લૉરેન્સ બિશ્નોઈ ગેંગ સહિત ત્રણ ક્રાઈમ સિન્ડિકેટ વિરુદ્ધ અમેરિકાનું ઑપરેશન, 24ની ધરપકડ: લૉરેન્સ પર ખાલિસ્તાની આતંકી નિજ્જરની હત્યાનો આરોપ

અમેરિકાની FBIએ (ફેડરલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન) અન્ય એજન્સીઓ સાથે મળીને અલગ-અલગ દેશોમાં હત્યા, અપહરણ, ખંડણી, ડ્રગ્સ તસ્કરી, હથિયારોની તસ્કરી વગેરે ગુનાઓને અંજામ આપતાં આંતરરાષ્ટ્રીય નેટવર્ક વિરુદ્ધ કાર્યવાહી કરી છે, જેમાં લૉરેન્સ બિશ્નોઈ ગેંગનું પણ નામ આવ્યું છે. ‘ઑપરેશન હાર્ડ બૉલ’ નામથી શરૂ કરવામાં આવેલા આ ઑપરેશનમાં અમેરિકા, કેનેડા અને યુરોપમાં સક્રિય ગેંગ પકડવામાં આવી છે.

બીજી તરફ, લૉરેન્સ બિશ્નોઈ અને તેના સાગરિત ગોલ્ડી બરાડનું નામ કેનેડાના ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંઘ નિજ્જર હત્યાકાંડમાં પણ આવ્યું છે. લૉરેન્સ પર આરોપ છે કે તેણે ભારતની જેલમાંથી નિજ્જરની હત્યા માટે તેના સાગરિતોને સૂચના આપી હતી અને ત્યારબાદ સમગ્ર હત્યાકાંડ થયો.

અમેરિકી અધિકારીઓ અનુસાર ઘણાં વર્ષોથી ‘ઑપરેશન હાર્ડ બૉલ’ હેઠળ જુદા-જુદા ગુનાઓમાં સંડોવાયેલાં આ ક્રાઇમ સિન્ડિકેટ વિરુદ્ધ તપાસ કરવામાં આવી રહી હતી. તાજેતરમાં એકસાથે અનેક સ્થળોએ દરોડા પાડીને સમગ્ર નેટવર્ક પકડવામાં આવ્યું હોવાનો FBIએ દાવો કર્યો છે. અમેરિકાના ડિપાર્ટમેન્ટ ઑફ જસ્ટિસ અનુસાર, કેલિફોર્નિયા, ઇન્ડિયાના, જ્યોર્જિયા, કેનેડા અને સ્પેનમાંથી અનેકની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે અન્ય અમુક હજુ ફરાર છે, જેમાંથી એક ગોલ્ડી બરાડ પણ છે.

DoJ અનુસાર, ત્રણ જુદા-જુદા ગુનાઓમાં કુલ 37 વ્યક્તિઓને આરોપી બનાવવામાં આવ્યા છે અને ત્રણેય ઓર્ગેનાઈઝ્ડ ક્રાઈમ ગ્રુપ ભારત સાથે સંબંધિત છે. આ 37માંથી 24ની ધરપકડ કરવામાં આવી ચૂકી છે, 10 હજુ ફરાર છે. લૉરેન્સ હાલ ભારતની જેલમાં બંધ છે.

નિજ્જરની હત્યા મામલે લૉરેન્સ પર આરોપ

જૂન 2023માં કેનેડાના સરે શહેરમાં થયેલી ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંઘ નિજ્જરની હત્યા મામલે અમેરિકાએ લૉરેન્સ બિશ્નોઈ અને ગોલ્ડી બરાડ પર આરોપ લગાવ્યા છે. એક તહોમતનામામાં લૉરેન્સ અને બરાડ પર આરોપ લગાવવામાં આવ્યો છે કે તેમણે જ નિજ્જરની હત્યા માટે આદેશ આપ્યા હતા. લૉરેન્સ પર આરોપ છે કે તે જેલમાંથી કોન્ટ્રાબેન્ડ મોબાઈલ ફોન અને ઈન્ટરનેટ આધારિત કમ્યુનિકેશન ડિવાઇસની મદદથી હત્યા, ખંડણી, ડ્રગ્સ ટ્રાફિકિંગ, હ્યુમન સ્મગલિંગ વગેરે ગુનાહિત પ્રવૃત્તિઓ ચલાવતો હતો.

ગોલ્ડી બરાડને લૉરેન્સ બિશ્નોઈ સિન્ડિકેટનો નોર્ધન અમેરિકન લીડર ગણાવવામાં આવ્યો છે, જ્યારે રોહિત ગોદારા પર આરોપ છે કે તે યુરોપમાં કામકાજ જોતો હતો. રોહિત પણ લૉરેન્સ બિશ્નોઈ ગેંગનો માણસ છે અને ભારતમાં પણ અનેક ગુનાઓમાં તેનું નામ આવી ચૂક્યું છે. ગોલ્ડી હાલ ફરાર છે, જેના માથે ઇનામ ઘોષિત કરવામાં આવ્યું છે.

બીજો ગુનો જગ્ગુ ભગવનપુરિયા ગ્રુપ પર લાગ્યો છે, જે અમેરિકા, કેનેડા, યુકે, યુરોપ અને ઑસ્ટ્રેલિયા-ન્યૂઝીલેન્ડમાં સક્રિય હોવાનું કહેવાય છે. આ ક્રાઈમ ગ્રુપ હત્યા, કિડનેપિંગ, ખંડણી, ડ્રગ્સ સ્મગલિંગ વગેરેમાં સંડોવાયેલું હોવાનું જણાવવામાં આવ્યું છે. ત્રીજો ગુનો કેનેડાના ડ્રગ્સ ટ્રાફિકિંગ નેટવર્ક પર છે, જેનો લીડર રવિન્દર સિંઘ ઢાંડા હોવાનું કહેવાય છે. તેની સાથે અન્ય પણ અમુકનાં નામ છે. આ નેટવર્ક પર દર અઠવાડિયે અમેરિકાથી કેનેડામાં સેંકડો કોલોગ્રામ કોકેન સ્મગલ કરવાનો આરોપ છે. તાજેતરના ઑપરેશનમાં લગભગ એક હજાર કિલો કોકેન અને એક કિલો હેરોઇન ઉપરાંત 12 હથિયારો અને 40 હજાર ડૉલર કૅશ પણ મળી આવ્યાં છે.

ઑપરેશન FBI, લોસ એન્જલસ પોલીસ, રોયલ કેનેડિયન માઉન્ટેડ પોલીસ, યુએસ કસ્ટમ્સ એન્ડ બોર્ડર પ્રોટેક્શન ઉપરાંત નોર્થ અમેરિકા અને યુરોપની અન્ય એજન્સીઓએ સાથે મળીને પાર પાડ્યું હોવાનું અમેરિકાએ જણાવ્યું છે.