હોમપેજદુનિયા10 વર્ષ, 6 વડા પ્રધાન: રાજકીય અસ્થિરતાના ચક્રમાં કેમ ફસાયું બ્રિટન?

10 વર્ષ, 6 વડા પ્રધાન: રાજકીય અસ્થિરતાના ચક્રમાં કેમ ફસાયું બ્રિટન?

દેશ સતત પડકારોનો સામનો કરી રહ્યો છે પણ આ પડકારો વચ્ચે લાંબો સમય દેશનું નેતૃત્વ કરી શકે એવો કોઈ નેતા મળ્યો નથી. એ ન મળે ત્યાં સુધી આ ચક્ર આમ જ ચાલ્યા કરશે.

- Advertisement -

જિયોપોલિટિક્સની ચર્ચા હાલ આમ તો ઘણીખરી ઈરાન અને અમેરિકાની ફરતે થતી રહે છે, પણ હમણાં બ્રિટનથી એક સમાચાર આવ્યા છે કે ત્યાં વડા પ્રધાન કિએર સ્ટાર્મરે રાજીનામું આપી દીધું છે. સોમવારે (22 જૂન) એક રાષ્ટ્રજોગ સંબોધનમાં સ્ટાર્મરે કહ્યું કે તેઓ વડા પ્રધાન પદ અને લેબર પાર્ટીના નેતાનું પદ છોડી રહ્યા છે. હવે પાર્ટી નવા નેતૃત્વની તૈયારી કરે. પોતે નવા વડા પ્રધાનની નિમણૂક સુધી પદ પર યથાવત રહેશે. સપ્ટેમ્બર સુધીમાં પ્રક્રિયા પૂર્ણ થઈ રહેશે.

સ્ટાર્મર રાજીનામું આપશે તેવી વાતો અગાઉ પણ ઉડી હતી. મે 2026માં જ ગણગણાટ હતો. હમણાં લેબર પાર્ટીના નેતા અને ગ્રેટર માન્ચેસ્ટરના મેયર એન્ડી બર્નહૈમની પેટાચૂંટણીમાં જીત પછી ચર્ચા ફરી શરૂ થઈ. બર્નહૈમ હમણાં જ પેટાચૂંટણી જીત્યા છે અને સોમવારે સાંસદ પદે શપથ ગ્રહણ કરશે. બર્નહૈમના સમર્થકો તેમને સ્ટાર્મરના પ્રતિદ્વંદી તરીકે જુએ છે. તેમની જીત પછી સ્ટાર્મર પર રાજીનામું આપવાનું દબાણ વધવા માંડ્યું હતું. જોકે બર્નહૈમે હજુ સુધી સત્તાવાર રીતે ક્યાંય કહ્યું નથી કે પોતે વડા પ્રધાન બનવા માગે છે.

અમુક અહેવાલો કહી રહ્યા છે કે બર્નહૈમ પાસે લેબર પાર્ટીના મોટાભાગના સાંસદોનું સમર્થન છે. આ સંજોગોમાં સ્ટાર્મર બહુ લાંબું ખેંચી શકે તેમ હતું પણ નહીં. સ્ટાર્મરનો શાસનકાળ એવો ભવ્ય રહ્યો પણ નથી કે બીજાં પરિબળો તેમના માટે કામ કરી જાય. તેઓ રાજીનામું આપે એ જ નિયતિ હતી.

- Advertisement -

સ્ટાર્મરે રાજીનામું આપ્યું તેની સાથે તેઓ છેલ્લા દસ વર્ષમાં પદ છોડનારા છઠ્ઠા વડા પ્રધાન બની ગયા. બ્રિટનમાં છેલ્લા એક દાયકામાં છ વડા પ્રધાન થઈ ગયા છે. સ્ટાર્મર પછી આવનાર સાતમા પીએમ હશે. સરેરાશ માંડીએ તો એક વડા પ્રધાનનો કાર્યકાળ 2 જ વર્ષ થાય. બ્રિટનમાં આ અસામાન્ય એટલા માટે છે કારણ કે તેનો ઇતિહાસ વડા પ્રધાનોના લાંબા કાર્યકાળનો રહ્યો છે. અત્યાર સુધી મોટેભાગે રાજકીય સ્થિરતા રહી, પણ એક દાયકામાં બ્રિટન, તેનું રાજકારણ ઘણું બદલાઈ ગયું. હવે પરિસ્થિતિ એ છે કે એક દાયકાથી કોઈ વડા પ્રધાન સ્થિર રહીને સરકાર ચલાવી શક્યા નથી.

