
ઈરાન પર અમેરિકાએ ફરીથી હુમલા શરૂ કર્યા બાદ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે NATO સમિટ દરમ્યાન પત્રકારો સાથેની વાતચીતમાં કહ્યું કે તેમના માટે ઈરાન સાથેના યુદ્ધવિરામનો હવે અંત આવ્યો છે. તેમણે કહ્યું કે શાંતિ કરાર માટે બંને દેશો વચ્ચે વાતચીત ચાલી રહી છે પરંતુ એ સમયનો વેડફાટ છે, ઇરાનિયનો સાથે વાતચીત કરવાનો કોઈ અર્થ નથી.
હાલ ચાલી રહેલી NATO દેશોની સમિટમાં પત્રકારોના પ્રશ્નોના જવાબમાં ટ્રમ્પે આ વાત કહી હતી. તાજેતરમાં અમેરિકાએ ઈરાન પર ફરી કરેલા હુમલાઓનો ઉલ્લેખ કરીને ટ્રમ્પને પૂછવામાં આવ્યું કે તો શું પછી અમેરિકા અને ઈરાન વચ્ચે યુદ્ધવિરામ થયો હતો તેનો કોઈ અર્થ નથી? જેના જવાબમાં ટ્રમ્પે ઈરાનિયનોને ભાંડ્યા હતા.
ટ્રમ્પે કહ્યું, “મારા માટે તો આ સીઝફાયર પૂર્ણ થઈ ચૂક્યું છે. હવે મારે ઈરાન સાથે કોઈ ડીલ કરવી નથી. તેઓ નીચ માણસો છે. બીમારુ માણસો છે અને નેતાઓ પણ બીમારુ છે. તેઓ ઝેરીલા અને હિંસક માણસો છે. તેમની પાસે જો પરમાણુ શસ્ત્રો હશે તો તેનો ઉપયોગ ચોક્કસપણે કરશે. મારી વાત જ્યાં સુધી છે, આ સીઝફાયર હવે પૂર્ણ થઈ ગયું છે.”
ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનના નેતાઓને ‘જુઠ્ઠા માણસો’ ગણાવ્યા અને કહ્યું કે તેઓ બહુ જોખમી માણસો છે અને એટલે જ અમેરિકાએ ફરીથી હુમલા શરૂ કર્યા છે.
જોકે ટ્રમ્પે કહ્યું કે જેઓ ઈરાન સાથે વાતચીત કરી રહ્યા છે તેઓ પોતાની રીતે પ્રયાસો ચાલુ રાખે તો તેમને વાંધો નથી પરંતુ હવે તેમને કોઈ રસ રહ્યો નથી. ટ્રમ્પે કહ્યું, “સાચું કહું તો હવે મારે સમય બરબાદ નથી કરવો. વાતચીત કરનારાઓ ઇચ્છે તો વાતચીત ચાલુ રાખી શકે છે પણ હવે મને કોઈ ભવિષ્ય જણાતું નથી. તેમની સાથે ડીલિંગ કરવી એ સમયનો બગાડ છે, બીજું કશું નહીં.”
On the status of the ceasefire with Iran, US President Donald Trump says, "To me, I think it's over. I don't want to deal with them anymore. They're scum… They're led by sick people… I'll speak to our negotiators. They want to negotiate—they're good people… but they have to… pic.twitter.com/8oZYJJS7dV
— ANI (@ANI) July 8, 2026
અમેરિકા અને ઈરાને થોડા દિવસ પહેલાં સ્વિત્ઝરલેન્ડમાં એક સમિટ દરમ્યાન MoU કર્યા હતા અને યુદ્ધવિરામની ઘોષણા કરી હતી. ત્યારબાદ તાત્કાલિક હુમલા અટકાવી દેવામાં આવ્યા હતા. ત્યારબાદ સ્ટ્રેટ ઑફ હોર્મુઝમાંથી જહાજ લઈ જવા મુદ્દે ઈરાને બે જહાજ પર ડ્રોન હુમલા કરી દીધા હતા. જવાબમાં અમેરિકાએ પણ વળતો પ્રહાર કર્યો હતો. ત્યારબાદ બંને દેશો દોહામાં મળ્યા અને વાતચીત કરી હતી અને ફરી એક વખત હુમલા રોકાયા હતા.
તાજેતરમાં હોર્મુઝમાં ફરીથી કમર્શિયલ જહાજો પર હુમલા થતાં અમેરિકાએ ઈરાન પર એર સ્ટ્રાઈક શરૂ કરી, જે અગાઉના હુમલા કરતાં વધુ તીવ્ર હતી. ઈરાને પણ અમેરિકી નૌકાદળ પર મિસાઇલો અને ડ્રોન માર્યાં હતાં. આ તણાવ વચ્ચે હવે ટ્રેમ્પ કહી રહ્યા છે કે પોતે ઈરાન સાથે વાત કરવા માગતા નથી.
ટ્રમ્પના નિવેદનની અસર શેર બજાર પર પણ થઈ છે. ઇન્ટ્રા ડે ટ્રેડ દરમ્યાન સેન્સેક્સમાં લગભગ 1700 પોઈન્ટનો ઘટાડો થયો હતો, જ્યારે નિફ્ટીમાં પણ 500 પોઈન્ટનો ઘટાડો જોવા મળ્યો છે.

