સુરતના હજીરા ખાતે આવેલી L&Tની ડિફેન્સ મેન્યુફેક્ચરિંગ ફેસિલિટી હાલ ફરી ચર્ચામાં આવી છે. કારણ કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તેની મુલાકાત લીધી છે. બહારથી જોવામાં આવે તો આ એક ઔદ્યોગિક પ્લાન્ટ છે, પરંતુ ભારતની ડિફેન્સ ઇકોસિસ્ટમ પર નજર રાખનારા લોકો માટે હજીરાનો આ પ્લાન્ટ માત્ર એક ફેક્ટરી નથી.
ભારત આજે આત્મનિર્ભરતા તરફ આગળ વધી રહ્યું છે, ખાસ કરીને ડિફેન્સ ક્ષેત્રમાં. એક સમય હતો જ્યારે ટેન્કો, તોપો અને અન્ય ભારે સૈન્ય પ્લેટફોર્મ્સ માટે ભારતને મોટા પ્રમાણમાં વિદેશી કંપનીઓ અને સરકારો પર આધાર રાખવો પડતો હતો. પરંતુ હવે સ્થિતિ બદલાઈ રહી છે. આ પરિવર્તનના સૌથી સ્પષ્ટ ઉદાહરણોમાં હજીરાનું નામ સામેલ છે. K-9 વજ્ર તોપોથી લઈને જોરાવર લાઇટ ટેન્ક સુધી, અનેક મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ્સ સાથે આ કોમ્પ્લેક્સનું નામ જોડાયેલું છે. તો આખરે હજીરાનો આ પ્લાન્ટ એટલો મહત્વનો કેમ માનવામાં આવે છે?
હજીરા કેવી રીતે બન્યું ભારતના ડિફેન્સ મેન્યુફેક્ચરિંગનું મહત્વનું કેન્દ્ર?
સુરત નજીક આવેલું હજીરા વર્ષોથી હેવી એન્જિનિયરિંગ અને ઔદ્યોગિક ઉત્પાદન માટે જાણીતું રહ્યું છે. પરંતુ છેલ્લા કેટલાક વર્ષોમાં હજીરામાં આવેલા L&Tના આર્મર્ડ સિસ્ટમ્સ કોમ્પ્લેક્સે તેને એક નવી ઓળખ આપી છે. આજે આ સુવિધા દેશનું સૌથી મોટું ખાનગી ટ્રેક્ડ આર્મર્ડ વ્હીકલ મેન્યુફેક્ચરિંગ સેન્ટર ગણાય છે. K-9 વજ્ર જેવી તોપોથી લઈને જોરાવર જેવી લાઇટ ટેન્ક સુધી, ભારતીય સેનાની કેટલીક મહત્વપૂર્ણ સિસ્ટમ્સ સાથે તેનું નામ જોડાયેલું છે. આ જ કારણ છે કે ભારતના ડિફેન્સ મેન્યુફેક્ચરિંગ ઇકોસિસ્ટમમાં હજીરાને વિશેષ સ્થાન મળ્યું છે.
ડિફેન્સ ક્ષેત્રમાં લાંબા સમય સુધી સરકારી એકમોનું પ્રભુત્વ રહ્યું હતું. જોકે મેક ઇન ઇન્ડિયા અને આત્મનિર્ભર ભારતની નીતિઓ બાદ ખાનગી ક્ષેત્રને પણ મોટી ભૂમિકા મળી. L&Tએ આ તકનો ઉપયોગ કરીને હજીરાને માત્ર એન્જિનિયરિંગ સેન્ટર નહીં, પરંતુ ડિફેન્સ ઉત્પાદનના કેન્દ્રમાં ફેરવવાનું કામ કર્યું. આજે આ કોમ્પ્લેક્સ માત્ર વર્તમાન પ્રોજેક્ટ્સ માટે જ નહીં, પરંતુ ભવિષ્યના સૈન્ય પ્લેટફોર્મ્સ માટે પણ મહત્વપૂર્ણ માનવામાં આવે છે.
