હોમપેજદુનિયાકેન્યાના રાષ્ટ્રપતિએ ટાટા કેમિકલ્સને દેશ છોડવા કેમ કહ્યું– 100 વર્ષ જૂના ઉદ્યોગને લઈને...

કેન્યાના રાષ્ટ્રપતિએ ટાટા કેમિકલ્સને દેશ છોડવા કેમ કહ્યું– 100 વર્ષ જૂના ઉદ્યોગને લઈને સર્જાયેલા વિવાદની ઈનસાઈડ સ્ટોરી અને ચાઇનીઝ એન્ગલ

રાષ્ટ્રપતિ રૂટોની મુખ્ય દલીલ એ છે કે કેન્યાના કુદરતી સંસાધનોમાંથી માત્ર ખનિજ કાઢીને તેને બીજા દેશોમાં મોકલી દેવાથી સ્થાનિક અર્થતંત્રને ખૂબ જ સીમિત લાભ મળે છે. તેઓ એવી વ્યવસ્થા ઈચ્છે છે જેમાં ખનિજમાંથી વધુમાં વધુ 'વેલ્યુ એડિશન' કેન્યાની સરહદોની અંદર જ થાય.

- Advertisement -

પૂર્વ આફ્રિકાના દેશ કેન્યા અને ભારતના ટાટા ગ્રુપ વચ્ચેનો દાયકાઓ જૂનો વ્યવસાયિક સંબંધ અચાનક વિવાદમાં આવ્યો છે. કેન્યાના રાષ્ટ્રપતિ વિલિયમ રૂટોએ 3 સપ્ટેમ્બર 2026ના રોજ ‘ટાટા કેમિકલ્સ’ને દેશમાંથી પોતાની કામગીરી બંધ કરીને બહાર નીકળી જવા આદેશ આપ્યો છે. રાષ્ટ્રપતિના મતે ટાટા કેમિકલ્સે કેન્યાનાં કુદરતી સંસાધનોનો પૂરતો ઉપયોગ તો કર્યો પરંતુ તે પ્રમાણે સ્થાનિક સ્તરે રોકાણ, નવા ઉદ્યોગો, રોજગાર કે વેલ્યુ એડિશન ઊભું કર્યું નથી. આ દાવાઓના કારણે આ વિવાદ આંતરરાષ્ટ્રીય ચર્ચાનો વિષય બન્યો છે.

બીજી તરફ, ટાટા કેમિકલ્સે આ આરોપો સામે સ્પષ્ટતા કરતાં જણાવ્યું છે કે તેમની કેન્યા સ્થિત કંપની તમામ નિયમોનું પાલન કરે છે અને સરકારે માંગેલા તમામ જરૂરી દસ્તાવેજો પણ જમા કરાવી દીધા છે. કંપની હાલમાં આગળની દિશા અને સરકારી સમીક્ષાની રાહ જોઈ રહી છે. આ કેસમાં લાયસન્સ, રોયલ્ટી, નિકાસના રિપોર્ટિંગ, પર્યાવરણ અને સ્થાનિક વિકાસ જેવા અનેક જટિલ મુદ્દાઓ જોડાયેલા છે.

હકીકતમાં, 28 જુલાઈ 2026થી જ કેન્યા સરકારે ટાટાના મેગાડી ઑપરેશન અને સોડા એશની નિકાસ પર રોક લગાવી દીધી હતી. ત્યારબાદ રાષ્ટ્રપતિ રૂટોએ જાહેરમાં જ ટાટાને દેશ છોડવા કહ્યું હતું, જેનાથી આ મુદ્દો હવે સામાન્ય નિયમનકારી વિવાદમાંથી વધીને રાજકીય અને આંતરરાષ્ટ્રીય સ્તરનો વિષય બની ગયો છે.

- Advertisement -

લેક મેગાડી શું છે અને ટાટા માટે આટલું મહત્વનું કેમ છે?

