ઈરાન પર કાર્યવાહી રોકવાના સેનેટના પ્રસ્તાવથી ભડક્યા ટ્રમ્પ, કહ્યું- ઈરાનને ઘૂંટણિયે લાવી દીધું, હવે તેમાં મુશ્કેલી આવી શકે છે

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સેનેટ સામે આકરો પ્રહાર કર્યો છે. સેનેટે તાજેતરમાં જ સંસદની મંજૂરી વિના ઈરાન સામે કોઈ પણ પ્રકારની આગામી સૈન્ય કાર્યવાહી કરવા પર પ્રતિબંધ મૂકતા પ્રસ્તાવને લીલી ઝંડી આપી દીધી છે. આના જવાબમાં ટ્રમ્પે દાવો કર્યો છે કે ઈરાન અત્યારે ખૂબ જ નબળી સ્થિતિમાં છે અને તે અમેરિકાની શરતો સ્વીકારવા તેમજ મોટા ફેરફારો કરવા માટે સંપૂર્ણપણે તૈયાર છે.

યુએસ સેનેટમાં મંગળવારે (23 જૂન) ‘વોર પાવર્સ રિઝોલ્યુશન’ પર મતદાન થયું હતું, જેમાં પ્રસ્તાવની તરફેણમાં 50 અને વિરોધમાં 48 મત પડ્યા હતા. આ નિર્ણય બાદ ટ્રમ્પે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર લખ્યું કે, “મેં ઈરાનને ઘૂંટણીયે લાવી દીધું છે, તે આપણને ગમે તે આપવા તૈયાર છે. દાયકાઓમાં પહેલીવાર તે અમેરિકા અને તેના રાષ્ટ્રપતિનું આટલું સન્માન કરી રહ્યું છે.”

સમર્થન કરનાર રિપબ્લિકનને ગણાવ્યા લૂઝર્સ

રાષ્ટ્રપતિ ટ્રમ્પે આ પ્રસ્તાવનું સમર્થન કરનારા પોતાની જ પાર્ટીના રિપબ્લિકન સેનેટરો પર ઉગ્ર રોષ ઠાલવ્યો હતો અને તેમને ‘રિપબ્લિકન લૂઝર્સ’ ગણાવ્યા હતા. તેમણે આક્ષેપ કર્યો હતો કે આ સાંસદોનાં પગલાંને કારણે ઈરાન સાથે ચાલી રહેલી વાટાઘાટો અને વહીવટીતંત્રના પ્રયાસો વધુ મુશ્કેલ બની ગયા છે. જોકે, તેમણે ઉમેર્યું કે તેઓ ગમે તે રીતે આ કામ પૂરું કરીને જ જંપશે.

આ કાયદાકીય પ્રસ્તાવને સેનેટ પહેલાં હાઉસ ઑફ રિપ્રેઝન્ટેટિવ્સે પણ મંજૂરી આપી દીધી છે. આ પ્રસ્તાવ લાવવા પાછળનું મુખ્ય કારણ દેશમાં વધી રહેલી ઈંધણની કિંમતો અને મોંઘવારી છે. ઈરાને ‘સ્ટ્રેટ ઑફ હોર્મુઝ’ માર્ગ બંધ કર્યા બાદ અમેરિકામાં તેલના ભાવ આસમાને પહોંચ્યા છે, જેનાથી સાંસદો ચિંતિત છે.

વ્હાઇટ હાઉસ પ્રસ્તાવ સ્વીકારવા નથી તૈયાર

તાજેતરના એક રોઇટર્સ પોલ અનુસાર માત્ર 25% અમેરિકનો જ એવું માને છે કે ઈરાન સાથેનું આ યુદ્ધ યોગ્ય છે, જ્યારે મોટાભાગના લોકોને ડર છે કે અહીં શાંતિ લાંબો સમય નહીં ટકે. સેનેટે પસાર કરેલો આ પ્રસ્તાવ રાષ્ટ્રપતિને સ્પષ્ટ આદેશ આપે છે કે જ્યાં સુધી સંસદ ખાસ મંજૂરી ન આપે ત્યાં સુધી ઈરાન સામેની સૈન્ય ગતિવિધિઓમાંથી અમેરિકાના સૈનિકોને પાછા ખેંચી લેવામાં આવે. જોકે, કાયદાકીય દ્રષ્ટિએ આ પ્રસ્તાવ માત્ર સિમ્બોલિક છે. 1973ના વોર પાવર્સ એક્ટ હેઠળ આ પ્રસ્તાવ પર રાષ્ટ્રપતિની સહીની જરૂર નથી હોતી, તેથી વ્હાઇટ હાઉસે તેને અસંવિધાનિક ગણાવીને માનવાનો ઇનકાર કર્યો છે.

વ્હાઇટ હાઉસનું સતત એવું કહેવું છે કે રાષ્ટ્રપતિ પાસે સંસદની મંજૂરી વિના પણ દેશની સુરક્ષા માટે સૈન્ય નિર્ણયો લેવાની બંધારણીય સત્તા છે. બીજી તરફ, પ્રસ્તાવના સમર્થકોનું માનવું છે કે અમેરિકાને કોઈ લાંબા યુદ્ધમાં ધકેલતા પહેલા સંસદની મંજૂરી અનિવાર્ય હોવી જોઈએ. ભલે આ પ્રસ્તાવથી ટ્રમ્પની તાત્કાલિક સૈન્ય વ્યૂહરચના નહીં બદલાય, પરંતુ તેનાથી વ્હાઇટ હાઉસ પર ઈરાન સાથે સૈન્યને બદલે રાજદ્વારી રીતે શાંતિ સમજૂતી કરવાનો ભારે રાજકીય દબાવ જરૂર ઊભો થયો છે.