
એક તરફ જ્યાં ભારતમાં વિપક્ષ પોતાને ચૂંટણીમાં મળતા પરાજયનો દોષનો ટોપલો ઇલેક્ટ્રોનિક વૉટિંગ મશીન પર ઢોળતો આવ્યો છે ત્યાં ભારતનાં આ વૉટિંગ મશીન હવે વૈશ્વિક સ્વીકૃતી પામી રહ્યાં છે. હવે ઈન્ડોનેશિયાની સરકાર ચૂંટણીમાં EVM લાગુ કરવા જઈ રહી છે, જે માટે ભારત પાસેથી મદદ લેવામાં આવશે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીની ઈન્ડોનેશિયા યાત્રા દરમ્યાન બંને દેશોનાં ચૂંટણી પંચ વચ્ચે MoU પર હસ્તાક્ષર થયા હતા.
વડા પ્રધાન નરેન્દ્ર મોદી હાલ બે દિવસ માટે ઈન્ડોનેશિયાની યાત્રા પર છે. તેમની આ યાત્રા દરમ્યાન જ અનેક વિષયો પર બંને દેશોએ કરાર કર્યા હતા, જેમાંથી ચૂંટણી પ્રક્રિયા માટે હ્યુમન રિસોર્સ ડેવલપમેન્ટ અને પ્રશાસનિક સેવાઓ માટે ટેક્નોલોજીના ઉપયોગ મુદ્દે પણ કરાર થયો હતો.
— Randhir Jaiswal (@MEAIndia) July 7, 2026
લગભગ 28 કરોડની વસ્તી ધરાવતું ઈન્ડોનેશિયા દુનિયાની ત્રીજી સૌથી મોટી લોકશાહી છે. અત્યાર સુધી ઈન્ડોનેશિયામાં ચૂંટણી માટે બેલેટ પેપરનો ઉપયોગ થતો હતો. જેના માટે દરેક મતદારને પાંચ બેલેટ પેપર આપવામાં આવતાં. અંતિમ ચૂંટણી ફેબ્રુઆરી 2024માં યોજાઈ હતી, જે આ જ પદ્ધતિને અનુરૂપ થઈ હતી. પરંતુ હવે મશીન આધારિત મતદાન શરૂ કરવાની ગણતરી છે. જેના માટે ભારતનાં EVM અને ચૂંટણી મેનેજમેન્ટ સિસ્ટમની મદદ લેવામાં આવશે.
જોકે ઈન્ડોનેશિયા માટે જે EVM બનાવવામાં આવશે તે તે દેશની જરૂરિયાતને આધારે બનાવવામાં આવશે. પરંતુ તેની પદ્ધતિ, સ્વરૂપ બધું ભારતનાં મશીન જેવું જ હશે. ઈન્ડોનેશિયાએ 2029 સુધીમાં ઈ-વૉટિંગ અપનાવવાનું લક્ષ્યાંક રાખ્યું છે.
‘ભારતની ચૂંટણી પ્રક્રિયા અત્યંત પ્રેરણાદાયી, ફ્રી એન્ડ ફેર ઈલેક્શન થાય છે’
બંને દેશો વચ્ચે EVM બાબતે અગાઉથી ચર્ચા-વિચારણા ચાલી રહી છે અને બંને દેશોના અધિકારીઓ એકબીજા દેશોની મુલાકાતો પણ લઈ ચૂક્યા છે અને અભ્યાસ વગેરે પણ પૂર્ણ થઈ ગયા છે. ઈન્ડોનેશિયાના અધિકારીઓ અનેક તબક્કે ભારત આવીને સમગ્ર ચૂંટણી પ્રક્રિયા, સુપરવિઝન સિસ્ટમ, ડિજિટલ ટૂલનો ઉપયોગ વગેરેનો અભ્યાસ પણ કરી ગયા હતા.
નવેમ્બર 2025માં યોજાયેલી બિહાર વિધાનસભા ચૂંટણીમાં પણ ઇન્ડોનેશિયાનું એક પ્રતિનિધિમંડળ ભારત આવ્યું હતું અને સમગ્ર ચૂંટણી પ્રક્રિયાનું નિરીક્ષણ કર્યું હતું. ત્યારે ઈન્ડોનેશિયાના ઇલેક્શન કમિશનરે કહ્યું હતું કે ભારતની ચૂંટણી પ્રક્રિયા અત્યંત પ્રેરણાદાયી છે અને દુનિયા જોઈ શકે છે કે અહીં ચૂંટણી કેટલી યોગ્ય અને નિષ્પક્ષ રીતે કરવામાં આવે છે. તેમણે ભારતને સાચી લોકશાહી ગણાવ્યું હતું.
જોકે ભારતનાં EVMનો ઉપયોગ કરનાર ઇન્ડોનેશિયા પ્રથમ દેશ નથી. આ પહેલાં ભૂટાન પણ ભારતના ટેકનિકલ આસિસ્ટન્સની મદદથી પોતાને ત્યાં ચૂંટણીમાં EVMનો ઉપયોગ કરી ચૂક્યું છે.