આ આખા વિવાદનું મુખ્ય કેન્દ્ર પૂર્વ આફ્રિકાના કેન્યા દેશના કાજિયાડો કાઉન્ટીમાં આવેલું ‘લેક મેગાડી’ (મેગાડી નામનું સરોવર) છે. આ લેકમાંથી કુદરતી રીતે ‘ટ્રોના’ નામનું ખનિજ મળે છે, જેમાંથી ‘સોડા એશ’નું (સોડિયમ કાર્બોનેટ) ઉત્પાદન કરવામાં આવે છે.

સોડા એશ ઔદ્યોગિક ક્ષેત્રે ખૂબ જ મહત્વનો કાચો માલ છે. તેનો ઉપયોગ મુખ્યત્વે કાચ બનાવવામાં, ડિટર્જન્ટ, વિવિધ કેમિકલ્સ અને વોટર ટ્રીટમેન્ટ જેવા ઉદ્યોગોમાં થાય છે. ખાસ કરીને કાચ બનાવવાના ઉદ્યોગ માટે સોડા એશ અત્યંત જરૂરી છે.

લેક મેગાડી ખાતે સોડા એશનું ઔદ્યોગિક ઉત્પાદન વર્ષ 1911થી એટલે કે ટાટા ગ્રુપ કેન્યામાં આવ્યું તે પહેલાંથી ચાલી રહ્યું છે. 1928માં કેન્યા સરકાર સાથે આ માટે લાંબા ગાળાની લીઝ કરવામાં આવી હતી. વર્ષ 2005માં ટાટા કેમિકલ્સે બ્રિટનની ‘બ્રનર મોન્ડ ગ્રુપ’ને હસ્તગત કરી, જેના કારણે મેગાડીનું ઑપરેશન ટાટા ગ્રુપના નિયંત્રણ હેઠળ આવ્યું.

ટાટા કેમિકલ્સની કેન્યાની સબસિડિયરી કંપની ‘ટાટા કેમિકલ્સ મેગાડી લિમિટેડ’ (TCML) આ લેકમાંથી ટ્રોના ખનિજ કાઢીને તેને સોડા એશમાં પ્રોસેસ કરવાનું કામ કરે છે. મેગાડી પ્લાન્ટમાંથી દર વર્ષે આશરે 3.5 લાખ ટનથી વધુ સોડા એશનું ઉત્પાદન થાય છે, જે ભારત ઉપરાંત દક્ષિણપૂર્વ એશિયા, મધ્ય પૂર્વ અને આફ્રિકાના દેશોમાં નિકાસ કરવામાં આવે છે.

આ વૈશ્વિક નિકાસના કારણે લેક મેગાડી માત્ર એક સ્થાનિક પ્લાન્ટ નથી પરંતુ આંતરરાષ્ટ્રીય સપ્લાય ચેઇનનો એક મહત્વપૂર્ણ ભાગ છે. યુએસ જીઓલોજિકલ સર્વે અનુસાર, વિશ્વના કુલ કુદરતી સોડા એશ ઉત્પાદનમાં કેન્યા આશરે 1 ટકા હિસ્સો ધરાવે છે અને લેક મેગાડી આ કેન્યાના સોડા એશ ઉદ્યોગનું મુખ્ય હૃદયસમાન કેન્દ્ર છે.

હાલમાં કેમ થઈ રહ્યો છે આ વિવાદ

કેન્યા સરકાર અને ટાટા કેમિકલ્સ વચ્ચેના હાલના વિવાદનું તાત્કાલિક કારણ 28 જુલાઈ 2026ના રોજ લેવાયેલો એક સરકારી નિર્ણય છે. કેન્યાના માઇનિંગ અને મરીન અફેર્સ વિભાગના કેબિનેટ સેક્રેટરી હસન જોહોએ ‘ટાટા કેમિકલ્સ મેગાડી’ની તમામ માઇનિંગ કામગીરી સ્થગિત કરવાનો આદેશ આપ્યો હતો.

