કૃષ્ણનું નામ સાંભળતાં જ મનમાં એક ચિત્ર ઊભું થાય છે. માથે મોરપીંછ, હાથમાં વાંસળી, હોઠ પર સ્મિત, ગળામાં વૈજયંતીમાળા અને આસપાસ વ્રજની ધૂળ. કોઈને યશોદાની ગોદમાં રમતો કાનુડો દેખાય છે, કોઈને અર્જુનનો સારથિ, કોઈને કુરુક્ષેત્રના મધ્યમાં ગીતા સંભળાવતો યોગેશ્વર અને કોઈને રાધાનો શ્યામ. હજારો વર્ષથી કૃષ્ણને લોકો આ જ સ્વરૂપોમાં પ્રેમ કરતા આવ્યા છે. પરંતુ આ બધા સ્વરૂપોને એક ક્ષણ માટે બાજુ પર રાખીને જો પૂછવામાં આવે કે ‘કૃષ્ણ કોણ છે?’ તો આ પ્રશ્નનો ઉત્તર કોઈ એક કથા આપી શકે તેમ નથી.
કારણ કે કૃષ્ણ કોઈ એક ઘટના નથી. કોઈ એક યુગ નથી. કોઈ એક સંબંધ નથી. કૃષ્ણને સમજવા જશો તો વાત મથુરાથી આગળ જશે, વ્રજથી આગળ જશે, ગીતા અને મહાભારતથી પણ આગળ જશે. વાત ત્યાં પહોંચશે જ્યાંથી માણસે પોતે જ પોતાની શોધ શરૂ કરી હતી.
‘હું કોણ છું?’
આ પ્રશ્ન માણસે પહેલી વાર ત્યારે પૂછ્યો હશે જ્યારે તેણે આકાશ તરફ જોઈને પોતાના અસ્તિત્વને જોયું હશે. શરીર મારું છે, પણ ‘હું’ માત્ર શરીર છું? બાળપણનું શરીર ક્યાં રહ્યું? વિચારો બદલાઈ ગયા, સ્વભાવ બદલાઈ ગયો, ઇચ્છાઓ બદલાઈ ગઈ, સંબંધો બદલાઈ ગયા, છતાં અંદરથી જે કહે છે ‘હું’, તે ક્યાં ગયું? ઊંઘમાં દુનિયા નથી રહેતી, વિચારો નથી રહેતા, નામ-રૂપની ખબર નથી રહેતી, છતાં જાગ્યા પછી આપણે કહીએ છીએ કે ‘હું સૂતો હતો.’ આ ‘હું’ કોણ છે? જે બદલાતી દરેક વસ્તુને જુએ છે અને પોતે બદલાતું નથી, તેની શોધ કરતા-કરતા ભારતીય ઋષિઓ બહારની દુનિયાથી અંદરની દુનિયામાં આવ્યા અને ત્યાંથી તેમની યાત્રા વ્યક્તિમાંથી અસ્તિત્વ સુધી, અસ્તિત્વમાંથી ચેતના સુધી અને ચેતનાથી પરમ સત્ય સુધી પહોંચી.
એ પરમ સત્ય શું છે?
જે બધાની પાછળ છે, પણ જેની પાછળ બીજું કંઈ નથી. જેના વિના કશું નથી, પણ જેને કોઈ વસ્તુની જરૂર નથી. જે બધામાં છે, પણ કોઈ એક વસ્તુમાં સમાઈ જતું નથી. જે જન્મતું નથી, છતાં જન્મેલા દરેકમાં જીવન બનીને ધબકે છે. જે બદલાતું નથી, છતાં આખું બદલાતું જગત જેના પ્રકાશમાં સતત બદલાતું રહે છે. ઉપનિષદોથી ભાગવત સુધી ભારતીય ચિંતનની સૌથી મોટી શોધ કોઈ નવા દેવની શોધ નહોતી, એ શોધ હતી આ એક અખંડ સત્યની.
શ્રીમદ્ ભાગવત કહે છે:
‘વદન્તિ તત્ત્વવિદસ્તત્ત્વં યજ્જ્ઞાનમદ્વયમ્ ।
બ્રહ્મેતિ પરમાત્મેતિ ભગવાનિતિ શબ્દ્યતે ॥’
તત્વને જાણનારા ઋષિઓ એક જ અદ્વિતીય સત્યને બ્રહ્મ, પરમાત્મા અને ભગવાન તરીકે ઓળખાવે છે. એટલે પરમ સત્ય ત્રણ અલગ વસ્તુઓ નથી. એક જ સત્યને જોવાની, અનુભવવાની અને ઓળખવાની જુદી-જુદી રીતો છે. જ્યારે એ સત્ય કોઈ સીમા વગરના અસ્તિત્વ તરીકે અનુભવાય છે ત્યારે બ્રહ્મ, જ્યારે એ જ સત્ય દરેક જીવના હૃદયમાં અંતર્યામી તરીકે અનુભવાય છે ત્યારે પરમાત્મા અને જ્યારે એ જ પૂર્ણ સત્ય સ્વરૂપ, ચેતના, સંબંધ, ગુણ અને પ્રેમ સાથે સામે ઊભું થાય છે ત્યારે ભગવાન. અહીંથી કૃષ્ણની વાત શરૂ થાય છે.
