સોશિયલ મીડિયાની દુનિયામાં આજકાલ ‘કોકરોચ જનતા પાર્ટી’ નામ ખૂબ ચર્ચામાં છે. સાંભળવામાં ભલે આ એક મજાક લાગે, પરંતુ આ એક એવું ડિજિટલ સંગઠન બની ગયું છે જે પોતાની જાતને ‘બેરોજગાર’ અને ‘આળસુ’ યુવાનોનો અવાજ ગણાવે છે. આ કોઈ ચૂંટણી પંચમાં નોંધાયેલી સત્તાવાર રાજકીય પાર્ટી નથી અને ન તો તેની કોઈ ઑફિસ કે માળખું છે. તેમ છતાં સોશિયલ મીડિયા પર તેને ફોલો કરનારા લોકોની સંખ્યા 50 હજારને પાર પહોંચી ગઈ છે.

કોકરોચ જનતા પાર્ટીની શરૂઆત દેશના મુખ્ય ન્યાયાધીશ (CJI) સૂર્યકાંતની એક વિવાદાસ્પદ ટિપ્પણી બાદ થઈ હતી. સુપ્રીમ કોર્ટમાં એક સુનાવણી દરમિયાન તેમણે બેરોજગાર યુવાનો, વકીલો, પત્રકારો અને RTI એક્ટિવિસ્ટ પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું હતું કે, “કેટલાક યુવાનો કોકરોચ જેવા હોય છે. તેમને કોઈ નોકરી મળતી નથી, એટલે તેઓ મીડિયા, સોશિયલ મીડિયા કે RTI એક્ટિવિસ્ટ બની જાય છે અને સિસ્ટમ પર હુમલો કરવા લાગે છે.” આ નિવેદનથી નારાજ થઈને કેટલાક તત્વોએ વિરોધ કરવા માટે આ ડિજિટલ ગ્રુપ બનાવ્યું.
CJI Surya Kant says there are "parasites" attacking the system.
— Live Law (@LiveLawIndia) May 15, 2026
"There are youngsters like cockroaches, who don't get any employment and don't have any place in the profession. Some of them become media, some of them become social media, some of them become RTI activists, some… pic.twitter.com/gwwOq8VcaK
CJIની ટિપ્પણી બાદ એક્સ (Twitter), Reddit અને ઇન્સ્ટાગ્રામ જેવા પ્લેટફોર્મ્સ પર મીમ્સ અને કટાક્ષનું પૂર આવી ગયું. આ જ માહોલમાંથી ‘કોકરોચ જનતા પાર્ટી’નો જન્મ થયો, જેને શરૂઆતમાં માત્ર એક ઓનલાઈન મજાક ગણવામાં આવી હતી. પરંતુ સમય જતાં આ ટ્રેન્ડ એક મોટા ડિજિટલ સમુદાયમાં બદલાઈ ગયો. આ પાર્ટીએ પોતાને એવા યુવાનોનો અવાજ ગણાવવાનું શરૂ કર્યું જેમને સમાજ અવારનવાર ‘આળસુ’ કે ‘બેરોજગાર’ કહીને નકારી કાઢે છે.
આ ડિજિટલ સંગઠને સભ્ય બનવા માટે પણ કટાક્ષભરી શરતો રાખી છે. જેઓ આળસુ હોય, બેરોજગાર હોય, મોટાભાગનો સમય ઇન્ટરનેટ પર વિતાવતા હોય અને પ્રોફેશનલ રીતે પોતાનો રોષ ઠાલવતા હોય, તેમને જ આ પાર્ટીના ‘યોગ્ય સભ્ય’ માનવામાં આવ્યા છે. પાર્ટીના પ્રોફાઈલ બાયોમાં પણ લખાયું છે કે આ એવા લોકોની પાર્ટી છે જેમને સિસ્ટમે ગણવાનું જ છોડી દીધું છે. આ પ્રકારની ભાષા યુવાનોમાં ‘સિસ્ટમે આપણને તરછોડી દીધા છે’ તેવી લાગણીને વધુ મજબૂત કરે છે.

