‘અંતિમ તબક્કામાં ભારત-યુએસ વ્યાપાર કરાર, ટૂંક સમયમાં ઘોષણા થશે’: વાણિજ્ય મંત્રી પીયૂષ ગોયલ, કહ્યું– ખેડૂતોનાં હિતોની સંપૂર્ણ રક્ષા થશે

તાજેતરમાં વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પીયુષ ગોયલએ દિલ્હીમાં પ્રેસ કોન્ફરન્સ કરીને ભારત અને અમેરિકા વચ્ચેના આગામી વેપાર કરાર વિશે મહત્વની જાહેરાત કરી છે. આ કરારની અંતિમ તૈયારીઓ ચાલી રહી છે અને ટૂંક સમયમાં બંને દેશો તરફથી સંયુક્ત નિવેદન જાહેર થશે. આ કરારને વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની ટેલિફોનિક વાતચીત બાદ અંતિમ સ્વરૂપ આપવામાં આવ્યું છે.

પીયુષ ગોયલે જણાવ્યું કે આ વેપાર કરાર ભારત માટે અત્યાર સુધીનો સૌથી સારો કરાર છે, જે પાડોશી દેશો અને સ્પર્ધક દેશો કરતાં વધુ ફાયદાકારક છે. આ કરાર ભારતના રાષ્ટ્રીય હિત અને જનહિતને પ્રાથમિકતા આપીને તૈયાર કરવામાં આવ્યો છે.

ભારત-અમેરિકા વેપાર કરાર પર કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પીયૂષ ગોયલે જણાવ્યું કે, “આજે દેશભરના દરેક ભારતીય વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો આભાર માની રહ્યા છે કે તેમણે અમેરિકા સાથે એક ખૂબ જ સારો વેપાર કરાર કર્યો છે, જેની દેશવાસીઓ ઘણા મહિનાઓથી રાહ જોઈ રહ્યા હતા. રાષ્ટ્રીય હિત અને જનહિતને સર્વોપરી રાખીને વડાપ્રધાન મોદીના નેતૃત્વમાં ગઈકાલે રાત્રે એક એવો વેપાર કરાર ફાઈનલ કરવામાં આવ્યો છે જે મજબૂત ભારતના ભવિષ્યને વધુ બળ આપશે.”

ગોયલે જણાવ્યું કે આ કરાર ભારતના અર્થતંત્ર, 140 કરોડ નાગરિકો, ખેડૂતો, માછીમારો, ગામડાઓમાં રહેતા યુવાનો અને આપણી માતા-બહેનો માટે અપાર તકો લઈને આવશે. તેમણે કહ્યું કે મને વિશ્વાસ છે કે આ કરાર દ્વારા આપણા MSMEs, એન્જિનિયરિંગ સેક્ટર (જેમાં ઓટો કમ્પોનન્ટ્સ, ઈલેક્ટ્રિકલ પાર્ટ્સ વગેરેનો સમાવેશ થાય છે), ટેક્સટાઈલ, જેમ્સ અને જ્વેલરી, લેધર અને મરીન પ્રોડક્ટ્સ સેક્ટરને અમેરિકામાં વેપાર કરવાની અનેક નવી તકો મળશે.

તેમણે રાહુલ ગાંધી પર પ્રહાર કરતા કહ્યું હતું કે, “આ દેશનું કમનસીબ છે કે રાહુલ ગાંધી જેવા નકારાત્મક માનસિકતા ધરાવતા નેતાઓ આજે દેશને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કરી રહ્યા છે. હું રાહુલ ગાંધીના અસત્ય અને છેતરપિંડીની નિંદા કરું છું. તેઓ લોકોને ભ્રમિત કરવા માંગે છે, પરંતુ તે ચાલશે નહીં. દેશ આગળ વધી રહ્યો છે. કોંગ્રેસના 10 વર્ષના શાસન દરમિયાન તેમણે અર્થતંત્રને બરબાદ કર્યું હતું અને વિકાસ રોકી દીધો હતો.”

તેમણે જણાવ્યા અનુસાર આ વેપાર કરારમાં ભારતીય અર્થતંત્રના સંવેદનશીલ ક્ષેત્રો, ખાસ કરીને કૃષિ અને ડેરી ક્ષેત્રને સંપૂર્ણ સુરક્ષિત રાખવામાં આવ્યા છે. ગોયલે કહ્યું કે વડા પ્રધાને હંમેશા ખેડૂતોના હિતોની રક્ષા કરી છે. આગળ તેમણે જણાવ્યું કે જે લોકો નિકાસ, ટેકનોલોજી અને ગ્લોબલ સપ્લાય ચેઈન સાથે જોડાયેલા છે અથવા ભારતમાં રોકાણ કરવા માંગે છે, તેઓ આ કરારથી ખૂબ જ ઉત્સાહિત છે.

અંતે પિયુષ ગોયલે જણાવ્યું કે, “ટૂંક સમયમાં જ અમે બંને દેશો દ્વારા સંયુક્ત નિવેદન બહાર પાડીશું અને વિગતો શેર કરીશું. હું દેશના લોકોને ખાતરી આપું છું કે આ કરાર દરેક ભારતીયને ગૌરવ અપાવશે.” ગોયલે જણાવ્યા મુજબ આ કરાર કાપડ, પ્લાસ્ટિક, ફૂટવેર, મશીનરી અને એરક્રાફ્ટ કમ્પોનન્ટ્સ જેવાં ક્ષેત્રો માટે મોટી તકો ખોલશે.