હોમપેજદુનિયાગ્રીનલેન્ડ-રશિયા આફ્રિકા જેટલા મોટા નથી, ભારત પણ દેખાય છે નાનું: UNના ‘કરેક્ટ...

ગ્રીનલેન્ડ-રશિયા આફ્રિકા જેટલા મોટા નથી, ભારત પણ દેખાય છે નાનું: UNના ‘કરેક્ટ ધ મેપ’ બાદ સમજીએ દુનિયાના નકશામાં આવું કેમ થાય છે?

વાસ્તવિકતા એ છે કે દુનિયામાં કોઈપણ નકશો 100 ટકા સાચો નથી. નાવિકો માટે ' મર્કેટર' તો દેશોના ક્ષેત્રફળની તુલના માટે 'ઇક્વલ-એરિયા પ્રોજેક્શન' યોગ્ય છે. તેમજ દેશોના આકાર અને 'વિઝ્યુઅલ બેલેન્સ' જોવા માટે 'રોબિન્સન' કે 'વિકેલ ટ્રિપલ' જેવા બીજા નકશાઓ ઉપયોગી બને છે.

- Advertisement -

સંયુક્ત રાષ્ટ્ર મહાસભાએ ‘કરેક્ટ ધ મેપ’ નામનો એક મહત્વનો પ્રસ્તાવ 164 દેશોના સમર્થન સાથે પસાર કર્યો છે. આ પ્રસ્તાવનો મુખ્ય હેતુ વિશ્વના નકશામાં દરેક દેશ અને ખંડના જમીનનો વાસ્તવિક વિસ્તાર યોગ્ય રીતે દર્શાવતા ‘ઇક્વલ-એરિયા મેપ પ્રોજેક્શન્સ’ એટલે કે સમાન ક્ષેત્રફળ ધરાવતી નકશા પદ્ધતિનો ઉપયોગ કરવાનો છે. અત્યાર સુધી વપરાતા પરંપરાગત નકશામાં ઉત્તર ગોળાર્ધના દેશો મોટો કદ ધરાવતા દેખાતા હતા, જ્યારે આફ્રિકા જેવા મોટા ખંડનું વાસ્તવિક કદ નાનું દેખાતું હતું. આ નવા નિર્ણયથી વિશ્વના નકશામાં ભૌગોલિક સમાનતા અને સંતુલન લાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.

આ પ્રસ્તાવ બાદ સવાલ એ થાય છે કે શું આપણે અત્યાર સુધી ખોટો નકશો જોતા હતા? વાસ્તવમાં પૃથ્વી ગોળાકાર છે અને કાગળ સપાટ હોય છે, તેથી પૃથ્વીના ગોળાને સપાટ કાગળ પર ઉતારતી વખતે તેમ ‘ડિસ્ટોર્શન’ એટલે કે આકાર-માપમાં ફેરફાર થવા કુદરતી છે. દુનિયામાં એવો કોઈ સપાટ નકશો નથી જે દેશોનો સાચો આકાર, વાસ્તવિક વિસ્તાર, અંતર અને દિશા, આ ચારેય બાબતો એકસાથે 100 ટકા સાચી દર્શાવી શકે. નકશો એ પૃથ્વીનું આબેહૂબ ચિત્ર નથી પણ તેને રજૂ કરતી એક ‘મેથેમેટિકલ મેથડ’ છે, તેથી અલગ-અલગ કામ અને હેતુ માટે અલગ-અલગ પ્રકારના નકશા વાપરવામાં આવે છે.

આપણે બાળપણથી જોઈ રહ્યા છીએ તે કયો નકશો છે?

અત્યાર સુધી આપણે જે નકશો જોતાં હતા એ મર્કેટર પ્રોજેક્શન પદ્ધતિનો નકશો હતો, જેને 16મી સદીમાં ‘ગેરાડસ મર્કેટર’ નામના ‘કાર્ટોગ્રાફર’ એટલે કે નકશાકારે 1560માં બનાવ્યો હતો. આ નકશો દેશોના વિસ્તાર દર્શાવવા માટે નહીં, પરંતુ નાવિકો માટે સમુદ્રી નેવિગેશન સરળ બનાવવાના હેતુથી બનાવવામાં આવ્યો હતો. આ નકશાની ખાસિયત એ હતી કે તેમાં હોકાયંત્રની દિશા સચોટ રહેતી હતી અને દરિયાઈ રસ્તાઓ સીધી રેખામાં જોઈ શકાતા હતા.

