
વક્ફ (સંશોધન) અધિનિયમ-2025 હેઠળ મધ્ય પ્રદેશ સરકારે રાજ્ય વક્ફ બોર્ડનું પુનર્ગઠન કર્યું છે. નવા બોર્ડમાં પ્રથમ વખત બે બિન-મુસ્લિમ (હિંદુ) સભ્યોની નિમણૂક કરવામાં આવી છે. આ સાથે જ નવા વક્ફ કાયદાની જોગવાઈઓ અનુસાર વક્ફ બોર્ડની રચના કરનાર મધ્ય પ્રદેશ દેશનું પ્રથમ રાજ્ય બન્યું છે.
નવી રચના હેઠળ ઈન્દોરના મનોજ મલપાણી અને ગુના જિલ્લાના રાઘૌગઢના અનિમેષ ભાર્ગવને વક્ફ બોર્ડના સભ્ય તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. અગાઉ વક્ફ અધિનિયમ, 1995 હેઠળ રાજ્ય વક્ફ બોર્ડમાં માત્ર મુસ્લિમ સભ્યોની જ નિમણૂક થઈ શકતી હતી. સરકાર દ્વારા નિયુક્ત કરવામાં આવતા સભ્યો માટે પણ મુસ્લિમ હોવું જરૂરી હતું. જોકે, 2025માં થયેલા કાયદાકીય સુધારા બાદ દરેક રાજ્ય વક્ફ બોર્ડમાં ઓછામાં ઓછા બે બિન-મુસ્લિમ સભ્યો રાખવાની જોગવાઈ કરવામાં આવી છે.
મધ્ય પ્રદેશ સરકારે જણાવ્યું છે કે નવા કાયદા અનુસાર બોર્ડમાં બિન-મુસ્લિમ સભ્યોને સામેલ કરવાથી વક્ફ સંપત્તિઓના સંચાલનમાં વધુ પારદર્શિતા, જવાબદારી અને સુશાસનને પ્રોત્સાહન મળશે.
પુનર્ગઠિત વક્ફ બોર્ડમાં હાલ અધ્યક્ષ સહિત કુલ 10 સભ્યોનો સમાવેશ કરવામાં આવ્યો છે. ડૉ. સનવ્વર પટેલને ફરી એકવાર બોર્ડના અધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. પૂર્વ કેન્દ્રીય મંત્રી નજમા હેપતુલ્લા અગાઉથી ચાલુ કાર્યકાળ મુજબ બોર્ડમાં યથાવત રહેશે અને તેમનો કાર્યકાળ એપ્રિલ 2028 સુધીનો છે.
આ ઉપરાંત ધારાસભ્ય આતિફ અકીલ, ફૈઝાન ખાન, ફાતિમા ચૌધરી, શાઇસ્તા સુલતાન અને શબાના ખાનને પણ સભ્ય બનાવવામાં આવ્યા છે. વકફ બોર્ડમાં કુલ 11 સભ્યોનો પ્રાવધાન છે, પરંતુ રાજ્ય બાર કાઉન્સિલના અધ્યક્ષનું પદ હાલ ખાલી હોવાથી એક બેઠક ખાલી રાખવામાં આવી છે. નવા બાર કાઉન્સિલ અધ્યક્ષની પસંદગી બાદ તેઓ પદેન સભ્ય તરીકે બોર્ડમાં જોડાશે.
ઉલ્લેખનીય છે કે કેન્દ્ર સરકારે વર્ષ 2025માં વકફ (સંશોધન) અધિનિયમ અમલમાં મૂક્યો હતો. આ સંબંધિત વિધેયક 2 એપ્રિલ, 2025ના રોજ લોકસભા અને 3 એપ્રિલે રાજ્યસભામાં લાંબી ચર્ચા બાદ પસાર થયું હતું. ત્યારબાદ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ 5 એપ્રિલે તેને મંજૂરી આપી હતી અને 8 એપ્રિલ, 2025થી કાયદો અમલમાં આવ્યો હતો. બાદમાં 3 જુલાઈ, 2025ના રોજ કેન્દ્ર સરકારે વક્ફ મેનેજમેન્ટ સંબંધિત નિયમોની પણ જાહેરાત કરી હતી.
નવા કાયદા હેઠળ રાજ્ય વક્ફ બોર્ડમાં ઇસ્લામના વિવિધ ફિરકાઓને પ્રતિનિધિત્વ આપવાની જોગવાઈ કરવામાં આવી છે. કેન્દ્રીય વક્ફ પરિષદમાં કુલ 22 સભ્યો રહેશે, જેમાં વધુમાં વધુ ચાર બિન-મુસ્લિમ સભ્યોને સ્થાન આપી શકાશે. ઉપરાંત વક્ફ સંપત્તિઓના યોગ્ય સંચાલન માટે ચેરિટી કમિશનરની નિમણૂક, વિધવા, છૂટાછેડા પામેલી મહિલાઓ અને અનાથ બાળકોના અધિકારોના રક્ષણ તેમજ વકફ ટ્રિબ્યુનલના અધિકારોમાં વધારો જેવા અનેક મહત્વપૂર્ણ ફેરફારો પણ આ કાયદામાં કરવામાં આવ્યા છે.

