‘ટ્રાયલ નહીં લડું, ફાંસી આપી દો’: સરલા ભટ્ટ હત્યા કેસમાં આતંકવાદી યાસીન મલિકનું કોર્ટમાં એફિડેવિટ, પાકિસ્તાની પત્નીને આપશે તલાક

યાસીન મલિક અને પત્ની

ટેરર ફન્ડિંગ સહિતના કેસોમાં જેલમાં બંધ આતંકવાદી અને જમ્મુ-કાશ્મીર લિબરેશન ફ્રન્ટના ચીફ યાસીન મલિકે 1990ના કાશ્મીરી હિંદુ નર્સ સરલા ભટ્ટના હત્યાના કેસમાં ટ્રાયલ ન લડવા માટેનું એફિડેવિટ દાખલ કર્યું છે. 2 સપ્ટેમ્બરે શ્રીનગરની એડિશનલ સેશન્સ કોર્ટમાં 25 પાનાંનું સોગંદનામું દાખલ કરીને ભટ્ટે કહ્યું કે તે કેસમાં ટ્રાયલ લડવા માગતો નથી. સાથે કહ્યું કે આજે નહીં તો કાલે તેને મૃત્યુદંડ આપવામાં આવશે જેથી તેની પત્નીને પણ તલાક આપવા જઈ રહ્યો છે જેથી તે પોતાના જીવનમાં આગળ વધી શકે. મલિકની પત્ની પાકિસ્તાની છે.

જોકે એફિડેવિટમાં યાસીન મલિકે સરલા ભટ્ટ કેસમાં પોતાનો કોઈ દોષ ન હોવાનું કહ્યું છે. મલિકે એફિડેવિટમાં પોતાને ખોટી રીતે ફસાવવામાં આવ્યો હોવાનાં રોદણાં રડીને કહ્યું છે કે તેનો કોઈ રોલ ન હતો અને રાજકીય ઈરાદે તેની સામે કેસ દાખલ કરવામાં આવ્યો હતો.

મલિકે પોતાના નિવેદનમાં જણાવ્યું કે તેણે લાંબા વિચાર-વિમર્શ અને ‘ઇસ્તિખારા’ નામની ઇસ્લામિક ઈબાદત કર્યા પછી જ આ નિર્ણય લીધો છે. હવે કોર્ટે એડિફેવિટ રેકર્ડ પર લઈને કેસની આગામી સુનાવણી 19 સપ્ટેમ્બરે નક્કી કરી છે. જોકે આ પહેલીવાર નથી જ્યારે યાસીન મલિકે કોર્ટમાં પોતાની સામેની કાર્યવાહીનો વિરોધ કરવાનો ઇનકાર કર્યો હોય.

અગાઉ પણ કરી ચૂક્યો છે બચાવનો ઇનકાર

આ અગાઉ મે 2022માં પણ દિલ્હીની વિશેષ NIA કોર્ટે ટેરર ફન્ડિંગ કેસમાં તેને દોષિત ઠેરવ્યો ત્યારે મલિકે બચાવ કરવાનો ઇનકાર કરી દીધો હતો. ત્યારબાદ તેને આજીવન કેદની સજા થઈ હતી, જેને મૃત્યુદંડમાં બદલવા માટે NIA હાલમાં પ્રયાસ કરી રહી છે. સરલા ભટ્ટ કેસમાં પણ તે આરોપો સ્વીકાર્યા વગર મૃત્યુદંડ આપવા કહી રહ્યો છે.

પોતાના બચાવમાં મલિકે દાવો કર્યો છે કે 19 એપ્રિલ 1990ના રોજ સરલા ભટ્ટની હત્યા થઈ ત્યારે તે પોતે ગંભીર રીતે ઘાયલ હોવાથી હોસ્પિટલમાં હતો. મલિકના જણાવ્યા અનુસાર 8 એપ્રિલ 1990ના રોજ તેને જીવલેણ ઈજાઓ પહોંચી હતી અને તે કેટલાંક અઠવાડિયા સુધી કોમામાં રહ્યો હતો. તેણે દાવો કર્યો કે જે વ્યક્તિ પોતે બેભાન હોય તે કોઇની હત્યા કેવી રીતે કરી શકે?

તપાસ દરમિયાન એજન્સીને મળેલા એક પત્રનો હવાલો આપવામાં આવ્યો હતો, જેમાં JKLF દ્વારા સરલા ભટ્ટની હત્યાની જવાબદારી સ્વીકારાઈ હોવાનું જણાવવામાં આવ્યું હતું. પરંતુ યાસિન મલિકે આ આરોપો નકારી કાઢ્યા છે. તેણે સરલા ભટ્ટને નિર્દોષ ગણાવીને પોતાની સંડોવણીનો ઇનકાર કર્યો છે અને કેસ ન લડવાનો નિર્ણય જાહેર કર્યો છે.

તેણે ઇસ્લામિક ઇબાદતનો ઉલ્લેખ કરીને કહ્યું કે અંગત જીવનના સંજોગો અને અન્ય અમુક બાબતોને ધ્યાનમાં લેતાં ટ્રાયલ કાર્યવાહીમાં આગળ ન વધવાનો નિર્ણય કર્યો છે. જોકે સાથે કહ્યું કે તેના આ એફિડેવિટને તેની સામે લાગેલા આરોપો કે ગુનાનો સ્વીકાર માનવામાં ન આવે. તેણે મૃત્યુદંડની પણ માંગ કરી છે.

