વન અધિકારીઓ પર હુમલાના કેસમાં AAP ધારાસભ્ય ચૈતર વસાવાની પત્ની સહિત પાંચને હાઇકોર્ટમાંથી જામીન, MLA હજુ જેલમાં જ રહેશે

ગુજરાત હાઇકોર્ટે વન વિભાગના અધિકારીઓ પર હુમલો, ધમકી અને હવામાં ફાયરિંગ કરવાના વર્ષ 2023ના ચર્ચિત કેસમાં નર્મદાના ડેડિયાપાડાના આમ આદમી પાર્ટીના (AAP) ધારાસભ્ય ચૈતર વસાવાનાં પત્ની શકુંતલા વસાવા સહિત પાંચ દોષિતોના જામીન મંજૂર કર્યા છે.

હાઇકોર્ટે અરજદારોની સજા પર સ્ટે મુકતા નોંધ્યું હતું કે આ અરજદારો કેસમાં મુખ્ય આરોપી નથી અને તેમના દ્વારા કોઈ વ્યક્તિને સીધી ઈજા પહોંચાડવામાં આવી હોય તેવા આરોપો નથી, જેથી તેમને મુક્ત કરી શકાય તેમ છે. કોર્ટે કહ્યું કે ગુનેગારોનો રોલ ‘લિમિટેડ’ છે અને તેમણે સીધી રીતે કોઈને ઈજા પહોંચાડી હોવાનું ધ્યાનમાં નથી. માત્ર ગાળો ભાંડી હોવાનો આરોપ છે. કોર્ટે તમામને ₹15000ના જામીન પર મુક્ત કર્યા છે. શરતો એ મૂકવામાં આવી છે કે તમામ કોઈ પણ ગુનાહિત પ્રવૃત્તિમાં સંડોવાય તો જામીન રદ થશે. ઉપરાંત તેઓ કોર્ટની પરવાનગી વગર ભારત છોડી શકશે નહીં.

આ પહેલાં કોર્ટે એક મહિલા ગુનેગાર, જેનું ધરપકડ સમયે વીસ દિવસનું બાળક હતું, તેને પણ જામીન આપ્યા હતા. રાજ્ય સરકારે પણ માનવતાના ધોરણે જામીન અરજીનો વિરોધ કર્યો ન હતો.

બીજી તરફ, ધારાસભ્ય ચૈતર વસાવાએ હજુ સુધી નીચલી કોર્ટનો આદેશ હાઇકોર્ટમાં પડકાર્યો નથી. જેથી તેઓ હાલ જેલમાં જ રહેશે.

સમગ્ર મામલો ઑક્ટોબર 2023ના એક કેસનો છે. વન વિભાગના કર્મચારીઓએ સરકારી જમીન ખાલી કરાવ્યા બાદ ધારાસભ્ય ચૈતર વસાવાએ અધિકારીઓને ઘરે બોલાવીને માર માર્યો હતો અને હવામાં ગોળીબાર કર્યો હતો. આ મામલે ચૈતર વસાવા, તેમની પત્ની અને અન્ય આરોપીઓ વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.

આ કેસમાં ગત મહિને ચુકાદો આવ્યો અને કોર્ટે ચૈતર વસાવા અને અન્યોને સાત વર્ષની સજા ફટકારી હતી. ત્યારબાદ તમામ જેલભેગા થયા હતા. બાકીના ગુનેગારો હાઇકોર્ટમાંથી જામીન મેળવીને મુક્ત થયા છે. ચૈતર વસાવા હાલ જેલમાં રહેશે.