હોમપેજરાજકારણશાહીનબાગ, કિસાન આંદોલન અને હવે કોકરોચ ટોળકીની સંસદ કૂચ: બદલાતી રહે છે...

શાહીનબાગ, કિસાન આંદોલન અને હવે કોકરોચ ટોળકીની સંસદ કૂચ: બદલાતી રહે છે ભીડ, પેટર્ન ક્યારેય બદલાતી નથી

'દેશના યુવાનો રસ્તા પર ઉતરી આવ્યા છે', 'દેશના યુવામાં આક્રોશ છે', 'જેન ઝી મેદાને છે'– સોશિયલ મીડિયામાં અને મીડિયામાં આવી બધી વાતો કરીને માહોલ બનાવાય રહ્યો છે પણ વાસ્તવિકતા એ છે કે આ પ્રદર્શન ન સ્વયંસ્ફુરિત હતું, ન શાંતિપૂર્ણ. 'શાંતિપૂર્ણ પ્રદર્શન' શબ્દ જ હવે ઓક્સિમોરોન બની ગયો છે.

- Advertisement -

દરેક કાલખંડમાં 20-30 વચ્ચેના યુવાનને લાગે છે કે આ સરકાર, આ સિસ્ટમ, સમાજ નિષ્ફળ ગયાં છે; તેની સાથે, તેની પેઢી સાથે અન્યાય કરી રહ્યાં છે અને હવે આ તમામમાં ધરમૂળથી ફેરફારની જરૂર છે. આ ફેરફાર ક્રાંતિથી આવશે અને આ ક્રાંતિ તેણે જ કરવી પડશે. સમસ્યા ત્યાં છે કે તેની પાસે સત્તા કે પાવર હોતાં નથી. પાવર એ વર્ગ પાસે હોય છે જે આ તબક્કામાંથી પસાર થઈ ચૂક્યો છે. તેના હેતુઓ બીજા હોય છે. એ હેતુઓ પાર પાડવા માટે આ સ્વઘોષિત ક્રાંતિકારી વર્ગ પાયદળ બનીને કામ કરતો રહે છે. એટલે અંગ્રેજી ફિલ્મોમાં કહેવાયું છે કે,‘વૉર ઈઝ યંગ મેન ડાઈંગ એન્ડ ઓલ્ડ મેન ટૉકિંગ.

રાજધાની દિલ્હીમાં ગઈકાલે થોડા કલાકો સુધી જે સર્કસ ચાલ્યું તેની પાછળનાં કારણો આ બધી વાતોમાં જ ક્યાંક છે. સિસ્ટમમાં ફેરફાર લાવવાની અને સત્તાના પાયા હલાવવાની વાતો કરીને, ક્રાંતિનું ચૂરણ ચટાડીને યુવાનોને જંતર-મંતર પર એકઠા કરાયા, સંસદ તરફ કૂચ કરવા માટે ઉશ્કેરાયા, પરવાનગી ન હોવાથી પોલીસે અટકાવ્યા ત્યારે પથ્થરમારો કર્યો, હિંસા આચરી, ઉત્પાત મચાવ્યો અને પોલીસે કાયદો-વ્યવસ્થા બળપ્રયોગ કરવો પડ્યો ત્યારે લાઠીઓ ખાધી.

‘દેશના યુવાનો રસ્તા પર ઉતરી આવ્યા છે’, ‘દેશના યુવામાં આક્રોશ છે’, ‘જેન ઝી મેદાને છે’– સોશિયલ મીડિયામાં અને મીડિયામાં આવી બધી વાતો કરીને માહોલ બનાવાય રહ્યો છે પણ વાસ્તવિકતા એ છે કે આ પ્રદર્શન ન સ્વયંસ્ફુરિત હતું, ન શાંતિપૂર્ણ. ‘શાંતિપૂર્ણ પ્રદર્શન’ શબ્દ જ હવે ઓક્સિમોરોન બની ગયો છે.

- Advertisement -

આવાં આંદોલનો કરવા માટે ઇકોસિસ્ટમની જરૂર પડે છે, તગડા ફન્ડિંગની અને મીડિયાથી માંડીને સોશિયલ મીડિયા મૅનેજમેન્ટની જરૂર પડે છે. આ આંદોલનોનો હેતુ ક્યારેય કોઈને ન્યાય અપાવવાનો, સિસ્ટમમાં ફેરફારો લાવવાનો હોતો નથી. સિસ્ટમો રાતોરાત બદલાઈ જતી નથી. રિફોર્મ બે-પાંચ દિવસમાં આવી જતા નથી. આંદોલનો થાય છે બીજા જ રાજકીય મકસદ પૂરા કરવા માટે. તેના માટે કાયમ એક જેવી જ પેટર્ન અપનાવવામાં આવે છે.

શાહીનબાગ, કિસાન આંદોલન અને હવે કોકરોચોનું પ્રદર્શન

શાહીનબાગથી માંડીને કિસાન આંદોલન અને હવે આ જેન-ઝી કે યુવાનોનું આંદોલન– બધે એક જ સરખી પેટર્ન જોવા મળી છે. એક વર્ગને પકડી લેવામાં આવે છે, તેને લગતો એક મુદ્દો ઉપાડવામાં આવે છે. અમુકને નેતા બનાવીને ભીડ એકઠી કરાય છે. આંદોલનો થાય છે અને આવાં આંદોલનો આખરે હિંસા અને અરાજકતામાં ફેરવાય જાય છે. મૂળ મુદ્દાઓ બાજુ પર રહી જાય છે.

2019માં કેન્દ્ર સરકારે સંસદમાં પસાર કરાવેલા નાગરિકતા સંશોધન કાનૂન વિરુદ્ધ મુસ્લિમોને ભડકાવવામાં આવ્યા અને શાહીનબાગમાં આંદોલન ઊભું કરાયું. દિવસો સુધી રસ્તા બ્લૉક કરીને મુસ્લિમ મહિલાઓને આગળ કરવામાં આવી. શું આ કાયદો મુસ્લિમોની વિરુદ્ધ હતો? ના. પાડોશી ઇસ્લામિક દેશોમાંથી આવેલા હિંદુઓને, અન્ય લઘુમતીઓને નાગરિકતા આપવાની વાત હતી. પણ એક વાતાવરણ ઊભું કરવામાં આવ્યું, ‘સરકાર મુસ્લિમો સાથે અન્યાય કરી રહી છે’નો માહોલ બનાવાયો અને ઠેરઠેર પ્રદર્શનો થયાં. દિલ્હીમાં આખરે ફેબ્રુઆરી 2020માં રમખાણો થયાં, નિર્દોષ હિંદુઓના જીવ ગયા.

સીએએ આંદોલન વખતે પ્રદર્શન કરનારાઓમાંથી નેવું ટકાને એ જ ખબર ન હતી કે પોતે આંદોલન શાના માટે કરી રહ્યા છે. એવું જ ખેડૂત આંદોલન વખતે થયું. કેન્દ્ર સરકારે પસાર કરેલા ત્રણ કૃષિ કાયદા વિરુદ્ધ ખેડૂતોને આગળ કરવામાં આવ્યા, મહિનાઓ સુધી દિલ્હીની સરહદો બ્લૉક રહી, કરોડોનું નુકસાન થયું, પ્રદર્શનસ્થળે અરાજકતા સર્જાઈ. 26 જાન્યુઆરી 2021ના દિવસે ખેડૂત પ્રદર્શનકારીઓ ટ્રેક્ટરો લઈને દિલ્હીમાં ઘૂસી ગયા. લાલ કિલ્લા પર ચડીને ત્યાં ખાલિસ્તાની ઝંડો ફરકાવી દીધો. ખેડૂતોના મુદ્દાને ખાલિસ્તાન સાથે શું સંબંધ હતો? એ પ્રશ્નનો જવાબ મળે ત્યાં સુધીમાં મોડું થઈ ચૂક્યું હતું.

આખરે મોદી સરકારે ત્રણ કાયદાઓ પરત ખેંચી લેવા પડ્યા અને આંદોલન ખતમ થયું. હવે છાશવારે ખેડૂતોના મુદ્દે ફરીથી હોહા થતી રહે છે. કોઈ એમ કહેતું નથી કે સરકારને કાયદાઓ અમલમાં મૂકવા દીધા હોત તો ખેડૂતોની ઘણી સમસ્યાઓનો અંત આવી ગયો હોત!

એક મોટો વર્ગ હજુ બાકી હતો– યુવાનોનો. નેપાળ અને બાંગ્લાદેશમાં યુવાનોને આગળ કરીને સત્તાપલટો કરવામાં આવ્યા બાદ ઘણા સમયથી ભારતમાં નજર હતી જ. આ વહેલું-મોડું ગમે ત્યારે થવાનું હતું. યાદ કરો તો નજીકના ભૂતકાળમાં અનેક વિપક્ષી નેતાઓનાં બયાનો પણ આ જ દિશામાં જોવા મળતાં હતાં. આ સંયોગ ન હતો, રાજકારણમાં સંયોગો ક્યારે બનતા નથી.