બ્રિટનમાં ભારત કરતાં સિસ્ટમ પણ થોડી જુદી છે. ચૂંટણી વગર પણ વડા પ્રધાનો બદલી શકાય છે. વડા પ્રધાનોનો કોઈ ચોક્કસ કાર્યકાળ પણ નથી. જ્યાં સુધી હાઉસ ઑફ કોમન્સના સાંસદોનું સમર્થન હોય ત્યાં સુધી વડા પ્રધાન પદ પર રહી શકે. જોકે દર પાંચ વર્ષે ચૂંટણી કરાવવી પડે છે. પણ પાર્ટી ગમે ત્યારે તેના નેતાને બદલીને બીજો વડા પ્રધાન મૂકી શકે છે.

વડા પ્રધાન રાજીનામું આપે તેની સાથે તેમની કેબિનેટ પણ ભંગ થાય. એક રીતે આખી સરકાર તૂટે. નવા નેતાએ આવીને નવેસરથી કેબિનેટની રચના કરવી પડે છે. નવા મંત્રીઓ આવે, સલાહકારો બદલાય એક નવી સિસ્ટમ તૈયાર થાય. આ બધું પાંચ-સાત-દસ વર્ષે એક વખત કરવાનું હોય તો ઠીક રહે, દર થોડા-થોડા સમયે માથાકૂટ આવીને ઊભી રહે તો ઘણોખરો સમય એમાં જતો રહે છે, કારણ કે સરકાર આવીને તરત કામ કરી શકતી નથી. તેને સિસ્ટમ ગોઠવવા સમય જોઈએ છે, બ્રિટનમાં આ સિસ્ટમ ગોઠવાઈ રહે ત્યાં નવી સરકાર આવી જાય છે!

10 વર્ષ, છ વડા પ્રધાન: કોણે કયા સંજોગોમાં પદ છોડવું પડ્યું?

2016માં બ્રેક્ઝિટ રેફરેન્ડમ પછી ડેવિડ કેમરૂને રાજીનામું આપ્યું. બ્રેક્ઝિટ રેફરેન્ડમમાં યુકેએ યુરોપિયન યુનિયનમાંથી દૂર થવાના પક્ષમાં મત આપ્યો હતો. કેમરૂન આ નિર્ણયની વિરુદ્ધમાં હતા. તેઓ રાજીનામું આપીને ગયા અને થેરેસા મે આવ્યાં. તેમણે ત્રણ વર્ષ સુધી સરકાર ચલાવી, પણ બ્રેક્ઝિટ ડીલ માટે સંસદનું સમર્થન ન મેળવી શક્યાં. આખરે અનેક તબક્કે નિષ્ફળતા પછી 2019માં તેમણે પણ રાજીનામું આપ્યું.

મે પછી બોરિસ જ્હોન્સન યુકેના વડા પ્રધાન થયા અને તેમના કાર્યકાળ દરમ્યાન બ્રેક્ઝિટ થયું, યુકે યુરોપમાંથી છૂટું પડ્યું, પણ આગલા વર્ષે કોરોના મહામારી આવી. બીજી તરફ બોરિસની સરકાર પણ અનેક વિવાદોમાં સપડાઈ. સૌથી ચર્ચિત મુદ્દો કોરોનાના લોકડાઉન દરમ્યાન થયેલી પાર્ટીઓનો રહ્યો. ત્યારબાદ મંત્રીઓનાં રાજીનામાં પડ્યાં, અમુક કૌભાંડોના આરોપ લાગ્યા. આખરે પાર્ટીમાંથી દબાણ આવતાં જ્હોન્સને રાજીનામું ધરી દીધું.

