હોમપેજરાજકારણભારત અને અમેરિકા વચ્ચે જે ટ્રેડ ડીલ થઈ જ નથી તેનો વિરોધ...

ભારત અને અમેરિકા વચ્ચે જે ટ્રેડ ડીલ થઈ જ નથી તેનો વિરોધ કેમ કરી રહ્યા છે ‘અન્નદાતા’?

કરાર હજુ થયો નથી, ખેડૂતોના હિતો પૂર્ણપણે સુરક્ષિત છે અને કેન્દ્ર સરકાર પોતાના વલણ પર સ્પષ્ટ છે— આ ત્રણ બાબતો સ્પષ્ટ હોવા છતાં વિરોધ કરવો એ સાબિત કરે છે કે આ કોઈ 'કિસાન આંદોલન' નથી, પરંતુ રાજકીય સ્વાર્થથી પ્રેરાયેલું એક કાયરતાપૂર્ણ ધિંગાણું જ છે.

- Advertisement -

હજુ તો ભારત અને અમેરિકા વચ્ચેના પ્રસ્તાવિત વેપાર કરારનો (FTA) કોઈ અંતિમ મુસદ્દો પણ તૈયાર થયો નથી, કે નથી ટેબલ પર સહીઓ થઈ. છતાં આ કરારના નામે રાજકીય રોટલા શેકનારાઓ દિલ્હીની સરહદો ઘેરવા માટે ફરી એકવાર અધીરા બન્યા છે. ‘દેશ બચાવો મોરચા’નાં બેનર હેઠળ રાતોરાત યોજનાઓ ઘડીને રાજધાની દિલ્હીને ફરીથી બંધક બનાવવાની અને જનજીવન અસ્તવ્યસ્ત કરવાની પૂરી તૈયારીઓ કરી લેવામાં આવી છે. જે ડીલ હજી ફાઇનલ નથી થઈ છતાં તેની આડમાં ખેડૂતોનાં નામે રસ્તા પર ઉતરી આવવા માટે આ ટોળકી ઉતાવળી થઈ છે. જોકે તેની જૂની ટેવ પણ આ જ રહી છે.

દેશ માટે જ્યારે પણ કોઈ મહત્વપૂર્ણ આંતરરાષ્ટ્રીય વાટાઘાટો ચાલી રહી હોય ત્યારે અરાજકતા ફેલાવીને ‘આપદામાં અવસર’ શોધતી ટોળકીઓ સક્રિય થઈ જતી હોય છે. એક તરફ કોકરોચો દેશની રાજધાની જંતર-મંતર પર અડિંગો નાખીને બેઠા છે ત્યાં બીજી તરફ તેમની સાથે આ કથિત ખેડૂત નેતાઓ પણ જોડાઈ ગયા છે. કરાર હજુ વાટાઘાટોના તબક્કામાં જ છે, છતાં એવી અફવાઓ અને ડરનો માહોલ ઊભો કરાઈ રહ્યો છે જાણે સરકારે દેશના કરોડો ખેડૂતોનું હિત અમેરિકાના ચરણે ધરી દીધું હોય!

ભારત અને અમેરિકા વચ્ચે વેપાર કરારની વાત માત્ર સામે આવતાં જ કોંગ્રેસ અને તેની આખી ઇકોસિસ્ટમ સક્રિય થઈ ગઈ છે. કરારની વિગતો જાણ્યા વગર જ ‘ખેડૂતોના હિતો વેચી દીધા’ હોવાના પોકળ આક્ષેપો શરૂ કરી દેવાયા. મલ્લિકાર્જુન ખડગે અને રાહુલ ગાંધી જેવા નેતાઓએ સંસદથી લઈને શેરીઓ સુધી ભ્રામક દાવા કર્યા કે અમેરિકન આયાત ઝીરો ટેરિફ પર આવશે. 2021 જેવાં ‘ખેડૂત આંદોલન’ અને અરાજકતાનું પુનરાવર્તન કરવાની ધમકીઓ આપીને દેશના ખેડૂતોમાં ખોટો ભય પેદા કરવાનો આ એક સુઆયોજિત પ્રયાસ થઈ રહ્યા છે.