કેન્યા સરકારનો આરોપ હતો કે કંપની સામે સ્થાનિક ‘માઇનિંગ એક્ટ’ અને સંબંધિત નિયમો હેઠળ કેટલીક મહત્વપૂર્ણ કાયદાકીય બાબતો હજુ સુધી ઉકેલાઈ નથી. આ આદેશને કારણે માત્ર ખનન કામગીરી જ નહીં, પરંતુ મેગાડીથી થતી સોડા એશની નિકાસ પણ સંપૂર્ણપણે બંધ થઈ ગઈ હતી.

સરકારે ઉઠાવેલા મુદ્દાઓમાં મુખ્યત્વે રોયલ્ટીની ગણતરી અને તેની બાકી ચુકવણી તેમજ નિકાસના રિપોર્ટિંગમાં રહેલી ખામીઓ સામેલ હતી. આ ઉપરાંત ખનિજનું સ્થાનિક સ્તરે વેલ્યુ એડિશન (મૂલ્યવર્ધન) ન થવા અંગે પણ સરકારે નારાજગી વ્યક્ત કરી હતી.

આ સિવાય સ્થાનિક સમુદાયના વિકાસ માટેના કરારો, કેન્યાના નાગરિકો માટે રોજગારીની તકો ઊભી કરવી અને સ્થાનિક કર્મચારીઓને સ્કિલ ટ્રાન્સફર કરવું જેવા મુદ્દાઓ પણ વિવાદના કેન્દ્રમાં હતા. સ્થાનિક સપ્લાયરો પાસેથી સામાનની ખરીદી અને પર્યાવરણીય નિયમોના પાલન અંગે પણ સવાલો ઉઠ્યા હતા.

સરકારનું કહેવું હતું કે આ બાબતો અંગે કંપની સાથે લાંબા સમયથી વાતચીત ચાલી રહી હતી. આથી કામગીરી ફરી શરૂ કરતાં પહેલાં કંપની પોતાની તમામ કાયદાકીય અને નૈતિક જવાબદારીઓ પૂરી કરે તે જરૂરી હતું. બીજી તરફ, ટાટા કેમિકલ્સે સરકારના આ આરોપોને ફગાવતાં સ્પષ્ટ કર્યું હતું કે તેમની કેન્યા સ્થિત કંપની તમામ નિયમોનું કડકપણે પાલન કરે છે. ટાટાએ નિયમોનું કોઈ ઉલ્લંઘન કર્યું હોવાનો સ્પષ્ટ અસ્વીકાર કર્યો હતો.

કેન્યા ટાટા વિવાદ
શું છે કેન્યા અને ટાટા વચ્ચેનો વિવાદ (ફોટો: AI)

ટાટા કેમિકલ્સ અનુસાર, 11 ઑગસ્ટ 2026ના રોજ કંપનીએ મંત્રાલય દ્વારા માગવામાં આવેલી તમામ માહિતી, રિપોર્ટ્સ અને જરૂરી દસ્તાવેજો જમા કરાવી દીધા હતા. કંપનીએ જણાવ્યું કે તેમણે સરકારના સવાલોનો વિસ્તૃત જવાબ આપ્યો છે અને તેઓ કાયદાકીય પ્રક્રિયાથી મામલાનો ઉકેલ લાવવા માટે ચર્ચા કરવા તૈયાર છે.

કેન્યાના રાષ્ટ્રપતિના દાવાઓ

આ મામલો વધુ મોટો ત્યારે બન્યો જ્યારે કેન્યાના રાષ્ટ્રપતિ વિલિયમ રૂટોએ 3 સપ્ટેમ્બરએ ટાટા પર નિવેદન આપ્યું. જોકે આ ટિપ્પણી માત્ર લાયસન્સ અથવા રોયલ્ટી પૂરતી મર્યાદિત નહોતી. રાષ્ટ્રપતિએ કાજિયાડોની મુલાકાત દરમિયાન સ્પષ્ટ શબ્દોમાં સવાલ ઉઠાવ્યો હતો કે ટાટા પાસે મેગાડી વિસ્તારમાં લાંબા સમયથી ખનનના અધિકારો હોવા છતાં ત્યાં પૂરતું સ્થાનિક ઔદ્યોગિક રોકાણ કેમ થયું નથી?