(ડાબેથી) ડેવિડ કેમરૂન, થેરેસા મે, બોરિસ જ્હોન્સન, લિઝ ટ્રસ, ઋષિ સુનક, કિએર સ્ટાર્મર

બોરિસ જ્હોન્સન પછી લિઝ ટ્રસ આવ્યાં, જેમનો કાર્યકાળ બ્રિટનના ઇતિહાસનો સૌથી ટૂંકો, માત્ર 49 દિવસનો રહ્યો. તેમનું જવાનું કારણ આર્થિક સ્થિતિ હતું. ટ્રસના ‘મિનિ બજેટ’ના કારણે અર્થવ્યવસ્થા પર માઠી અસર થવા માંડી અને સરકાર આવી તેવી જ વિશ્વાસ ગુમાવી બેઠી. ટ્રસે પદ છોડ્યું તે ઋષિ સુનક પાસે ગયું.

સુનકે ઘણે અંશે આર્થિક સ્થિતિ પર કામ કર્યું અને સરકાર પણ થોડી સ્થિર કરી પણ 2024માં ચૂંટણી થઈ અને તેમાં તેઓ પાર્ટીને જીતાડી ન શક્યા. કન્ઝર્વેટિવ ગયા અને લેબર પાર્ટી આવી. કિએર સ્ટાર્મર વડા પ્રધાન બન્યા. હવે બે વર્ષ પછી તેઓ ક્યારે વિદાય લે તેની ચર્ચાઓ ચાલી રહી છે.

બ્રિટનના રાજકારણમાં શું સમસ્યા છે?

બ્રિટનમાં હવે ચર્ચા એ શરૂ થઈ છે કે દેશ શું શાસન ચલાવવાલાયક રહ્યો જ નથી? કારણ કે એક વડા પ્રધાન નિષ્ફળ જાય, બે નિષ્ફળ જાય, આંકડો ત્રણ સુધી પહોંચી શકે, પણ એક દાયકા પછી પણ આ ચક્ર ચાલતું જ રહ્યું છે અને રાજકીય સ્થિરતા આવી નથી.

પહેલી નજરે લાગે કે બ્રેક્ઝિટ પછી રાજકીય સ્થિતિ ઘણી બદલાઈ, કોરોના મહામારી આવી, રશિયા-યુક્રેન યુદ્ધે પણ દુનિયા પર અસર કરી, એનર્જી પ્રાઇઝમાં ઘણો ઉતારચડાવ જોવા મળ્યો, મોંઘવારી સામે સરકારો સતત લડતી રહી, આર્થિક વિકાસ ધીમી પડ્યો વગેરે જેવાં અનેક પરિબળો અને કારણો છે. વિદેશી મીડિયામાં એક દલીલ એ પણ અપાય છે કે અમુક બાબતો હવે વડા પ્રધાનોના હાથમાં રહી જ નથી. પણ આ વાત એટલી સરળ પણ નથી.

સરકારો, વડા પ્રધાનોનું કામ છે દેશની સમસ્યાઓ સામે લડવાનું અને ગમે તેમ કરીને તેનાં સમાધાનો શોધવાનું. મત આપનાર માણસને મોટેભાગે સમસ્યાઓ કે તેનું સ્વરૂપ કેટલું મોટું છે તેની સાથે નિસ્બત રહેતી નથી. એક હકીકત એ પણ છે કે આજના સમયમાં શાસન ચલાવનાર સામે ભૂતકાળના શાસકો કરતાં પડકારો વધારે રહેશે.

બીજી હકીકત એ કે ઉપર જણાવ્યા એમાંથી બ્રેક્ઝિટ જેવા અપવાદને બાદ કરતાં મોટાભાગની સમસ્યાઓનો સામનો બીજા દેશોએ, બીજી લોકશાહીઓએ પણ કર્યો છે. કોરોના મહામારી વૈશ્વિક હતી, તેના કારણે આર્થિક મોરચે પણ લગભગ બધા દેશને ફટકો પડ્યો, આર્થિક વિકાસ દર બધાનો ઘટ્યો.

આમ તો ભારત સાથે સીધી સરખામણી કરવાની ઉતાવળ એટલા માટે પણ ન થાય કારણ કે બંને દેશોની પરિસ્થિતિ, રાજકારણ જુદાં છે. છતાં એ હકીકત અવગણી ન શકાય કે ભારતે પણ આ સમયગાળામાં મહામારીનો સામનો કર્યો, આર્થિક મોરચે ઘણું કામ કર્યું, લોકોની અપેક્ષાઓનો કોઈ પાર નથી, સતત સરકારને સવાલો થતા રહે છે, ક્યારેક સરકારને લાગતુંવળગતું ન હોય તેમાં પણ સોશિયલ મીડિયા પર સરકારે સાંભળવાનું થતું રહે છે. અહીં સતત ચૂંટણીઓ ચાલતી રહે છે, રાજકીય માળખું બહુ મોટું છે, હજારો પાર્ટીઓ છે. છતાં ભારતમાં એક દાયકા કરતાં વધુ સમયથી એક જ સરકાર અને એક જ વડા પ્રધાન સત્તા પર છે.