- Advertisement -
(Photo: BBC)

જોકે, આ નકશામાં દિશા અને આકાર જળવાઈ રહે છે, પરંતુ જમીનનો સાચો વિસ્તાર દર્શાવી શકાતો નથી. આમાં વિષુવવૃત્તથી જેમ-જેમ ઉત્તર કે દક્ષિણ ગોળાર્ધ તરફ જઈએ તેમ-તેમ નકશાના માપમાં ફેરફાર વધતો જાય છે. આ જ કારણે યુરોપ, કેનેડા, રશિયા અને ગ્રીનલેન્ડ જેવા ઉત્તરી દેશો તેમના મૂળ કદ કરતાં ખૂબ મોટા દેખાય છે, જ્યારે વિષુવવૃત્તની નજીક આવેલા આફ્રિકા અને દક્ષિણ અમેરિકા જેવા વિશાળ ખંડો વાસ્તવિકતા કરતાં નાના દેખાય છે.

ગ્રીનલેન્ડ, આફ્રિકા અને રશિયા સૌથી મોટું ઉદાહરણ

નકશાના આ ડિસ્ટોર્શનને સમજવા માટે ગ્રીનલેન્ડ અને આફ્રિકા સૌથી શ્રેષ્ઠ ઉદાહરણ છે. સામાન્ય મર્કેટર-સ્ટાઇલ વર્લ્ડ મેપમાં ગ્રીનલેન્ડ અને આફ્રિકા ખંડ બંને લગભગ એકસરખા કદના દેખાય છે. પરંતુ વાસ્તવમાં આફ્રિકા ખંડ ગ્રીનલેન્ડ કરતાં લગભગ 14 ગણો મોટો છે.

આપણે વર્ષોથી જે નકશો જોતા આવ્યા છીએ તેમાં ગ્રીનલેન્ડ આફ્રિકા જેટલું જ વિશાળ દેખાય છે, પરંતુ વાસ્તવમાં ગ્રીનલેન્ડ એ આફ્રિકાની સરખામણીમાં એક નાનો ભૂખંડ જ છે. આ કોઈ ઇલ્યુઝન નથી, પરંતુ નકશા બનાવવાની પ્રોજેક્શન મેથડના ગણિતના કારણે સર્જાતું માપનું ફેરફાર છે.

આફ્રિકાના કદ વિશેની એક મોટી ગેરસમજ પણ દૂર કરવી જરૂરી છે, કારણ કે સામાન્ય નકશામાં તે મોટો તો દેખાય છે પણ તેની વાસ્તવિક વિશાળતા સમજાતી નથી. આફ્રિકાનું  ક્ષેત્રફળ લગભગ 30.40 મિલિયન સ્ક્વેર કિલોમીટર છે, જ્યારે વિશ્વનો સૌથી મોટો દેશ રશિયા લગભગ 17.1 મિલિયન સ્ક્વેર કિલોમીટર ધરાવે છે.  

એટલે કે આફ્રિકા ખંડ રશિયા કરતાં પણ 1.8 ગણો મોટો છે. મર્કેટર મેપને કારણે રચાતી ઇમેજમાં રશિયા આફ્રિકા કરતાં મોટું કે તેના જેટલું જ લાગે છે, પરંતુ વાસ્તવિકતામાં જો આખા રશિયાને પણ આફ્રિકાની અંદર મૂકી દેવામાં આવે તો પણ આફ્રિકા પાસે વિપુલ પ્રમાણમાં જમીન બાકી રહે છે.