રાષ્ટ્રપતિ રૂટોની મુખ્ય દલીલ એ છે કે કેન્યાના કુદરતી સંસાધનોમાંથી માત્ર ખનિજ કાઢીને તેને બીજા દેશોમાં મોકલી દેવાથી સ્થાનિક અર્થતંત્રને ખૂબ જ સીમિત લાભ મળે છે. તેઓ એવી વ્યવસ્થા ઈચ્છે છે જેમાં ખનિજમાંથી વધુમાં વધુ ‘વેલ્યુ એડિશન’ કેન્યાની સરહદોની અંદર જ થાય.

તેમણે કાજિયાડો વિસ્તારમાં ખાસ કરીને બે મોટા ઉદ્યોગો સ્થાપવાની વાત કરી હતી–એક મોટો ગ્લાસ મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ અને બીજો કેમિકલ મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ. કેન્યા સરકારનો નવો અભિગમ માત્ર ખનન કરવા સુધી સીમિત ન રહેતા, ‘માઇનિંગ+મેન્યુફેક્ચરિંગ+સ્થાનિક રોજગાર’ તરફ આગળ વધવાનો છે.

અહીં એક મહત્વપૂર્ણ વાત સમજવી જરૂરી છે કે સોડા એશ એ સીધું જમીનમાંથી નીકળતું ખનિજ નથી, પણ એક પ્રોસેસ થયેલું ઉત્પાદન છે. કેન્યા સરકારનો મૂળ પ્રશ્ન એ છે કે સોડા એશ બન્યા પછી તેનાથી આગળ કાચ કે અન્ય કેમિકલ્સ બનાવવાનો ઉદ્યોગ કેન્યામાં જ વિકસાવવો જોઈતો હતો.

આથી, આ વિવાદ માત્ર ‘ખનિજ કાઢવા’ પૂરતો નથી પરંતુ કેન્યાની અંદર સ્થાનિક સ્તરે કેટલું વેલ્યુ એડિશન થવું જોઈએ તેના પર કેન્દ્રિત છે. કેન્યા સરકાર ઈચ્છે છે કે આ સંસાધનોનો ઉપયોગ કરીને દેશમાં જ મોટા મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ્સ શરૂ થાય.

ટાટાએ કેન્યાના રાષ્ટ્રપતિના દાવા ફગાવ્યા

બીજી તરફ, રાષ્ટ્રપતિ રૂટોના ‘કેન્યાને લાભ નથી મળ્યો’ તેવા નિવેદનનો ટાટા કેમિકલ્સે જવાબ આપ્યો છે. કંપનીનું કહેવું છે કે તેમનો મેગાડી બિઝનેસ દેશની અર્થવ્યવસ્થામાં ખૂબ જ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.

કંપનીના નિવેદન અનુસાર, આશરે 500 કર્મચારીઓ અને તેમના પરિવારો ઉપરાંત કોન્ટ્રાક્ટરો, સપ્લાયરો અને ટ્રાન્સપોર્ટરો આ વ્યવસાય સાથે સીધા કે પરોક્ષ રીતે જોડાયેલા છે. આ સિવાય મેગાડી વિસ્તારમાં આશરે 30,000 લોકોને પાણી, આરોગ્ય, શિક્ષણ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર જેવી સુવિધાઓથી સીધો લાભ મળી રહ્યો છે.

આ વિવાદમાં માઇનિંગ લાયસન્સ પણ એક મોટો મુદ્દો બન્યો છે. કેન્યા સરકારે કોર્ટમાં દલીલ કરી હતી કે ટાટા કેમિકલ્સ મેગાડી પાસે તે સમયે કરન્ટ માઇનિંગ લાયસન્સ નહોતું, કારણ કે તેમની નવી અરજી પ્રક્રિયા હેઠળ હતી.

