સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુઓ તમારા ઘરે આવે એ પહેલાં તેમના બે-ચાર ચેલકાઓ આવી ચડે છે અને તમને સૂચના આપે છે: ‘તમારા ઘરની સ્ત્રીઓને કહો કે બહાર ન નીકળે.’ આ સૂચનાનું પાલન કરો તો જ ‘પૂજ્ય સ્વામીજી’ તમારા ઘરે પધરામણી કરે છે.
મંદિરોમાં જાઓ તો અમુક ઠેકાણે બોર્ડ લાગેલાં જોવા મળશે: ‘મહિલાઓએ અહીંથી આગળ જવું નહીં.’ ક્રાઉડ મેનેજમેન્ટ ખાતર મંદિરોમાં સ્ત્રી-પુરુષો માટે અલગ લાઇનો હોય એ જુદી વાત છે, અહીં સ્ત્રીઓ એક પોઈન્ટથી આગળ જઈ શકતી નથી. પારાયણ અને સભાઓમાં સ્ત્રીઓએ પ્રવચન કરનાર પૂજ્ય સ્વામીજીની નજરમાં ન આવે એ રીતે બેસવાનું હોય છે.
ગુજરાતીઓ વર્ષોથી આ બધું જોતા આવ્યા છે. પેરિસના એફિલ ટાવરમાં BAPS સ્વામિનારાયણ સંસ્થાના સાધુઓની મુલાકાત વખતે મહિલા કર્મચારીઓને દૂર રહેવા માટે કહેવામાં આવ્યું અને કર્મચારીઓએ હડતાળ પાડી એ સમાચાર વહેતા થયા પછી દુનિયા પણ જાણતી થઈ છે. સોશિયલ મીડિયા, ખાસ કરીને X ચર્ચાઓથી ઉભરાય રહ્યું છે. આવા પણ નિયમો હોય છે એ ઘણાને હમણાં ખબર પડી. આમાં બાત નિકલી હૈ તો દૂર તક જાયેગીવાળો ઘાટ થયો છે.
સંપ્રદાય કહે છે કે સ્વામિનારાયણ સાધુઓએ બ્રહ્મચર્યનું પાલન કરવાનું હોય છે. 1826માં સંપ્રદાયના સ્થાપક સહજાનંદ સ્વામીએ ‘શિક્ષાપત્રી’ લખી એમાં સાધુથી લઈને સામાન્ય માણસે કઈ રીતે વર્તવું તેના ઉપદેશો આપવામાં આવ્યા છે. આમાં જ સાધુઓ માટેના પણ નિયમો છે.
સહજાનંદ સ્વામી કહે છે કે, સાધુઓએ સ્ત્રીમાત્રનો સ્પર્શ ન કરવો કે તેમની સાથે સંવાદ ન કરવો અને જાણીને સ્ત્રીઓ સન્મુખ જોવું જોઈએ નહીં. (શિક્ષાપત્રી– 175). સાધુઓને સ્ત્રીઓની વાર્તા કરવા અને તેમનો ઉલ્લેખ કરીને ભગવાનની કથાવાર્તા અને કીર્તન કરવાનું ટાળવા પણ જણાવવામાં આવ્યું છે.
સંસ્થાના નિયમો પાળવાનો ભાર સમાજ પર ન હોય
બધી વાત સાચી. સાધુઓ માટે અમુક ચોક્કસ નિયમો છે એ પણ માની લઈએ. આમ તો આ નિયમો પર પણ અલગથી ચર્ચા થઈ શકે એમ છે. પણ મૂળ મુદ્દો એ છે કે એફિલ ટાવર ખાતે કામ કરતી મહિલા કર્મચારીઓ માટે એ એક વર્કપ્લેસ છે, ત્યાં તેમને દૂર રહેવા માટે કહેવું એટલે વાત સીધી જાતિ આધારિત ભેદભાવ પર ચાલી જાય છે.
સ્વામિનારાયણ સાધુઓએ એફિલ ટાવરની મુલાકાત લેવી હતી તો તેમના નિયમોનું યોગ્ય પાલન થાય તેની જવાબદારી સંસ્થાની હતી. સંસ્થાએ એ રીતે મુલાકાતનું આયોજન કરવું પડે. તેના માટે મહિલાઓને સૂચના ન અપાય. તેમ કરવું એ અહંકાર પણ દર્શાવે છે અને પોતે અલગ છીએનો ભાવ પણ. કોઈ કાળે આ મૂર્ખતાને જસ્ટિફાય કરી શકાય એમ નથી. કરવી પણ ન જોઈએ.
ઘટના વિદેશની ધરતી પર ફ્રાન્સમાં બની છે. BAPS વિદેશોમાં પણ ભવ્ય મંદિરો બાંધ્યાં હોવાનું કહીને ગર્વ લેતું રહે છે. પણ સંસ્થાએ જાણતાં-અજાણતાં પશ્ચિમને હિંદુફોબિયા ફેલાવવા માટે કારણ સામે ચાલીને હાથમાં ધરી દીધું છે. કારણ કે પશ્ચિમી લેન્સથી જોનારાઓ સંપ્રદાય-વાડાઓમાં ભેદ કરતા નથી, તેઓ હિંદુ સંસ્થા તરીકે જ જુએ છે.
