હોમપેજરાજકારણપુણેના જિયાદે 'જિગર' બનીને કચ્છની હિંદુ સગીરાને ફસાવી, ભાંડો ફૂટતાં ઇસ્લામ અપનાવવા...

પુણેના જિયાદે ‘જિગર’ બનીને કચ્છની હિંદુ સગીરાને ફસાવી, ભાંડો ફૂટતાં ઇસ્લામ અપનાવવા દબાણ કર્યું: કોર્ટમાં સાબિત થયો લવ જેહાદનો કેસ, ગુનેગારને આજીવન કેદની સજા

કોર્ટે એ નોંધ પણ કરી કે જિયાદે અન્ય પણ અનેક યુવતીઓ સાથે સોશિયલ મીડિયા પર સંપર્ક કેળવવાનો પ્રયાસ કર્યો હતો. આમાંથી એક પણ પોતાના ધર્મની (મુસ્લિમ) ન હતી અને મોટાભાગની હિંદુ અને અમુક ખ્રિસ્તી હતી.

- Advertisement -

કચ્છ સ્પેશિયલ પોક્સો કોર્ટે લવ જેહાદના એક કેસમાં મહારાષ્ટ્રના પુણેના એક મુસ્લિમ યુવકને દોષી ઠેરવીને આજીવન કેદની સજા ફટકારી છે. ઑક્ટોબર 2024માં નોંધાયેલી FIR મામલે કોર્ટમાં કેસ ચાલી રહ્યો હતો, જેનો 18 જુલાઈના રોજ ચુકાદો સંભળાવવામાં આવ્યો.

કોર્ટે ચુકાદામાં નોંધ્યું કે જિયાદ નામના આ શખ્સે કચ્છની એક હિંદુ સગીરાને સોશિયલ મીડિયા અને ગેમિંગ પ્લેટફોર્મના માધ્યમથી ફસાવી હતી અને ત્યારબાદ લગ્નની લાલચ આપીને વારંવાર બળજબરીપૂર્વક શારીરિક સંબંધો બાંધ્યા હતા. જિયાદે પોતાનું નામ જીગર જણાવ્યું હતું, જેનો ભાંડો ફૂટી ગયા બાદ તેણે સગીરા પર ઇસ્લામ અંગીકાર કરવા માટે દબાણ કર્યું અને ના પાડવા પર આપત્તિજનક ફોટા વાયરલ કરી દીધા હતા.

સ્પેશિયલ પોક્સો કોર્ટે જિયાદને IPC, પોક્સો એક્ટ અને ગુજરાત ધર્મ સ્વાતંત્ર્ય અધિનિયમ હેઠળ દોષી ઠેરવીને આજીવન કેદની સજા ફટકારી છે.

- Advertisement -

શું હતો મામલો?

કેસ ઑક્ટોબર 2024નો છે. કચ્છના પશ્ચિમ કચ્છ સાયબર પોલીસ મથકે નોંધાવવામાં આવેલી ફરિયાદમાં જણાવવામાં આવ્યું હતું કે એક હિંદુ પરિવારની સગીરા ત્રણેક વર્ષ પહેલાં મુંબઈના ડોમ્બિવલીમાં પરિવાર સાથે રહેતી હતી ત્યારે ઓનલાઇન ગેમ રમતી વખતે તેનો સંપર્ક જિગર નામની એક આઈડી ધરાવતા શખ્સ સાથે થયો હતો.

બંને વચ્ચે મિત્રતા થઈ અને સોશિયલ મીડિયા અકાઉન્ટની અને પછીથી મોબાઇલ નંબરની આપલે થઈ હતી. દરમ્યાન હિંદુ હોવાનું જણાય તે માટે સગીરાને ધાર્મિક ફોટો પણ મોકલતો રહેતો હતો.

થોડા સમય બાદ બંને ડોમ્બિવલીમાં મળ્યાં ત્યારે શખ્સે પોતાનું નામ ‘જિગર’ જણાવ્યું હતું અને કહ્યું હતું કે પોતે હિંદુ છે. ત્યારબાદ બંનેએ ફોટોગ્રાફ્સ પણ લીધા હતા. બંને વચ્ચે વાતચીત ચાલુ રહી અને એક દિવસ શખ્સ ઘરે આવી પહોંચ્યો હતો અને ઘરે કોઈ હાજર ન હોવાનું જાણીને સગીરા સાથે બળજબરીપૂર્વક લગ્નની લાલચ આપીને શારીરિક સંબંધો બાંધ્યા હતા. દરમ્યાન મોબાઈલમાં ફોટો પણ પાડી લીધા હતા.

ત્યારબાદ જ્યારે સગીરાએ લગ્નની વાત કરી ત્યારે પોત પ્રકાશ્યું અને જણાવ્યું હતું કે પોતે હિંદુ નહીં પણ મુસ્લિમ છે અને નામ જિગર નહીં પરંતુ જિયાદ છે. જો બંનેએ લગ્ન કરવાં હોય તો પહેલાં સગીરાએ ઇસ્લામ અંગીકાર કરવો પડશે અને ત્યારબાદ મસ્જિદમાં નિકાહ થશે.

