અલ્હાબાદ હાઇકોર્ટે તાજેતરમાં એક આદેશ પસાર કરતાં કહ્યું કે હિજાબ એ ઇસ્લામનો અનિવાર્ય ભાગ નથી અને કોઈ વ્યક્તિગત પસંદગી મુજબ શૈક્ષણિક સંસ્થાના યુનિફોર્મમાં ફેરફાર ન કરી શકે. એક મુસ્લિમ વિદ્યાર્થિનીની અરજી ફગાવતી વખતે કોર્ટે આ આદેશ આપ્યો.
વાસ્તવમાં વિદ્યાર્થિનીએ શાળામાં હિજાબ પહેરવાની પરવાનગી માગી હતી પણ શાળા પ્રશાસને ના પાડી દીધી હતી. ત્યારબાદ હાઇકોર્ટમાં એક રિટ અરજી દાખલ કરવામાં આવી. હાઇકોર્ટે અરજી ફગાવીને કહ્યું કે શાળામાં યુનિફોર્મ હોય છે વિદ્યાર્થીઓ વચ્ચે શિસ્તતા, એકરૂપતા અને સમાનતા જાળવવા માટે અને કોઈ વિદ્યાર્થી વ્યક્તિગત પસંદગી મુજબ તેમાં ફેરફાર ન કરી શકે. સાથે કર્ણાટક હાઇકોર્ટનો એક ચુકાદો ટાંકીને કોર્ટે કહ્યું કે હિજાબ એ ઇસ્લામનો અનિવાર્ય ભાગ નથી.
સમગ્ર મામલો શું છે?
વિવાદ ઉત્તર પ્રદેશના પ્રયાગરાજ ખાતે આવેલી એક ખાનગી અને સ્વનિર્ભર શાળા ‘ટાગોર પબ્લિક સ્કૂલ’ સાથે જોડાયેલો છે. આ શાળા CBSE બોર્ડ સાથે સંલગ્ન છે અને અન્ય શાળાઓની જેમ અહીં પણ વિદ્યાર્થીઓ માટે ચોક્કસ યુનિફોર્મ છે. કેસની શરૂઆત ત્યારે થઈ જ્યારે શાળાની એક સગીર મુસ્લિમ વિદ્યાર્થિનીએ ધોરણ 10ની પરીક્ષા પાસ કરી અને એ જ શાળામાં ધોરણ 11માં પ્રવેશ મેળવવા માટે અરજી કરી.
ધોરણ 11માં પ્રવેશ મેળવતી વખતે વિદ્યાર્થિનીએ શાળા પ્રશાસન સમક્ષ એવી માંગણી મૂકી કે તેને નિયત સ્કૂલ યુનિફોર્મની સાથે અલગથી હિજાબ પહેરવાની પરવાનગી આપવામાં આવે. શાળા પ્રશાસને નિયમોનો હવાલો આપીને આ માંગણી સ્વીકારવાનો સ્પષ્ટ ઇનકાર કરી દીધો. શાળાએ જણાવ્યું કે ગણવેશના નિયમો તમામ વિદ્યાર્થીઓ માટે એકસરખા છે અને તેમાં કોઈ વિશેષ સુધારો કે ઉમેરો કરી શકાય નહીં.
શાળાએ પરવાનગી ન આપતા વિદ્યાર્થિનીએ તેની માતા મારફતે અલ્હાબાદ હાઇકોર્ટમાં રિટ પિટિશન દાખલ કરીને શાળાના નિર્ણયને પડકાર્યો હતો.
અરજીમાં વિદ્યાર્થિની તરફથી દલીલ કરવામાં આવી હતી કે હિજાબ પહેરવો એ ઇસ્લામનો એક અવિભાજ્ય અને આવશ્યક ભાગ છે. વિદ્યાર્થિનીએ પોતાની પિટિશનમાં એવો પણ દાવો કર્યો હતો કે તે ધોરણ 6થી 10 સુધી આ જ શાળામાં ભણતી હતી અને આ સમગ્ર સમયગાળા દરમિયાન તે હિજાબ પહેરીને શાળાએ આવતી હતી. વિદ્યાર્થિનીનું કહેવું હતું કે અગાઉ શાળાએ ક્યારેય આ અંગે વાંધો લીધો નહોતો, તેથી હવે અચાનક ધોરણ 11માં પ્રવેશ સમયે હિજાબ પહેરવા પર રોક લગાવવી તે તેના બંધારણીય અધિકારોનું હનન છે.
બીજી તરફ, શાળા પ્રશાસને કોર્ટમાં પોતાનો પક્ષ રાખતાં કહ્યું કે શાળામાં દરેક ધર્મ અને સમુદાયના બાળકો અભ્યાસ કરે છે. જો કોઈ એક વિદ્યાર્થીને યુનિફોર્મમાં છૂટછાટ આપવામાં આવે તો શાળાની શિસ્ત અને એકરૂપતા જોખમાશે. આ કેસમાં ઉત્તર પ્રદેશ સરકાર અને CBSEએ પણ શાળાના વલણનું સમર્થન કર્યું હતું.
કોર્ટે શું કહ્યું
જસ્ટિસ જે. જે. મુનીર અને જસ્ટિસ ઈન્દરજીત શુક્લાની બેન્ચે આ કેસની સુનાવણી કરી હતી. હાઇકોર્ટે અરજદારની તમામ દલીલોને ફગાવી દેતાં આ રિટ પિટિશન ડિસમિસ કરી દીધી હતી. કોર્ટે સ્પષ્ટપણે અવલોકન કર્યું કે અરજદાર વિદ્યાર્થિની એવું સાબિત કરવામાં નિષ્ફળ રહી છે કે વર્ગખંડમાં હિજાબ પહેરવો એ મજહબ માટે અત્યાવશ્યક છે અને તેના વગર ચાલી શકે એમ નથી.