પરિપૂર્ણ તત્વનું સાકાર સ્વરૂપ એટલે કૃષ્ણ
પૂર્ણતાને કોઈ વસ્તુની જરૂર નથી. અધૂરું કંઈક મેળવવા દોડે છે. પૂર્ણ કંઈક મેળવવા માટે દોડતું નથી. તેને કશું પ્રાપ્ત કરવાનું બાકી નથી. તેને પોતાની ઓળખ સાબિત કરવાની જરૂર નથી. તેને કોઈના સ્વીકારની જરૂર નથી. તે પોતામાં જ પૂર્ણ છે. તો પછી એ પૂર્ણતા પ્રગટ કેમ થાય? આ પ્રશ્નનો ઉત્તર કૃષ્ણની લીલામાં મળે છે.
પરમ સત્ય જો માત્ર દૂરનું, અસ્પર્શ્ય, નિરાકાર અસ્તિત્વ હોત તો માણસ તેને જાણવાનો પ્રયત્ન કરી શકત, પરંતુ તેને પ્રેમ કેવી રીતે કરત? જેને જોઈ શકાય નહીં, તેની સાથે આંખો કેવી રીતે મળે? જેને બોલાવી શકાય નહીં, તેને નામથી કેવી રીતે પોકારી શકાય? જેને સ્પર્શી શકાય નહીં, તેને ગળે કેવી રીતે લગાવી શકાય?
કૃષ્ણમાં આ અંતર તૂટી જાય છે. અહીં પરમ તત્વ માત્ર ‘છે’ એટલું નથી. તે સામે આવે છે. તે સ્મિત કરે છે. તે ચાલે છે. તે વાંસળી વગાડે છે. તે રડે છે. તે હસે છે. તે મિત્ર બને છે. તે સારથિ બને છે અને સૌથી અદભૂત કે તે તે બાળક બને છે. જેના આધારે સમગ્ર અસ્તિત્વ ઊભું છે, એ જ કોઈ માતાની આંગળી પકડીને ચાલે છે. આ કોઈ વિરોધાભાસ નથી. આ પૂર્ણતાની પરાકાષ્ઠા છે.
કૃષ્ણને ભગવાન માનવામાં તેમની મહાનતા છે, પરંતુ કૃષ્ણને ઓળખવામાં તેમની નાનપણની લીલા પણ એટલી જ મહત્વની છે. કારણ કે સર્વશક્તિમાન હોવું ભગવાનની શક્તિ બતાવે છે, પરંતુ પોતાની શક્તિ ભૂલીને ભક્તના પ્રેમમાં બંધાઈ જવું ભગવાનની પૂર્ણતા બતાવે છે.
યશોદા કૃષ્ણને દોરડાથી બાંધવા દોડે છે. દોરડું નાનું પડે છે. બીજું દોરડું જોડાય છે. ફરી નાનું પડે છે. ફરી દોરડું જોડાય છે. માતા થાકી જાય છે અને પછી કૃષ્ણ પોતે બંધાવા દે છે. ભાગવત આ પ્રસંગને માત્ર બાળલીલા તરીકે નથી રાખતું, અહીં અનંતને પ્રેમથી બંધાતો બતાવવામાં આવ્યો છે. જેને કોઈ દિશા બાંધી શકતી નથી, તેને યશોદાનું દોરડું બાંધી દે છે. પરંતુ દોરડું કૃષ્ણને બાંધતું નથી. પ્રેમ બાંધે છે.
આ જ જગ્યાએ ‘ભગવાન’ અને ‘કૃષ્ણ’ વચ્ચેનો અનુભવ બદલાઈ જાય છે. ભગવાનની ઉપાસના થઈ શકે છે. કૃષ્ણ સાથે સંબંધ થઈ શકે છે. ભગવાન સામે માથું નમી શકે છે. કૃષ્ણ સામે મન મૂકી શકાય છે. ભગવાનને પ્રાર્થના કરી શકાય છે. કૃષ્ણને પોતાની વ્યથા કહી શકાય છે. એટલા માટે કૃષ્ણના અહીં અનેક સંબંધો છે. કોઈ તેમને માતા બનીને પ્રેમ કરે છે, કોઈ મિત્ર બનીને, કોઈ સખા બનીને, કોઈ સ્વામી માનીને, કોઈ પ્રિયતમ માનીને. સંબંધ બદલાય છે, પરંતુ કેન્દ્ર એક જ રહે છે. કૃષ્ણ. પરમ તત્વ જ્યારે સંબંધ બની જાય, ત્યારે ભક્તિ જન્મે છે.
