પાકિસ્તાનના બલૂચિસ્તાનમાં અજાણ્યા હુમલાખોરોનો પોલીસ પોસ્ટ પર હુમલો, 9નાં મોત: આતંકી દેશને BLA પર શંકા

(ફોટો: First Post)

પાકિસ્તાનના દક્ષિણ-પશ્ચિમ પ્રાંત બલૂચિસ્તાનના ઝિયારત જિલ્લામાં સોમવારે (6 જુલાઈ) રાત્રે હુમલાખોરોએ એક પોલીસ પોસ્ટ પર હુમલો કર્યો હતો. અહેવાલો અનુસાર આ ગોળીબારમાં ઓછામાં ઓછા 9 પોલીસ અધિકારીઓ ફરજ દરમિયાન માર્યા ગયા છે અને અન્ય કેટલાક ઘાયલ થયા છે. હુમલાખોરોએ શરૂઆતમાં આઠ પોલીસકર્મીઓનું અપહરણ કર્યું હતું, જેમને બાદમાં સુરક્ષાદળોએ છોડાવી લીધા હતા.

માર્યા ગયેલા સુરક્ષાકર્મીઓ ક્વેટા શહેર માટે મહત્વપૂર્ણ એવા ‘માંગી ડેમ’ના બાંધકામ સ્થળની સુરક્ષામાં તહેનાત હતા. આ ડેમ બલૂચિસ્તાનની રાજધાની ક્વેટામાં પાણીની અછતને દૂર કરવા માટે બનાવવામાં આવી રહ્યો છે. હુમલાના તુરંત બાદ પાકિસ્તાની સુરક્ષાદળોએ આ વિસ્તારમાં સર્ચ ઑપરેશન કર્યું હતું.

બલૂચિસ્તાન સરકારના પ્રવક્તા શાહિદ રિંદના જણાવ્યા અનુસાર આ વળતા ઑપરેશનમાં સુરક્ષાદળોએ 15 હુમલાખોરોને ઠાર કર્યા છે. સરકારી અધિકારીઓએ જણાવ્યું છે કે સુરક્ષાદળો પર થતા હુમલાઓને રોકવા માટે આ પ્રકારના ઇન્ટેલિજન્સ-બેઝ્ડ (ગુપ્ત માહિતી આધારિત) ઑપરેશન્સ આગામી સમયમાં પણ ચાલુ રાખવામાં આવશે.

આ હુમલાની સત્તાવાર જવાબદારી હજુ સુધી કોઈ સંગઠને સ્વીકારી નથી, પરંતુ સુરક્ષા એજન્સીઓ દ્વારા આ વિસ્તારમાં સક્રિય પ્રતિબંધિત સંગઠનો ‘બલોચ લિબરેશન આર્મી’ (BLA) અને ‘તેહરીક-એ-તાલિબાન પાકિસ્તાન’ (TTP) પર શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.

આ ઘટનાના થોડા દિવસો પહેલા જ 28 જૂને રાત્રે કરાંચીમાં પેરામિલિટરી ફોર્સ ‘પાકિસ્તાન રેન્જર્સ’ના મુખ્યમથક પર પણ એક મોટો આત્મઘાતી હુમલો થયો હતો. આ હુમલાની જવાબદારી TTP સાથે જોડાયેલા જૂથ ‘જમાત-ઉલ-અહરર’એ સ્વીકારી હતી. તેથી આ હુમલો પણ TTPએ કર્યો હોવાની શંકા સેવાઈ રહી છે.