ફ્રેન્ચ રાષ્ટ્રપતિ મેક્રોંની સીરિયા યાત્રા દરમ્યાન પાટનગર દમાસ્કસમાં બ્લાસ્ટ, હોટેલની નજીક જ થયા વિસ્ફોટ

ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોં હાલ સીરિયાની યાત્રાએ છે. મંગળવારે (7 જુલાઈ) મેક્રોં સીરિયન પાટનગર દમાસ્કસમાં જ્યાં રોકાયા હતા એ હોટેલ નજીક જ બે બ્લાસ્ટ થયા હતા.

ઘટનાના વિડીયો સામે આવ્યા છે તેમાં બ્લાસ્ટ બાદ ધુમાડો ઉડતો જોવા મળે છે. ઘટનાસ્થળે ફાયર ફાઈટર્સ પણ પહોંચી ગયા હતા.

બ્લાસ્ટ ભરચક વિસ્તારમાં થયો હોવાનું કહેવામાં આવે છે. ઉપરાંત જ્યાં બ્લાસ્ટ થયો ત્યાંથી એ હોટેલ તદ્દન નજીક છે જ્યાં મેક્રોં રોકાયા છે. ઉપરાંત સીરિયાના પ્રવાસન મંત્રાલયની ઑફિસ પણ નજીકમાં જ આવેલી છે.

મીડિયા અહેવાલોનું કહેવું છે કે ઘટના બની ત્યારે ફ્રેન્ચ રાષ્ટ્રપતિ સીરિયાના રાષ્ટ્રપતિને મળવા માટે જઈ રહ્યા હતા અને ઘટના બાદ પણ તેમણે કાર્યક્રમમાં કોઈ ફેરફાર નહતો કર્યો. પછીથી બંને નેતાઓ સીરિયન રાષ્ટ્રપતિના સત્તાવાર નિવાસસ્થાને મળ્યા હતા.

હાલ સીરિયન પ્રશાસન ઘટનાની તપાસ કરી રહ્યું છે. હજુ સુધી બ્લાસ્ટ પાછળનો ઉદ્દેશ્ય જાણવા મળ્યો નથી. પરંતુ ફ્રેન્ચ રાષ્ટ્રપતિની યાત્રા દરમ્યાન અશાંતિ સર્જવા માટે ઘટનાને અંજામ આપવામાં આવ્યો હોવાનું અનુમાન છે.

2024માં સીરિયામાં બશર-અલ-અસદની સરકાર ઉથલાવવામાં આવ્યા બાદ આ કોઈ યુરોપિયન દેશના વડાની પહેલી સીરિયા યાત્રા છે. જોકે મેક્રોં હાલ સુરક્ષિત છે.

ઉલ્લેખનીય છે કે થોડા દિવસ પહેલાં જ દમાસ્કસના એક કાફેમાં બૉમ્બ બ્લાસ્ટ થયો હતો, જેમાં 9 લોકો માર્યા ગયા હતા અને 22ને ઈજા પહોંચી હતી.