કૃષ્ણ બહાર શોધવાનો વિષય નથી
માણસે ભગવાનને શોધવા માટે પર્વતો ચડ્યા, નદીઓ પાર કરી, મંદિરો ઊભાં કર્યાં, યાત્રાઓ કરી, મંત્રો જપ્યા, ધ્યાન કર્યું. આ બધું સનાતન સાધનાના પવિત્ર માર્ગો છે. પરંતુ એક દિવસ ગીતા શોધની દિશા જ બદલી નાખે છે. ‘સર્વસ્ય ચાહં હૃદિ સન્નિવિષ્ટઃ।’ એટલે કે ‘હું દરેકના હૃદયમાં વિદ્યમાન છું’ અને તરત જ આગળ કહે છે ‘વેદૈશ્ચ સર્વૈરહમેવ વેદ્યઃ।’ અર્થાત્, ‘તમામ વેદોથી જાણવાજોગ એકમાત્ર વિષય હું જ છું.’ એટલે કૃષ્ણ સુધી પહોંચવાની યાત્રા અંતે બહારથી અંદર આવે છે.
મંદિરની મૂર્તિ સામે ઊભા રહો ત્યારે કૃષ્ણ સામે છે. આંખો બંધ કરો ત્યારે પણ કૃષ્ણથી દૂર નથી. નામ લો ત્યારે કૃષ્ણ છે. નામ લીધા પછી જે શાંતિ ઊતરે તેમાં પણ કૃષ્ણ છે. ગીતા વાંચો ત્યારે કૃષ્ણ બોલે છે. કોઈ નિઃસ્વાર્થ પ્રેમમાં પોતાને ભૂલી જાઓ ત્યારે પણ કૃષ્ણના તત્વનો સ્પર્શ થાય છે. પરંતુ આનો અર્થ એ નથી કે કૃષ્ણ માત્ર મનની કોઈ કલ્પના છે. વિપરીત અર્થ એ છે કે જેને આપણે બહાર શોધીએ છીએ તે પરમ સત્ય આપણા અસ્તિત્વથી પણ પરે છે અને આપણા હૃદયમાં પણ અંતર્યામી તરીકે સ્થિત છે. બહારનું દર્શન અંદરની ઓળખ તરફ લઈ જાય છે.
આથી કૃષ્ણને સમજવાનો સૌથી મોટો અવરોધ અજ્ઞાન જેટલો નથી, ‘હું’ પણ છે. જ્યાં સુધી માણસ ભગવાનને પોતાની ઇચ્છાઓ પૂરી કરાવવાના સાધન તરીકે જુએ છે ત્યાં સુધી સંબંધમાં માણસ કેન્દ્રમાં રહે છે. ‘મને આ જોઈએ’, ‘મારી આ મુશ્કેલી દૂર કરો’, ‘મને આ આપો’, અહીં ભગવાન છે, પરંતુ કેન્દ્રમાં ‘હું’ છે. ભક્તિ ધીમે-ધીમે આ કેન્દ્ર બદલે છે. ‘મને શું મળશે?’માંથી ‘હું શું અર્પણ કરું?’ સુધી અને અંતે ‘હું’માંથી ‘તમે’ સુધી. આ જ કૃષ્ણના પ્રેમની ઊંડાઈ છે.
કૃષ્ણની વાંસળીમાં આ આખી વાતનો સૌથી સુંદર સંકેત છુપાયેલો છે. વાંસળી અંદરથી ભેંકાર ખાલીપો ભરીને બેઠી છે. પોતાનો કોઈ સ્વર નથી. પોતાનો કોઈ આગ્રહ નથી. કૃષ્ણનો શ્વાસ તેમાં પ્રવેશે છે ત્યારે એમાંથી સંગીત નીકળે છે. માણસનું મન પણ જ્યાં સુધી પોતાના અવાજોથી ભરેલું છે ત્યાં સુધી બહારથી આવતા દિવ્ય સ્વરને સાંભળવો મુશ્કેલ છે. જ્યારે અંદરનું ‘હું’ થોડું ખાલી થાય છે ત્યારે જીવનમાં કોઈ બીજાનો શ્વાસ સંગીત બનીને પસાર થઈ શકે છે.
