અયોધ્યાના રામ મંદિર પર હુમલો કરવાની ફિરાકમાં હતો સુહૈલ, ATS-NIAએ કર્ણાટકથી પકડ્યો: મોબાઈલમાં પાકિસ્તાની નંબરો, તપાસ શરૂ

કર્ણાટક એન્ટી ટેરેરિઝમ સ્ક્વૉડ અને નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સીએ તાજેતરમાં કર્ણાટકમાંથી એક મોહમ્મદ સુહૈલ નામના શખ્સની ધરપકડ કરી છે. સુહૈલ મૂળ યુપીના સહારનપુરનો રહેવાસી છે અને કર્ણાટકમાં એક ફેક્ટરીમાં કામ કરતો હતો. એજન્સીઓ અનુસાર તે પાકિસ્તાની હેન્ડલરોના સંપર્કમાં હતો અને અયોધ્યાના રામ મંદિર પર હુમલો કરવાની ફિરાકમાં હતો.

સુહૈલ ઓળખ છુપાવીને કર્ણાટકના દાવણગેરેમાં રહેતો હતો. તેના મોબાઈલમાંથી પાકિસ્તાની વોટ્સએપ નંબરો, સંદિગ્ધ ગ્રુપ વગેરે મળી આવ્યાં છે. મોબાઈલમાં સુહૈલની હથિયારો સાથે તસવીર પણ મળી આવી હોવાનું એજન્સીઓ જણાવી રહી છે.

પૂછપરછ દરમ્યાન રામ મંદિર ટાર્ગેટ પર હોવાની સુહૈલે કબૂલાત કરી હતી. તેના મોબાઈલમાંથી પાકિસ્તાનના કન્ટ્રી કોડવાળા નંબર અને અમુક ઓડિયો ક્લિપ પણ મળી આવ્યાં છે, જેમાં તે રામ મંદિર પર હુમલો કરવાની વાત કરતો હોવાનું સાંભળવા મળ્યું છે.

પોલીસ અનુસાર, આરોપીનાં સોશિયલ મીડિયા અકાઉન્ટ અને ગતિવિધિઓ જોતાં રાષ્ટ્રવિરોધી માનસિકતા સ્પષ્ટ જણાય છે. તેણે સોશિયલ મીડિયાનો ઉપયોગ જ આવી ગતિવિધિઓ માટે કર્યો હતો અને આતંકી ગતિવિધિઓમાં અન્ય યુવાનોને પણ જોડવા માટે તેમની સાથે સંપર્ક કરવાના પ્રયાસો કરતો હતો. પોલીસે કર્ણાટકમાં તેના સંપર્કમાં આવેલા અન્ય શખ્સોની પણ તપાસ-પૂછપરછ શરૂ કરી છે.

પોલીસ અધિકારીઓ અનુસાર પૂછપરછમાં ઘણી અગત્યની બીબીટીઓ જાણવા મળી છે. હાલ આરોપીનો મોબાઇલ જપ્ત કરીને આગળની તપાસ કરવામાં આવી રહી છે.

જાણ થતાં યુપી પોલીસે સહારનપુરમાં સુહૈલના ઘરે પણ તપાસ કરી હતી. તેના બાપે કહ્યું કે સુહૈલ પાંચ ધોરણ સુધી ભણ્યો છે અને મજૂરી કામ કરે છે. તાજેતરમાં જ પેઇન્ટિંગનું કામ કરવા માટે કર્ણાટક ગયો હતો. બાપે તેને માનસિક અસ્થિર ગણાવ્યો છે. ઉલ્લેખનીય છે કે આ પહેલાં પણ મુસ્લિમ યુવકો આવા ગુનાઓમાં સંડોવાય ત્યારે તેમને ‘માનસિક અસ્થિર’ ગણાવી દેવામાં આવ્યા હોય તેવા કિસ્સાઓ બનતા રહ્યા છે.