હોમપેજરાજકારણ‘કોકરોચ જનતા પાર્ટી’: મીડિયાના કહેવા પ્રમાણે આ ‘જેન ઝી ચળવળ’ છે કે...

‘કોકરોચ જનતા પાર્ટી’: મીડિયાના કહેવા પ્રમાણે આ ‘જેન ઝી ચળવળ’ છે કે સટાયરની આડમાં વિપક્ષી પ્રોપગેન્ડા ફેલાવવા માટે આપિયાઓએ ઊભું કરેલું તૂત?

કોકરોચ જનતા પાર્ટી વાયરલ થવા માંડી એટલે ગુજરાતી મીડિયાએ પણ ઉપાડી લીધું. મીડિયાનો એક વર્ગ છેલ્લા લગભગ એકાદ દાયકાથી યુવાનોને આગળ કરીને એજન્ડા ચલાવતો રહ્યો છે, પણ ધારેલી સફળતા મળી નથી. આવાઓ હવે કોકરોચ જનતા પાર્ટીને એક ‘ક્રાંતિ’માં ખપાવી દેવા માટે મહેનત કરી રહ્યા છે.

- Advertisement -

મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંતે સુપ્રીમ કોર્ટમાં એકાદ અરજી પર સુનાવણી કરતી વખતે કરેલી અમુક મૌખિક ટિપ્પણીઓની આડ લઈને સોશિયલ મીડિયા પર એક સટાયરિકલ પોલિટિકલ આઉટફિટ લૉન્ચ કરવામાં આવ્યું છે, જેને નામ અપાયું છે– કોકરોચ જનતા પાર્ટી.

લગભગ ચાર-પાંચ દિવસથી સોશિયલ મીડિયા પર ચાલતું આ તૂત હવે ગુજરાતી સોશિયલ મીડિયા અને મીડિયામાં પણ પગપેસારો કરી ચૂક્યું છે અને યુવાનોને ધરાર ક્રાંતિ કરવા ધકેલવા માટે મથતા રહેતા યુટ્યુબ પત્રકારો, અમુક ન્યૂઝ ચેનલો, તથાકથિત એક્ટિવિસ્ટો અને મેઈનસ્ટ્રીમ મીડિયાના પણ અમુક પત્રકારોને ભાવતું હતું ને વૈધે કહ્યા જેવું થયું છે. તેઓ આને ‘યુવા ક્રાંતિ’ અને ‘જેન ઝી’ ચળવળમાં ખપાવવા માટે હવે મહેનત કરવા મંડી પડ્યા છે. પરંતુ એ કહી રહ્યા નથી કે આ કોકરોચ જનતા પાર્ટી નામનું તરકટ રચવા પાછળ આમ આદમી પાર્ટી માટે કામ કરી ચૂકેલા માણસો છે અને મુખ્ય ન્યાયાધીશની ટિપ્પણીઓને આધાર બનાવીને સટાયરની આડમાં એક પ્રકારે પોલિટિકલ પ્રોપગેન્ડા જ ફેલાવવામાં આવી રહ્યો છે.

મુખ્ય ન્યાયાધીશે શું કહ્યું હતું?

શરૂઆતમાં મુખ્ય ન્યાયાધીશનું સ્ટેટમેન્ટ એમ કહીને ચલાવવામાં આવ્યું કે તેમણે બેરોજગાર યુવાનોને કોકરોચ સાથે સરખાવ્યા અને કહ્યું કે આવાઓ પછીથી મીડિયા, સોશિયલ મીડિયા એક્ટિવિસ્ટ, RTI એક્ટિવિસ્ટ બનીને બધે વાંક કાઢીને અટેક કર્યા કરે છે. સમાજમાં પરજીવીઓ ઘણા છે, જેઓ સિસ્ટમ પર પ્રહારો કર્યા કરતા હોય છે.

- Advertisement -

પછીથી CJI સૂર્યકાંતે સ્પષ્ટતા કરતાં કહ્યું કે મીડિયાએ તેમને ‘મિસ્કવૉટ’ કર્યા હતા. તેમણે કહ્યું, “મેં એવા માણસો વિશે કહ્યું હતું કે જેઓ બારમાં (લીગલ પ્રોફેશન) બોગસ ડિગ્રી સાથે ઘૂસી જાય છે. સોશિયલ મીડિયા, મીડિયા અને અન્ય ક્ષેત્રોમાં પણ આવા લોકો મળી રહે છે. મેં ક્યારેય દેશના યુવાનોની ટીકા કરી નથી, ભારતના યુવાધન ઉપર તો આપણને સૌને ગર્વ છે.”

CJIની ટિપ્પણીને આધાર બનાવીને લૉન્ચ કરાઈ કોકરોચ જનતા પાર્ટી

મુખ્ય ન્યાયાધીશની આ ટિપ્પણીઓ પછી તેમણે આખા દેશના યુવાનોને કોકરોચ કહ્યા એવું ચલાવીને અભિજિત દીપકે નામના એક માણસે સોશિયલ મીડિયા પર એક પાર્ટી લૉન્ચ કરી અને નામ આપ્યું કોકરોચ જનતા પાર્ટી.

પાર્ટીનું ભૌતિક રીતે ક્યાંય અસ્તિત્વ નથી. સોશિયલ મીડિયા પર એક કેમ્પેઈનના ભાગરૂપે તેને લૉન્ચ કરવામાં આવી. ત્યારબાદ સોશિયલ મીડિયા પર અકાઉન્ટ બનાવવામાં આવ્યાં. ઇન્સ્ટાગ્રામ પર વધારે ભાર મૂકવામાં આવ્યો અને આ લખાય છે ત્યાં સુધીમાં તેના દસેક મિલિયન ફોલોઅર થઈ ગયા છે.

એક સોશિયલ મીડિયા પોસ્ટમાં અભિજીત દીપકે લખે છે, ‘ધ કોક્રોચીઝ આર અવેકન્ડ.’ કોકરોચ હવે જાગી ગયા છે. ત્યારબાદ એક વેબસાઈટ લૉન્ચ કરવામાં આવી. જેની ટેગલાઈન છે– ‘વોઇસ ઑફ ધ લેઝી એન્ડ અનએમ્પ્લોઇડ.’ (આળસુ અને બેરોજગારોનો અવાજ.) તેમાં સભ્ય બનવા માટેનો પણ વિકલ્પ મૂકવામાં આવ્યો છે.

ગુજરાતી મીડિયા ‘જેન ઝી’ ક્રાંતિ તરીકે ખપાવવા માટે મહેનત કરવા મંડી પડ્યું

કોકરોચ જનતા પાર્ટી વાયરલ થવા માંડી એટલે ગુજરાતી મીડિયાએ પણ ઉપાડી લીધું. મીડિયાનો એક વર્ગ છેલ્લા લગભગ એકાદ દાયકાથી યુવાનોને આગળ કરીને એજન્ડા ચલાવતો રહ્યો છે, પણ ધારેલી સફળતા મળી નથી. આવાઓ હવે કોકરોચ જનતા પાર્ટીને એક ‘ક્રાંતિ’માં ખપાવી દેવા માટે મહેનત કરી રહ્યા છે.

ગુજરાતી મીડિયામાં અનેક લેખો, વિડીયો આવી રહ્યા છે. ટોન તમને એ જ પ્રકારનો જોવા મળશે કે આ બહુ મોટી ચળવળ છે. ઇન્સ્ટાગ્રામના આંકડાઓને આગળ કરીને આપણા મગજમાં ઘૂસાડવામાં આવી રહ્યું છે કે દેશના યુવાનો હવે સિસ્ટમ સામે પડી રહ્યા છે. દેશમાં એક નવી ચળવળ જન્મ લઈ રહી છે.

