હોમપેજગુજરાતછોટાઉદેપુરમાં બન્યો ગુજરાતનો પ્રથમ રબર ડેમ: હવા ભરીને પાણી રોકતી આ ટેક્નોલોજી...

છોટાઉદેપુરમાં બન્યો ગુજરાતનો પ્રથમ રબર ડેમ: હવા ભરીને પાણી રોકતી આ ટેક્નોલોજી શું છે અને કેવી રીતે કરે છે કામ

છોટાઉદેપુરનો ડેમ આસપાસના 20થી 60 જેટલા ગામોની હજારો હેક્ટર જમીનને ખરીફ અને ઉનાળુ પાક માટે પાણી પૂરું પાડી ખેડૂતોની આવક વધારશે.

- Advertisement -

છોટાઉદેપુરમાં બોડેલી તાલુકાના રાજવાસણા ગામે હેરણ નદી પર ગુજરાતનો પ્રથમ રબર ડેમ તૈયાર થતાં રાજ્યના જળસંચય ક્ષેત્રમાં એક નવી શરૂઆત થઈ છે. ચોમાસા દરમિયાન નદીઓમાં વહી જતાં કરોડો લીટર પાણીનો સંગ્રહ કરવા અને ગ્રામ્ય વિસ્તારોમાં સિંચાઈ તેમજ પીવાના પાણીની અછતને કાયમી ધોરણે નાબૂદ કરવા માટે રાજ્ય સરકારે આધુનિક ‘રબર ડેમ’ (Rubber Dam) પ્રોજેક્ટ અમલમાં મૂક્યા છે. આ આધુનિક તકનીક આવનારા સમયમાં ગુજરાતના ખેડૂતો અને નાગરિકો માટે આશીર્વાદરૂપ સાબિત થવાની છે.

છોટાઉદેપુર જિલ્લાના બોડેલી સિંચાઈ વિભાગ દ્વારા જળ સંચય ક્ષેત્રે મોટી સિદ્ધિ હાસલ કરવામાં આવી છે. જિલ્લાના રાજવાસણા ગામે હેરણ નદી પર ગુજરાતનો પહેલો અને એકમાત્ર રબર ડેમ બનીને સંપૂર્ણ તૈયાર થઈ ગયો છે. આધુનિક વિદેશી ટેકનોલોજીના ઉપયોગથી બનેલા આ મહત્વકાંક્ષી પ્રોજેક્ટ પાછળ અંદાજે 80 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો છે. આ ડેમ કાર્યરત થતાં જ ચોમાસામાં વહી જતું પાણી રોકી શકાશે, જેનાથી આસપાસના વિસ્તારોના હજારો નાગરિકો અને ખેડૂતોને પાણીની મોટી સમસ્યામાંથી કાયમી મુક્તિ મળશે.

શું હોય છે રબર ડેમ અને તે કઈ રીતે કામ કરે છે?

રબર ડેમ એ એક ખાસ પ્રકારના મજબૂત કૃત્રિમ (Synthetic) રબર અને નાયલોન જેવા મટીરિયલથી બનેલું લંબગોળ માળખું છે. પરંપરાગત કોંક્રિટ કે સ્ટીલના દરવાજાવાળા ડેમ કરતાં તે સાવ અલગ રીતે કામ કરે છે. જ્યારે નદીમાં પાણીનો સંગ્રહ કરવાનો હોય, ત્યારે કમ્પ્રેસર અથવા ઓટોમેટિક સિસ્ટમથી આ રબરના બ્લેન્ડરમાં હવા અથવા પાણી ભરવામાં આવે છે, જેથી તે ફુલાઈને (Inflate) એક મજબૂત દીવાલ કે વિયર તરીકે ઊભો થઈ જાય છે. જ્યારે નદીમાં પૂર આવે કે પાણી છોડવાની જરૂરિયાત ઊભી થાય ત્યારે તેમાંથી હવા કાઢીને તેને સંપૂર્ણપણે સંકોચી (Deflate) ફ્લેટ કરી શકાય છે, જેથી પાણી તેના પરથી સરળતાથી વહી જાય છે.