- Advertisement -

કેન્દ્ર સરકારનું સ્પષ્ટ વલણ

જોકે આ ટૂલકિટ આવા દાવાઓ કરતાં પહેલા સત્ય ચકાસવાનું ભૂલી ગઈ છે. જ્યારે આ કરારની જાહેરાત કરવામાં આવી હતી ત્યારે જ વાણિજ્ય મંત્રી પીયુષ ગોયલે સત્તાવાર રીતે સ્પષ્ટ કરી દીધું હતું  કે ભારત-યુએસ વેપાર કરારમાં કૃષિ અને ડેરી ક્ષેત્ર સંપૂર્ણપણે સુરક્ષિત રહેશે. સરકારે સ્પષ્ટ કર્યું હતું કે ચોખા, ઘઉં, મકાઈ, સોયાબીન અને ડેરી ઉત્પાદનો જેવા સંવેદનશીલ ક્ષેત્રોને આ કરારની બહાર જ રાખવામાં આવ્યા છે, જેથી ભારતના નાના ખેડૂતો અને પશુપાલકો પર કોઈ વિપરીત અસર ન પડે.

કેન્દ્ર સરકારે અગાઉ જ સ્પષ્ટ કરી દીધું હતું કે વૈશ્વિક સ્તરે ગમે તેવા આર્થિક દબાણો આવે, પણ ભારતના ખેડૂતો, નાના વેપારીઓ અને ખાસ કરીને ડેરી ક્ષેત્રના હિતો સાથે કોઈ જ બાંધછોડ કરવામાં નહીં આવે. આ સિવાય પણ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીથી લઈને વાણિજ્ય અને કૃષિ મંત્રીએ વારંવાર દોહરાવ્યું છે કે દેશના ખેડૂતોનું હિત જ ભારત માટે ‘રેડ લાઈન’ છે, જેની બહાર જઈને કોઈ સમજૂતી થઈ જ ન શકે.

હાલમાં જે પોકળ દાવાઓ થઈ રહ્યા છે વાસ્તવિકતા તેનાથી એકદમ વિપરીત છે. વાસ્તવમાં અમેરિકા લાંબા સમયથી પોતાના સસ્તા સોયાબીન, મકાઈ અને ડેરી ઉત્પાદનો માટે ભારતનું વિશાળ બજાર ખોલવા માંગતું હતું. પરંતુ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વારંવાર સ્પષ્ટ કર્યું છે કે “અમારા માટે ખેડૂતોનું હિત જ સર્વોપરી છે, તેના માટે જે કિંમત ચૂકવવી પડે તે ચૂકવવા તૈયાર છીએ.”

અમેરિકી વાણિજ્ય સચિવ હોવર્ડ લુટનિકે પણ જાહેરમાં ગુસ્સો ઠાલવ્યો હતો કે ભારત તેમની મકાઈ ખરીદવા તૈયાર નથી. આ સ્થિતિ જ સાબિત કરે છે કે કેન્દ્ર સરકાર વિદેશી દબાણ સામે ઝૂક્યા વગર ખેડૂતોના હિતોનું રક્ષણ કરી રહી છે. જોકે ટૂલકિટ અને તેના સમર્થકોને આ સત્ય સાથે કોઈ લેવાદેવા જ નથી, તેઓ માત્ર વૈશ્વિક સ્તરે ભારતની છબી ધૂમિલ કરવામાં લાગેલા છે.

નોંધનીય છે કે છેલ્લા પાંચ વર્ષોમાં (2021થી 2026) ભારતે ઑસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડ, યુકે, ઈયુ અને ઓમાન સાથે અનેક મોટા વેપાર કરારો કર્યા છે. આ તમામ કરારોમાં ભારતે કૃષિ અને ડેરી ક્ષેત્રને ‘રેડ લાઈન’ તરીકે રાખીને એક્સક્લુઝન લિસ્ટમાં જ રાખ્યા છે. આંતરરાષ્ટ્રીય સ્તરે આટલા મુક્ત વેપાર કરારો કરવા છતાં પણ ભારતે ક્યારેય પોતાના ખેડૂતોના હિત સાથે સમાધાન કર્યું નથી તો યુએસ સાથેના કરારમાં આવું થાય તેવી કલ્પના જ યોગ્ય નથી.

પ્રસ્તાવિત કરાર હેઠળ અમેરિકા ભારતીય વસ્તુઓ પરના ટેરિફ 50%થી ઘટાડીને 18% કરશે, જેનાથી ભારતના ટેક્સટાઈલ, લેધર અને કૃષિ નિકાસકારો માટે બજારો ખુલશે. ભારત પહેલેથી જ અમેરિકામાં ₹63,000 કરોડથી વધુના ચોખાની નિકાસ કરે છે. ટેરિફ ઘટવાથી ભારતના ચોખા, મસાલા અને કપાસ ઉગાડતા કરોડો ખેડૂતોને જ સીધો આર્થિક ફાયદો થવાનો છે. જોકે, વિરોધીઓને આ આર્થિક વિકાસ દેખાતો નથી.