પાર્ટીનું મિશન સ્ટેટમેન્ટ સીધું યુવાનોની સંવેદનશીલ ભાવનાઓ પર પ્રહાર કરે છે. તેઓ કહે છે કે આ મંચ એવા યુવાનો માટે છે જેમને વારંવાર મેણાંટોણાં મારવામાં આવે છે અને હવે તો ‘કોકરોચ’ પણ કહી દેવાયા છે. પોતાની જાતને માત્ર એક મજાક કે વ્યંગ્ય તરીકે રજૂ કરીને આ મંચ ખૂબ જ ચાલાકીથી એવા યુવાનોને પોતાની સાથે જોડી રહ્યું છે જેઓ નોકરી, રાજકારણ અને દેશની વ્યવસ્થાથી પહેલેથી જ નિરાશ અને હતાશ બેઠા છે.

આ ગ્રુપનું વિઝન માત્ર ગુસ્સો વ્યક્ત કરવા પૂરતું સીમિત નથી, પરંતુ તે સીધા દેશની રાજકીય વ્યવસ્થા પર સવાલ ઉઠાવે છે. તેમનું કહેવું છે કે તેઓ કોઈ નવું ફંડ ઉઘરાવવા કે ટેક્સના પૈસે વિદેશ પ્રવાસ કરવા નથી આવ્યા, પરંતુ તેમનો હેતુ માત્ર એટલો પૂછવાનો છે કે જનતાની કમાણીના પૈસા આખરે જાય છે ક્યાં? આ પ્રકારની વાતો ઇન્ટરનેટ પર રહેતા યુવાનોના મનમાં સત્તા અને સિસ્ટમ પ્રત્યે અસંતોષને તીવ્ર બનાવવાનું કામ કરી રહી છે.
વિપક્ષી નેતાઓનું સમર્થન અને રાજકીય રંગ
શરૂઆતમાં માત્ર એક ઓનલાઈન મજાક ગણાતી ‘કોકરોચ જનતા પાર્ટી’ તરફ હવે વિપક્ષી નેતાઓ અને સરકારવિરોધી ચહેરાઓ આકર્ષાયા છે. તૃણમૂલ કોંગ્રેસના નેતા મહુઆ મોઇત્રા અને કીર્તિ આઝાદે આ ગ્રુપમાં જોડાવાની ઈચ્છા વ્યક્ત કરી છે, જ્યારે સુપ્રીમ કોર્ટના વકીલ પ્રશાંત ભૂષણે પણ આ ટ્રેન્ડને સમર્થન આપીને તેને સિસ્ટમથી પરેશાન યુવાનોનો અવાજ ગણાવ્યો છે. સોશિયલ મીડિયા પર સક્રિય લેફ્ટ અને સરકારવિરોધી જૂથો, મીમ પેજ અને વિવિધ એકાઉન્ટ્સ દ્વારા આ ટ્રેન્ડને સતત પ્રમોટ કરવામાં આવી રહ્યો છે, જેના કારણે આ આખી પ્રક્રિયા હવે ખુલ્લેઆમ રાજકીય રંગ પકડી રહી છે.
As the founding President of @CJP_2029, it is my great honour to welcome the brave and fierce @MahuaMoitra to our party.
— Abhijeet Dipke (@abhijeet_dipke) May 17, 2026
Joy Bangla! https://t.co/ExyVPnxq86
આ કેમ્પેઈન પાછળ સૌથી મોટો સવાલ ત્યારે ઊભો થયો જ્યારે આ ગ્રુપના સ્થાપક અભિજીત દિપકેએ કહ્યું કે કોંગ્રેસ, AAP, સપા કે TMC સહિત કોઈ પણ પક્ષ સાથે જોડાયેલા લોકોનો સપોર્ટ સ્વીકાર્ય છે. જોકે, આ સમગ્ર નિવેદનમાં ભાજપનો કોઈ ઉલ્લેખ નહોતો. જો આ મંચ ખરેખર પક્ષપાત વગર માત્ર બેરોજગાર યુવાનોના પ્રશ્નો ઉઠાવવા માટે બનાવાયું હોત તો તમામ રાજકીય પક્ષોથી સમાન અંતર જાળવવામાં આવ્યું હોત.