માત્ર આફ્રિકા જ નહીં, ભારત અંગે પણ ડિસ્ટોર્શન

અહીં ભારતનો મુદ્દો પણ મહત્વનો છે. વિષુવવૃત્તની નજીક આવેલું હોવાથી ભારતના કદમાં પણ મર્કેટર પ્રોજેક્શનમાં ડિસ્ટોર્શન થાય છે, જેના લીધે તે તેના વાસ્તવિક કદ કરતાં નાનો દેખાય છે. પરંતુ ગ્રીનલેન્ડ, કેનેડા કે રશિયા જેટલો મોટો તફાવત દેખાતો નથી. મુખ્ય વાત એ છે કે  વિષુવવૃત્તની નજીકના દેશો ઉત્તર કે દક્ષિણના ઊંચા અક્ષાંશવાળા દેશોની સરખામણીમાં નકશા પર નાના દેખાય છે, જેના કારણે ભારતનું વાસ્તવિક ભૌગોલિક ક્ષેત્રફળ અને તેના સાપેક્ષ કદ વચ્ચે ફરક પડી જાય છે.

હાલમાં આવેલ ઇક્વલ-એરિયા પ્રોજેક્શનનો મુખ્ય હેતુ એ છે કે દરેક દેશ અને ખંડનું કદ વાસ્તવિક પ્રમાણની નજીક રહે. આ નવી પદ્ધતિવાળા નકશાઓમાં આફ્રિકા, ભારત અને દક્ષિણ અમેરિકા જેવા વિષુવવૃત્તીય પ્રદેશો અગાઉના નકશા કરતાં વધુ સંતોષકારક અને યોગ્ય પ્રમાણમાં દેખાય છે, જ્યારે ઉત્તર તરફ આવેલા કેનેડા કે રશિયા જેવા દેશો તેમના જૂના કદ કરતાં નાના અને વાસ્તવિક માપમાં દેખાવા લાગે છે.

ઘણા સમયથી એવો દાવો કરવામાં આવે છે કે  મર્કેટર નકશામાં યુરોપ અને પશ્ચિમી દેશોને અપ્રમાણસર રીતે મોટા દર્શાવીને કોલોનિયલ અથવા ગુલામીકાળની વૈશ્વિક વિચારસરણીને પ્રોત્સાહન આપવામાં આવ્યું. સામાન્ય રીતે કોઈ પણ દેશનો નકશો જોઈએ એટલે એનો આકાર અને વિસ્તાર જોઈને માણસની ભૌગોલિક સમજ પર અસર થાય છે.

કારણ કે ગેરાડસ  મર્કેટરે આ નકશો મુખ્યત્વે નવિકો માટે બનાવ્યો હતો. ખરી સમસ્યા ત્યારે ઊભી થઈ જ્યારે દરિયાઈ સફર માટે બનેલા આ નકશાનો જનરલ વર્લ્ડ મેપ તરીકે વ્યાપક ઉપયોગ થવા લાગ્યો અને લોકો દેશોના વાસ્તવિક ક્ષેત્રફળની તુલના માટે પણ તેનો જ ઉપયોગ કરવા લાગ્યા. ટૂંકમાં, મર્કેટર નકશો પોતે ખોટો નહોતો, પરંતુ દરેક કામ અને હેતુ માટે તેનો જ ઉપયોગ કરવો એ ખોટું હતું.

શું છે ‘કરેક્ટ ધ મેપ’ અભિયાન?

આ જ મુદ્દાને આફ્રિકન યુનિયનના સમર્થન સાથે ટોગો (Togo) દેશે આગળ વધારીને ‘કરેક્ટ ધ મેપ’ અભિયાન શરૂ કર્યું છે. તેમનો મુખ્ય તર્ક એ છે કે જો આખી દુનિયાને શિક્ષણ, મીડિયા, સરકારી સંસ્થાઓ અને ડિજિટલ પ્લેટફોર્મ્સ પર નકશા દ્વારા જ સમજાવવામાં આવતી હોય તો જમીનના કદમાં નકશાના કારણે થતાં ફેરફાર દૂર થવા જોઈએ.

