
જૂન 2023માં કેનેડાના સરે શહેરમાં માર્યા ગયેલા ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંઘ નિજ્જરની (Hardeep Singh Nijjar) હત્યામાં ભારત સરકારના અધિકારીઓની કોઈ સંડોવણી નથી એવું કેનેડાએ (Canada) આખરે સ્વીકાર્યું છે.
અમેરિકાની FBI અને અન્ય એજન્સીઓએ અમેરિકા, કેનેડા અને યુરોપમાં સક્રિય ક્રાઈમ સિન્ડિકેટ વિરુદ્ધ વિશેષ ઑપરેશન ચલાવીને અમુકની ધરપકડ કરી લીધા બાદ આ સ્વીકૃતિ સામે આવી. અમેરિકાએ નિજ્જરની હત્યાનો આરોપ લૉરેન્સ બિશ્નોઈ ગેંગ પર લગાવ્યો છે અને દાવો કર્યો છે કે બિશ્નોઈએ ભારતની જેલમાંથી નિજ્જરની હત્યાના આદેશ આપ્યા હતા અને ત્યારબાદ તેના સાગરિતો ગોલ્ડી બરાડ વગેરેએ હત્યા કરાવી હતી.
અહીં ઉલ્લેખનીય છે કે નિજ્જરની હત્યા બાદ કેનેડાના તત્કાલીન વડા પ્રધાન જસ્ટિન ટ્રુડોએ કેનેડાની સંસદમાં બોલતી વખતે ભારત સરકાર પર આરોપ લગાવ્યા હતા અને દાવો કર્યો હતો કે નિજ્જરની હત્યાના આદેશ ભારત સરકારમાંથી જ ટોચના માણસો દ્વારા આપવામાં આવ્યા હતા. પરંતુ હવે લૉરેન્સ બિશ્નોઈ ગેંગનું નામ સામે આવતાં કેનેડાએ યુ-ટર્ન લઈ લીધો છે.
કેનેડાની પોલીસનું કહેવું છે કે નિજ્જરની હત્યામાં ભારતના કોઈ અધિકારી કે સરકારના માણસોની સંડોવણી હોવાના કોઈ પુરાવા તપાસ દરમ્યાન મળ્યા નથી.
No Indian Govt official link found in Nijjar killing, Canadan Authorities
— Sidhant Sibal (@sidhant) July 8, 2026
Vdo ctsy: CBC News pic.twitter.com/F8gYzn3Gab
રોયલ કેનેડિયન માઉન્ટેડ પોલીસનાં ડેપ્યુટી કમિશનરે કેનેડિયન ચેનલ CBC ન્યૂઝ સાથેની વાતચીતમાં કહ્યું હતું કે, “આમાં (નિજ્જર હત્યાકાંડ) ભારત સરકારની કોઈ લિન્ક મળી આવી નથી. ક્રાઈમ સિન્ડિકેટ સામેની તપાસમાં એવો કોઈ પુરાવો મળ્યો નથી જેનાથી કહી શકાય કે આમાં ભારત સરકારના કોઈ અધિકારીઓ સામેલ હતા.”
ઑપરેશન હાર્ડ બૉલ
આ ઑપરેશન હેઠળ અમેરિકાની એજન્સી FBI અને અન્ય એજન્સીઓએ સાથે મળીને જુદા-જુદા દેશોમાં સક્રિય ત્રણ ક્રાઈમ સિન્ડિકેટ વિરુદ્ધ કાર્યવાહી કરી અને 24ની ધરપકડ કરી લીધી હતી. જુદા-જુદા ત્રણ કેસમાં કુલ 38ને આરોપી બનાવવામાં આવ્યા છે, જેમાં એક નામ લૉરેન્સ બિશ્નોઈનું પણ છે. લૉરેન્સ પર આરોપ છે કે તે જેલમાંથી કોન્ટ્રાબેન્ડ મોબાઈલ ફોન અને ઈન્ટરનેટ આધારિત કમ્યુનિકેશન ડિવાઇસની મદદથી હત્યા, ખંડણી, ડ્રગ્સ ટ્રાફિકિંગ, હ્યુમન સ્મગલિંગ વગેરે ગુનાહિત પ્રવૃત્તિઓ ચલાવતો હતો અને તેણે જ નિજ્જરને મારવા માટે આદેશ આપ્યા હતા.
એક નામ લૉરેન્સના સાગરિત ગોલ્ડી બરાડનું પણ છે, જે હાલ ફરાર છે અને તેના માથે FBIએ ઈનામ ઘોષિત કર્યું છે. બીજો ગુનો જગ્ગુ ભગવનપુરિયા ગ્રુપ પર લાગ્યો છે, જે અમેરિકા, કેનેડા, યુકે, યુરોપ અને ઑસ્ટ્રેલિયા-ન્યૂઝીલેન્ડમાં સક્રિય હોવાનું કહેવાય છે. આ ક્રાઈમ ગ્રુપ હત્યા, કિડનેપિંગ, ખંડણી, ડ્રગ્સ સ્મગલિંગ વગેરેમાં સંડોવાયેલું હોવાનું જણાવવામાં આવ્યું છે. ત્રીજો ગુનો કેનેડાના ડ્રગ્સ ટ્રાફિકિંગ નેટવર્ક પર છે, જેનો લીડર રવિન્દર સિંઘ ઢાંડા હોવાનું કહેવાય છે. તેની સાથે અન્ય પણ અમુકનાં નામ છે. આ નેટવર્ક પર દર અઠવાડિયે અમેરિકાથી કેનેડામાં સેંકડો કોલોગ્રામ કોકેન સ્મગલ કરવાનો આરોપ છે.