બ્રિટનમાં એક દાયકામાં થયું એવી સ્થિતિ ઘણીખરી અન્ય દેશોમાં પણ નિર્માણ પામી, પણ યુકેમાં રાજકીય અસ્થિરતાની સ્થિતિ આટલી કેમ ઊભી થઈ? તેનો જવાબ બ્રિટનની પોલિટિકલ સિસ્ટમમાં છે.

બ્રિટનની પોલિટિકલ સિસ્ટમ કેવી છે?

એક તો બ્રિટનમાં એ વ્યવસ્થા છે કે પાર્ટીઓ ચૂંટણી વગર પણ વડા પ્રધાન બદલી શકે છે. થેરેસા મે ચૂંટણી હાર્યાં ન હતાં કે ન બોરિસ જ્હોન્સન મત ઓછા મળવાના કારણે વડા પ્રધાન પદ પરથી હટ્યા હતા. લિઝ ટ્રસે પણ ક્યારેય ચૂંટણી ન લડી. પણ આ તમામ પાર્ટીમાંથી આવતા દબાણને વશ થઈને પદ છોડી ગયાં. સ્ટાર્મર સાથે પણ એમ જ થયું. દરેક કેસમાં પાર્ટીએ જ નિર્ણય લીધો કે નેતા હવે પાર્ટી અને નાગરિકોનો વિશ્વાસ ગુમાવી ચૂક્યા છે અને હવે તેમના સ્થાને અન્ય નેતાની નિમણૂક કરવી જોઈએ.

જો આ પ્રકારની વ્યવસ્થાઓ હોય તો ભૂતકાળમાં આ સ્થિતિ કેમ નિર્માણ ન પામી એવો પ્રશ્ન પણ સ્વાભાવિક છે. જવાબ એ છે કે બ્રેક્ઝિટ પછી બ્રિટનમાં પાર્ટીઓમાં બળવાનું પ્રમાણ વધવા માંડ્યું છે, જે પહેલાં સામાન્ય ન હતું. પહેલાં પાર્ટીના નેતાઓ નેતૃત્વ સામે પડવામાં વિચાર કરતા હતા, નેતાઓની પણ પકડ રહેતી. બ્રેક્ઝિટ પછી આ કલ્ચર આગળ વધતું રહ્યું. પહેલાં કન્ઝર્વેટિવ સાંસદોમાં જ બ્રિટનના ભવિષ્ય, EU સાથેના સંબંધો વગેરે બાબતે મતભેદો વધવા માંડ્યા અને તેનાં પરિણામો નેતૃત્વ ફેરબદલમાં આવતાં હતાં. પછીથી આ જ પેટર્ન લેબર પાર્ટીના સાંસદો પણ શીખી ગયા અને નેતૃત્વને પડકારવું ધીમેધીમે સામાન્ય થતું ગયું.

બ્રેક્ઝિટ પછી બદલાયું બ્રિટનનું રાજકારણ

પાર્ટીઓના આંતરિક વિખવાદ એક મોટું કારણ છે. બીજું, બ્રેક્ઝિટ પછી બ્રિટનનું રાજકારણ ઘણુંખરું બદલાઈ ગયું. બ્રેક્ઝિટનો મુદ્દો ભલે 2016થી 2020માં સમાપ્ત થઈ ગયો, પણ તેની અસરો હજુ બ્રિટનના રાજકારણમાં જોવા મળે છે. પહેલાં પાર્ટીઓ વચ્ચે મોટાભાગે ટેક્સ, વેલ્ફેર, અર્થવ્યવસ્થા વગેરે જેવા વર્ષોથી ચાલતા આવતા મુદ્દાઓ પર જ રાજકારણ થતું. મતદારો પણ પાર્ટીઓ પ્રત્યે વફાદાર રહેતા. આંતરિક ખેંચતાણ થોડીઘણી ચાલતી પણ પાર્ટીઓ એકંદરે એકજૂથ રહેતી. બ્રેક્ઝિટ પછી રાજકારણમાં ઘણા મુદ્દાઓ જોડાયા, EU સાથે રહેવું કે નહીં એ મુદ્દે પાર્ટીઓ અને મતદારો પણ વહેંચાયા અને ત્યારબાદ આ મતભેદો બીજા વિષયોમાં પણ આવ્યા અને રાજકારણે એક નવું સ્વરૂપ ધારણ કર્યું.

