
રામ મંદિર દાન ગેરરીતિ કૌભાંડ મામલે SITએ દાખલ કરેલા વચગાળાના રિપોર્ટની થોડી માહિતી મીડિયામાં સામે આવી છે. SITએ એડિશનલ ચીફ સેક્રેટરી સંજય પ્રસાદને પોતાનો 9 પાનાંનો પ્રારંભિક અહેવાલ સોંપ્યો હતો. આ અહેવાલમાં દાનની રકમની ગણતરી દરમિયાન થયેલી ગંભીર ગેરરીતિઓ, સુરક્ષામાં મોટી ખામીઓ અને પદ્ધતિસરની ચોરીનો પર્દાફાશ કરવામાં આવ્યો છે.
SITના અહેવાલ મુજબ 27 એપ્રિલ 2026થી 5 જૂન 2026 વચ્ચેના આશરે 40 દિવસના CCTV ફૂટેજની તપાસમાં ચોરીની 70 જેટલી અલગ-અલગ ઘટનાઓ કેમેરામાં કેદ થઈ છે. આ ફૂટેજમાં ગણતરી ખંડમાં કામ કરતા કર્મચારીઓ નોટોની ગડ્ડીઓ અને છૂટા પૈસા પોતાના કપડાં, ખિસ્સા, મોજા અને જૂતામાં છુપાવતા સ્પષ્ટ જોવા મળ્યા છે. આ ઘટના દર્શાવે છે કે આ કોઈ એક-બે વાર બનેલી ભૂલ નથી પરંતુ 6 આરોપીઓએ ઘણા દિવસો સુધી સતત આચરેલું એક પદ્ધતિસરનું કૌભાંડ હતું.
આ તપાસ અહેવાલમાં શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના વરિષ્ઠ પદાધિકારી ડૉ. અનિલ મિશ્રાની સુપરવાઇઝરી ભૂમિકા સામે પણ ગંભીર સવાલો ઉઠાવવામાં આવ્યા છે. અહેવાલ મુજબ ડૉ. મિશ્રાએ સ્ટેટ બેન્ક ઑફ ઇન્ડિયા સાથે દાનના સંચાલન, ગણતરી અને સુરક્ષા માટેના નિયમો (SOP) નક્કી કરવામાં ટ્રસ્ટનું પ્રતિનિધિત્વ કર્યું હતું, પરંતુ તેઓ આ સુરક્ષા નિયમોનું યોગ્ય પાલન કરાવવામાં નિષ્ફળ રહ્યા હતા.
આ ઉપરાંત ફેબ્રુઆરી 2025માં નિયમોમાં અચાનક ઢીલ આપવામાં આવી હતી, સીસીટીવી રેકોર્ડિંગમાં છેડછાડના પુરાવા મળ્યા છે અને ચંપત રાયના ભૂતપૂર્વ ડ્રાઇવર ટિન્નુ યાદવ પાસે કોઈ કાનૂની સત્તા વગર દાન પેટીઓની ચાવીઓ હોવાનો પણ ખુલાસો થયો છે.
દાનની ચોરીના આ વિવાદ વચ્ચે સોમવારે (6 જુલાઈ) શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટની એક હાઈલેવલ બેઠક મળી હતી, જે અંદાજે પાંચ કલાક સુધી ચાલી હતી. આ બેઠકમાં પૂર્વ મહાસચિવ ચંપત રાય અને ટ્રસ્ટી અનિલ મિશ્રાનાં રાજીનામાંથી લઈને SIT તપાસની પ્રગતિ અને ટ્રસ્ટની આગળની રણનીતિ અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.