કેન્યાના રાષ્ટ્રપતિએ શું કહ્યું, ટાટા કેમિકલ્સનું શું કહેવું છે

કેન્યા ગેઝેટમાં 2025 અને 2026 દરમિયાન આશરે 63 ચોરસ કિલોમીટરથી વધુ વિસ્તાર માટે સોડા એશ માઇનિંગ લાયસન્સની અરજીઓ નોંધાયેલી જોવા મળે છે. લાયસન્સની આ મંજૂરી પ્રક્રિયા પણ હાલમાં ચાલતા કાયદાકીય અને રાજકીય વિવાદનો એક મહત્વનો ભાગ બની ગઈ છે.

ટાટાએ કોર્ટમાં કરી હતી અપીલ

28 જુલાઈના રોજ કામગીરી સ્થગિત કરાતા ટાટા કેમિકલ્સે કેન્યાની હાઇકોર્ટમાં સરકારના આ નિર્ણયને પડકાર્યો હતો. કંપનીએ સસ્પેન્શન પર તાત્કાલિક સ્ટે માગ્યો હતો, પરંતુ કોર્ટે તે તબક્કે રાહત આપવાનો સ્પષ્ટ ઈનકાર કર્યો હતો. કેસમાં સરકાર અને ટાટા વચ્ચે કાયદાકીય લડાઈ હજુ પણ ચાલુ છે.

કેન્યા સરકાર અને ટાટા વચ્ચે નાણાકીય બાબતોનો વિવાદ પહેલેથી જ ચાલી રહ્યો છે. અગાઉ કાજિયાડો કાઉન્ટી સરકારે જમીનના દર અને બાકી રકમ પેટે ટાટા પાસે આશરે 17.45 અબજ કેન્યન શિલિંગ્સનો દાવો કર્યો હતો. જોકે, 2025માં કોર્ટ ઓફ અપીલે આ દાવો મનસ્વી ગણાવીને ટાટાની તરફેણમાં ચુકાદો આપ્યો હતો.

આ જૂનો જમીન-રેટનો કેસ અને 2026નો હાલનો માઇનિંગ વિવાદ બંને અલગ છે. વર્તમાન વિવાદમાં માત્ર જમીનના નાણાં જ નહીં, પરંતુ માઇનિંગ લાયસન્સ, રોયલ્ટી, નિકાસના રિપોર્ટિંગ, સ્થાનિક રોજગારી, સમુદાયના કરારો અને પર્યાવરણીય નિયમો જેવા અનેક જટિલ મુદ્દાઓ પણ જોડાયેલા છે.

આ આખા મામલામાં સૌથી મોટો વળાંક 3 સપ્ટેમ્બરે આવ્યો. જુલાઈ સુધી સરકારનો અભિગમ એવો હતો કે નિયમોનું પાલન કરીને વિવાદ ઉકેલવામાં આવે તો કામગીરી ફરી શરૂ થઈ શકે. પરંતુ સપ્ટેમ્બરમાં રાષ્ટ્રપતિ રૂટોએ સીધું જ કહી દીધું કે ‘ટાટાએ હવે બહાર નીકળી જવું જોઈએ અને નવી કંપનીઓને તક આપવામાં આવશે.’

જોકે, રાષ્ટ્રપતિના નિવેદન માત્રથી કંપની તરત જ બહાર થઈ જતી નથી. તેના માટે લાયસન્સ, કરારો, મિલકત અને બાકી દાવાઓ સહિતની લાંબી કાયદાકીય પ્રક્રિયામાંથી પસાર થવું પડશે. બીજી તરફ, રાષ્ટ્રપતિ રૂટોના જણાવ્યા અનુસાર સરકાર બે નવી કંપનીઓને લાવવા માંગે છે– જેમાંથી એક કાચનું અને બીજી કેમિકલ્સનું ઉત્પાદન કરશે. કેન્યા સરકારનો મૂળ હેતુ સોડા એશમાંથી દેશમાં જ પ્રોસેસિંગ કરીને સ્થાનિક રોજગાર, નવી સપ્લાય ચેઇન અને વધુ ટેક્સ આવક ઊભી કરવાનો છે.