પરંતુ વિપક્ષી નેતાઓ, એક્ટિવિસ્ટો અને સરકારવિરોધી ઇકોસિસ્ટમ તરફથી મળી રહેલા સતત સમર્થન બાદ હવે એવી આશંકા વધુ મજબૂત બની રહી છે કે આ માત્ર યુવાનોની પીડા વ્યક્ત કરવાનો પ્રયાસ નથી, પરંતુ સરકારવિરોધી એજન્ડા અને નેરેટિવ ઉભું કરવા માટે સોશિયલ મીડિયાનો ઉપયોગ કરીને ચલાવવામાં આવતું એક સુનિયોજિત અભિયાન છે.
It doesn’t matter if you belong to Congress, AAP, SP, TMC, or any other party. What matters is your support to save democracy and strengthening India. 🪳🇮🇳 https://t.co/dIwuLkZdd3
— Abhijeet Dipke (@abhijeet_dipke) May 17, 2026
કોક્રોચ જનતા પાર્ટીના મેનિફેસ્ટોમાં વિપક્ષી પાર્ટીઓના પ્રોપગેન્ડાને આપવામાં આવી હવા
‘કોકરોચ જનતા પાર્ટી’નું મેનિફેસ્ટો ભલે ઉપરથી એક મજાક જેવું લાગે, પરંતુ તેમાં ઉઠાવવામાં આવેલા મુદ્દાઓ સીધા દેશની મોટી સંસ્થાઓને નિશાન બનાવે છે. જાહેરનામામાં એવો દાવો કરાયો છે કે જો તેઓ સત્તા પર આવશે તો કોઈ પણ નિવૃત્ત CJIને રાજ્યસભાની સીટ ‘ઇનામ’ તરીકે નહીં અપાય. આ ઉપરાંત એવું છે કે જો કોઈ નાગરિકનો અસલી વોટ કાઢી નાખવામાં આવે તો મુખ્ય ચૂંટણી કમિશનર પર UAPA જેવો કડક કાયદો લગાવાશે, કારણ કે મતદાનનો અધિકાર છીનવવો એ આતંકવાદ સમાન છે.

આ જાહેરનામામાં દેશના અગ્રણી ઉદ્યોગપતિઓ અને મીડિયા હાઉસને ટાર્ગેટ કરીને કહેવાયું છે કે અંબાણી અને અદાણીની માલિકીની મીડિયા ચેનલોના લાયસન્સ રદ કરવામાં આવશે અને પક્ષપાતી પત્રકારત્વ કરતા એન્કરોના બેંક ખાતાઓની તપાસ કરાશે. આ વાતો સીધી વિપક્ષના એ નેરેટિવને આગળ વધારે છે જેમાં સરકાર પર કોર્પોરેટ જગત અને મીડિયાને નિયંત્રિત કરવાના આરોપો લાગે છે. વધુમાં સંસદની બેઠકો વધાર્યા વિના મહિલાઓને સંસદ અને કેબિનેટમાં 50 ટકા અનામત આપવાની વાત કરીને કેન્દ્ર સરકારના આગામી સીમાંકનના (Delimitation) આયોજનનો પણ વિરોધ કરવામાં આવ્યો છે.