કૃષ્ણનો અર્થ પોતાના અસ્તિત્વને નષ્ટ કરી નાખવો નથી. પોતાના અસ્તિત્વનું કેન્દ્ર બદલી નાખવું છે. કૃષ્ણ અને પ્રેમની વચ્ચે કોઈ અંતર નથી.
કૃષ્ણની કથાઓમાં પ્રેમ એટલો બધો કેમ છે?
કારણ કે પૂર્ણ સત્યને જાણવું અને પૂર્ણ સત્યને પ્રેમ કરવો આ બંને અલગ અનુભવો નથી. જ્ઞાન આપણને કહે છે કે પરમ શું છે. પ્રેમ આપણને એ પરમની નજીક લઈ જાય છે. વ્રજમાં આ પ્રેમની એવી પરાકાષ્ઠા દેખાય છે જ્યાં ભગવાનની મહત્તા પણ ભક્તિના માર્ગમાં અવરોધ બની જતી નથી. યશોદા માટે તે પરબ્રહ્મ નથી, તે તેનો દીકરો છે. ગોપાલકો માટે તે જગતનો સ્વામી નથી, તે તેમનો મિત્ર છે. ગોપીઓ માટે કૃષ્ણ કોઈ દૂરના દેવ નથી, તેમના ચિત્તનો પ્રાણ છે. કૃષ્ણને તમે તુંકારો પણ કરી શકો, શરત એટલી કે તેના પ્રત્યે પ્રેમ હોવો જોઈએ.
અહીં ભક્તિ ભગવાનને નાનો કરતી નથી. ભક્તનું હૃદય એટલું મોટું કરે છે કે તેમાં અનંત માટે જગ્યા બને છે. ભાગવતની વ્રજલીલાનો આ સૌથી સૂક્ષ્મ અર્થ છે. જ્યાં ભગવાન પોતાના ઐશ્વર્યથી ઓળખાતા નથી, પોતાના સંબંધથી ઓળખાય છે. જ્યાં ભક્ત ભગવાનને કહેતો નથી કે ‘તમે સર્વશક્તિમાન છો’, તે કહે છે કે ‘તમે મારા છો’ અને આ ‘મારા’માં માલિકી નથી. આશ્રય છે.
આથી કૃષ્ણને પ્રેમ કરવો એટલે કોઈ માનવીય ભાવનાને ભગવાન પર ચોંટાડી દેવી નથી. પ્રેમની સૌથી ઊંડી અવસ્થામાં પોતાની જાતનું કેન્દ્ર છોડીને પ્રિયના કેન્દ્રમાં વસવું. વ્રજની ભક્તિમાં આ ભાવ એટલો ઘન બને છે કે કૃષ્ણની ગેરહાજરી પણ કૃષ્ણની હાજરી બની જાય છે. સ્મરણ પોતે દર્શન બની જાય છે. આ માટે જ કૃષ્ણની વાંસળીનો સ્વર સાંભળીને વ્રજ અટકી જાય છે. આ માત્ર સંગીતની વાત નથી. આ એ ક્ષણ છે જ્યારે જીવનની બધી દિશાઓમાંથી એક જ દિશા બાકી રહે છે. કૃષ્ણ.

અને અહીંથી ગીતા અને વ્રજ એક જ બિંદુએ આવીને મળે છે. કુરુક્ષેત્રમાં કૃષ્ણ કહે છે કર્તવ્ય છોડશો નહીં. વ્રજમાં કૃષ્ણ શીખવે છે પ્રેમ છોડશો નહીં. કુરુક્ષેત્રમાં તેઓ માણસને પોતાના ધર્મમાં ઊભો કરે છે. વ્રજમાં તેઓ માણસને પોતાના ‘હું’માંથી બહાર લાવે છે. એક જગ્યાએ તેઓ સારથિ છે. બીજી જગ્યાએ તેઓ શ્યામ છે. પરંતુ બંને જગ્યાએ તેઓ માણસને પોતાની અંદરની સીમાથી બહાર લઈ જાય છે.
અજન્મા માટે જન્માષ્ટમી કેમ?
હવે જન્માષ્ટમીનો પ્રશ્ન સામે આવે છે. જે અજન્મા છે તેનો જન્મ કેવી રીતે થાય? ગીતા આ પ્રશ્નનો ઉત્તર પોતે આપે છે.
‘અજોપિ સન્નવ્યયાત્મા ભૂતાનામીશ્વરોપિ સન્ ।
પ્રકૃતિં સ્વામધિષ્ઠાય સંભવામ્યાત્મમાયયા ॥’
‘હું અજન્મા છું, અવિનાશી છું અને તમામ જીવોનો ઈશ્વર છું, છતાં મારી પોતાની આંતરિક શક્તિથી યુગે-યુગે પ્રગટ થાઉં છું.’