- Advertisement -

સ્કાડા સિસ્ટમ, જાપાનીઝ ડિઝાઇન અને ગુણવત્તા

આ પ્રકારના આધુનિક રબર ડેમ સંપૂર્ણપણે ઓટોમેટિક અને ‘સ્કાડા’ (SCADA) સિસ્ટમથી સજ્જ હોય છે, જે નદીમાં પાણીના પ્રવાહનું સ્તર જોઈને આપોઆપ ઑપરેટ થઈ શકે છે, જોકે જરૂર પડ્યે તેને મેન્યુઅલી પણ સંચાલિત કરી શકાય છે. તાપી જિલ્લામાં બની રહેલા ડેમની ડિઝાઇન ‘જાપાનીઝ કોડ 2000’ મુજબ તૈયાર કરવામાં આવી છે. આ ડેમમાં વપરાતા રબરની જાડાઈ 19 મિલીમીટર કરતાં વધુ હોય છે. આ મટીરિયલ એટલું સક્ષમ હોય છે કે 50 ડિગ્રી સેલ્સિયસથી વધુ ઊંચા તાપમાનમાં પણ તે પોતાની કાર્યક્ષમતા ગુમાવતું નથી. વળી, સ્ટીલના દરવાજાવાળા ડેમની સરખામણીમાં આનો જાળવણી (મેઇન્ટેનન્સ) ખર્ચ ખૂબ જ ઓછો હોય છે.

નોંધનીય છે કે હેરણ નદી કવાંટ, પાવી જેતપુર, બોડેલી અને સંખેડા એમ ચાર તાલુકાઓમાંથી પસાર થાય છે. અગાઉ રાજવાસણા ખાતે હેરણ નદી પર 8 મે 1954ના રોજ તત્કાલીન મુંબઈ રાજ્યના બાંધકામ પ્રધાન નાયક નિંબાલકરના હસ્તે એક આડબંધનો શિલાન્યાસ કરાયો હતો, જે 1958માં તૈયાર થયો હતો. આ રજવાડી શાસન વખતનો આડબંધ વર્ષો સુધી આશીર્વાદરૂપ રહ્યો, પરંતુ સમય જતાં તેમાં ભારે માત્રામાં કાંપ ભરાઈ જવાથી તે છીછરો થઈ ગયો હતો. કરોડો લીટર પાણી વહીને નર્મદા નદીમાં ભળી જતું હતું. આથી, સ્થાનિક ખેડૂતોની રજૂઆતોને પગલે સરકારે આ જૂનો જર્જરીત આડબંધ તોડીને આધુનિક રબર ડેમ બનાવવાનો નિર્ણય ‘યોઇલ એન્વીરોટેક’ (Yoil Envirotech) એજન્સીને સોંપ્યો હતો.

રાજવાસણા રબર ડેમની વિશેષતાઓ

છોટાઉદેપુર બોડેલી સિંચાઈ વિભાગના એક્ઝિક્યુટિવ એન્જિનિયરની દેખરેખ હેઠળ બનેલા આ રબર ડેમની કુલ લંબાઈ 220 મીટર છે અને તેને 3 અલગ-અલગ સ્પાનમાં વહેંચવામાં આવ્યો છે. ડેમની બોડી વોલ ઉપર 1.60 મીટરની ઊંચાઈ ધરાવતા અને 60 મીટર લાંબા એવા કુલ 3 રબરના બ્લેન્ડર (ક્યૂબ) લગાવવામાં આવ્યા છે. આ ખાસ રબરનું મટીરિયલ દક્ષિણ કોરિયાથી ખાસ મગાવવામાં આવ્યું છે. આ મટીરિયલ ગમે તેવા તીવ્ર પાણીના પ્રવાહ કે પૂરના દબાણમાં પણ નદીના પટમાં અડીખમ ઊભું રહેવાની ક્ષમતા ધરાવે છે.