આ જાહેરનામામાં પક્ષાંતર કરનારા ધારાસભ્યો અને સાંસદો પર કડક કાર્યવાહીની જોગવાઈ કરાઈ છે. પક્ષ બદલનાર નેતા પર ફરીથી ચૂંટણી લડવા માટે પ્રતિબંધ મૂકવાની અને આગામી 20 વર્ષ સુધી કોઈ પણ સરકારી હોદ્દો ન આપવાની માંગ કરાઈ છે. સમગ્ર રીતે જોતાં સામાન્ય યુવાનોના મીમ્સ અને જોક્સ પાછળ છુપાયેલું આ પ્લેટફોર્મ પોતાના મેનિફેસ્ટોમાં એ જ મુદ્દાઓને હવામાં ઉછાળી રહ્યું છે, જેનો ઉપયોગ કોંગ્રેસ અને અન્ય વિપક્ષી પક્ષો છેલ્લા ઘણા સમયથી સરકાર વિરુદ્ધ એક ડિજિટલ પ્રોપેગેન્ડા તરીકે કરી રહ્યા છે.
અભિજીત દિપકે કોણ છે અને તેનું AAP કનેક્શન
સોશિયલ મીડિયા પર યુવાનોના અવાજ તરીકે રજૂ થઈ રહેલી ‘કોકરોચ જનતા પાર્ટી’ પાછળ કોઈ સામાન્ય નાગરિક નહીં, પરંતુ અભિજીત દિપકે છે. મહારાષ્ટ્રના છત્રપતિ સંભાજીનગરનો વતની અને બોસ્ટન યુનિવર્સિટીમાંથી ભણેલા અભિજીત દિપકેના તાર AAP સાથે જોડાયેલા છે. તે આમ આદમી પાર્ટીનો (AAP) નેશનલ સોશિયલ મીડિયા કો-ઓર્ડિનેશન રહી ચૂક્યો છે અને વોરરૂમ સાથે સીધું કનેક્શન ધરાવે છે. 2020ની દિલ્હી વિધાનસભા ચૂંટણી દરમિયાન અરવિંદ કેજરીવાલની તરફેણમાં ટૂંકા વન-લાઇનર્સ, પેરોડી વિડીયો અને બોલિવૂડ કલ્ચર આધારિત વાયરલ મીમ્સ બનાવીને ભાજપ સામે માહોલ ઊભો કરનારી ટીમમાં તે મુખ્ય ચહેરો હતો.
અભિજીત દિપકે પોતે મીડિયા રિપોર્ટ્સમાં સ્વીકારી ચૂક્યો છે કે નવી પેઢી અને પ્રથમ વખત મતદાન કરનારા યુવાનો સુધી રાજકીય એજન્ડા પહોંચાડવા માટે ‘મીમ પોલિટિક્સ’ સૌથી અસરકારક હથિયાર છે. જે પદ્ધતિનો ઉપયોગ તે પહેલાં AAP માટે ‘બ્રાન્ડ કેજરીવાલ’ મજબૂત કરવા અને વિપક્ષી નેરેટિવ સેટ કરવા માટે કરતો હતો, એ જ રણનીતિ આજે ‘કોકરોચ જનતા પાર્ટી’ના નામે જોવા મળી રહી છે.
‘કોકરોચ જનતા પાર્ટી’ જેવા ટ્રેન્ડ્સ યુવાનોને ઇન્ટરનેટ પર ખૂબ ‘કૂલ’ અને ‘ક્રાંતિકારી’ લાગે છે, પરંતુ વાસ્તવમાં તે તેમને જમીની હકીકતથી દૂર લઈ જાય છે. મીમ્સ અને કટાક્ષ હેઠળ સતત એવો માહોલ બનાવવામાં આવે છે જેથી દેશની લોકતાંત્રિક સંસ્થાઓ, અદાલતો અને ચૂંટણી પંચ પરથી યુવાનોનો ભરોસો સંપૂર્ણપણે ઉઠી જાય. આ પ્રકારના કેમ્પેઈન દેશના યુવાનોને માત્ર ઓનલાઈન ગુસ્સો, ટ્રોલિંગ અને નિરાશા આપે છે, જેનાથી તેમની કારકિર્દી કે રોજગારની સમસ્યાનો કોઈ વાસ્તવિક ઉકેલ આવતો નથી અને આખરે તેમના હાથમાં કોઈ સકારાત્મક બદલાવ આવવાને બદલે માત્ર ઇન્ટરનેટ પૂરતી સીમિત નારાજગી જ બચે છે.