સુનાવણી દરમિયાન કોર્ટે શાળા દ્વારા રજૂ કરવામાં આવેલા વિવિધ વર્ગોના ફોટોગ્રાફ્સ પણ ચકાસ્યા હતા. કોર્ટે નોંધ્યું કે આ વિદ્યાર્થિની સિવાય અન્ય કોઈ પણ મુસ્લિમ સમુદાયની વિદ્યાર્થિની હિજાબ પહેરતી નહોતી. આના પરથી સાબિત થાય છે કે ગણવેશનો નિયમ તમામ માટે એકસરખો લાગુ હતો.
અરજદારની ભૂતકાળની દલીલ અંગે કોર્ટે ખૂબ જ મહત્વપૂર્ણ સ્પષ્ટતા કરી હતી. હાઇકોર્ટે કહ્યું કે જો ભૂતકાળમાં શાળાએ આળસ, હિંમતના અભાવે, સૌજન્ય ખાતર કે અન્ય કોઈ કારણોસર દંડકીય કાર્યવાહી ન કરી હોય અથવા હિજાબ પહેરવા દીધો હોય તો તેનો અર્થ એ નથી કે વિદ્યાર્થિનીને કાયમી અધિકાર મળી જય. ભૂતકાળની છૂટછાટ શાળાને ભવિષ્યમાં પોતાના જ ગણવેશના નિયમો સખત રીતે અમલમાં મૂકતા રોકી શકતી નથી.
શાળા પ્રશાસને કોર્ટ સમક્ષ પોતાનો પક્ષ મૂકતાં જણાવ્યું હતું કે તે એક ખાનગી સંસ્થા છે જ્યાં તમામ સંપ્રદાયનાં બાળકો અભ્યાસ કરે છે. જો કોઈ એક વિદ્યાર્થીને યુનિફોર્મમાં વિશેષ છૂટ આપવામાં આવે તો શાળાની શિસ્ત, સમાનતા અને ગણવેશની એકરૂપતા જાળવવી અશક્ય બની જશે. પછીથી કોર્ટમાં ઉત્તર પ્રદેશ રાજ્ય સરકાર અને CBSEએ પણ શાળાની આ દલીલોને ટેકો આપ્યો.
ચુકાદામાં શાળાના યુનિફોર્મના મહત્વ પર પ્રકાશ પડતાં હાઇકોર્ટે નોંધ્યું કે ગણવેશ માત્ર કપડાં નથી, પરંતુ તે વિદ્યાર્થીઓમાં શિસ્ત અને એકરૂપતા લાવે છે. વર્ગખંડમાં બાળકો વચ્ચેના આર્થિક કે ધાર્મિક ભેદભાવો દૂર કરીને ધર્મનિરપેક્ષ વાતાવરણ ઊભું કરવામાં યુનિફોર્મ સૌથી મોટો ભાગ ભજવે છે.
‘હિજાબ એ ઇસ્લામનો અનિવાર્ય ભાગ નથી’
ન્યાયાલયે પોતાના નિર્ણયમાં કર્ણાટક હાઇકોર્ટના 2022ના ચુકાદાનો સંદર્ભ આપ્યો હતો, જેમાં કોર્ટે હિજાબને ઇસ્લામનો આવશ્યક મજહબી ભાગ માનવાનો ઇનકાર કરી દીધો હતો. અલ્હાબાદ હાઇકોર્ટે આ નિર્ણયને ખૂબ જ મહત્વનો અને માર્ગદર્શક ગણાવીને એ પણ નોંધ્યું કે સુપ્રીમ કોર્ટમાં આ મામલે ખંડિત ચુકાદો આવેલો હોવાથી હજુ સુધી કોઈ અંતિમ સર્વોચ્ચ નિર્ણય આવ્યો નથી, તેથી હાઇકોર્ટોના અગાઉના એકસમાન નિર્ણયો જ માન્ય રહેશે.
અલ્હાબાદ હાઇકોર્ટે પોતાના ચુકાદામાં કેરળ અને બૉમ્બે હાઇકોર્ટના અગાઉના ચુકાદાઓનો પણ ઉલ્લેખ કર્યો હતો. વિવિધ અદાલતોના વલણને ટાંકીને બેન્ચે કહ્યું કે દેશની લગભગ તમામ હાઇકોર્ટ એકમતે એ જ તારણ પર આવી છે કે શાળાના ગણવેશના નિયમો ધાર્મિક સ્વતંત્રતા કરતાં સંસ્થાકીય શિસ્તને પ્રાધાન્ય આપે છે.
ચુકાદાના અંતમાં કોર્ટે એ બાબત પર ભાર મૂક્યો કે જો દરેક વિદ્યાર્થીને તેમની વ્યક્તિગત કે મજહબી પસંદગી મુજબ યુનિફોર્મમાં ફેરફાર કરવાની છૂટ આપવામાં આવે તો ‘યુનિફોર્મ’નો (સમાન ગણવેશ) મૂળ સિદ્ધાંત જ નાશ પામશે. આનાથી શાળાની શિસ્ત નક્કી કરવાનો અધિકાર સંસ્થાના હાથમાંથી નીકળીને વિદ્યાર્થીઓના વ્યક્તિગત નિર્ણય પર જતો રહેશે, જે શૈક્ષણિક વ્યવસ્થા માટે યોગ્ય નથી. અંતે કોર્ટે અરજી ફગાવી દીધી હતી.