આ સમગ્ર નરેટિવ અચાનક આવ્યો નથી. બાંગ્લાદેશમાં તથાકથિત વિદ્યાર્થી આંદોલન પછી શેખ હસીનાની સરકાર પડી ભાંગી અને બીજા વર્ષે નેપાળમાં સમાન મોડેલ અપનાવવામાં આવ્યું. સોશિયલ મીડિયાના અમુક નિયમોની આડમાં યુવાનોને રસ્તા પર ઉતારવામાં આવ્યા, જેને જેન-ઝી આંદોલન નામ આપવામાં આવ્યું. ત્યારબાદ સરકાર પડી ભાંગી અને માર્ચમાં થયેલી ચૂંટણીમાં નવી સરકાર બની. આ બાંગ્લાદેશ અને નેપાળના સત્તાપલટા પછી ભારતમાં પણ કોઈક રીતે આવું થાય અને યુવાનો સરકાર સામે રસ્તા પર ઉતરી આવે એ માટેના સુવ્યવસ્થિત પ્રયાસો ઘણા સમયથી ચાલે છે.

રાહુલ ગાંધી જેવા નેતાઓ સતત જેન-ઝીને ટાર્ગેટ કરીને સરકાર સામે ઉશ્કેરતા રહ્યા છે. આમાં તેમને સાથ-સહકાર મળે છે ઇકોસિસ્ટમનો, જે આવાં નિવેદનોને ફેલાવવાનું અને તેનાં ભયસ્થાનો બતાવ્યા વગર આગળ વધારવાનું કામ કરે છે. હમણાં જ આમ આદમી પાર્ટી સુપ્રીમો અરવિંદ કેજરીવાલે NEET UG પેપર લીક બાદ પરીક્ષા રદ થઈ તો જેન-ઝી અને યુવાનોને સંબોધીને વિડીયો બનાવી નાખ્યો.

ટૂંકમાં, દેશમાં એવો માહોલ બનાવવાના પ્રયાસ ઘણા સમયથી થઈ રહ્યા છે જેનાથી એવું ચિત્ર ઉપસે કે દેશનો યુવાન હવે સરકાર અને સિસ્ટમની વિરુદ્ધ છે. આ કોકરોચ જનતા પાર્ટી અને તેને લઈને મીડિયામાં ઘડવામાં આવતા નરેટિવને ઊંડાણપૂર્વક જોઈએ તો આ પણ સટાયરની આડમાં એક પ્રોપગેન્ડા જ છે. મહત્ત્વની વાત એ છે કે જે અભિજિત દીપકેએ આ કારસ્તાન કર્યું છે એ આમ આદમી પાર્ટી માટે કામ કરી ચૂક્યો છે.

કોકરોચ જનતા પાર્ટી: વિપક્ષી પ્રોપગેન્ડા પર સટાયરનું પડીકું વાળીને થઈ રહ્યું છે વેચાણ

આ કથિત પાર્ટીનું ઘોષણાપત્ર પણ તેની વેબસાઇટ પર મૂકવામાં આવ્યું છે. જેમાં પણ વ્યંગ્યાત્મક રીતે પાંચ મુદ્દા લખવામાં આવ્યા છે.

ઘોષણાપત્રમાં લખ્યું છે કે પાર્ટી સત્તામાં આવશે તો કોઈ મુખ્ય ન્યાયાધીશને નિવૃત્તિ પછી રાજ્યસભા સીટ આપવામાં નહીં આવે. સાથે કહેવામાં આવ્યું કે જો જેન્યુઇન મત કપાય જાય તો ચૂંટણી કમિશનરને UAPA હેઠળ પકડી લેવામાં આવશે કારણ કે નાગરિકનો મતાધિકાર આંચકી લેવો એ આતંકવાદ સમાન છે.

