નેપાળમાં જળપ્રલયથી ભારે તબાહી, મૃત્યુઆંક 31 પર પહોંચ્યો: મોદી સરકારે મદદનો હાથ લંબાવ્યો, બિહાર-યુપીમાં પણ એલર્ટ

(Photo: The Guardian)

નેપાળમાં આવેલા જળ પ્રલયે ભારે તબાહી મચાવી છે. તિબેટની સરહદ નજીક આવેલા રસુવા જિલ્લામાં ભોટે કોશી નદીમાં અચાનક આવેલા પાણીના ધસમસતા પ્રવાહે અનેક મકાનો, વાહનો, પુલો, રસ્તાઓ અને અન્ય માળખાંને પોતાની સાથે તાણી લીધાં છે. આ દુર્ઘટનામાં મૃત્યુઆંક વધીને ઓછામાં ઓછો 31 થયો છે, જ્યારે હજુ મોટી સંખ્યામાં લોકો લાપતા છે. બચાવ અને રાહત કામગીરી સતત ચાલી રહી છે.

આ પ્રલયનું સૌથી વધુ નુકસાન રસુવા જિલ્લાના તિમુરે અને સ્યાફ્રુબેસી સહિતના વિસ્તારોમાં થયું છે. બુધવારે (26 ઑગસ્ટ) સવારે લગભગ 9 વાગ્યાની આસપાસ તિબેટ તરફથી અચાનક આવેલા પાણીના પ્રવાહે ભોટે કોશી નદીનું સ્વરૂપ જ બદલી નાખ્યું હતું. પાણી એટલી ઝડપથી આવ્યું અનેક જગ્યાએ રસ્તા અને પુલ તૂટી જતાં અસરગ્રસ્ત વિસ્તારો સાથેનો સંપર્ક પણ મુશ્કેલ બન્યો છે.

આ દુર્ઘટનામાં જાનમાલ ઉપરાંત નેપાળના મહત્વપૂર્ણ હાઇડ્રોપાવર પ્રોજેક્ટ્સને પણ નુકસાન થયું છે. રસુવા અને આસપાસના વિસ્તારોમાં અનેક વીજ પરિયોજનાઓ, રસ્તાઓ અને અન્ય માળખાં પૂરનાં પાણીમાં ધોવાઈ ગયાં છે. સ્થાનિક અધિકારીઓના જણાવ્યા પ્રમાણે અનેક લોકોનો હજુ સંપર્ક થઈ શક્યો નથી. 32 સુરક્ષા કર્મચારીઓ પણ ગાયબ હોવાનું નેપાળના કાઠમંડુ પોસ્ટે અહેવાલ આપ્યો છે.

આ દુર્ઘટનામાં વિદેશી નાગરિકો અને કૈલાશ-માનસરોવર યાત્રા પર જઈ રહેલા લોકો પણ ફસાયા છે. વિવિધ અહેવાલો પ્રમાણે લગભગ 384 પ્રવાસીઓનો સંપર્ક થઈ શક્યો નથી, જેમાં 105 ભારતીયોનો સમાવેશ થાય છે. અન્ય ગુમ લોકોમાં બ્રિટન, અમેરિકા, મલેશિયા, દક્ષિણ આફ્રિકા, ઑસ્ટ્રેલિયા સહિતના દેશોના નાગરિકોનો પણ સમાવેશ થાય છે. આ કારણે નેપાળની સાથે ભારત સહિત અનેક દેશોની સરકારો પણ પરિસ્થિતિ પર નજર રાખી રહી છે.

અચાનક આટલું ભયાનક પૂર કેવી રીતે આવ્યું?

નેપાળના વિદેશમંત્રી શિશિર ખાનાલે પૂર પાછળના સંભવિત કારણ અંગે જણાવ્યા પ્રમાણે તિબેટ વિસ્તારમાં આવેલા 4.4ની તીવ્રતાના ભૂકંપને કારણે હિમસ્ખલન એટલે કે બરફ અને પથ્થરોનો મોટો જથ્થો ખસી પડ્યો હોવાની પ્રાથમિક શક્યતા છે. આ હિમસ્ખલનને કારણે નદીનો પ્રવાહ થોડા સમય માટે અટક્યો અને ત્યારબાદ અચાનક પાણીનો મોટો જથ્થો છૂટી પડતાં ભોટે કોશી નદીમાં વિનાશક પૂર આવ્યું હોવાની શક્યતા છે.