અહીં ‘જન્મ’ શબ્દની અંદર જ આખું રહસ્ય છુપાયેલું છે. કૃષ્ણનો જન્મ થયો નથી. કૃષ્ણ પ્રગટ થયા છે. જે પહેલેથી છે તે અચાનક અસ્તિત્વમાં આવતું નથી. સૂર્ય સવારે ઉગે છે એવું આપણે કહીએ છીએ, પરંતુ સૂર્યનો જન્મ સવાર સાથે થતો નથી. સવારમાં આપણને સૂર્ય દેખાય છે. એ જ રીતે પરમ તત્વ કોઈ એક રાત્રે અસ્તિત્વમાં આવ્યું નથી. જે સનાતનથી છે તેનું માનવદૃષ્ટિ સમક્ષ પ્રાગટ્ય થયું છે.
અને તેથી જ કૃષ્ણ પોતાના જન્મને સામાન્ય જન્મની શ્રેણીમાં મૂકતા નથી. તેઓ કહે છે કે ‘જન્મ કર્મ ચ મે દિવ્યમ્।’ એટલે કે ‘મારા જન્મ અને કર્મ દિવ્ય છે. જે તેને તત્વથી જાણે છે તે ફરી જન્મના બંધનમાં આવતો નથી.’ કૃષ્ણના જન્મને સમજવાનો દરવાજો અહીં ખૂલે છે. ભગવાન મનુષ્યની જેમ જન્મતા નથી, ભગવાન મનુષ્યની વચ્ચે પ્રગટ થાય છે. આથી જન્માષ્ટમી કોઈ જન્મદિવસની ઉજવણી પૂરતી નથી. આ તો અનંતે સીમિતતાના દ્વાર પર આવીને ઊભા રહેવાની રાત્રિ છે.
મધ્યરાત્રિ થઈ ગઈ છે…
મથુરાની કારાગૃહમાં અંધકાર છે. બહાર કંસ રાજ્ય છે. અંદર દેવકી અને વાસુદેવ છે અને એ જ ક્ષણે, જ્યારે રાત્રિ પોતાના સૌથી ઘેરા બિંદુએ પહોંચી છે ત્યારે કૃષ્ણ પ્રગટ થાય છે. ભાગવતના વર્ણનમાં આ પ્રાગટ્ય સામાન્ય બાળક તરીકે થતું નથી. દેવકી સમક્ષ કૃષ્ણ દિવ્ય સ્વરૂપે પ્રગટ થાય છે. ચાર ભુજાઓ, શંખ, ચક્ર, ગદા અને પદ્મ ધારણ કરેલા. વાસુદેવ અને દેવકી તેમની પરમ સત્તાને ઓળખે છે. પછી દેવકી તેમને વિનંતી કરે છે કે આ દિવ્ય સ્વરૂપ ઢાંકી દો, બાળકરૂપ ધારણ કરો.
આ દૃશ્યને ધીમેથી જોવું. પરમ તત્વ પ્રથમ પોતાનું અનંત સ્વરૂપ બતાવે છે અને પછી બાળક બની જાય છે. જેના ઉદરમાં સમગ્ર બ્રહ્માંડ છે, તે દેવકીના ગર્ભમાં આવ્યું છે. દેવકી પોતે આ અદ્ભુત વાતને શબ્દ આપે છે. આથી કૃષ્ણની સૌથી મોટી લીલા કદાચ તેમનું ચક્ર ધારણ કરવું નથી. તેમનું ચક્ર મૂકી દેવું છે. સર્વશક્તિમાન હોવા છતાં માતાની ગોદ સ્વીકારવી છે. જગતના સ્વામી હોવા છતાં ગોકુળની ગલીઓમાં માખણ ચોરવું છે. અર્જુનનો સારથિ બનવું છે. યશોદાથી ઠપકો ખાવો છે.
ભક્તના પ્રેમમાં પોતાને એટલા નાનકડા કરી દેવા છે કે ભક્તને પોતાના ખોળામાં ભગવાન નહીં, પોતાનું બાળક દેખાય. આ છે કૃષ્ણ. પરમ સત્યની એવી પૂર્ણતા જેને પોતાની મહાનતા છુપાવવામાં પણ સંકોચ નથી અને આ જ કારણ છે કે કૃષ્ણનો અનુભવ માત્ર ઐશ્વર્યમાં થતો નથી. તે નજીકપણામાં થાય છે. મંદિરના ગર્ભગૃહમાં કૃષ્ણ ઊભા છે. પણ ગોકુળની ધૂળમાં પણ કૃષ્ણ છે. ગીતા શાસ્ત્ર છે. વાંસળી સંગીત છે. કુરુક્ષેત્ર ધર્મ છે. વ્રજ પ્રેમ છે. દેવકીનો કક્ષ પરમ સત્ય છે. યશોદાની ગોદ સંબંધ છે અને આ બધાને એકસાથે રાખીએ ત્યારે જે સ્વરૂપ ઊભું થાય છે તેનું નામ છે કૃષ્ણ.
