધો હતો. આ પ્રકાશિત થઈ રહ્યું છે ત્યાં સુધીમાં અખબારે કોઈ સ્પષ્ટતા કરી નથી કે માફી માંગી નથી.