લશ્કરનો આતંકવાદી ઝાકિર ગનઈ કાશ્મીરમાં ઠાર, ચાર દિવસથી ચાલી રહ્યું છે ઑપરેશન: અન્ય એક આતંકીની શોધખોળ ચાલુ

જમ્મુ-કાશ્મીરના શોપિયાં જિલ્લામાં સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે ચાલી રહેલા એન્કાઉન્ટરમાં સુરક્ષાદળોને એક મોટી સફળતા મળી છે. શોપિયાંના ચાનપોરા વિસ્તારમાં પાંચ દિવસથી ચાલી રહેલા આ મોટા એન્ટી-ટેરર ઑપરેશનમાં પ્રતિબંધિત આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબાનો (LeT) એક ટોચનો આતંકી કમાન્ડર માર્યો ગયો છે.

માર્યા ગયેલા આતંકવાદીની ઓળખ ઝાકિર ગનઈ તરીકે થઈ છે, જે સુરક્ષા એજન્સીઓની મોસ્ટ વોન્ટેડ યાદીમાં ‘A++’ કેટેગરીનો ખતરનાક આતંકવાદી હતો. ઝાકિર ગનઈ દક્ષિણ કાશ્મીરના કુલગામ જિલ્લાનો રહેવાસી હતો અને વર્ષ 2024થી LeT સાથે જોડાયેલો હતો.

આ ઑપરેશન શોપિયાંના સ્પેશિયલ ઓપરેશન્સ ગ્રુપ (SOG), સેનાની રાષ્ટ્રીય રાઇફલ્સ (RR) અને સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (CRPF) દ્વારા સંયુક્ત રીતે ચલાવવામાં આવી રહ્યું છે. જમ્મુ-કાશ્મીર પોલીસે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર આ સફળતા શેર કરતા આતંકવાદીઓને કડક શબ્દોમાં ચેતવણી આપી છે કે આતંકવાદીઓ ભાગી શકે પણ સુરક્ષાબળોથી લાંબો સમય બચી શકશે નહીં.

સર્ચ ઑપરેશન 3 જુલાઈના રોજ શોપિયાંના ગાઢ બગીચાઓ અને આસપાસનાં સાત ગામોમાં શરૂ કરાયું હતું. ઉનાળાના કારણે બગીચાઓના ગાઢ પાંદડાઓ વચ્ચે આતંકવાદીઓ છુપાયા હોવાથી સેનાની ખાસ ‘વિક્ટર ફોર્સ’ દ્વારા તમામ રસ્તાઓ સીલ કરીને રાત્રે પણ ઑપરેશન લાઈટોના સહારે ચાલુ રાખવામાં આવ્યું હતું.

ગનઈ માર્યા ગયા પછી પણ સુરક્ષાદળોનું ઑપરેશન હજુ પાંચમા દિવસે ચાલુ છે. હાલમાં લશ્કરના બીજા આતંકવાદી લતીફ ભટને શોધવા માટે આખા વિસ્તારમાં કડક નાકાબંધી કરવામાં આવી છે. શોપિયાં દક્ષિણ કાશ્મીરને સેન્ટ્રલ કાશ્મીર સાથે જોડતો મુખ્ય માર્ગ હોવાથી સુરક્ષાદળો આ વિસ્તારને સંપૂર્ણપણે સુરક્ષિત કરવા માટે સઘન સર્ચ અને સેનિટાઈઝેશન ઑપરેશન ચલાવી રહ્યાં છે.