એટલે કૃષ્ણને સમજવાની યાત્રા જેટલી આગળ વધે છે, એટલું સમજાય છે કે તેમને એક જ વ્યાખ્યામાં બાંધી દેવા તેમની સાથે અન્યાય છે. તેઓ પરબ્રહ્મ છે, પરંતુ માત્ર નિરાકાર પરબ્રહ્મ નથી. તેઓ પરમાત્મા છે, પરંતુ માત્ર અંતરમાં રહેલો સાક્ષી નથી. તેઓ ભગવાન છે, પૂર્ણ, ચેતન, સંબંધમય અને પ્રેમથી ભક્તને પોતાનો બનાવી લેતું પરમ સ્વરૂપ.
ભાગવત પરંપરામાં આ પૂર્ણતાને વધુ સ્પષ્ટ રીતે મૂકવામાં આવે છે કે ‘કૃષ્ણસ્તુ ભગવાન્ સ્વયમ્।’ એટલે અવતારોની પરંપરામાં કૃષ્ણને સ્વયં ભગવાન તરીકે ઓળખાવવામાં આવ્યા છે. પરંતુ આ વાક્યનો સાચો અર્થ ત્યારે જ ખુલશે જ્યારે આપણે કૃષ્ણને માત્ર મહાન માનવાનું છોડીને તેમને પૂર્ણ માનવાનું શરૂ કરીએ.
મહાનતા ઊંચે હોય છે. પૂર્ણતા નજીક આવે છે. કૃષ્ણ ઊંચે પણ છે અને નજીક પણ. અનંત પણ છે અને અંતરંગ પણ. અજન્મા પણ છે અને જન્માષ્ટમીનું બાળક પણ. પરમ પણ છે અને પોતાના પણ. કૃષ્ણ બહાર શોધવાનો વિષય નથી. કારણ કે અંતે જેની શોધ થઈ રહી છે તે જ શોધનારના હૃદયમાં બેઠું છે. પરંતુ કૃષ્ણ અંદર જ છે એટલું કહીને યાત્રા પૂરી થઈ જતી નથી. અંદર બેઠેલા કૃષ્ણને ઓળખવા માટે ‘હું’ના અવાજથી આગળ જવું પડે છે. જ્યાં સુધી માણસ પોતાને જ આખું જગત માને છે ત્યાં સુધી કૃષ્ણનું જગત ખુલતું નથી. જ્યારે માણસની અંદરથી થોડું સ્થાન ખાલી થાય છે ત્યારે ત્યાં કોઈ શૂન્ય નથી મળતું.
ત્યાં વાંસળીનો સ્વર મળે છે. આથી જન્માષ્ટમીની સાચી રાત્રિ કેલેન્ડરમાં લખાયેલી એક તારીખથી મોટી છે. તે એ ક્ષણ છે જ્યારે અંધકારની વચ્ચે પ્રકાશને ઓળખી શકાય. જ્યારે બહાર બધું શાંત થઈ જાય અને અંદર પહેલી વાર કોઈ અવાજ વિના કોઈની હાજરી અનુભવાય. જ્યારે પ્રાર્થના માંગવાનું બંધ કરીને મળવાનું શરૂ કરે. જ્યારે ભક્ત ભગવાનને કહેવાનું બંધ કરે કે ‘મારા માટે આવો’ અને પોતાનું હૃદય એટલું ખોલે કે ભગવાન માટે જગ્યા થઈ જાય.
ત્યારે જન્મ થાય છે. કૃષ્ણનો નહીં. આપણી અંદર કૃષ્ણને ઓળખવાની ક્ષમતાનો. મથુરામાં તે રાત્રે કારાગૃહના દ્વાર ખુલ્યા હતા. વાસુદેવ કૃષ્ણને લઈને નીકળ્યા હતા. યમુના સામે આવી હતી. ગોકુળ રાહ જોઈ રહ્યું હતું. પરંતુ હજારો વર્ષ પછી પણ એ રાત્રિ પૂરી થઈ નથી. દરેક જન્માષ્ટમીની મધ્યરાત્રિએ ઘંટ વાગે છે. ઝૂલો ઝૂલે છે. દીવો પ્રગટે છે. ‘જય કનૈયાલાલ કી’ના સ્વર વાગે છે અને એ બધાની વચ્ચે એક શાંત પ્રશ્ન ફરી ઊભો થાય છે કે કૃષ્ણ ક્યાં છે? મથુરામાં? ગોકુળમાં? દ્વારકામાં? કુરુક્ષેત્રમાં? મંદિરમાં? ગીતામાં? વાંસળીના સ્વરમાં?