‘રોઇટર્સ’ના અહેવાલ અનુસાર આફ્રિકન યુનિયને તેના 55 સભ્ય દેશોને ‘ઇક્વલ અર્થ પ્રોજેક્શન’ અપનાવવા માટે પ્રોત્સાહિત કર્યા હતા અને આ મુદ્દાને UN સુધી લઈ જવાની જવાબદારી ટોગો દેશને સોંપી હતી. આ વૈશ્વિક અભિયાનની પાછળ ‘આફ્રિકા નો ફિલ્ટર’ અને ‘સ્પીક અપ આફ્રિકા’ જેવી મહત્વની સંસ્થાઓએ પણ સક્રિય ભૂમિકા ભજવી છે.

‘ઇક્વલ અર્થ પ્રોજેક્શન’ શું છે?

આ સમગ્ર ચર્ચામાં સૌથી વધુ ચર્ચાતું નામ ‘ઇક્વલ અર્થ પ્રોજેક્શન’ છે. આ પદ્ધતિ 2018માં નકશાકારો બોજાન શાવરિચ, બર્નહાર્ડ જેની અને ટોમ પેટરસને વિકસાવી હતી. તેનો મુખ્ય હેતુ એક એવો વિશ્વનો નકશો બનાવવાનો હતો જેમાં ખંડોના ક્ષેત્રફળો સાચા પ્રમાણમાં રહે અને દેશોનો આકાર પણ શક્ય તેટલો કુદરતી અને યોગ્ય દેખાય.

આ નવી પદ્ધતિમાં આફ્રિકા ખંડ અચાનક મોટો થઈ જતો નથી, કારણ કે તે હંમેશાંથી મોટો જ હતો. માત્ર તેને જોવાનો દ્રષ્ટિકોણ બદલાય છે. આ વાત ભારત માટે પણ એટલી જ મહત્વની છે. જ્યારે કોઈ નકશો ભારતને વાસ્તવિક ક્ષેત્રફળના પ્રમાણમાં દર્શાવે છે, ત્યારે આપણને સમજાય છે કે ભારતનું કદ યુરોપના અનેક દેશોના સંયુક્ત કદ કરતાં ઘણું મોટું છે અને દક્ષિણ એશિયાના ‘લેન્ડમાસ’માં ભારતનું સ્થાન કેટલું વિશાળ છે.

જોકે, અહીં એક મર્યાદા ધ્યાનમાં રાખવી જરૂરી છે કે ‘ઇક્વલ અર્થ’ પણ સંપૂર્ણ સાચો કે પરફેક્ટ નકશો નથી. કોઈપણ સપાટ નકશો 100 ટકા સાચો હોય શકે નહીં. ‘ઇક્વલ અર્થ’ નકશામાં જમીનનો વિસ્તાર સાચો રહે છે, પરંતુ તેના આકાર, અંતર અને ડિરેક્શનમાં અમુક અંશે ડિસ્ટોર્શન રહી જાય છે.

તેથી ‘જૂનો નકશો સાવ ખોટો અને નવો નકશો 100 ટકા સાચો’ એવું માનવું ભૂલ ભરેલું છે. વાસ્તવિકતા એ છે કે જૂના ‘ મર્કેટર મેપ’માં દિશા જાળવવી મુખ્ય હતી, જ્યારે નવા ‘ઇક્વલ અર્થ’માં વિસ્તાર જાળવવાને પ્રાથમિકતા આપવામાં આવે છે. યુ.એસ. જીઓલોજિકલ સરવેના સત્તાવાર ‘કાર્ટોગ્રાફિક પ્રિન્સિપલ’ અનુસાર પણ અલગ-અલગ હેતુ માટે અલગ-અલગ નકશાઓ જ યોગ્ય હોય છે.

આ મુદ્દે સોશિયલ મીડિયા પર ચાલતી ગેરસમજ દૂર કરવી જરૂરી છે, કારણ કે UNએ  મર્કેટર નકશા પર કોઈ પ્રતિબંધ મૂક્યો નથી. 4 સપ્ટેમ્બરના પ્રસ્તાવનો હેતુ માત્ર સમાન ક્ષેત્રફળ દર્શાવતા નકશાઓના ઉપયોગને પ્રોત્સાહન આપવાનો છે. આ પ્રસ્તાવ કાયદાકીય રીતે બંધનકર્તા નથી, જેથી ગુગલ મેપ કે શાળાઓના એટલાસમાંથી  મર્કેટર રાતોરાત ગાયબ થશે નહીં.

