‘તાજ મહલ નહીં તેજો મહાલય’: અલ્હાબાદ હાઇકોર્ટમાં અરજી, જ્ઞાનવાપીની જેમ વિડીયોગ્રાફી સરવે કરવાની માંગ પર સરકાર-ASIને નોટિસ

આગ્રાનો તાજ મહલ વાસ્તવમાં ‘તેજો મહાલય’ હોવાના દાવા સાથે તેના સરવેની માંગ કરતી અરજી ફગાવવાના સ્થાનિક કોર્ટના નિર્ણયને અલ્હાબાદ હાઇકોર્ટમાં પડકારવામાં આવ્યા બાદ કોર્ટે સરકાર અને આર્કિયોલૉજિકલ સરવે ઑફ ઇન્ડિયાને (ASI) નોટિસ પાઠવીને જવાબ માગ્યો છે.

અરજી વાસ્તવમાં દેવતા ‘શ્રી અગ્રેશ્વર મહાદેવ નાગનાથેશ્વર વિરાજમાન’ તરફથી દાખલ કરવામાં આવી છે અને વકીલ હરિશંકર જૈન છે. અગાઉ આગ્રાની કોર્ટમાં અરજી દાખલ કરીને તાજ મહલના ઇન્સ્પેક્શન, ફોટોગ્રાફી અને વિડીયોગ્રાફીની માંગ કરવામાં આવી હતી.  

માંગ એવી પણ કરવામાં આવી છે કે સ્થળને હિંદુ મંદિર ઘોષિત કરવામાં આવે અને હિંદુ સમુદાયને ત્યાં પૂજા-અર્ચના કરવાનો અધિકાર આપવામાં આવે.

તાજ મહલના સરવે માટે એડવોકેટ કમિશનરની નિમણૂકની માંગ કરતી મૂળ અરજી વર્ષ 2019માં દાખલ કરવામાં આવી હતી. જેની ઉપર આગ્રાના એડિશનલ સિવિલ જજની કોર્ટે ચુકાદો આપીને અરજી ફગાવતાં કારણ એવું આપ્યું હતું કે અરજદારોએ પૂરતાં રેવન્યુ ડોક્યુમેન્ટ રજૂ કર્યાં નથી અને જે દસ્તાવેજો રજૂ કરવામાં આવ્યા છે તેમાં સ્થળની બાઉન્ડ્રી મૅચ થતી નથી.

આ ચુકાદા પર પુનર્વિચાર કરવા માટે પણ એક અરજી દાખલ થઈ હતી પરંતુ એપ્રિલ 2026માં આ અરજી પણ ફગાવી દેવામાં આવી. હવે મામલો હાઇકોર્ટ પહોંચી ગયો છે.

‘મંદિર હોવાના પુરાવા ઉપલબ્ધ, સરવેનો આદેશ આપવામાં આવે’

હાઇકોર્ટ સમક્ષ દાખલ કરવામાં આવેલી અરજીમાં કહેવામાં આવ્યું છે કે મૂળ સ્થાન પર અગાઉ તેજો મહાલય નામનું એક મંદિર હતું, જેમાં અગ્રેશ્વર મહાદેવ નાગનાથેશ્વર બિરાજમાન હતા. મંદિર 1155-56માં બનાવવામાં આવ્યું હતું. ત્યારબાદ તે રાજા માન સિંઘના નિયંત્રણ હેઠળ આવ્યું.

મુઘલ શાસન દરમ્યાન શાહજહાંના સમયમાં મંદિર તોડીને ત્યાં મુમતાજનો મકબરો બનાવવામાં આવ્યો અને તેના માટે મંદિરના જ અમુક અવશેષોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.

અરજીમાં કહેવામાં આવ્યું છે કે લગભગ 109 આર્કિયોલૉજિકલ પુરાવા એ બાબત તરફ ઈશારો કરે છે કે આ સ્થળ પહેલાં હિંદુ મંદિર હતું. માર્બલ ડોમની ટોચ પર કળશ અને કમળનાં ફૂલ છે એ પણ હિંદુ સ્થળે હોય છે, ઈસ્લામિક માળખામાં નહીં. ઉપરાંત પ્રોપર્ટીના દક્ષિણ-પૂર્વ ખૂણામાં ગૌશાળા હોવાનું આર્કિયોલિજિકલ સરવે ઑફ ઇન્ડિયાના રેકર્ડ્સમાં લખવામાં આવ્યું છે, જે હિંદુ મંદિરનો જ હિસ્સો હોવાનું સૂચવે છે.

અરજીમાં માંગ કરવામાં આવી છે કે આ સંપત્તિનો ઉપયોગ માત્ર હિંદુ પૂજા માટે જ કરવામાં આવે એ જરૂરી છે અને તેના સિવાય ચાલતી અન્ય કોઈ પણ પ્રવૃત્તિ ગેરકાયદેસર છે. ASI દ્વારા શુક્રવારે નમાજ પઢવા માટે પરવાનગી આપવાના નિર્ણયનો પણ વિરોધ કરવામાં આવ્યો છે.

અરજીમાં દલીલો કરવામાં આવી છે કે અમુક પુરાવા માટે માત્ર મૌખિક દલીલો પૂરતી નથી અને સમગ્ર સંપત્તિનો વિડીયોગ્રાફી સરવે કરવો આવશ્યક છે. જેથી આગ્રા કોર્ટના બંને આદેશો રદ કરીને એડવોકેટ કમિશનરની નિમણૂક પર નવેસરથી વિચાર કરવામાં આવે.

હવે સરકાર અને ASIના જવાબની રાહ જોવામાં આવી રહી છે.