આ જાણીને પીડિતાએ લગ્ન કરવાની ના પાડીને વાતચીત બંધ કરી દીધી હતી પરંતુ જિયાદ ત્યારબાદ પણ તેને પરેશાન કરતો રહેતો હતો અને ફોટા વાયરલ કરવાની ધમકી આપતો રહેતો હતો. દરમ્યાન તે ઘરે પહોંચી ગયો હતો અને ફરી રેપ કર્યો.

વર્ષ 2021માં સગીરાનો પરિવાર ગાંધીધામ આવી ગયો હતો અને તેની સગાઈ ગાંધીધામના જ એક યુવક સાથે થઈ હતી. આ બાબતની જાણ થતાં જિયાદ ફરીથી હેરાન કરવા માંડ્યો હતો અને ધાકધમકીઓ આપતો હતો. ત્યારબાદ જિયાદે સોશિયલ મીડિયા પર સગીરાના આપત્તિજનક સ્થિતિમાં ફોટોગ્રાફ વાયરલ કરી દીધા હતા. જે બાબતની જાણ થતાં પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી હતી.

પોલીસે જિયાદ સામે ગુનો દાખલ કરીને તેની ધરપકડ કરી લીધી હતી અને ત્યારબાદ કોર્ટના આદેશથી જેલમાં મોકલી અપાયો હતો. લગભગ 11 મહિના પછી સપ્ટેમ્બરમાં કોર્ટે તેને જામીન આપ્યા હતા.

ધર્મ છુપાવીને અન્ય ધર્મની મહિલાઓને ફસાવવી, ધર્માંતરણ માટે દબાણ કરવું એ ગુનો

કોર્ટે સજા સંભળાવતી વખતે કહ્યું કે, “અહીં સ્પષ્ટ જણાય આવે છે કે આરોપીએ પોતે મુસ્લિમ હોવા છતાં હિંદુ ધર્મનો છે તે રીતે પોતાની જાતને પ્રોજેક્ટ કરીને પીડિતા, જે હિંદુ ધર્મની છે, તેની સાથે સંપર્કમાં આવી મિત્રતા કરીને તેને પ્રેમસંબંધ સુધી પહોંચાડી તેની સાથે બે વખત શારીરિક સંબંધ બાંધ્યા હતા અને ત્યારબાદ ધર્મ પરિવર્તન કરવા માટે, મુસ્લિમ ધર્મ અંગીકાર કરવા માટે દબાણ કર્યું હતું.”

કોર્ટે ઉમેર્યું, “આ હકીકતનો ઉલ્લેખ એટલા માટે પણ જરૂરી છે કારણ કે હાલ આ પ્રકારના કિસ્સાઓમાં વધારો થઈ રહ્યો છે અને એક ચોક્કસ પ્રકારનું જૂથ આવા પ્રયાસો કરી રહ્યું છે. જ્યાં પોતે જે-તે ધર્મના ન હોવા છતાં તે ધર્મના છે તે રીતે પોતાની જાતને પ્રોજેક્ટ કરીને બીજા ધર્મની છોકરીઓ સાથે સંપર્ક વધારી, સંપર્કને મિત્રતા અને તેને પ્રેમસંબંધમાં ફેરવી શારીરિક સંબંધો બનાવ્યા બાદ પોતે ખાસ ધર્મના છે તેવું જાહેર કરી આવી પીડિતાઓને ધર્મ અંગીકાર કરવા માટે દબાણ કરવામાં આવે છે. આવી વિચારધારા આપણા સમાજમાં કામ કરી રહી છે.”

કોર્ટે એ નોંધ પણ કરી કે જિયાદે અન્ય પણ અનેક યુવતીઓ સાથે સોશિયલ મીડિયા પર સંપર્ક કેળવવાનો પ્રયાસ કર્યો હતો. આમાંથી એક પણ પોતાના ધર્મની (મુસ્લિમ) ન હતી અને મોટાભાગની હિંદુ અને અમુક ખ્રિસ્તી હતી.

કોર્ટે સ્પષ્ટતા કરતાં કહ્યું કે સોશિયલ મીડિયા પર કોઈની સાથે મિત્રતા કરવી, ચેટિંગ કરવું કે પ્રેમસંબંધો બાંધવા પણ ગુનાહિત કૃત્ય નથી. પરંતુ ધર્મ છુપાવીને અન્ય ધર્મની મહિલાઓ સાથે સંપર્ક કરવા, તમામ હકીકતો છુપાવીને શારીરિક સંબંધો બાંધવા અને ત્યારબાદ ધર્મ પરિવર્તન માટે દબાણ કરવું એ ગુનાહિત કૃત્યમાં આવે છે અને એટલું જ નહીં આ ધર્મવિરોધી અને સમાજવિરોધી કૃત્ય પણ છે.