યાદ રહે કે ચૂંટણી પંચ અને ચૂંટણી કમિશનર વિરુદ્ધ વિપક્ષો સતત પ્રોપગેન્ડા ફેલાવી રહ્યા છે. અહીં એક રીતે આ પ્રોપગેન્ડાને જ હવા આપવાનું કામ કરવામાં આવ્યું છે. ઉપરાંત મુખ્ય ન્યાયાધીશની ધરપકડની વાત કરીને સીધી ધમકી આપવામાં આવી છે. પરંતુ એ રીતે આપવામાં આવી છે કે કાલે ઉઠીને તેઓ કહી શકે કે આ બધું વ્યંગાત્મક રીતે લખવામાં આવ્યું હતું. પરંતુ તેની અસર વિપરીત પડી શકે છે.

આગળ મહિલાઓને સંસદમાં 50% ભાગીદારી આપવાનો વાયદો કરવામાં આવ્યો પણ સાથે કહેવામાં આવ્યું કે સંસદની સીટો આટલી જ (543) રાખવામાં આવશે અને કેબિનેટમાં પણ 50% મહિલાઓ હશે.

હમણાં સરકાર ડિલિમિટેશન માટે બિલ લાવી હતી ત્યારે વિપક્ષોએ આ જ માંગ કરી હતી– સંસદમાં બેઠકોની સંખ્યા વધાર્યા વગર મહિલાઓ માટે બેઠકો અનામત કરવામાં આવે. કોકરોચ જનતા પાર્ટીના મેનિફેસ્ટોમાં આ જ વિપક્ષી માંગ દોહરાવવામાં આવી છે.

મેનિફેસ્ટોમાં અંબાણી-અદાણીને ટાર્ગેટ કરવામાં આવ્યા છે, જે પણ વિપક્ષોનો કાયમનો ધંધો છે. ઘોષણાપત્ર કહે છે કે આ ઉદ્યોગપતિઓ પાસે મીડિયા સંસ્થાઓની માલિકી છે તેમનાં લાઈસન્સ રદ કરવામાં આવશે. અમુક એન્કરોને ‘ગોદી એન્કર’ ગણાવવામાં આવ્યા અને કહ્યું કે તેમનાં બેન્ક ખાતાં ચકાસવામાં આવશે. વિપક્ષો અમુક પત્રકારોને પણ ટાર્ગેટ કરતા રહે છે, એ જ અહીં પણ જોવા મળ્યું.

છેલ્લો વાયદો એ છે કે જે ધારાસભ્ય કે સાંસદ એક પાર્ટીમાંથી બીજી પાર્ટીમાં જાય તેમને ચૂંટણી લડવા પર રોક લગાવવામાં આવશે અને 20 વર્ષ સુધી કોઈ પદ કે હોદ્દો મળી ન શકે એવી વ્યવસ્થા કરવામાં આવશે.

ટૂંકમાં આ આખું તૂત વિપક્ષી પ્રોપગેન્ડા ભેળવીને પડીકું વાળીને યુવાનો વચ્ચે રમતું મૂકી દેવામાં આવ્યું છે. દરેક મુદ્દામાં તમને એ જ જોવા મળશે જે એક દાયકાથી સત્તામાંથી વંચિત રહેલી પાર્ટીઓ કાયમ રટણ કરતી રહે છે. ચૂંટણી પંચ, મીડિયા, સરકાર, જ્યુડિશરીને ટાર્ગેટ કરવામાં આવ્યાં છે. ઇકોસિસ્ટમ આ બધું વર્ષોથી કરતી આવી છે. આ વખતે એને જુદી રીતે રજૂ કરવામાં આવ્યું છે.

અભિજિત દીપકેનું આમ આદમી પાર્ટી કનેક્શન

આમ કરવા પાછળનું કારણ પણ સ્પષ્ટ છે. જે અભિજિત દીપકેએ આ પાર્ટી બનાવી છે તે ભૂતકાળમાં આમ આદમી પાર્ટી માટે કામ કરી ચૂક્યો છે. મોદી સરકાર વિરુદ્ધ પ્રોપગેન્ડા ફેલાવવામાં અવ્વલ રહ્યો છે.