કરારમાં જીએમ (જીનેટિકલી મોડિફાઇડ) પાકો અને સબસિડીવાળા અમેરિકી ઉત્પાદનોની આયાત પર પ્રતિબંધો જાળવી રાખવામાં આવ્યા છે. વાસ્તવિકતા એ છે કે કરાર હજુ સહી પણ થયો નથી અને જ્યારે અમલમાં આવશે ત્યારે ખેડૂતો માટે નુકસાન નહીં પરંતુ નવી તકો લાવશે. છતાં પણ તથ્યોને નકારીને માત્ર આશંકાઓ અને ડરના આધારે દેશવાસીઓને ભ્રમિત કરવાનો ખેલ ખેલાઈ રહ્યો છે.

અલગ રાજકીય એજન્ડા પાર પાડવાનો ખેલ

ખેડૂતોના નામે પોતાની રાજકીય દુકાનો ચલાવવી એ આ સ્વાર્થી સંગઠનોની જૂની મોડસ ઓપરેન્ડી છે. કિસાન મહાપંચાયતના નામે ભીડ ભેગી કરવી, રાષ્ટ્રીય ધોરીમાર્ગો બ્લોક કરવા અને સામાન્ય નાગરિકો, નોકરિયાતો તથા વેપારીઓને હેરાન કરવા અને એનો દોષ મોદી સરકાર પર નાખવો એ જ એમનો મૂળ એજન્ડા છે. આંદોલનના મોહરા પાછળ પોતાના આકાઓને ખુશ કરવાનો અને રાજકીય લાભ ખાટવાનો આ આખો કારસો ઘડાયો છે.

જરા ઊંડાણપૂર્વક જોઈએ તો સમજાય છે કે દેશમાં અસ્થિરતા ઊભી કરવા માંગતી દેશવિરોધી વંદાટોળકી અને ખેડૂતોના નામે ઉત્પાત મચાવતી આ મંડળી વચ્ચે અદ્ભુત તાલમેલ છે. બંનેનો ઉદ્દેશ્ય એક જ છે કે સરકારને ભીંસમાં મૂકવી, દેશની આર્થિક પ્રગતિમાં રોડાં નાખવા અને ચારેય તરફ અસંતોષ ફેલાવવો. આ બંને ટોળકીઓ ખરેખર તો એક જ ઇકોસિસ્ટમના બે અલગ-અલગ ચહેરા છે.

જ્યારે-જ્યારે ભારત વૈશ્વિક સ્તરે એક આર્થિક મહાસત્તા તરીકે મજબૂત થઈ રહ્યું હોય ત્યારે દેશની રાજધાની દિલ્હીને બંધક બનાવીને દેશની છબી ખરાબ કરવાનો આ નુસખો હવે જૂનો થઈ ગયો છે. રસ્તાઓ પર કલાકો સુધી ટ્રાફિકમાં ફસાયેલા દર્દીઓ કે સામાન્ય જનતાની મુશ્કેલીઓની આ લોકોને કોઈ પરવા નથી. તેમને તો બસ સરકાર સામે બ્લેકમેલિંગનું રાજકારણ રમવામાં જ રસ છે.

દલાલો અને વચેટિયાઓના વર્ચસ્વની લડાઈ

અગાઉ ત્રણ કૃષિ કાયદા વિરુદ્ધ થયેલાં કથિત આંદોલનમાં પણ આ જ મંડળીએ દેશને માથે ભારે નુકસાન ઝીંક્યું હતું. તે સમયે પણ ખેડૂતોને સીધો લાભ આપતા અને મંડીઓના દલાલોની ચુંગાલમાંથી મુક્ત કરતા સુધારાઓનો વિરોધ કરાયો હતો. વાસ્તવમાં આ લડાઈ ક્યારેય મૂળ ખેડૂતની હતી જ નહીં, આ તો વર્ષોથી ખેડૂતોના નામે આંદોલનો કરીને પોતાના રાજકીય એજન્ડા પૂરા કરવાનો ખેલ હતો.