હા. પરંતુ ત્યાં જ નહીં. ‘સર્વસ્ય ચાહં હૃદિ સન્નિવિષ્ટઃ’- હું દરેકના હૃદયમાં સ્થિત છું.
તેથી અંતે કૃષ્ણની શોધમાં નીકળેલો માણસ જ્યાં પહોંચે છે ત્યાં કોઈ નવી જગ્યા મળતી નથી. પોતાનું જ હૃદય મળે છે. પણ એ હૃદય હવે પહેલાં જેવું નથી રહેતું. તેમાં થોડું વ્રજ આવી ગયું હોય છે. થોડો સમર્પણ. થોડો પ્રેમ. થોડી શાંતિ અને ક્યાંક ખૂબ અંદર, કોઈ દેખાતો નથી છતાં વાંસળી વગાડી રહ્યો હોય તેમ લાગે છે. ત્યારે ‘કૃષ્ણ કોણ છે?’ એ પ્રશ્નનો જવાબ શબ્દોમાં આપવાની જરૂર રહેતી નથી. કારણ કે જેને શોધવા નીકળ્યા હતા, તેની સામે ઊભા રહેતાં પ્રશ્ન જ ઓગળી જાય છે.
જન્માષ્ટમી: અંધકારમાં પ્રકાશનું પ્રાગટ્ય
કૃષ્ણનો જન્મ દિવસના પ્રકાશમાં નથી થયો. મધ્યરાત્રિએ થયો. બહાર અંધકાર હતો અને અંદર ભય. પરંતુ એ જ ક્ષણે પરમ પ્રકાશ પ્રગટ્યો. આ દૃશ્યને માત્ર કાવ્ય તરીકે જોવું યોગ્ય નથી. આ સનાતન આધ્યાત્મિક અનુભૂતિનું એક ઊંડું પ્રતીક પણ બની શકે છે કે પરમ સત્ય ઘણી વાર ત્યારે અનુભવાય છે જ્યારે બહારના સહારા ધીમે-ધીમે ખસી જાય. મનુષ્ય જ્યારે પોતાના અહંકારના પ્રકાશથી દુનિયાને પ્રકાશિત કરવાનો પ્રયત્ન કરે છે ત્યારે તેને પોતાની મર્યાદાઓ જ દેખાય છે, પરંતુ જ્યારે અંદરનો અંધકાર સ્વીકારાય છે ત્યારે કદાચ દિવ્ય પ્રકાશ માટે જગ્યા બને છે.
જન્માષ્ટમીની મધ્યરાત્રિ એટલે માત્ર ઘડિયાળની બાર વાગ્યાની ક્ષણ નહીં. તે મનુષ્યના અંતરમાં ‘હું જ બધું છું’નો દિવસ પૂરો થવાની અને ‘હું તો તેના હાથમાં છું’ની રાત્રિ શરૂ થવાની ક્ષણ છે. કંસ બહારનો કોઈ એક રાજા નથી. આપણા અંદરનો કંસ પણ છે. એ અહંકાર જે પોતાના મૃત્યુથી ડરે છે, એટલા માટે પોતાના જીવનમાં જન્મતા દરેક દિવ્ય સંકેતને મારી નાખવા માગે છે. કંસને ખબર હતી કે દેવકીના આઠમા ગર્ભમાંથી તેના અંતનો જન્મ થવાનો છે. તેથી તે જન્મ પહેલાં જ જીવનને મારી નાખવા માગે છે.
આપણા અંદર પણ ક્યારેક આવું જ બને છે. કોઈ સત્યનો પ્રકાશ જન્મે તે પહેલાં જ આપણે તેને શંકાથી મારી નાખીએ છીએ. કોઈ આધ્યાત્મિક તરસ ઊભી થાય તે પહેલાં જ તેને ભૌતિક વ્યસ્તતાથી દબાવી દઈએ છીએ. અંતરમાં કોઈ નિર્મળ ભાવ જન્મે તે પહેલાં જ અહંકાર તેને નબળાઈ કહીને દૂર કરી દે છે. પરંતુ કૃષ્ણનો જન્મ થાય ત્યારે કારાગૃહના દ્વાર ખુલે છે. આ પણ માત્ર ચમત્કાર નથી. આ એક સંદેશ છે. જ્યાં કૃષ્ણ આવે છે ત્યાં બંધન અંતિમ સત્ય રહેતું નથી.
