
પાકિસ્તાનની પેરામિલિટરી ફોર્સ પાકિસ્તાન રેન્જર્સના કરાચી સ્થિત મુખ્યમથક પર થયેલા એક આત્મઘાતી હુમલામાં ચાર સૈનિકો માર્યા ગયા હતા. દર વખતની જેમ આ ઘટનાનો દોષ પાકિસ્તાને ભારત પર નાખી દીધો છે. જેના જવાબમાં વિદેશ મંત્રાલયે કહ્યું કે પાકિસ્તાને બહાર દોષારોપણ કરવાના સ્થાને અંદર ઉદ્ભવી રહેલા આતંકવાદને ડામવામાં જ ધ્યાન આપવું જોઈએ.
ઘટના શનિવાર રાત્રિની (27 જૂન) છે. કરાચીના પાકિસ્તાન રેન્જર્સના મુખ્યમથક પર આત્મઘાતી હુમલાખોરોએ વિસ્ફોટકો ભરેલી કાર અથડાવી દીધી હતી. ત્યારબાદ ઘણા સમય સુધી ગોળીબારનો અવાજ આવતો રહ્યો. ઘટનામાં ચાર પાકિસ્તાની રેન્જર્સ માર્યા ગયા અને ત્રણને ઈજા પહોંચી.
લગભગ 90 મિનિટ ચાલેલા ગોળીબાર બાદ પાકિસ્તાની રેન્જર્સે ત્રણ આત્મઘાતી હુમલાખોરોને ઠાર કર્યા હતા. એકાદ જીવતો પકડાયો હોવાનું પણ કહેવાય છે. પકડાયેલો માણસ અફઘાન નાગરિક હોવાનું જાણવા મળ્યું છે. અમુક ઠેકાણે પાકિસ્તાની સેનાએ 6 હુમલાખોરોને માર્યા હોવાનું જણાવવામાં આવી રહ્યું છે.
હુમલાની જવાબદારી ‘જમાત-ઉલ-અહરર’ નામના એક સંગઠને લીધી છે, જે તહરીક-એ-તાલિબાનનું જ એક જૂથ છે. બીજી તરફ પાકિસ્તાને આના માટે ભારતને દોષ આપવાનો શરૂ કર્યો છે.
પાકિસ્તાન પોતાના ઘરમાં જ ધ્યાન આપે: ભારત
આ અંગે ભારત સરકારે કહ્યું કે, “કરાચીમાં થયેલા તાજેતરના ઘટનાક્રમ બાદ પાકિસ્તાન દ્વારા ભારત પર લગાવવામાં આવેલા પાયાવિહોણા આરોપોના અહેવાલો જોયા. ભારત સ્પષ્ટ રીતે આ આરોપો નકારી કાઢે છે.”
આગળ કહ્યું, “બીજા સામે આંગળી ચીંધવાના સ્થાને પાકિસ્તાને પોતાની અંદર જ જોવું જોઈએ અને આતંકવાદી ઇન્ફ્રાસ્ટક્ચર સામે કાર્યવાહી કરીને આતંકવાદનો સ્ટેટ પોલિસી તરીકે ઉપયોગ કરવાની માનસિકતામાંથી બહાર આવી જવું જોઈએ.”
આ પહેલાં પણ પાકિસ્તાનમાં થયેલા હુમલાઓનો આરોપ આતંકવાદી દેશ ભારત પર લગાવતો રહ્યો છે પરંતુ એક પણ આરોપ માટે પુરાવા રજૂ કર્યા નથી.