કાઠમંડુ યુનિવર્સિટીના સંશોધકોએ પણ પ્રાથમિક રીતે એવી શક્યતા વ્યક્ત કરી છે કે લ્હેન્દે ખોલા નદી પાસે બરફના હિમસ્ખલનથી અવરોધ ઊભો થયો હતો. પાણી પાછળ એકઠું થતું ગયું અને અવરોધ તૂટતાં અચાનક પાણીનો મોટો પ્રવાહ નીચે તરફ ધસી આવ્યો. જોકે આ સમગ્ર ઘટનાની હજુ તપાસ ચાલી રહી છે અને ભૂકંપ, હિમસ્ખલન અને અચાનક આવેલા પૂર વચ્ચેના ચોક્કસ સંબંધ અંગે અંતિમ નિષ્કર્ષ આવવાનો બાકી છે.

બચાવ કામગીરી માટે નેપાળ આર્મીના હેલિકોપ્ટર અને વિશેષ રેસ્ક્યુ ટીમોને અસરગ્રસ્ત વિસ્તારોમાં ઉતારવામાં આવી છે. નદીકંઠાના વિસ્તારોમાંથી લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવાની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. ખરાબ હવામાન અને તૂટી ગયેલા રસ્તાઓને કારણે જમીન માર્ગે પહોંચવું મુશ્કેલ હોવાથી હેલિકોપ્ટર દ્વારા પણ બચાવ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.

મોદી સરકાર નેપાળની સાથે, ભારત મોકલશે રાહત સામગ્રી

નેપાળમાં સર્જાયેલી આ ભયાનક કુદરતી આપત્તિ વચ્ચે ભારતે પણ મદદનો હાથ લંબાવ્યો છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ નેપાળના વડા પ્રધાન બલેન્દ્ર શાહ સાથે ફોન પર વાત કરી અને જાનહાનિ અંગે દુઃખ વ્યક્ત કર્યું હતું. પીએમ મોદીએ સ્પષ્ટ કહ્યું કે મુશ્કેલીના આ સમયમાં ભારત નેપાળના લોકોની સાથે ઊભું છે અને ભારત શક્ય તમામ માનવતાવાદી મદદ આપવા તૈયાર છે.

ભારત સરકાર હવે નેપાળમાં રાહત સામગ્રી શક્ય તેટલી વહેલી તકે મોકલવાની તૈયારી કરી રહી છે. આ ઉપરાંત NDRFને પણ પરિસ્થિતિ માટે તૈયાર રાખવામાં આવી છે. નેપાળમાં ફસાયેલા ભારતીય નાગરિકોની મદદ માટે કાઠમંડુ સ્થિત ભારતીય દૂતાવાસે બે ઇમરજન્સી હેલ્પલાઇન નંબર પણ જાહેર કર્યા છે: +977 985 131 6807 અને +977 970 910 7500.

નેપાળ બાદ હવે બિહાર અને ઉત્તર પ્રદેશમાં પણ એલર્ટ

નેપાળની ભોટે કોશી અને ત્રિશૂલી નદીઓનું પાણી આગળ વધીને ગંડક નદીમાં ભળવાની શક્યતા હોવાથી ભારતના સરહદી વિસ્તારોમાં હાઇ એલર્ટ જાહેર કરાયું છે. ખાસ કરીને બિહાર અને ઉત્તર પ્રદેશના નીચાણવાળા જિલ્લાઓમાં પ્રશાસનને સતર્ક રહેવા જણાવ્યું છે.

બિહારના મુખ્યમંત્રી સમ્રાટ ચૌધરીએ પટના ખાતે ઉચ્ચ સ્તરીય બેઠક યોજીને પશ્ચિમ ચંપારણ, પૂર્વ ચંપારણ, ગોપાલગંજ અને સરન જેવા સરહદી જિલ્લાના અધિકારીઓને રાત્રિ પેટ્રોલિંગ અને બંધારા (તળાવો/ડેમ) પર સતત નજર રાખવાના આદેશ આપ્યા છે. નેપાળથી આવતા જળપ્રવાહને કારણે ગંડક નદી પરના વાલ્મિકીનગર બેરેજ પર ત્રણ ગણું પાણી વધવાની શક્યતા છે, જેના પગલે નદી કિનારાના ગામડોને ખાલી કરાવવાની અને સાવચેતીનાં પગલાં લેવાની સૂચના આપી છે.

નેપાળમાં હજુ પણ રાહત અને બચાવ કામગીરી ચાલુ છે અને મૃત્યુઆંક તથા ગાયબ લોકોની સંખ્યા વધી શકે છે. સૌથી મોટી ચિંતા એ છે કે ઘણા વિસ્તારોનો સંપર્ક તૂટી ગયો છે અને ખરાબ હવામાનને કારણે હેલિકોપ્ટર કામગીરીમાં પણ મુશ્કેલીઓ આવી રહી છે.