હજીરાથી લદ્દાખ સુધી પહોંચેલી K-9 વજ્ર
હજીરાની સૌથી જાણીતી સફળતા K-9 વજ્ર છે. ઘણીવાર K-9 થન્ડર અને K-9 વજ્રને અલગ સિસ્ટમ તરીકે જોવામાં આવે છે, પરંતુ વાસ્તવમાં K-9 થન્ડર દક્ષિણ કોરિયાની મૂળ સિસ્ટમ છે, જ્યારે K-9 વજ્ર તેનું ભારતીય સ્વરૂપ છે. ભારતીય સેનાની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને તેને સ્થાનિક પરિસ્થિતિઓ માટે અનુકૂળ બનાવવામાં આવી હતી.
આ 155 મીમીની સેલ્ફ-પ્રોપેલ્ડ આર્ટિલરી ગન ભારતીય તોપખાનાની સૌથી મહત્વપૂર્ણ સિસ્ટમોમાંની એક બની ગઈ છે. તેની વિશેષતા એ છે કે તે ગોળીબાર કર્યા પછી ઝડપથી સ્થાન બદલી શકે છે, જે આધુનિક યુદ્ધમાં અત્યંત મહત્વપૂર્ણ ગણાય છે. ખાસ વાત એ છે કે જ્યારે ભારત-ચીન તણાવ વધ્યો અને લદ્દાખમાં સૈન્ય તહેનાતી લાંબાગાળાની બની, ત્યારે K-9 વજ્રની ઉપયોગિતા વધુ સ્પષ્ટ થઈ. મૂળ રણપ્રદેશ માટે વિકસાવવામાં આવેલી આ સિસ્ટમને ઊંચાણવાળા વિસ્તારો માટે પણ સફળતાપૂર્વક અનુકૂળ બનાવવામાં આવી. આ ઘટનાએ હજીરા પ્લાન્ટની વ્યૂહાત્મક ઉપયોગિતાને દેશ સામે ઉજાગર કરી.
આ પ્રોજેક્ટનું મહત્ત્વ માત્ર એટલું નહોતું કે ભારતમાં એક નવી તોપ બની. મહત્વની વાત એ હતી કે ભારતે પ્રથમ વખત ખાનગી ક્ષેત્રની મદદથી આ પ્રકારની અત્યાધુનિક સેલ્ફ-પ્રોપેલ્ડ આર્ટિલરી સિસ્ટમનું મોટાપાયે ઉત્પાદન કર્યું. હજીરામાં બનેલી 100 K-9 વજ્ર તોપો ભારતીય સેનાને સોંપવામાં આવી. બાદમાં તે પૂર્વી લદ્દાખ સહિતના વિસ્તારોમાં તહેનાત પણ થઈ. ચીન સાથેના તણાવના સમયમાં આ સિસ્ટમની ઉપયોગિતા સ્પષ્ટ રીતે જોવા મળી. બાદમાં વધુ 100 K-9 વજ્ર માટે પણ મંજૂરી આપવામાં આવી, જેના કારણે હજીરાની ભૂમિકા વધુ મહત્વપૂર્ણ બની ગઈ.
ગલવાન પછી કેમ પડી જોરાવર લાઇટ ટેન્કની જરૂર?
જો K-9 વજ્રે હજીરાને ડિફેન્સ ઉત્પાદનના નકશા પર સ્થાન અપાવ્યું હોય તો જોરાવરે તેની વ્યૂહાત્મક મહત્વતાને વધુ ઊંચાઈએ પહોંચાડી છે. 2020ની ગલવાન અથડામણ પછી ભારતીય સેનાએ અનુભવ્યું કે ઊંચાઈવાળા હિમાલયી વિસ્તારોમાં પરંપરાગત ભારે ટેન્કોની પોતાની મર્યાદાઓ છે. બીજી તરફ ચીન વર્ષોથી તિબેટ વિસ્તારમાં હલકી અને ઝડપી ટેન્કો તહેનાત કરી રહ્યું હતું.