કોકરોચ જનતા પાર્ટીના પ્રદર્શનમાં આ તક મળી ગઈ. NEET UG પેપર લીક, અન્ય સ્પર્ધાત્મક પરીક્ષાઓનાં પેપર લીક, એજ્યુકેશન સિસ્ટમમાં રહેલી અન્ય ખામીઓ– આ બધી જ જેન્યુઇન સમસ્યાઓ છે. યુવાનોના માટે, ભણતા વિદ્યાર્થીઓ માટે માથાનો દુઃખાવો બની ગઈ છે. પણ આ કોકરોચોની પાર્ટી યુવાનો માટે તો બની જ ન હતી. તેની રચના મુખ્ય ન્યાયાધીશની ટિપ્પણીઓને આધાર બનાવીને થઈ હતી. બાકીના મુદ્દાઓ તો પછી આવ્યા.

કોકરોચ જનતા પાર્ટીની રચના પાછળ એક આમ આદમી પાર્ટી માટે કામ કરી ચૂકેલો માણસ છે. તેના પ્રવક્તાઓમાં એક આમ આદમી પાર્ટીનો પ્રવક્તા છે. આ બધાએ ભેગા થઈને યુવાનોને, વિદ્યાર્થીઓને તેમને લગતા મુદ્દાઓ અને ઇસ્યુ પર એકઠા કરવાના શરૂ કર્યા. પહેલાં જંતર-મંતર પર એક પ્રદર્શન કર્યું અને ત્યારબાદ કાયમી ધોરણે તંબૂ તાણ્યા. પોતે ઉપવાસ ન થઈ શકે એમ જાણતા સોનમ વાંગચુક નામના એક શખ્સને લદાખથી તેડીને ભૂખો બેસાડ્યો.

બધા શિક્ષણ પ્રધાનના રાજીનામાની માંગ પર અડેલા રહ્યા. પણ તેમની પાસે કોઈ ચોક્કસ રોડમેપ ન હતો. શિક્ષણ પ્રધાન રાજીનામું આપે તેનાથી સમસ્યાઓનું સમાધાન નહીં આવી જાય. ઘણા દિવસો પછી પણ પ્રદર્શનની ગંભીરતા ન જળવાતાં આખરે સંસદ માર્ચની ઘોષણા કરી દેવામાં આવી અને અહીં એન્ટ્રી થઈ અન્ય શક્તિઓની જેમને આ બધા વિદ્યાર્થીઓના કે બીજા કોઈ પણ ઇસ્યુ સાથે કશું લાગતું-વળગતું નથી.

એક પછી એક પોલિટિકલ પાર્ટીઓ જંતર-મંતર પર આવવા માંડી. 20 જુલાઈથી સંસદનું સત્ર શરૂ થવાનું હતું અને આ જ દિવસે સંસદ ભવન સુધી કૂચની ઘોષણા કરવામાં આવી હતી. પોલીસ પાસેથી પરવાનગી લેવામાં આવી ન હતી. માગવામાં આવી હોત તોય ન અપાઈ હોત કારણ કે સંસદનું સત્ર ચાલે ત્યારે વિસ્તારમાં BNSSની ધારા 163 (જે અગાઉ CrPC વખતે 144 હતી) લાગુ રહે છે. લોકોને એકઠા થવા પર, માર્ચ-પ્રદર્શનો કાઢવા પર રોક લાગુ હોય છે. આયોજકોને, કોકરોચોને, તેમની પાછળ રહેલા રાજકારણીઓને ખબર હતી કે આ પ્રદર્શન પોલીસ અટકાવશે, પણ તેમને રસ જ અરાજકતા અને અવ્યવસ્થા સર્જવામાં હતો.

આઝાદ પાર્ટીના ચંદ્રશેખરે જંતર-મંતર પર જઈને જાહેરમાં કહ્યું હતું કે જેટલા જોઈએ એટલા માણસ તેઓ લઈને આવશે. આમ આદમી પાર્ટીનું તો આખું ઝુંડ પહેલેથી આ કોકરોચ મુવમેન્ટ પાછળ રહ્યું જ છે. છેલ્લે-છેલ્લે અરવિંદ કેજરીવાલે પણ હાજરી પૂરાવી દીધી. ગુજરાતથી પણ અમુક આમ આદમી પાર્ટીના માણસો દિલ્હી ગયા હતા. એનો અર્થ એ કે બીજે પણ પાર્ટીનું નાનું-મોટું સંગઠન હશે ત્યાંથી માણસો લાવવામાં આવ્યા હશે.

સમાજવાદી પાર્ટીએ આવતા વર્ષે વિધાનસભા ચૂંટણી આવી રહી છે તે પહેલાં તક ઝડપી લીધી. ગ્રાઉન્ડ પર જેમણે બધું જોયું તેઓ કહે છે કે UPથી બહુ મોટી સંખ્યામાં ટોળાં લાવવામાં આવ્યાં હતાં. આવું કશુંક થાય એટલે કમ્યુનિસ્ટ અને વામપંથી સંગઠનો તો હોય જ. આ બધા જોડાયા અને ભીડ એકઠી કરી નાખવામાં આવી. બાકી જ્યાં સુધી કોકરોચ પાર્ટીના બેનર હેઠળ જ જંતર-મંતર પર પ્રદર્શન ચાલતું હતું ત્યાં સુધી તો પ્રદર્શન સ્થળે ભીડના નામે કશું ન હતું.