આ ડેમની સૌથી મોટી વિશેષતા તેની ઑપરેટિંગ સ્પીડ છે. માત્ર 20 મિનિટની અંદર ઑટોમેટિક સિસ્ટમ દ્વારા આ રબર બ્લેન્ડરમાં હવા ભરી શકાય છે અને જરૂર પડ્યે માત્ર 10 મિનિટમાં હવા ખાલી કરી શકાય છે. ચોમાસાની શરૂઆતમાં જ્યારે ઉપરવાસના જંગલોમાંથી ભારે માત્રામાં કાંપ, પથ્થરો (ગ્રેવલ) અને મોટા લાકડાં તણાઈ આવે છે, ત્યારે રબરને નુકસાન ન થાય તે માટે તેની હવા કાઢીને તેને સપાટ (ફ્લેટ) કરી દેવાય છે, જેથી કચરો અને કાંપ વહી જાય. કચરો વહી ગયા બાદ પાણી ચોખ્ખું થતાં જ ફરી હવા ભરીને ડેમની ઊંચાઈ વધારી પાણીનો સંગ્રહ શરૂ કરાય છે. આ પ્રોજેક્ટ અંતર્ગત સમુદ્ર સપાટીથી 84 મીટરની ઊંચાઈએ આવેલા ડેમમાંથી દોઢ મીટર કાંપ દૂર કરી તેની ઊંચાઈ 82.50 મીટર રાખવામાં આવી છે.

તાપી જિલ્લાના પાઠકવાડી ગામે આકાર પામી રહ્યો છે ભારતનો બીજો ‘એર-ફિલ્ડ રબર ડેમ’

છોટાઉદેપુરની સાથોસાથ તાપી જિલ્લાના ડોલવણ તાલુકાના પાઠકવાડી ગામે નર્મદા, જળસંપત્તિ અને પાણી પુરવઠા વિભાગ હસ્તક અંબિકા નદી પર ₹79.92 કરોડના ખર્ચે‘ એર-ફિલ્ડ રબર ડેમ’નું નિર્માણ કાર્ય શરૂ કરી દેવામાં આવ્યું છે. ડોલવણ ખાતે નિર્માણ પામનાર આ રબર ડેમ ગુજરાત રાજ્યનો બીજો અને ભારતનો બીજા ક્રમનો આ જ પ્રકારનો ડેમ હશે. આ પ્રોજેક્ટનો મુખ્ય ઉદ્દેશ્ય પણ દક્ષિણ ગુજરાતના ગ્રામીણ વિસ્તારોમાં સિંચાઈ અને પીવાના શુદ્ધ પાણીની વ્યવસ્થા મજબૂત કરવાનો છે.

રબર ડેમથી થનારા લાભ અને બહુહેતુક ઉપયોગો

આ નવીન ટેકનોલોજીથી બનેલા રબર ડેમ આસપાસના વિસ્તારો માટે આશીર્વાદરૂપ સાબિત થશે. આ પ્રોજેક્ટથી ચોમાસાના પાણીનો અસરકારક સંગ્રહ થશે. તાપીનો ડેમ અંદાજે 3.50 MCM (મિલિયન ક્યુબિક મીટર) પાણીનો સંગ્રહ કરશે, જેનાથી 650 હેક્ટર જમીનને સિંચાઈ મળશે. જ્યારે છોટાઉદેપુરનો ડેમ આસપાસના 20થી 60 જેટલા ગામોની હજારો હેક્ટર જમીનને ખરીફ અને ઉનાળુ પાક માટે પાણી પૂરું પાડી ખેડૂતોની આવક વધારશે.

આ ઉપરાંત નદીમાં પાણી સતત ભરાયેલું રહેવાના કારણે આસપાસના વિસ્તારોના કૂવા અને બોરવેલના ભૂગર્ભ જળસ્તર નોંધપાત્ર રીતે ઊંચા આવશે. અંબિકા નદી પરનો ડેમ નદી પરના વિયરની ઊંચાઈ વધારવાની સાથે દરિયાકાંઠા વિસ્તારમાં મીઠા પાણીના પ્રવાહને જાળવી રાખી જમીનમાં ખારાશનું ઇન્ટ્રુઝન અટકાવવા માટે રેગ્યુલેટર તરીકે પણ બહુહેતુક ઉપયોગી સાબિત થશે.

- Advertisement -
Join OpIndia's official WhatsApp channel

સંબંધિત લેખો

- Advertisement -

તાજા સમાચાર

ચૂકશો નહીં