આ જ પરિસ્થિતિમાં ભારતીય સેનાને એવી લાઇટ ટેન્કની જરૂરિયાત અનુભવાઈ, જે હાઇ-એલ્ટિટ્યુડ વોરફેર માટે ખાસ તૈયાર કરવામાં આવી હોય. જોરાવર એ જ જરૂરિયાતમાંથી જન્મેલી સિસ્ટમ છે. તેનું પ્રથમ પ્રોટોટાઇપ હજીરાની એ. એમ. નાયક હેવી એન્જિનિયરિંગ કોમ્પ્લેક્સ સુવિધામાંથી બહાર આવ્યું હતું. માત્ર 19 મહિનામાં તેના વિકાસ અને રોલઆઉટને કારણે પણ તે ચર્ચામાં રહી હતી.
જોરાવરને માત્ર એક નવા સૈન્ય પ્લેટફોર્મ તરીકે જોવું પૂરતું નથી. વાસ્તવમાં તે ગલવાન પછી ભારતે શીખેલા વ્યૂહાત્મક પાઠનો જવાબ છે. આવનારા વર્ષોમાં જો આ ટેન્ક ભારતીય સેનામાં મોટાપાયે સામેલ થાય છે તો હજીરાનું મહત્વ વધુ વધી શકે છે.
ભારતના આગામી આર્મર્ડ પ્લેટફોર્મ્સનું સરનામું બનશે હજીરા?
K-9 વજ્ર અને જોરાવર બાદ પણ હજીરાની ભૂમિકા અહીં અટકતી નથી. ભારતીય સેનાના સૌથી મહત્વાકાંક્ષી આધુનિકીકરણ કાર્યક્રમોમાંના એક ફ્યુચરિસ્ટિક ઇન્ફન્ટ્રી કોમ્બેટ વ્હીકલ (FICV) પ્રોગ્રામ સાથે પણ L&Tનું નામ જોડાયેલું છે. ભારતીય સેનામાં દાયકાઓથી સેવા આપી રહેલા BMP-2 ઇન્ફન્ટ્રી કોમ્બેટ વ્હીકલ્સ હવે ધીમે-ધીમે પોતાની કાર્યકારી મર્યાદા તરફ આગળ વધી રહ્યા છે. બદલાતી યુદ્ધ પદ્ધતિઓ, નેટવર્ક-સેન્ટ્રિક વોરફેર અને આધુનિક બેટલફિલ્ડની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને સેના હવે આગામી પેઢીના વધુ શક્તિશાળી અને ટેક્નોલોજીકલી અદ્યતન પ્લેટફોર્મ્સ તરફ નજર કરી રહી છે.
FICV પ્રોગ્રામ એ જ પરિવર્તનનો એક મહત્વપૂર્ણ ભાગ છે. જો આ પ્રોજેક્ટમાં L&Tની ડિઝાઇન અને પ્રસ્તાવને અંતિમ મંજૂરી મળે તો હજીરા માત્ર K-9 વજ્ર તોપો કે જોરાવર લાઇટ ટેન્કના ઉત્પાદન માટે જ નહીં, પરંતુ ભારતીય સેનાના આગામી પેઢીના આર્મર્ડ વ્હીકલ્સના ડેવલપમેન્ટ અને મેન્યુફેક્ચરિંગ માટે પણ કેન્દ્રસ્થાન બની શકે છે. સરળ શબ્દોમાં કહીએ તો આજનું હજીરા ભારતીય તોપખાના અને લાઇટ ટેન્ક પ્રોગ્રામ્સ સાથે જોડાયેલું છે, તે જ હજીરા આવનારા સમયમાં ભારતીય સેનાના સૌથી મહત્વપૂર્ણ આર્મર્ડ પ્લેટફોર્મ્સનું જન્મસ્થળ પણ બની શકે છે.