હવે ફરીથી શંભુ બોર્ડર પર બેરિકેડ્સ સામે વિરોધ કરવાના નામે અને સરહદો સીલ થવાનો ડ્રામા કરીને ફરી એકવાર વાતાવરણ કલુષિત કરવાનો પ્રયાસ થઈ રહ્યો છે. પંજાબ અને હરિયાણાના સામાન્ય ખેડૂતોને ‘તમારી જમીનો છીનવાઈ જશે’ કે ‘અમેરિકાથી સસ્તો માલ આવીને તમારો ધંધો ચોપટ કરશે’ જેવી પાયાવિહોણી અફવાઓ ફેલાવીને ઉશ્કેરવામાં આવી રહ્યા છે.

આ આંદોલન કોઈ સ્વયંભૂ અવાજ નથી, પરંતુ સંપૂર્ણ પૂર્વ આયોજિત ટૂલકિટનો ભાગ છે. અમેરિકન પ્રેસ રિલીઝોમાંથી વાક્યો ચોરીને, તેને મચડીને દેશના નાના ખેડૂતોમાં ભયનો માહોલ ઊભો કરાઈ રહ્યો છે. ‘દેશ બચાવો’ના નામે શરુ થયેલો આ મોરચો ખરેખર તો દેશના આર્થિક વિકાસની ટ્રેનને પાટા પરથી ઉતારવાનું એક આંતરરાષ્ટ્રીય કાવતરું જ લાગે છે.

જો આ નેતાઓને ખરેખર દેશના નાના ખેડૂતો અને પશુપાલકોની ચિંતા હોત તો તેઓ ટેબલ પર બેસીને વાણિજ્ય મંત્રાલય સાથે ચર્ચા કરત અને તથ્યો માંગત. પરંતુ તેમને ચર્ચા કે સંવાદમાં કોઈ રસ જ નથી! તેમને તો બસ રસ્તાઓ પર ઉતરીને, હાઈવે જામ કરીને પોતાની દાદાગીરી ચલાવવામાં અને પ્રોપગેન્ડા તથા રાજકીય હિતો સાચવવામાં જ રસ છે.

ભારતના મજબૂત આર્થિક સ્ટેન્ડની અવગણના

અમેરિકાના ઉચ્ચ અધિકારીઓ અને મંત્રીઓ પોતે જાહેરમાં ગુસ્સો ઠાલવી ચૂક્યા છે કે ભારત પોતાના ખેડૂતોના હિત ખાતર અમેરિકા પાસેથી એક બુશેલ મકાઈ પણ ખરીદવા તૈયાર નથી. જ્યારે અમેરિકા જેવી મહાસત્તા સામે પણ ભારત ઝૂકવા તૈયાર નથી ત્યારે આ વિરોધીઓ આરોપ લગાવે છે કે સરકાર દબાણમાં છે. આનાથી મોટો હાસ્યાસ્પદ અને પાયાવિહોણો દાવો બીજો કયો હોય શકે?

ખેડૂતોના નામે સંગઠનો ચલાવતા આ આંદોલનકારીઓ હવે એક શક્તિશાળી ‘કાર્ટેલ’ બની ગયા છે. ફંડિંગ ઉઘરાવવું, આંદોલનો ઊભાં કરવાં અને તેના બદલામાં રાજકીય રોટલા શેકવા એ જ એમનો મુખ્ય ધંધો બની ગયો છે. સાચો ખેડૂત આજે ખેતરમાં બળબળતા તાપમાં પરસેવો પાડી રહ્યો છે, જ્યારે આ કથિત નેતાઓ મોંઘી ગાડીઓમાં આવીને દિલ્હીને ઘેરવાની ધમકીઓ આપી રહ્યા છે.

આખરે દિલ્હીમાં ફરી એકવાર અરાજકતા ફેલાવીને પોતાના રાજકીય આકાઓને ખુશ કરવાનું આ ષડયંત્ર હવે ઉઘાડું પડી ગયું છે. કરાર હજુ થયો નથી, ખેડૂતોના હિતો પૂર્ણપણે સુરક્ષિત છે અને કેન્દ્ર સરકાર પોતાના વલણ પર સ્પષ્ટ છે— આ ત્રણ બાબતો સ્પષ્ટ હોવા છતાં વિરોધ કરવો એ સાબિત કરે છે કે આ કોઈ ‘કિસાન આંદોલન’ નથી, પરંતુ રાજકીય સ્વાર્થથી પ્રેરાયેલું એક કાયરતાપૂર્ણ ધિંગાણું જ છે.

- Advertisement -
Join OpIndia's official WhatsApp channel

સંબંધિત લેખો

- Advertisement -

તાજા સમાચાર

ચૂકશો નહીં