
ટેરર ફન્ડિંગ કેસમાં જેલમાં બંધ આતંકવાદી યાસિન મલિકે તાજેતરમાં કોર્ટમાં દાખલ કરેલા સોગંદનામા પર આતંકનો ભોગ બનેલા પીડિત પરિવારોએ ઉગ્ર રોષ વ્યક્ત કર્યો છે. તેઓ કહી રહ્યા છે કે યાસીને દાખલ કરેલું આ એફિડેવિટ બીજું કશું જ નહીં પરંતુ ‘પબ્લિસિટી સ્ટંટ’ છે અને સહાનુભૂતિ મેળવવાનો પ્રયાસ માત્ર છે.
ઉલ્લેખનીય છે કે મલિકે શ્રીનગર કોર્ટમાં એક એફિડેવિટ દાખલ કરીને 1990ના સરલા ભટ્ટ હત્યા કેસમાં ટ્રાયલ ન લડવા માટેની જાહેરાત કરી છે અને સાથે કહ્યું છે કે કોર્ટ તેની ફાંસીની સજા પર વિચાર કરી શકે છે. પરંતુ સાથે તેણે આરોપો સ્વીકારવાનો પણ ઇનકાર કરી દીધો છે અને દાવો કર્યો છે કે હત્યા કેસમાં તેનો કોઈ હાથ ન હતો અને તેને રાજકીય કારણોસર ફસાવવામાં આવી રહ્યો છે. બીજી તરફ મલિકે તેની પાકિસ્તાની પત્ની મુશાલ હુસૈન મલિક સાથે તલાક લેવાની પણ ઘોષણા કરી છે.
પીડિત પરિવારોએ મલિકના આ નિર્ણયને સ્પષ્ટપણે એક ‘પબ્લિસિટી સ્ટંટ’ અને ‘સહાનુભૂતિ મેળવવાનો પ્રયાસ’ ગણાવીને ફગાવી દીધો છે. પરિવારોનું કહેવું છે કે મલિક હવે પોતાના ગુનાઓમાંથી બચવા અને સાચા કાનૂની ન્યાયથી ધ્યાન ભટકાવવા માટે મગરના આંસુ સારી રહ્યો છે.
1990માં શ્રીનગરમાં આતંકી હુમલા દરમિયાન હુતાત્મા થયેલા સ્ક્વોડ્રન લીડર રવિ ખન્નાની પત્ની નિર્મલ ખન્નાએ આકરો પ્રહાર કરતાં જણાવ્યું કે મલિકે તેમના નિઃશસ્ત્ર પતિના શરીરમાં 28 ગોળીઓ મારી હતી. તેમણે કહ્યું કે, “આજે તે પોતાની પત્નીને વિધવા જીવનમાંથી બચાવવા માટે તલાકની વાતો કરે છે, પરંતુ તેણે પોતે જે સેંકડો મહિલાઓને વિધવા બનાવી છે તેમના દુઃખનું શું?” નિર્મલે માગ કરી છે કે મલિકે આચરેલાં કુકર્મો માટે તેને ફાંસીથી ઓછી કોઈ સજા ન મળવી જોઈએ.
ન્યાયમાં થઈ રહેલા વિલંબ અંગે ગંભીર સવાલો ઉઠાવતાં નિર્મલ ખન્નાએ ઉમેર્યું કે, આ ઘટનાને 36 વર્ષ જેટલો લાંબો સમય વીતી ગયો હોવા છતાં સરકાર અને ન્યાયતંત્રએ હજુ સુધી ન્યાય કેમ નથી આપ્યો? તેમણે ભારપૂર્વક કહ્યું કે તેનાં કર્મો તેના સુધી પહોંચી ગયાં છે અને તે હવે કોઈપણ નાટક કરીને પોતાની સજાથી બચી શકશે નહીં.
આ જ રીતે આતંકીઓએ અસહ્ય ત્રાસ આપીને જેમની હત્યા કરી હતી એવા ઈન્સ્પેક્ટર ચૂની લાલ શાહલાના પુત્રી ડૉ. સુષ્મા શાહલાએ પણ મલિકના સોગંદનામાની આકરી ટીકા કરી છે. મે 1990માં ઉત્તર કાશ્મીરમાં તેમના પિતાની ઘાતકી હત્યા કરવામાં આવી હતી.
ડૉ. સુષ્માએ પોતાનો આક્રોશ ઠાલવતાં કહ્યું કે, એક પીડિત તરીકે તેમને એ વાતની રાહત છે કે આખરે મલિકે કરેલાં પાપોનો હિસાબ થઈ રહ્યો છે. તેમણે સવાલ કર્યો કે જ્યારે તેમના પિતાની હત્યા કરીને તેમની માતાને વિધવા બનાવી દેવાઈ હતી, ત્યારે મલિકને એ પરિવારોનું દુ:ખ કેમ ન દેખાયું? અને હવે જ્યારે તેનો પોતાનો સમય આવ્યો છે ત્યારે તે રડવાનું નાટક કરી રહ્યો છે.
યાસિન માલિકે કોર્ટમાં 25 પાનાંનું એફિડેવિટ દાખલ કરાવીને કહ્યું છે કે તે સરલા ભટ્ટ કેસમાં પોતાનો બચાવ નથી કરવા માંગતો તેથી કોર્ટ તેને મોતની સજા આપી શકે છે. આ સાથે જ તેણે એફિડેવિટમાં એવું પણ લખ્યું છે કે તે તેની પત્નીને તલાક આપવા માંગે છે જેથી તેણે વિધવા તરીકે ન જીવવું પડે.