આર્થિક સ્થિતિ પણ એક મોટું કારણ

બ્રિટનની આર્થિક સ્થિતિ એક મોટું કારણ છે જ. ઋષિ સુનકે થોડી અર્થવ્યવસ્થા પાટે ચડાવી હતી તે સિવાય કોઈ પીએમ આ ક્ષેત્રમાં નક્કર કામ ન કરી શક્યા. બ્રિટનનો આર્થિક વિકાસ દર સતત ધીમો રહ્યો છે. દેવું વધે, તિજોરી પર ભારણ આવે એટલે અનેક સમસ્યાઓ શરૂ થાય છે. સરકારે એક ક્ષેત્ર પર પૈસા ખર્ચવા હોય તો બીજા ક્ષેત્ર પર ભારણ નાખવું પડે છે, ટેક્સ વધારવો પડે છે. ટેક્સ ઘટાડે તો પબ્લિક સર્વિસ પર ખર્ચ ઓછો કરવો પડે. ડિફેન્સ પાછળ ખર્ચ કરવા જાય તો અન્ય ક્ષેત્રો પર કાપ મૂકવો પડે. ભૂતકાળમાં આ સમસ્યાઓ ન હતી, પણ હવે આવી રહી છે. એટલે સરકારો આર્થિક મામલે ઘણીખરી માંગો પહોંચી વળી શકતી નથી.

આ હકીકત છતાં પાર્ટીઓ જાતજાતના વાયદા કરતી રહે છે, પણ સત્તામાં આવ્યા પછી ઘણાખરા પૂરા કરી શકતી નથી, પરિણામે લોકોન રોષનો ભોગ બનવું પડે છે. તેના કારણે આખરે પાર્ટીમાંથી પણ વિરોધના અવાજ ઉઠવા માંડે છે અને આખરે જવાબદારી વડા પ્રધાનના માથે આવે છે.

આવી પરિસ્થિતિમાં નાની પાર્ટીઓનો જન્મ થવા માંડ્યો છે. તેનું કારણ પણ એ જ છે કે હવે લોકોને એમ થવા માંડ્યું છે કે અમુક સમસ્યાઓમાંથી બેમાંથી એક પણ મોટી પાર્ટી દેશને બહાર કાઢી શકે એમ નથી એટલે વિકલ્પો શોધવાનું શરૂ થયું છે. નાની પાર્ટીઓ સીધો પડકાર ન ફેંકી શકે પણ શાસન ચલાવવામાં સમસ્યાઓ અનેક ઊભી કરી શકે. તેના કારણે આખરે સરકારનું જ કામ વધે છે ને વધુ કઠિન થાય છે.

જોકે વડા પ્રધાનનું કામ હોય છે આવા પડકારો ઝીલીને તેની સાથે કામ કરવાનું પણ બ્રિટનના અત્યાર સુધીના નેતાઓ તેમાં મોટેભાગે નિષ્ફળ રહ્યા છે અને સૌએ અંતે પાર્ટીના દબાણને વશ થઈને પદ છોડવું પડ્યું છે, તો કોઈ વળી ચૂંટણી હારી ગયું છે.

એ જ કારણ છે કે એક દાયકામાં બ્રિટને 7 વડા પ્રધાન જોયા. દેશ સતત પડકારોનો સામનો કરી રહ્યો છે પણ આ પડકારો વચ્ચે લાંબો સમય દેશનું નેતૃત્વ કરી શકે એવો કોઈ નેતા મળ્યો નથી. એ ન મળે ત્યાં સુધી આ ચક્ર આમ જ ચાલ્યા કરશે.

- Advertisement -
Join OpIndia's official WhatsApp channel

સંબંધિત લેખો

- Advertisement -

તાજા સમાચાર

ચૂકશો નહીં