વિવાદ પછી BAPSએ માફી માગીને વાળવાનો પ્રયાસ કર્યો છે પણ હવે ડેમેજ થઈ ચૂક્યું છે. સંસ્થાનું કહેવું છે કે મુલાકાતનું આયોજન એફિલ ટાવર મેનેજમેન્ટ સાથે મળીને જ કરવામાં આવ્યું હતું અને કોઈને તકલીફ ન પડે એનું ધ્યાન રખાયું હતું અને કોઈને પ્રવેશ પણ અટકાવવામાં આવ્યો ન હતો. છતાં જો કોઈને ઠેસ પહોંચી હોય તો સંસ્થા માફી માગે છે.
Nous comprenons les préoccupations exprimées et les prenons très au sérieux.
— BAPS Mandir Swaminarayan Hindou de Paris (@BAPSParis) September 7, 2026
Compte tenu de la taille de notre délégation, la visite a été organisée en coordination avec les équipes de la tour Eiffel, au début des horaires habituels d’ouverture, afin de limiter autant que… pic.twitter.com/gyiwzmh6Jv
એફિલ ટાવરનું મેનેજમેન્ટ સંભાળનાર SETEએ પુષ્ટિ કરતાં કહ્યું કે BAPSના ડેલિગેશને વિનંતી કરી હતી કે મુલાકાત દરમ્યાન મહિલાઓ સાથે સંપર્ક થવા દેવામાં ન આવે અને એટલે મહિલા કર્મચારીઓને દૂર રહેવા માટે કહેવામાં આવ્યું હતું. SETEએ પછીથી સ્વીકાર્યું કે BAPSની આ શરતો સ્વીકારવામાં આવવી જોઈતી ન હતી. BAPSએ જોકે પોતાના નિવેદનમાં આ શરતો વિશે કોઈ ઉલ્લેખ કર્યો નથી.
સંપ્રદાયને પોતાના નિયમો પાળવાનો અધિકાર, તો મહિલાઓને?
હિંદુ ધર્મ શક્તિ ઉપાસના કરે છે. આપણો એકમાત્ર ધર્મ છે જે સ્ત્રીની પૂજા કરે છે એમ કહીને આપણે ગર્વ લેતા રહીએ છીએ. માતાજીની આરાધના વગર પૂજા પૂરી થતી નથી. પણ સંપ્રદાય આ બધાથી અળગો ચાલે છે. અળગા ચાલવાનો પણ તેને અધિકાર છે કારણ કે અહીં સૌને સ્વતંત્રતા છે. પણ પ્રશ્ન એ છે કે તો પછી સ્ત્રીઓની સ્વતંત્રતાનું શું?
દલીલ ખાતર માની લઈએ કે BAPS ને કે સ્વામિનારાયણ સંપ્રદાયના અન્ય વાડાઓને પોતાના નિયમો બનાવવાનો અને તેનું પાલન કરવાનો અધિકાર છે. તો સ્ત્રીઓના અધિકારનું શું? એક સંપ્રદાયે બનાવેલા નિયમો પાળવાની જવાબદારી જે-તે સંપ્રદાય અને તેના સાધુઓની હોય. તેનું ભારણ સમાજ પર કે સમાજના એક વર્ગ પર ન નાખી શકાય.
નિયમ જો એવો હોય કે સાધુ સ્ત્રીના સંપર્કમાં ન આવી શકે તો એ નિયમ પળાય એની જવાબદારી સાધુની છે. તેના માટે તેણે જાહેર સ્થળે નહીં જવાનું. જ્યાં મહિલાઓ હોય તેવાં સ્થળોએ જવાનું ટાળવાનું. અઢળક મંદિરો છે, ત્યાં જ બેઠા રહેવાનું. અથવા હિમાલય જેવાં સ્થળોએ ચાલ્યા જવાનો વિકલ્પ પણ ખુલ્લો છે. મંદિરોમાં રહેવાનું, ભજન-કીર્તન કરવાનાં.
નિયમો સંપ્રદાયે બનાવ્યા અને હવે આ નિયમોનું પાલન થાય તેના માટે જાહેર સ્થળોએ મહિલાઓને અટકાવવી એ હાસ્યાસ્પદ પણ કહેવાય અને વિચિત્ર પણ.
દુનિયા બહુ મોટી છે. દુનિયા આપણા પિતાજીની પણ નથી. દુનિયા આપણી રીતે, આપણે ઈચ્છીએ એ પ્રમાણે પણ ચાલતી નથી. આ કોઈ બહુ મોટી ફિલસૂફી નથી. સામાન્ય માણસ પણ સમજતો થઈ ગયો છે. અખિલ બ્રહ્માંડના સંચાલકો અને પ્રગટ બ્રહ્મસ્વરૂપો પણ હવે આ શીખતા અને સમજતા થઈ જાય એ જ સમયની માંગ છે.


