28 વર્ષ બાદ વંધામા હિંદુ નરસંહારની ફાઇલ ખૂલી: 23 કાશ્મીરી પંડિતોની હત્યાની SIA ફરી તપાસ કરશે, અન્ય કેસો પણ રડારમાં

જમ્મુ અને કાશ્મીરની સ્ટેટ ઇન્વેસ્ટિગેશન એજન્સીએ (SIA) 1998ના ચર્ચિત વંધામા નરસંહારના કેસની તપાસ ફરીથી શરૂ કરી છે. 28 વર્ષ પહેલાં થયેલી આ હૃદયદ્રાવક ઘટનામાં 23 કશ્મીરી પંડિતોની નિર્મમ હત્યા કરવામાં આવી હતી. ઘાટીમાં આતંકવાદના પીક સમયગાળા દરમિયાન થયેલી ટાર્ગેટ હત્યાઓના જૂના અને પેન્ડિંગ કેસોને અંત સુધી પહોંચાડવાના એક મોટા અભિયાનના ભાગરૂપે આ પગલું ભરવામાં આવ્યું છે.

વંધામાની આ ઘટના 25 અને 26 જાન્યુઆરી 1998ની મધ્યરાત્રિએ ગાનંદરબલ જિલ્લાના વંધામા ગામમાં બની હતી. આતંકવાદીઓ ભારતીય સેનાના યુનિફોર્મમાં આવ્યા હતા અને સ્થાનિક કશ્મીરી પંડિત પરિવારના સભ્યોને એક જગ્યાએ એકઠા કર્યા બાદ અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો. આ હુમલામાં 9 મહિલાઓ અને 4 બાળકો સહિત 23 લોકો માર્યા ગયાં હતાં. આ નરસંહારમાં માત્ર 14 વર્ષની એક જ બાળકી બચી શકી હતી.

વંધામા નરસંહાર ઉપરાંત, એજન્સીએ કશ્મીરી પંડિત નેતા ટીકા લાલ ટપલુંની હત્યાનો કેસ, ન્યાયાધીશ નીલકંઠ ગંજુની હત્યાનો કેસ, કશ્મીરી પંડિત લેખક સર્વાનાંદ કૌલ પ્રેમી અને તેમના પુત્ર વિરેન્દર કૌલની 1990માં થયેલી હત્યાના કેસ સહિત ઘણા કેસ રીઓપન કર્યા છે. આ સિવાય શેર-એ-કશ્મીર ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેડિકલ સાયન્સના (SKIMS)  કશ્મીરી પંડિત નર્સ સરલા ભટના 1990ના અપહરણ અને હત્યા કેસમાં એજન્સીએ જૂન માસમાં 737 પાનાંની ચાર્જશીટ દાખલ કરી છે.

SIAના ઉચ્ચ અધિકારીઓના જણાવ્યા મુજબ, દાયકાઓ જૂના આ કેસોની તપાસ એક અત્યંત મહત્વપૂર્ણ મિશન તરીકે હાથ ધરવામાં આવી રહી છે. તમામ ષડયંત્રોનો પર્દાફાશ કરવો, ભૌતિક અને ડિજિટલ પુરાવાઓ એકઠા કરવા અને સાક્ષીઓના નિવેદનોના આધારે ગુનેગારો તેમજ તેમના મદદગારોની ઓળખ કરીને તેમને કાયદાની સામે લાવવાનો એજન્સીનો મુખ્ય ઉદ્દેશ્ય છે.

નોંધનીય છે કે જૂન 2025માં જમ્મુ-કાશ્મીરના ઉપરાજ્યપાલ (LG) મનોજ સિન્હાએ જાહેરાત કરી હતી કે પાકિસ્તાની આતંકીઓએ જે લોકોની હત્યા કરી હતી અને જે પરિવારો હજી ન્યાયની રાહ જોવે છે તે તમામ કેસો ફરીથી ખોલવામાં આવશે અને FIR નોંધવામાં આવશે. સરકારના આ નિર્દેશ બાદ SIAએ 1980 અને 1990ના દાયકાની તમામ વણઉકેલાયેલી આતંકવાદી ઘટનાઓની ફાઈલો ફરીથી ખોલી છે.

તાજેતરમાં એજન્સીએ કાશ્મીર ઘાટીના વિવિધ વિસ્તારોમાં આ ઘટનાઓ સાથે સંકળાયેલા શંકાસ્પદોના આશ્રયસ્થાનો પર વ્યાપક દરોડા પાડ્યા છે. એજન્સી સામાન્ય જનતા અને સાક્ષીઓને પણ અપીલ કરી રહી છે કે જો તેમની પાસે આ હત્યાકાંડો સંબંધિત કોઈ માહિતી કે પુરાવા હોય તો તેઓ કાયદાકીય મદદ માટે આગળ આવે. દાયકાઓ બાદ થઈ રહેલી આ પુનઃતપાસથી પીડિત કશ્મીરી પંડિત પરિવારોમાં ન્યાય મેળવવાની એક નવી આશા જાગી છે.