આંદોલન કરતો જુવાન, બર્ગર ખાતો કોકરોચ

કોકરોચ નેતાઓની વાતો સાંભળીને, સોશિયલ મીડિયા જોઈને શૂરાતને ચડેલા જુવાનિયાઓ જ્યારે પોલીસ સામે પડ્યા, પથ્થરો માર્યા ત્યારે પોલીસે બળપ્રયોગ કર્યો અને તેમાં લાઠીઓ ખાધી. આ દરમ્યાન પ્રદર્શનકારી નેતાઓ ક્યાં હતા?

અભિજિત દીપકે, જેના મગજની આ કોકરોચ જનતા પાર્ટી ઉપજ છે, એ સૌથી પહેલો ટ્રકમાં ચડી ગયો હતો અને ત્યાંથી ભાષણો કરતો હતો. નીચે આવ્યો જ નહીં.

આશુતોષ રાંકા (જે AAPનો પ્રવક્તા છે) અને સૌરવ દાસ બંને કેન્દ્રીય મંત્રી જે. પી નડ્ડાને મળવા જવાના બહાને બે-ત્રણ કલાક સુધી ગાયબ રહ્યા. ત્રીજો એક વિજેતા દહિયા નામનો કોકરોચ પ્રદર્શન શરૂ થયું એટલે ગાયબ થઈ ગયો અને મોલમાં આંટો મારતો બર્ગર ખાતો ઝડપાયો. પછીથી તેના વિડીયો વાયરલ થયા તો કહેવા માંડ્યો કે બધાએ તેને નોકરી પર નથી રાખ્યો!

સોનમ વાંગચુક પહેલેથી હોસ્પિટલમાં છે. અરવિંદ કેજરીવાલ સહિતના આમ આદમી પાર્ટીના નેતાઓ ગ્રાઉન્ડ પર ન દેખાયા.

ગ્રાઉન્ડ પર એ યુવાનો હતા જેઓ મોટી-મોટી વાતો સાંભળીને કશુંક મોટું કરી નાખવાનો વહેમ મનમાં લઈને આવ્યા હતા. પોલિટિકલ પાર્ટીઓનાં ટોળાંએ પોલીસ પર પથ્થરમારો કર્યો, તોડફોડ કરી. હવે પોલીસ આ તમામ વિરુદ્ધ શોધી-શોધીને કાર્યવાહી કરશે ત્યારે ભોગવવાનું કોણે આવશે? આ પ્રશ્નનો જવાબ મેળવશે ત્યારે આ પ્રજા ક્રાંતિ કરવાનું માંડી વાળશે. કારણ કે આવી ક્રાંતિ બહુ મોંઘી પડે છે.

કહેવાની વાત એટલી છે કે આવાં પ્રદર્શનો ક્યારેય ઓર્ગેનિક હોતાં નથી. દરેક પાછળ મકસદ છુપાયેલો હોય છે. હિંસા અને અરાજકતાના જોરે સરકાર નબળી પાડવા માટે કાવતરાં થતાં રહે છે. તેના માટે દરેક વખતે એક નવો વર્ગ ઊભો કરી નાખવામાં આવે છે. તેને લગતા મુદ્દાને પકડાવી દઈને રસ્તે પડાય છે અને આખરે એ હિંસા પર જઈને અટકે છે.

નેપાળ અને બાંગ્લાદેશમાં પણ આવું જ થયું હતું. આપણી સરકાર, આપણી પોલીસ થોડી વધુ સમજદાર છે એટલે શાંતિથી અને સંયમથી કામ લેતી રહે છે અને દર વખતે હેમખેમ બહાર નીકળતી રહે છે. ભવિષ્યમાં પણ જેટલાં આવાં કાવતરાં થાય ત્યારે સરકાર અને પોલીસ આ જ રીતે સુરક્ષિત બહાર આવતી રહે એવી મંગલકામનાઓ કરીએ કારણ કે આવી કથિત ક્રાંતિઓ સફળ થાય તો દુષ્પરિણામો આખા દેશે ભોગવવાં પડે છે. આ દેશ માટે, ખાસ કરીને દેશના હિંદુઓ માટે આ સમય એવો નથી કે આવાં દુષ્પરિણામો ભોગવી શકે!

- Advertisement -
Join OpIndia's official WhatsApp channel

સંબંધિત લેખો

- Advertisement -

તાજા સમાચાર

ચૂકશો નહીં