અદાલતે ઉમેર્યું કે જો આવાં કૃત્યોને હળવાશથી લેવામાં આવે તો આ પ્રકારની પ્રવૃત્તિઓને પ્રોત્સાહન મળશે અને વધતી રહેશે. આવી પ્રવૃત્તિઓ ન માત્ર સમાજ પર અવળી અસર કરે છે પણ સમાજમાં વૈમનસ્ય વધારીને આખરે નકારાત્મકતા જ લાવે છે.

દેશમાં, ગુજરાતમાં વધી રહ્યા છે આ પ્રકારના કિસ્સાઓ, ચોક્કસ વિચારધારા કારણભૂત: કોર્ટ

કોર્ટે નોંધ્યું કે દેશમાં આ પ્રકારે ઓળખ છુપાવીને પ્રેમસંબંધો બાંધવાના કિસ્સાઓ વધી રહ્યા છે અને ગુજરાત પણ તેમાંથી બાકાત નથી. કોર્ટે એ હકીકતનો પણ ઉલ્લેખ કર્યો કે ધારાસભા પણ આ બાબતે ગંભીર છે અને એટલે જ 2021માં ધર્મ સ્વાતંત્ર્ય અધિનિયમમાં સુધારો કરવામાં આવ્યો હતો. (જે સામાન્ય રીતે ‘લવ જેહાદ’ એક્ટ તરીકે વધારે પ્રચલિત છે.)

કોર્ટે કહ્યું કે આ પવિત્ર અને ધાર્મિક દેશમાં આવી કોઈ વિચારધારા સક્રિય રહે અને જો પ્રોત્સાહન મળે અને આવા કેસ વધતા રહે તો સંપૂર્ણ સમાજ માટે, દરેક ધર્મ માટે અને અંતે દેશ માટે જોખમી છે. જેથી આવી વિચારધારા અને પ્રવૃત્તિને ગંભીરતાથી લેવાની જરૂર છે અને મૂળમાંથી ઉખેડી નાખવા માટે કાર્યવાહી કરવી જરૂરી છે.

કોર્ટે આખરે આજીવન કેદની સજા ફટકારી અને પીડિતાને 4 લાખનું વળતર આપવા માટે નિર્દેશ આપ્યો હતો.

કથિત સેક્યુલરોના કહેવા પ્રમાણે ‘લવ જેહાદ’ જો મિથ હોય તો આ શું છે?

આ સંભવતઃ કચ્છનો પહેલો લવ જેહાદનો કેસ છે જે ચુકાદા સુધી પહોંચ્યો છે. પહેલાં ઉત્તર પ્રદેશ સરકારે અને ત્યારબાદ ગુજરાત સહિતના અમુક રાજ્યોની સરકારે લવ જેહાદ વિરોધી કાયદાઓ બનાવ્યા ત્યારે તથાકથિત લિબરલ-સેક્યુલરોની એક જમાત દલીલો કરતી હતી કે લવ જેહાદ જેવું કશું હોતું નથી અને આ માત્ર હિંદુ અંતિમવાદીઓએ, કટ્ટર જમણેરીઓએ શોધી કાઢેલી થિયરી છે, જેનું જમીન પર ક્યાંય અસ્તિત્વ નથી.

‘લવ જેહાદ’ જેવું કશું હોતું નથી એવી દલીલો વારંવાર ઇકોસિસ્ટમ આપતી રહે છે અને આ મુદ્દે પુસ્તકો પણ લખાઈ ચૂક્યાં છે. પરંતુ એક નહીં અનેક કિસ્સાઓમાં લવ જેહાદ સાબિત થતો રહ્યો છે, જ્યાં હિંદુ સગીરાઓને, યુવતીઓને ધાર્મિક ઓળખ છુપાવીને મુસ્લિમ યુવકો ફસાવે છે અને ભાંડો ફૂટી ગયા બાદ કાં ધર્મ પરિવર્તન કરવા માટે દબાણ કરવામાં આવે છે કાં અન્ય પ્રકારની યાતનાઓ આપવામાં આવે છે. અમુક કિસ્સાઓમાં કેસો કરુણ અંજામ સુધી પણ પહોંચ્યા છે.

ઑપઇન્ડિયાએ વખતોવખત આવા કેસો પર પ્રકાશ પાડ્યો છે અને તેનું દસ્તાવેજીકરણ કરવાનું કામ પણ થતું રહ્યું છે. હવે આવા કેસ પર ન્યાયાલયનો સિક્કો પણ લાગી ગયો છે અને પુરવાર થયું છે કે ‘લવ જેહાદ’ જેવું ખરેખર હોય છે.

- Advertisement -
Join OpIndia's official WhatsApp channel

સંબંધિત લેખો

- Advertisement -

તાજા સમાચાર

ચૂકશો નહીં