ડિફેન્સથી આગળ: ભારતના ન્યુક્લિયર ઊર્જા કાર્યક્રમમાં પણ હજીરાની મોટી ભૂમિકા
હજીરાનું માત્ર ડિફેન્સ મેન્યુફેક્ચરિંગ પૂરતું મર્યાદિત નથી. પીએમ મોદીએ મુલાકાત દરમિયાન જે તસવીરો શેર કરી હતી, તેમાં એક વિશાળ 700 MW ન્યુક્લિયર સ્ટીમ જનરેટર પણ જોવા મળ્યું હતું. આ કોઈ સામાન્ય ઔદ્યોગિક સાધન નથી, પરંતુ ભારતના સ્વદેશી 700 MW પ્રેશરાઇઝ્ડ હેવી વોટર રિએક્ટર્સ (PHWR) માટેનું મહત્વપૂર્ણ ઘટક છે. ન્યુક્લિયર પાવર પ્લાન્ટમાં ઉત્પન્ન થતી ગરમીને વીજળી ઉત્પન્ન કરવા માટે જરૂરી સ્ટીમમાં રૂપાંતરિત કરવામાં તેની મહત્વપૂર્ણ ભૂમિકા હોય છે.
ભારત આગામી દાયકાઓમાં ન્યુક્લિયર ઊર્જા ક્ષમતા વધારવાની યોજના પર કામ કરી રહ્યું છે. આવી સ્થિતિમાં 700 MW ન્યૂક્લિયર સ્ટીમ જનરેટર જેવા જટિલ અને ઉચ્ચ-તકનીકી ઉપકરણોનું સ્થાનિક સ્તરે ઉત્પાદન થવું આત્મનિર્ભર ભારત માટે મહત્વપૂર્ણ માનવામાં આવે છે. હકીકતમાં આવા ઘટકો બનાવવાની ક્ષમતા ધરાવતા દેશોની સંખ્યા વિશ્વમાં મર્યાદિત છે અને હજીરાની સુવિધાએ ભારતને આ યાદીમાં સ્થાન અપાવવામાં મહત્વની ભૂમિકા ભજવી છે.
તો આખરે આ પ્લાન્ટ કેમ મહત્વનો છે?
આ સવાલનો જવાબ K-9 વજ્ર, જોરાવર અને FICV જેવા નામોમાં જ છુપાયેલો છે. હજીરા માત્ર એક ફેક્ટરી નથી, પરંતુ એવી સુવિધા છે જ્યાં ભારતની બદલાતી સૈન્ય જરૂરિયાતો માટેના ઉકેલો વિકસાવવામાં આવી રહ્યા છે. અહીં બનેલી તોપો આજે સરહદો પર તહેનાત છે. અહીં વિકસાવાયેલી લાઇટ ટેન્ક ભવિષ્યમાં ચીન સરહદ પર મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી શકે છે. અહીંથી જ ભારતીય સેનાના આગામી આર્મર્ડ પ્લેટફોર્મ્સ માટેનો પાયો પણ નાખવામાં આવી રહ્યો છે.
તેથી જ પીએમ મોદીની હજીરા મુલાકાતને માત્ર ઔદ્યોગિક કાર્યક્રમ તરીકે જોવી યોગ્ય નથી. તે ભારતના ડિફેન્સ મેન્યુફેક્ચરિંગના એવા કેન્દ્રની મુલાકાત હતી, જે છેલ્લા કેટલાક વર્ષોમાં સતત મહત્વનું બનતું ગયું છે. K-9 વજ્રથી શરૂ થયેલી યાત્રા આજે જોરાવર સુધી પહોંચી છે અને ભવિષ્યમાં FICV જેવા કાર્યક્રમો સાથે વધુ આગળ વધી શકે છે. કદાચ આ જ કારણ છે કે હજીરાને માત્ર ડિફેન્સ પ્લાન્ટ તરીકે જોવું પૂરતું નથી. K-9 વજ્ર અને જોરાવરથી લઈને ન્યુક્લિયર સ્ટીમ જનરેટર સુધી, આ સુવિધા ભારતની સૈન્ય અને ઊર્જા સુરક્ષા બંને સાથે સીધી રીતે જોડાયેલી છે.