આજે પણ સમુદ્રી નેવિગેશન માટે  મર્કેટર નકશો ખૂબ જ ઉપયોગી છે. સાચી વાત એ છે કે સંયુક્ત રાષ્ટ્ર હવે વિશ્વના નકશા બનાવતી સંસ્થાઓ, શિક્ષણ વ્યવસ્થા, મીડિયા અને ડિજિટલ પ્લેટફોર્મ્સને એવા નકશા અપનાવવા પ્રોત્સાહિત કરે છે, જેથી જમીનના વિસ્તારની તુલના કરતી વખતે આખી દુનિયા વધુ વાસ્તવિક અને સંતુલિત દેખાય.

ભારતે કેમ સમર્થન આપ્યું?

આ આખા મુદ્દામાં ભારતનું મતદાન વિશેષ મહત્વ ધરાવે છે, કારણ કે ભારતે 4 સપ્ટેમ્બરના પ્રસ્તાવને સમર્થન આપ્યું હતું. ભારતીય પ્રતિનિધિએ ‘ઇક્વલ-એરિયા પ્રોજેક્શન્સ’ના ઉપયોગના સિદ્ધાંતને ટેકો આપ્યો હતો. જોકે, સાથે જ એ પણ સ્પષ્ટ કર્યું કે અલગ-અલગ ‘મેપ પ્રોજેક્શન્સ’ના અલગ-અલગ ઉપયોગો હોય છે, તેથી કોઈ એક પદ્ધતિને દરેક જગ્યાએ ફરજિયાત બનાવવી યોગ્ય નથી. UNની બેઠકની સત્તાવાર નોંધમાં ભારતનું આ સ્ટેન્ડ નોંધવામાં આવ્યું છે.

આ નિર્ણય ભારત માટે સ્વાભાવિક રીતે મહત્વનો છે, કારણ કે ભારત પોતે એક વિશાળ ભૂખંડ છે. પરંતુ સામાન્ય વિશ્વના નકશામાં ઉત્તર યુરોપ, રશિયા, કેનેડા અને ગ્રીનલેન્ડ જેવા પ્રદેશોમાં થતા માપના ફેરફારને કારણે સમગ્ર વિશ્વના જમીન-વિસ્તારનું સંતુલન ખોરવાઈ જાય છે. છતાં, ભારત માટે સૌથી મોટો મુદ્દો માત્ર જમીનના કદનો નથી, પરંતુ દેશની સરહદોની સુરક્ષાનો છે.

સંયુક્ત રાષ્ટ્રના પ્રસ્તાવને સમર્થન આપ્યા બાદ ભારતના વિદેશ મંત્રાલયે એક મહત્વપૂર્ણ સ્પષ્ટતા કરી હતી. ભારતે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે યુએનના કોઈપણ પ્રસ્તાવિત નકશામાં જમ્મુ-કાશ્મીર અને લદ્દાખના કેન્દ્રશાસિત પ્રદેશોને ભારતના સત્તાવાર નકશા અનુસાર જ દર્શાવવાના રહેશે. અહીં ભારતે એકદમ સ્પષ્ટ ભેદરેખા દોરી છે કે મેપ પ્રોજેક્શન અને પ્રાદેશિક સાર્વભૌમત્વ બંને એક જ વસ્તુ નથી.

માત્ર સમાન ક્ષેત્રફળ ધરાવતી નકશા પદ્ધતિ બદલવાથી ભારતની આંતરરાષ્ટ્રીય સરહદો બદલાઈ જતી નથી. પરંતુ જો કોઈ વિશ્વના નકશામાં ભારતનો ભૂભાગ ખોટી રીતે દર્શાવવામાં આવશે તો ભારત તેને ક્યારેય સ્વીકારશે નહીં. વિદેશ મંત્રાલયે જણાવ્યું કે આ પ્રસ્તાવ કોઈ ચોક્કસ નકશા કે રાજકીય સરહદોને સમર્થન નથી આપતો. આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ, ડિજિટલ પ્લેટફોર્મ્સઅને વૈશ્વિક પ્રકાશનોના જમ્મુ-કાશ્મીર વગરના ચિત્રણ કે નિરૂપણ સામે ભારત વારંવાર વાંધો ઉઠાવતું રહ્યું છે.