શું છે સરલા ભટ્ટ હત્યા કેસ

સરલા ભટ્ટ શ્રીનગરની SKIMS હોસ્પિટલમાં સ્ટાફ નર્સ તરીકે ફરજ બજાવતાં હતાં. એપ્રિલ 1990માં પાકિસ્તાન સમર્થિત ઇસ્લામિક આતંકવાદના ભયાનક સમયગાળા દરમિયાન તેમનું હોસ્પિટલ નજીકથી અપહરણ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ તેમનું શોષણ કરી ગોળી મારી હત્યા કરી દેવામાં આવી હતી. વર્ષ 2025માં જમ્મુ-કાશ્મીર SIAએ આ 35 વર્ષ જૂનો કેસ ફરી ખોલી તપાસ શરૂ કરી હતી.

જૂન 2026માં SIAએ અદાલતમાં 737 પાનાની ચાર્જશીટ દાખલ કરી હતી, જેમાં યાસિન મલિકને સમગ્ર અપહરણ અને હત્યાનો મુખ્ય સૂત્રધાર ગણાવવામાં આવ્યો હતો. તપાસ મુજબ, કાશ્મીરી પંડિતોમાં ભય ફેલાવી તેમને ઘાટીમાંથી પલાયન કરવા મજબૂર કરવાના કાવતરા ભાગરૂપે આ હત્યા કરવામાં આવી હતી. એજન્સીએ સાક્ષીઓ, મેડિકલ રિપોર્ટ અને અન્ય ઇલેક્ટ્રોનિક પુરાવાના આધારે આ આરોપો મૂક્યા છે.

આ કેસમાં યાસિન મલિક ઉપરાંત JKLFનો અન્ય આતંકવાદી ખુર્શીદ અહમદ ચાકુ પણ આરોપી છે, જેણે સરલા ભટ્ટ પર ગોળીઓ ચલાવી હતી અને તે હાલ ફરાર છે. કેસના અન્ય ત્રણ આરોપીઓનાં મૃત્યુ થઈ ચૂક્યાં છે. સરલા ભટ્ટ પર સુરક્ષાદળો માટે બાતમીદારી કરવાનો ખોટો આરોપ મૂકીને તેમને નિશાન બનાવવામાં આવ્યાં હતાં.

સરલા ભટ્ટ કેસ સિવાય પણ યાસિન મલિક પર અનેક ગંભીર ત્રાસવાદી કૃત્યોના આરોપો છે. જેમાં પૂર્વ ગૃહમંત્રીની પુત્રી રૂબૈયા સઈદનું અપહરણ, 1990માં ભારતીય વાયુસેનાના 5 જવાનોની હત્યા, જજ નીલકંઠ ગંજુ અને દૂરદર્શનના ડિરેક્ટર લસા કૌલની હત્યા જેવા ચર્ચિત કેસો સામેલ છે.

બીવી મુશાલને તલાક આપવાની જાહેરાત

યાસિન મલિકે કોર્ટમાં રજૂ કરેલા 25 પાનાંના આ જ નિવેદનમાં પાકિસ્તાની પત્ની મુશાલ હુસૈન મલિક સાથે 16 વર્ષ જૂના નિકાહ તોડવાની પણ જાહેરાત કરી છે. વર્ષ 2009માં તેમના નિકાહ થયા હતા અને તેમને 13 વર્ષની પુત્રી પણ છે. મલિકે જણાવ્યુ કે જેલમાં છેલ્લાં 8 વર્ષથી તેને પત્ની સાથે ફોન પર વાત કરવાની કે વિડીયો કોલ કરવાની મંજૂરી મળી નથી.

પોતાના નિર્ણય પાછળનું કારણ આપતાં મલિકે કહ્યું કે તેની પત્ની તેનાથી 20 વર્ષ નાની છે અને તે નથી ઇચ્છતો કે મુશાલ આખી જિંદગી તેની પરિસ્થિતિનો બોજ ઉઠાવે કે વિધવા તરીકે જીવન પસાર કરે. તેથી તેણે મુશાલને નવું જીવન શરૂ કરવા કહ્યું છે.

હાલમાં યાસિન મલિક દિલ્હીની તિહાડ જેલમાં આજીવન કેદની સજા ભોગવી રહ્યો છે. મે 2022માં વિશેષ NIA કોર્ટે તેને જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદી પ્રવૃત્તિઓ માટે ટેરર ફન્ડિંગ કેસમાં UAPA હેઠળ દોષિત ઠેરવ્યો હતો. તે સમયે તેને બે આજીવન કેદ અને અલગ-અલગ મુદતની સજાઓ ફટકારવામાં આવી હતી.

હવે સરલા ભટ્ટ હત્યા કેસમાં મલિકે પોતાનો બચાવ ન કરવાની અને મૃત્યુદંડની માગ કરી છે, પરંતુ કાયદાકીય રીતે ટ્રાયલ ન લડવી એ સીધો દોષસ્વીકાર ગણાતો નથી. તેથી આ અંગેનો અંતિમ નિર્ણય કોર્ટના હાથમાં રહેશે. ત્રણ દાયકા જૂના આ મહત્વપૂર્ણ કેસમાં હવે 19 સપ્ટેમ્બરના રોજ યોજાનારી આગામી સુનાવણી પર સૌની નજર ટકેલી છે.