હાલની વાસ્તવિક સ્થિતિ એ છે કે મેગાડી પ્લાન્ટનું ઑપરેશન બંધ છે, કેન્યા સરકાર ટાટાને બહાર જવા કહી રહી છે, જ્યારે ટાટા નિયમોના પાલનનો દાવો કરીને કાયદાકીય લડાઈ લડી રહ્યું છે. આ સમાચારો વચ્ચે ઘણા લોકો આ વિવાદને ભારત અને કેન્યાનો વિવાદ ગણી રહ્યા છે.

જોકે, આ મામલાને સીધો ‘ભારત વિરુદ્ધ કેન્યા’નો કૂટનીતિક વિવાદ ગણવો યોગ્ય નથી. આ મુખ્યત્વે કેન્યા સરકાર અને ‘ટાટા કેમિકલ્સ મેગાડી’ વચ્ચેનો એક કમર્શિયલ અને રેગ્યુલેટરી વિવાદ છે. કેન્યામાં હાલ 200થી વધુ ભારતીય કંપનીઓ કાર્યરત છે, તેથી ટાટાના આ કેસ પરથી બધી જ ભારતીય કંપનીઓને બહાર કાઢવામાં આવી રહી છે તેવો નિષ્કર્ષ કાઢી શકાય નહીં.

હાલમાં કોર્ટના વલણની રાહ જોવાઈ રહી છે. કેન્યા સરકારનું કહેવું છે કે ટાટા લાંબા સમયથી સંસાધનોનો ઉપયોગ કરે છે, પરંતુ સ્થાનિક સ્તરે પૂરતું રોકાણ, રોજગાર અને પ્રોસેસિંગ કરતું નથી. બીજી તરફ, ટાટાનું કહેવું છે કે તે તમામ સરકારી નિયમોનું પાલન કરે છે અને તેમણે સરકારે માંગેલા તમામ જરૂરી દસ્તાવેજો રજૂ કરી દીધા છે.

ભવિષ્યમાં આ વિવાદ મુખ્યત્વે ત્રણ દિશામાં આગળ વધી શકે છે: પ્રથમ, ટાટા અને સરકાર વચ્ચે સ્થાનિક રોકાણ અંગે નવી શરતો સાથે સમાધાન થાય; બીજું, બંને વચ્ચે લાંબી કાયદાકીય લડાઈ ચાલે; અને ત્રીજું, કેન્યા સરકાર ટાટાને બહાર કરીને નવી કંપનીઓ દ્વારા મેગાડીનું પુનર્ગઠન કરે.

આ મામલામાં સોશિયલ મીડિયા પર એક મોટી ગેરસમજ પણ જોવા મળે છે. લોકો એવો દાવો કરી રહ્યા છે કે ટાટા 100 વર્ષથી ત્યાં ખનન કરી રહ્યું છે. જોકે વાસ્તવમાં મેગાડીમાં સોડા એશનું ઉત્પાદન 1911થી થઈ રહ્યું છે, પરંતુ ટાટા કેમિકલ્સે 2005માં ‘બ્રનર મોન્ડ ગ્રુપ’ને ખરીદીને આ ઑપરેશન સંભાળ્યું હતું. આથી ટાટા પોતે 100 વર્ષથી ત્યાં ખનન કરી રહ્યું છે તેમ કહેવું ખોટું છે, બિઝનેસ 100 વર્ષ જૂનો છે, પરંતુ ટાટા 2005થી જોડાયેલું છે.

અંતે આ એક ચાલી રહેલો ખનન અને નિયમનકારી વિવાદ છે, જે હવે સ્થાનિક આર્થિક સાર્વભૌમત્વના રાજકીય મુદ્દા સાથે જોડાઈ ગયો છે. ટાટા કેન્યામાંથી સંપૂર્ણપણે બહાર નીકળશે કે પછી કોઈ નવું સમાધાન થશે, તેનો અંતિમ નિર્ણય આવવાનો હજુ બાકી છે.

