Monday, May 6, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટખાલિસ્તાની આતંકવાદી હરદીપસિંઘ નિજ્જરની કેનેડામાં હત્યા, અજાણ્યા હુમલાખોરોએ ગોળીએ દીધો: ચાર દિવસ...

    ખાલિસ્તાની આતંકવાદી હરદીપસિંઘ નિજ્જરની કેનેડામાં હત્યા, અજાણ્યા હુમલાખોરોએ ગોળીએ દીધો: ચાર દિવસ પહેલાં તેના સાથી અવતારસિંઘનું થયું હતું રહસ્યમય મોત

    હરદીપ સિંઘ કેનેડાના સરે શહેરમાં રહેતો હતો અને અહીં આવેલ એક ગુરુદ્વારામાં જઈ રહ્યો હતો ત્યારે પાર્કિંગમાં બે અજાણ્યા યુવકોએ તેને ગોળી મારી દીધી હતી.

    - Advertisement -

    વધુ એક ખાલિસ્તાની આતંકવાદી માર્યો ગયો હોવાના સમાચાર સામે આવ્યા છે. હરદીપસિંઘ નિજ્જર (Hardeep Singh Nijjar) નામના આતંકીને કેનેડાના એક શહેરમાં ઠાર મરાયો હતો. તેને ભારત સરકારે આતંકવાદી જાહેર કર્યો હતો અને વૉન્ટેડની યાદીમાં હતો. ભારતીય સમય પ્રમાણે સોમવારે સવારે અજાણ્યા શખ્સોએ ગોળી મારીને હરદીપસિંઘ નિજ્જરની હત્યા કરી નાંખી હતી. અહીં ઉલ્લેખનીય છે કે ચાર દિવસ પહેલાં જ ખાલિસ્તાની આતંકવાદી અવતારસિંઘ ખાંડાનું યુકેની એક હોસ્પિટલમાં મોત થઇ ગયું હતું. આશંકા છે કે તેને ઝેર આપવામાં આવ્યું હતું. 

    હરદીપ સિંઘ કેનેડાના સરે શહેરમાં રહેતો હતો અને અહીં આવેલ એક ગુરુદ્વારામાં જઈ રહ્યો હતો ત્યારે પાર્કિંગમાં બે અજાણ્યા યુવકોએ તેને ગોળી મારી દીધી હતી. હુમલો કરનારાઓની ઓળખ હજુ સુધી થઇ શકી નથી. તે આ જ ગુરુદ્વારાનું સંચાલન પણ કરતો હતો. કેનેડાના સમય પ્રમાણે રવિવારે સાંજે સાડા આઠ વાગ્યાના અરસામાં તેને ગોળીએ દેવાયો હતો. 

    ભારત સરકારે થોડા સમય પહેલાં ચાલીસ આતંકવાદીઓની એક યાદી જાહેર કરી હતી, જેમાં હરદીપસિંઘ નિજ્જરનું નામ સામેલ હતું. વર્ષ 2022માં એજન્સી NIAએ તેના માથે 10 લાખ રૂપિયાનું ઇનામ પણ ઘોષિત કર્યું હતું. તેની ઉપર પંજાબના જાલંધરમાં હિંદુ પૂજારીની હત્યાનું ષડ્યંત્ર રચવાનો આરોપ લાગ્યો હતો. પૂજારીને ખાલિસ્તાન ટાઇગર ફોર્સ નામના સંગઠનના માણસોએ માર્યા હતા, જેનો નિજ્જર પ્રમુખ હતો. 

    - Advertisement -

    હરદીપસિંઘ નિજ્જર  વિદેશમાં બેસીને ભારત સામે દુષ્પ્રચાર ફેલાવવાનું કામ કરતો હતો અને યુએસ, કેનેડા, યુકે, જર્મની વગેરે દેશોમાં ભારતીય દૂતાવાસો બહાર પ્રદર્શન પણ કરાવતો હતો. આ ઉપરાંત, પંજાબમાં ટાર્ગેટ કિલિંગ કરાવવામાં પણ તેનો મોટો હાથ હતો. તેણે બળજબરીથી કેનેડાના સરે શહેરમાં આવેલ ગુરૂ નાનક શીખ ગુરુદ્વારાનો કારભાર આંચકી લીધો હતો અને તેનો પ્રમુખ બની ગયો હતો. છેલ્લાં થોડાં વર્ષોથી તે નિયમિત રીતે વેંકુવર સ્થિત કોન્સુલેટ જનરલ ઑફ ઇન્ડિયા સામેનાં પ્રદર્શનોમાં જોવા મળતો હતો. 

    તે અન્ય પ્રતિબંધિત ખાલિસ્તાની આતંકવાદીઓ સાથે પણ સંપર્કમાં રહેતો હતો, જેમાંથી એક ગુરપતવંત સિંઘ પન્નુ છે, જે શીખ ફોર જસ્ટિસ નામનું સંગઠન ચલાવે છે, તેને પણ ભારત સરકારે આતંકી ઘોષિત કર્યો છે. 2020માં NIAએ દાખલ કરેલી એક ચાર્જશીટમાં જણાવ્યું હતું કે, આ આતંકવાદીઓ માનવઅધિકાર જૂથની આડમાં અમેરિકા, કેનેડા, યુકે અને ઓસ્ટ્રેલિયા જેવા દેશોમાં સક્રિય રહીને જુદાં-જુદાં સંગઠનો ચલાવે છે. 

    ચાર દિવસ પહેલાં જ યુકેમાં ખાલિસ્તાની આતંકવાદી અવતારસિંઘ ખાંડાનું રહસ્યમય મોત થઇ ગયું હતું. તે ખાલિસ્તાન લિબરેશન ફોર્સનો ચીફ હતો. એજન્સીઓ અનુસાર, ખાંડા અને નિજ્જર બંને સાથે મળીને ભારત વિરોધી કારસ્તાનો કરતા હતા. આશંકા વ્યક્ત કરવામાં આવી હતી કે તેને ઝેર આપવામાં આવ્યું હતું, જ્યારે અમુક રિપોર્ટ્સમાં જણાવાયું હતું કે તેને બ્લડ કેન્સર હતું. તેના મોતના ચાર જ દિવસમાં તેના સાથી આતંકી હરદીપસિંઘ નિજ્જરની હત્યા કરી નાંખવામાં આવી છે. 

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં