પાવાગઢમાં દુર્ઘટના: ભારે વરસાદ વચ્ચે પથ્થરો ગબડતા 2 શ્રદ્ધાળુઓનાં મોત, અનેક ઇજાગ્રસ્ત

પંચમહાલ જિલ્લાના પ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢમાં 19 જૂને વહેલી સવારે પાટિયા પુલ નજીક દુઃખદ અકસ્માત સર્જાયો હતો. ધોધમાર વરસાદ વચ્ચે અચાનક પથ્થરો અને કાટમાળ ગબડીને પગથિયાં પર પડતાં ત્યાંથી પસાર થઈ રહેલા કેટલાક શ્રદ્ધાળુઓ તેની નીચે દબાઈ ગયા હતા. ઘટનાની જાણ થતાં જ સ્થાનિકતંત્ર અને બચાવ ટીમો તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ હતી.

પ્રાથમિક માહિતી મુજબ આ દુર્ઘટનામાં ચારથી વધુ લોકો પથ્થરો નીચે દબાયા હતા. જેમાં બે વ્યક્તિઓના ઘટનાસ્થળે જ મોત થયાં હોવાનું સામે આવ્યું છે. જ્યારે ત્રણ જેટલા ઇજાગ્રસ્તોને બહાર કાઢીને તાત્કાલિક સારવાર માટે હાલોલ રેફરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. તેમની હાલ સતત દેખરેખ રાખવામાં આવી રહી છે.

ઘટના વહેલી સવારે લગભગ પાંચ વાગ્યાની આસપાસ બની હોવાનું સામે આવ્યું છે. ભારે વરસાદને કારણે ડુંગર પરથી પાણીનો પ્રવાહ વધતા પથ્થરો ગબડી પડ્યા હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. પથ્થરો નીચે હજુ કોઈ ફસાયેલું તો નથી ને તેની ખાતરી કરવા માટે રોપ-વે ટીમ, સ્થાનિક લોકો અને અન્ય બચાવકર્મીઓ દ્વારા સતત રેસ્ક્યુ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.

આ દુર્ઘટનાની જાણ થતાં જ પાવાગઢ પોલીસ અને વહીવટીતંત્ર ઘટનાસ્થળે દોડી આવ્યું હતું. વરસાદી વાતાવરણ અને મુશ્કેલ પરિસ્થિતિ વચ્ચે પણ યુદ્ધના ધોરણે રાહત અને બચાવ કામગીરી ચાલુ રાખવામાં આવી છે. ઘટનાના કારણોની તપાસ શરૂ કરવામાં આવી છે અને યાત્રાળુઓને સાવચેતી રાખવા માટે અપીલ કરવામાં આવી છે.