મુંબઈના મઝગાંવમાં ભગવાન ગણપતિની આગમન યાત્રા પર ઈંડાં ફેંકાયાં: હિંદુઓનો વિરોધ, અગાઉ પણ નાગપાડામાં બની ચૂકી છે આવી ઘટના

મુંબઈના મઝગાંવ વિસ્તારમાં ગણેશ ઉત્સવ પૂર્વે જ ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચાડવાનો અને શાંતિ ડહોળવાનો વધુ એક પ્રયાસ સામે આવ્યો છે. 23 ઑગસ્ટની મધ્યરાત્રિ અને 24 ઑગસ્ટની વહેલી સવારે ભગવાન ગણેશજીની આરાધ્ય પ્રતિમાના આગમનની શોભાયાત્રા પર નજીકની ઈમારતમાંથી ઈંડાં ફેંકવામાં આવ્યાં હતાં. આ ઘટના બાદ હિંદુ શ્રદ્ધાળુઓમાં ભારે આક્રોશ વ્યાપી ગયો હતો અને સ્થળ પર ભારે હોબાળો મચી ગયો હતો.

સ્થાનિક રહેવાસીઓ અને ઉત્સવ સમિતિના જણાવ્યા અનુસાર શોભાયાત્રા જ્યારે પંડાલથી અંદાજે 30થી 40 મીટર દૂર આવેલી એક ઈમારત પાસેથી પસાર થઈ રહી હતી, ત્યારે અજાણ્યા અસામાજિક તત્વોએ ઈરાદાપૂર્વક શોભાયાત્રા પર ઈંડાં ફેંક્યાં હતાં. પવિત્ર ધાર્મિક પ્રસંગે કરવામાં આવેલા આ કૃત્યથી ભક્તોની ભક્તિ અને શ્રદ્ધા પર સીધો પ્રહાર થયો હતો, જેના કારણે વાતાવરણ તંગ બની ગયું હતું.

આરોપીઓ સામે કડક કાર્યવાહીની માંગ

આ ઘટનાથી રોષે ભરાયેલા લોકો મોટી સંખ્યામાં રસ્તા પર ઉતરી આવ્યા હતા અને ‘જય શ્રીરામ’ તથા ‘વંદે માતરમ્’ના નારા લગાવીને આ અસામાજિક પ્રવૃત્તિનો વિરોધ નોંધાવ્યો હતો. વિરોધ પ્રદર્શન દરમિયાન બે જૂથો વચ્ચે ઘર્ષણની સ્થિતિ સર્જાઈ હતી. ઘટનાની ગંભીરતાને જોઈને સ્થાનિક પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ હતી અને પરિસ્થિતિને કંટ્રોલમાં લીધી હતી. હાલ સમગ્ર વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થા જાળવી રાખવા માટે ભારે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે.

અખિલ પબ્લિક ફેસ્ટિવલ કમિટીના પ્રમુખ હિતેશ જાધવે આ ઘટનાની સખત શબ્દોમાં નિંદા કરતા આરોપીઓ સામે ત્વરિત કાર્યવાહીની માંગ કરી છે. તેમણે જણાવ્યું હતું કે, “ભગવાન ગણપતિજીનું આગમન થઈ ચૂક્યું હતું અને ત્યારે જ નજીકની બિલ્ડિંગમાંથી કોઈકે ઈંડાં ફેંક્યાં.” તેમણે ઉમેર્યું કે મહારાષ્ટ્રના સાંસ્કૃતિક બાબતોના મંત્રી આશિષ શેલાર સાથે વાતચીત થઈ છે અને પોલીસે 24 કલાકની અંદર દોષિતો સામે કડકમાં કડક પગલાં લેવાની ખાતરી આપી છે.

અગાઉ પણ બની છે આવી ઘટનાઓ

ગણપતિ મંડળના ડેપ્યુટી સેક્રેટરી વિવેક રાણે પણ આ કૃત્યને સખત શબ્દોમાં વખોડી કાઢતા કહ્યું કે ધાર્મિક ઉત્સવને નિશાન બનાવીને કરવામાં આવેલું આ કૃત્ય કોઈ પણ સંજોગોમાં ચલાવી લેવાય નહીં. સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ, ગણેશોત્સવ જેવા પવિત્ર તહેવારમાં હિંદુ શ્રદ્ધાળુઓની આસ્થાને ઠેસ પહોંચાડવાની આ કોઈ પહેલી ઘટના નથી. આ પહેલાં પણ બાયકુલાના નાગપાડા વિસ્તારમાં ગણેશ યાત્રાને આવી જ રીતે નિશાન બનાવવામાં આવી હતી.

આ પહેલાં પણ વર્ષ 2022માં નાગપાડાના કામઠીપુરા વિસ્તારમાં આવી જ એક ઘટના સામે આવી હતી, જ્યાં ગણેશજીની મૂર્તિ લઈ જઈ રહેલી શોભાયાત્રા પર ઈંડાં ફેંકવામાં આવ્યાં હતાં. તે સમયે પણ ભારે વિરોધ બાદ પોલીસે ત્વરિત કાર્યવાહી કરીને આરોપીની ધરપકડ કરી હતી.

ઉગ્ર આંદોલનની ચીમકી

નોંધનીય છે કે મુંબઈમાં ટૂંક સમયમાં શરૂ થઈ રહેલા ગણેશોત્સવને લઈને ભારે ઉત્સાહનું વાતાવરણ છે. શહેરમાં 10,600થી વધુ જાહેર ગણેશ મંડળો છે અને સમગ્ર મહારાષ્ટ્રમાં આશરે 28 લાખ ગણેશ મૂર્તિઓની સ્થાપના થવાની છે. અંધેરીચા રાજા જેવા મોટા મંડળોએ આ વર્ષે અયોધ્યા રામ મંદિરની થીમ પર આધારિત ભવ્ય મંડપો તૈયાર કર્યા છે. આવા પવિત્ર માહોલ વચ્ચે હિંદુ તહેવારોમાં અડચણ ઊભી કરવાના કટ્ટરપંથી તત્વોના પ્રયાસો સામે લોકોમાં ભારે અસંતોષ છે.

મઝગાંવની ઘટના બાદ પોલીસે સમગ્ર વિસ્તારને છાવણીમાં ફેરવી દીધો છે. જોકે, હજુ સુધી પોલીસ તરફથી કોઈ સત્તાવાર નિવેદન જાહેર કરવામાં આવ્યું નથી, પરંતુ મંડળ અને સ્થાનિક નાગરિકોએ સ્પષ્ટ કર્યું છે કે જો 24 કલાકમાં ઈંડાં ફેંકનારા ગુનેગારોની ધરપકડ કરવામાં નહીં આવે તો તેઓ ઉગ્ર આંદોલન કરશે. મહારાષ્ટ્ર સરકારે પણ તમામ ગણેશ મંડળો અને શોભાયાત્રાઓના માર્ગો પર ચુસ્ત સુરક્ષા જાળવી રાખવાની સૂચના આપી છે.