કૃષ્ણને જાણવા કરતાં કૃષ્ણમાં જાગવું
ભગવદ્ ગીતા એક ગંભીર વચન આપે છે- ‘જન્મકર્મ ચ મે દિવ્યમ્… યો વેતિ તત્ત્વતઃ. જે મારા જન્મ અને કર્મની દિવ્ય પ્રકૃતિને તત્વ જાણે છે, તે પુનર્જન્મના બંધનથી મુક્ત થઈ મને પ્રાપ્ત થાય છે.’ અહીં ‘જાણવું’ માત્ર માહિતી જાણવી નથી. કૃષ્ણનો જન્મ કઈ તિથિએ થયો, કયા નક્ષત્રમાં થયો, કઈ જગ્યાએ થયો, આ બધું જ્ઞાન છે, પરંતુ ગીતા જે તત્વની વાત કરે છે તે આ ઘટનાની દિવ્ય પ્રકૃતિને સમજવા તરફ દોરી જાય છે.
કૃષ્ણનો જન્મ એટલે અજન્માનું પ્રાગટ્ય. કૃષ્ણની લીલા એટલે પૂર્ણતાની અભિવ્યક્તિ. કૃષ્ણનું નામ એટલે સ્મરણનો દ્વાર. કૃષ્ણનું રૂપ એટલે નિરાકાર સત્યની માધુર્યમય અનુભૂતિ. કૃષ્ણની ગીતા એટલે જીવનના યુદ્ધમાં ધર્મનું જ્ઞાન. કૃષ્ણની વાંસળી એટલે અહંકાર ખાલી થાય ત્યારે સંભળાતો દિવ્ય સ્વર. કૃષ્ણની રાસલીલા એટલે ભક્તિમાં પોતાને ભૂલી જવાની પરાકાષ્ઠા. કૃષ્ણનું દામોદર સ્વરૂપ એટલે પ્રેમથી બંધાઈ જતું પરમ તત્વ અને કૃષ્ણજન્મ એટલે અંધકારના મધ્યમાં પ્રગટતો પરમ પ્રકાશ.
અંતે ફરી એ જ પ્રશ્ન: કૃષ્ણ કોણ છે?
આટલું બધું વાંચ્યા પછી પણ જો કોઈ પૂછે કે કૃષ્ણ કોણ છે? તો કદાચ હજુ પણ એક જ વાક્ય પૂરતું નહીં પડે.
કૃષ્ણ પરમ તત્વ છે. કારણ કે તેમના કરતાં પરે કંઈ નથી. કૃષ્ણ પરબ્રહ્મ છે, કારણ કે ગીતા તેમને પરમ સત્ય તરીકે ઓળખાવે છે. કૃષ્ણ અંતર્યામી છે, કારણ કે તેઓ દરેક હૃદયમાં સ્થિત છે. કૃષ્ણ યોગેશ્વર છે, કારણ કે ગીતા તેમના મુખેથી પ્રગટે છે. કૃષ્ણ પૂર્ણ પુરુષોત્તમ છે, કારણ કે તેમના સ્વરૂપમાં ઐશ્વર્ય, જ્ઞાન, શક્તિ, સૌંદર્ય, કીર્તિ અને વૈરાગ્યની પૂર્ણતા દર્શાવવામાં આવે છે. પરંતુ આ બધું કહી દીધા પછી પણ કૃષ્ણનો પરિચય હજુ બાકી રહે છે.
કૃષ્ણ એ છે જે પરમ તત્વ હોવા છતાં પોતાની માતાની આંગળી પકડે છે. કૃષ્ણ એ છે જે સમગ્ર જગતના સ્વામી હોવા છતાં પોતાના મિત્રનો રથ હાંકે છે. કૃષ્ણ એ છે જે અનંત હોવા છતાં વ્રજની એક નાનકડી ગલીમાં દોડે છે. કૃષ્ણ એ છે જે યોગીઓના ધ્યાનથી પરે હોવા છતાં ભક્તના પ્રેમથી પોતે જ નજીક આવી જાય છે. કૃષ્ણ એ છે જેની પાસે પહોંચવા માટે આખું જીવન જ્ઞાન એકત્ર કરવું પડે, પરંતુ જે નિર્દોષ પ્રેમના એક આંસુથી પણ હૃદયમાં પ્રગટ થઈ શકે છે. કૃષ્ણ એ પરમ સત્ય છે જેને બુદ્ધિ અંત સુધી શોધી શકતી નથી, પરંતુ હૃદય એક ક્ષણે ઓળખી લે છે.
મધ્યરાત્રિ પૂરી થઈ રહી છે. બહાર જન્માષ્ટમી ઉજવાઈ રહી છે અને અંદર પરિપૂર્ણ તત્વે ફરી એક વાર પોતાનું સ્વરૂપ ધારણ કર્યું છે, એ પરિપૂર્ણ તત્વ એટલે કૃષ્ણ.


