કેરળના વાયનાડમાં જ્યાં ટનલ પ્રોજેક્ટ પર ચાલી રહ્યું હતું કામ, ત્યાં ભૂસ્ખલનથી તબાહી: 2નાં મોત, અનેકને ઈજા, અમુક હજુ લાપતા

કેરળના વાયનાડમાં ભૂસ્ખલનના કારણે બે વ્યક્તિઓનાં મોત થયાં છે અને અન્ય આઠને ઈજા પહોંચી છે. લગભગ સાત વ્યક્તિઓ હજુ લાપતા હોવાનું કહેવામાં આવે છે.

ઘટના વાયનાડના મીનાક્ષી બ્રિજ નજીક બની હતી, જ્યાં એક ટ્વિન ટનલ પ્રોજેક્ટનું કામ ચાલી રહ્યું છે. આ ટનલ મલપ્પુરમ અને વાયનાડ જિલ્લાઓને જોડવા માટે બનાવવામાં આવી રહી છે. આ વિસ્તાર એ જ વિસ્તારની નજીક આવેલો છે, જ્યાં 2024માં ભયંકર ભૂસ્ખલન થયું હતું.

જોકે હાલ કામ ચાલી રહ્યું ન હતું, અન્યથા જાનહાનિ વધુ થઈ હોત. જેઓ લાપતા છે તેમાં અમુક એન્જિનિયરો અને સિક્યુરિટી સ્ટાફ હોવાનું કહેવામાં આવી રહ્યું છે. ઈજાગ્રસ્તોને હાલ સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.

સોશિયલ મીડિયા પર વિડીયો સામે આવ્યા છે જેમાં ભૂસ્ખલન વખતેનાં દૃશ્યો જોઈ શકાય છે. વિડીયોમાં અચાનક જમીન ધસી પડતાં લોકો ભાગતા જોવા મળે છે.

ઉલ્લેખનીય છે કે કેરળમાં હાલ ભારે વરસાદ વરસી રહ્યો છે અને વાયનાડ અને કોઝિકોડ જિલ્લાઓ માટે રેડ એલર્ટ ઇસ્યુ કરવામાં આવ્યું છે.

ઘટના બાદ કેરળની કોંગ્રેસ સરકારના મંત્રીઓએ દોષનો ટોપલો અન્યો પર ઢોળવાનું શરૂ કરી દીધું છે. કૃષિ મંત્રી ટી સિદ્દીકીએ કહ્યું કે આના માટે કોંકણ રેલવે કોર્પોરેશન લિમિટેડ જવાબદાર છે, જે પ્રોજેક્ટ પર કામ કરી રહ્યું હતું. તેમણે કહ્યું કે ત્યાંથી અવૈજ્ઞાનિક રીતે માટી કાઢવામાં આવી રહી હતી એટલે આવું થયું છે.

પર્યાવરણ મંત્રી સની જોસેફે કહ્યું કે જિલ્લા કલેક્ટરે થોડા દિવસ અગાઉ સૂચના આપી હતી કે જ્યાં સુધી સ્થળ પરથી માટી દૂર કરવામાં નહીં આવે ત્યાં સુધી આગળ કામ શરૂ કરવામાં નહીં આવે પરંતુ આદેશનું પાલન કરવામાં આવ્યું ન હતું અને કંપનીએ બાંધકામ ચાલુ રાખ્યું હતું. જે માટી એકઠી કરવામાં આવી હતી એ ધસી પડતાં ઘટના સર્જાઈ છે તેવું તેમનું કહેવું છે.

જાણકારી અનુસાર, આ ટનલનું કામ ભોપાલની કંપની દિલીપ બિલ્ડકોનને અપાયું હતું અને બ્રિજ અને એપ્રોચ રોડનું કામ કોલકાતાની રોયલ એપ્રોચ પાસે હતું. ચાર વર્ષમાં પ્રોજેક્ટ પૂર્ણ થવાનો હતો.