જે ગુજરાતી મીડિયાના પત્રકારો, એન્કરો અભિજિત દીપકેને ભણેલો-ગણેલો, હોંશિયાર અને રેન્ડમ સોશિયલ મીડિયા યુઝર ગણાવી રહ્યા છે તેઓ જાણીજોઈને આ હકીકત છુપાવી રહ્યા છે. કોઈ લેખમાં ઉલ્લેખ છે તો એક લીટીમાં પૂરું કરી દેવામાં આવ્યું છે. ચર્ચામાં આ આમ આદમી પાર્ટી એન્ગલ મુદ્દે મૌન સેવી લેવામાં આવે છે, કારણ કે તો આખી પોલ ખુલી જાય એમ છે. મજાની વાત એ પણ છે કે આ જ પત્રકારો કોઈ ભાજપ નેતાના દૂરના સંબંધીએ નાનકડો ગુનો કર્યો હોય તોય ગામ ગજવી મૂકે છે.

2020ની વિધાનસભા ચૂંટણીમાં દીપકેએ AAP માટે કામ કર્યું હતું અને અરવિંદ કેજરીવાલને પ્રમોટ કરીને ભાજપ-કોંગ્રેસ પર પ્રહારો કરવા માટે સોશિયલ મીડિયા કન્ટેન્ટ બનાવવામાં અગત્યની ભૂમિકા ભજવી હતી. તે સમયે પણ તેણે ફર્સ્ટ ટાઇમ વોટરોને જ ટાર્ગેટ કર્યા હતા અને એ પ્રકારનું કન્ટેન્ટ સોશિયલ મીડિયા પર ફેલાવવામાં આમ આદમી પાર્ટીની મદદ કરી હતી.

જાન્યુઆરીના ઘણા અહેવાલોમાં અભિજિત દીપકેનો ઉલ્લેખ છે. કઈ રીતે તેણે સોશિયલ મીડિયા પર મીમ્સ બનાવીને આમ આદમી પાર્ટીના પક્ષમાં હવા બનાવવાના પ્રયાસ કર્યા હતા એ બધું જ ઇન્ટરનેટ પર ઉપલબ્ધ છે. આ મીમ્સમાં આડકતરી રીતે અરવિંદ કેજરીવાલની છબી ચમકાવીને તેમના રાજકીય વિરોધીઓને ટાર્ગેટ કરવામાં આવ્યા હતા.

અભિજિત દીપકેએ ચૂંટણી સમયે આમ આદમી પાર્ટીના વૉર રૂમમાં પણ કામ કર્યું હતું અને એક રિપોર્ટમાં તેને AAPના નેશનલ સોશિયલ મીડિયા કૉઓર્ડિનેશનનો ઇન્ચાર્જ ગણાવવામાં આવ્યો હતો. આ વૉર રૂમમાં વડા પ્રધાન મોદીની રેલીઓ પર આમ આદમી પાર્ટીની શું પ્રતિક્રિયા હશે એ નક્કી કરવામાં આવતું અને એ પ્રકારનું કન્ટેન્ટ ફરતું કરાતું. દીપકેએ આમાં પણ ભૂમિકા ભજવી હતી.

ટૂંકમાં અભિજિત દીપકેએ અરવિંદ કેજરીવાલ અને આમ આદમી પાર્ટીની છબી ચમકાવવા માટે ભૂતકાળમાં ઘણી મહેનત કરી હતી. હવે એ પણ સંયોગ જ છે કે આ વખતે પણ NEET UGવાળા કેસમાં કેજરીવાલે જેન-ઝીને ટાર્ગેટ કરીને વિડીયો બનાવ્યા અને પછી તરત આ પાર્ટી લૉન્ચ કરી દેવામાં આવી.

અભિજિતની સોશિયલ મીડિયા ગતિવિધિ જોઈએ તો સ્પષ્ટ જણાય છે કે તેની રાજકીય વિચારધારા શું છે.

2021માં દિલ્હીના કથિત ખેડૂત આંદોલન વખતે અરાજકતા સર્જવામાં આવી ત્યારે દીપકેએ પોલીસ કાર્યવાહીના વિડીયો ફરતા કરીને પીએમ મોદી, સરકારને ટાર્ગેટ કર્યાં હતાં. જ્યારે હકીકત એ હતી કે ના પાડવા છતાં ગણતંત્ર દિવસ પર ખેડૂત આંદોલનકારીઓ ધસી આવ્યા હતા અને લાલ કિલ્લા સુધી પહોંચી જઈને અરાજકતા ફેલાવી હતી, જેથી પોલીસે કાર્યવાહી કરવી પડી હતી.

દીપકેએ ભૂતકાળમાં ચૂંટણીઓ પ્રત્યે પણ પ્રોપગેન્ડા ફેલાવ્યો છે. એક પોસ્ટમાં તેને ચૂંટણી પરિણામો અને ભાજપની જીત પર શંકા વ્યક્ત કરી અને કહ્યું કે પાર્ટીની લોકપ્રિયતા સતત ઘટતી રહે છે તો ચૂંટણીમાં જીત કેમ મળે છે? આને મતો કપાતા હોવાના વિપક્ષી પ્રપંચ સાથે જોડીને કહ્યું કે તેના વગર ભાજપ માટે ચૂંટણી જીતવી શક્ય નથી.

કોકરોચ જનતા પાર્ટી NEET UG પરીક્ષા રદ થવાના કારણે આક્રોશિત યુવાનો અને વિદ્યાર્થીઓને પણ ટાર્ગેટ કરી રહી છે. આ પણ એક જાણીતું ટેમ્પલેટ બની ગયું છે, જેમાં વિદ્યાર્થીઓના આક્રોશને પોલિટિકલ ટૂલની જેમ વાપરવામાં આવે છે.

કોકરોચ જનતા પાર્ટીનું આખું આ તરકટ એ રીતે રચવામાં આવ્યું જેથી તેમાં છૂપી રીતે જે પ્રોપગેન્ડા ફેલાવવામાં આવી રહ્યો છે તેની ઉપર સીધું ધ્યાન ન જાય. ‘દેશના યુવાનો જાગી રહ્યા છે’ અને આ બધું ઓર્ગેનિક ઢબે થઈ રહ્યું છે એવું ચિત્ર ઉપસાવવામાં મીડિયા પણ પોતાની ભૂમિકા ભજવી રહ્યું છે અને તેના રાજકીય કનેક્શન પર મૌન સેવી લીધું છે. ઘણી વખત કોઈ અગત્યની બાબત ન જણાવવી અને સંદર્ભ વગર માહિતી ફરતી કરવી પણ ચોક્કસ એજન્ડા પાર પાડી શકે એમ છે અને ગુજરાતી મીડિયાને, મેઈનસ્ટ્રીમ મીડિયાને આની આદત પડી ગઈ છે.

મુખ્ય ન્યાયાધીશની ટિપ્પણીઓને બહાનું બનાવીને તેમાં જોક્સ, સટાયર, હ્યુમરનો તડકો મારીને કોકરોચ જનતા પાર્ટી રમતી મૂકી દેવામાં આવી અને તેમાં મીડિયાએ એ નરેટિવ ઘડવામાં ભૂમિકા ભજવી કે આ બધું યુવાનો સ્વયંભૂ કરી રહ્યા છે. પરંતુ હકીકત કંઈક જુદી છે.

- Advertisement -
Join OpIndia's official WhatsApp channel

સંબંધિત લેખો

- Advertisement -

તાજા સમાચાર

ચૂકશો નહીં