TMCના જહાંગીર ખાનની ફરાર બેગમ સરીના ઝડપાઈ: પતિને છોડાવવા ટોળું લઈને પોલીસ સ્ટેશન પહોંચી હતી, અત્યાર સુધીમાં 27ની ધરપકડ

પશ્ચિમ બંગાળમાં પોલીસે વધુ એક મોટી કાર્યવાહી કરતા TMC નેતા જહાંગીર ખાનની પત્ની સરીના ખાનની ધરપકડ કરી છે. દક્ષિણ 24 પરગણા જિલ્લામાંથી કરવામાં આવેલી આ ધરપકડ પાછળ આરોપ છે કે તેણે પોતાના પતિની ધરપકડના વિરોધમાં ફાલ્ટા વિસ્તારમાં હિંસક વિરોધ પ્રદર્શનનું આયોજન કર્યું હતું.

આ કેસમાં અત્યાર સુધી કુલ 27 લોકોની ધરપકડ થઈ ચૂકી છે. TMC નેતા જહાંગીર ખાનને પોલીસે અગાઉ જ ઝડપી લીધો હતો. ત્યારબાદ તેની પત્ની સરીના ખાન સતત વિરોધ પ્રદર્શન કરી રહી હતી. આરોપ છે કે તેણે વિસ્તારમાં મોટી ભીડ એકઠી કરીને કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ માટે પડકાર ઊભો કર્યો હતો.

પરિસ્થિતિ તંગ બનતા કેન્દ્રીય અર્ધલશ્કરી દળને (CAPF) પણ તહેનાત કરવા પડ્યા હતા. સ્થાનિક પોલીસ અને સુરક્ષાદળોએ સ્થળ પર પહોંચી ભીડને વિખેરી હતી અને સ્થિતિને કાબૂમાં લીધી હતી. આ ઘટનાના પગલે સરીના ખાન સામે કેસ નોંધવામાં આવ્યો હતો.

કેસ નોંધાયા બાદ સરીના ખાન ફરાર થઈ ગઈ હોવાનું કહેવાય છે. પોલીસથી બચવા માટે તે અલગ-અલગ સ્થળોએ છુપાઈ રહી હતી. જોકે સતત તપાસ બાદ પોલીસને તેનાં ઠેકાણાંની માહિતી મળી ગઈ હતી. ત્યારબાદ પોલીસે દરોડો પાડી તેની ધરપકડ કરી લીધી હતી.