સ્થાનિક રાજકારણમાં મતભેદ, રાષ્ટ્રપતિ પર ચીની રોકાણકારોની તરફેણ કરવાનો આરોપ

આ નિર્ણયોને લઈને હવે સ્થાનિક સ્તરે પણ વિરોધ શરૂ થયો છે. કેન્યાના પૂર્વ ઉપરાષ્ટ્રપતિ Rigathi Gachaguaએ રાષ્ટ્રપતિ રૂટો પર મનસ્વી રીતે નિર્ણયો લેવાનો આરોપ લગાવ્યો છે અને સાથે કહ્યું કે રાષ્ટ્રપતિના અમુક ચીની રોકાણકારો સાથે પણ સંબંધો છે અને તેઓ તેમને વિસ્તારમાં લાવવા માગતા હોય એ શક્યતાઓ પણ નકારી શકાય નહીં.

પૂર્વ ઉપરાષ્ટ્રપતિએ ન્યૂઝ18 સાથેની એક વાતચીતમાં કહ્યું કે ટાટા કેમિકલ્સને કેન્યાની સરકાર બહારનો રસ્તો દેખાડવા માગે છે પરંતુ તેનાથી મગાડી વિસ્તારમાં અમુક આવશ્યક સેવાઓ પર માઠી અસર થશે. તેમણે કહ્યું કે તેમની પાર્ટી ડેમોક્રેસી ફોર સિટીઝન્સ પાર્ટી સરકારના આ નિર્ણય સામે વિરોધ કરશે.

તેમણે કહ્યું કે વિસ્તારની સંપૂર્ણ અર્થવ્યવસ્થા ટાટા કેમિકલ્સ પર નભે છે અને કંપનીએ સિવિક ઈન્ફ્રાસ્ટ્રકચરમાં પણ ખૂબ રોકાણ કર્યું છે. સાથે કહ્યું કે કંપની વિસ્તારના સ્થાનિક સમુદાયને પાણી, આરોગ્ય, શિક્ષણ, બેન્કિંગ વગેરે વ્યવસ્થાઓ પૂરી પાડે છે અને આ લોકોનું જીવન ટાટા કેમિકલ્સની સુવિધાઓ પર આધારિત છે. જો ટાટા પર રોક લગાવવામાં આવશે તો સમુદાયને પણ અસર થશે.

પૂર્વ ઉપરાષ્ટ્રપતિએ બંધારણનો હવાલો આપીને જણાવ્યું કે કોઈ પણ નિર્ણય જે લોકોને અસર કરતો હોય તે કરવા પહેલાં સરકારે લોકો સાથે સંવાદ કરવો, તેમનો મત જાણવો જરૂરી છે. પરંતુ આ નિર્ણયમાં સરકારે સ્થાનિક સમુદાયનો મત જાણ્યો નથી, તેમનું ટાટા કેમિકલ્સ વિશે શું માનવું છે એ પણ જાણવાની તસ્દી લીધી નથી.

ચીની એન્ગલ વિશે પૂર્વ ઉપરાષ્ટ્રપતિએ કહ્યું કે સરકારના આ નિર્ણય પાછળ બેઇજિંગ પણ જવાબદાર હોય શકે કારણ કે લિથિયમ અને અન્ય મિનરલોમાં ચીનનો વિશેષ રસ રહ્યો છે. સાથે કહ્યું કે રાષ્ટ્રપતિ રૂટો અને અમુક ચીનીઓ બિઝનેસ પાર્ટનર છે અને તેઓ ચીનીઓને કેન્યામાં લાવવા માગતા હોય એવું પણ બની શકે.

- Advertisement -
Join OpIndia's official WhatsApp channel

સંબંધિત લેખો

- Advertisement -

તાજા સમાચાર

ચૂકશો નહીં