ભારત માટે આ આખી ચર્ચા બે મહત્વના સ્તરે રહેલી છે. પ્રથમ ભૌગોલિક સ્તરે, જેમાં ભારતનો વાસ્તવિક ભૂખંડ વિશ્વના અન્ય પ્રદેશોની તુલનામાં યોગ્ય અને સંતુલિત પ્રમાણમાં દેખાય અને બીજું સ્વાયત્તતાના સ્તરે, જેમાં ભારતની સરહદો અને તેના સત્તાવાર ભૂભાગને કોઈ આંતરરાષ્ટ્રીય કે ડિજિટલ નકશામાં મનસ્વી રીતે બદલીને રજૂ કરવામાં ન આવે.

તેથી જ 4 સપ્ટેમ્બરે પ્રસ્તાવને ભારતનું સમર્થન અને 6 સપ્ટેમ્બરે જમ્મુ-કાશ્મીર તથા લદ્દાખ અંગે નોંધાવેલો કડક વાંધો જરાય વિરોધાભાસી નથી, પરંતુ બંને એક જ નીતિની બે બાજુ છે. દુનિયાનો નકશો વધુ વૈજ્ઞાનિક અને પ્રમાણસર હોવો જોઈએ, પણ ભારતની  પ્રાદેશિક અખંડિતતા અંગે કોઈ બાંધછોડ કે સમાધાન ન થવું જોઈએ.

માત્ર અમેરિકાએ ન કર્યું સમર્થન

નોંધનીય છે કે 4 સપ્ટેમ્બરના મતદાનમાં 164 દેશોના સમર્થન સામે માત્ર અમેરિકાએ વિરોધ કર્યો હતો, જ્યારે 6 દેશોએ મતદાન નહોતું કર્યું. જોકે, અમેરિકાએ આ પહેલ પાછળની રાજકીય રજૂઆત સામે વાંધો ઉઠાવ્યો હતો. આનાથી એક સવાલ ઊભો થાય છે કે શું નકશો ખરેખર રાજકારણ બદલી શકે?

પરોક્ષ રીતે એનો જવાબ ‘હા’ છે. જો કોઈ બાળક નાનપણથી જ એવો નકશો જુએ જેમાં અમેરિકા, યુરોપ કે રશિયા ખૂબ વિશાળ અને વિષુવવૃત્તની આસપાસના દેશો નાના દેખાય છે તો તેની એક ચોક્કસ માનસિક છબી બની જાય છે. આપણે નકશા દ્વારા માત્ર દેશનું સ્થાન નથી શીખતા, પણ કયો ખંડ કે દેશ કેટલો મોટો છે તે પણ શીખીએ છીએ. આ જ કારણે આફ્રિકન યુનિયન માને છે કે આ મેપ ડિસ્ટોર્શન માત્ર ટેકનિકલ સમસ્યા નથી, પરંતુ વૈશ્વિક દ્રષ્ટિકોણની સમસ્યા છે.

જોકે વાસ્તવિકતા એ છે કે દુનિયામાં કોઈપણ નકશો 100 ટકા સાચો નથી. નાવિકો માટે ‘ મર્કેટર’ તો દેશોના ક્ષેત્રફળની તુલના માટે ‘ઇક્વલ-એરિયા પ્રોજેક્શન’ યોગ્ય છે. તેમજ દેશોના આકાર અને ‘વિઝ્યુઅલ બેલેન્સ’ જોવા માટે ‘રોબિન્સન’ કે ‘વિકેલ ટ્રિપલ’ જેવા બીજા નકશાઓ ઉપયોગી બને છે. પૃથ્વી ગોળાકાર છે અને નકશો સપાટ, તેથી દરેક નકશો બધી જ બાબતો સચોટ રીતે બતાવી શકતો નથી.

- Advertisement -
Join OpIndia's official WhatsApp channel

સંબંધિત લેખો

- Advertisement -

તાજા સમાચાર

ચૂકશો નહીં