અભિષેક બેનર્જીની ધરપકડ થશે? 2020ના કેસમાં મધ્ય પ્રદેશ હાઇકોર્ટે હટાવ્યો અરેસ્ટ વૉરન્ટ પરનો સ્ટે

મધ્ય પ્રદેશ હાઇકોર્ટે તૃણમૂલ કોંગ્રેસ સાંસદ અભિષેક બેનર્જીની એક અરજી ફગાવીને 2020ના એક કેસમાં તેમની સામે ઇસ્યુ થયેલા વૉરન્ટ પરનો સ્ટે પણ હટાવી લીધો છે.

મામલો વર્ષ 2020નો છે, જ્યારે બંગાળમાં એક સભા દરમ્યાન અભિષેક બેનર્જીએ ભાજપ નેતા કૈલાશ વિજયવર્ગીયને ‘ગુંડા’ કહ્યા હતા. ત્યારબાદ વિજયવર્ગીયના પુત્ર આકાશ વિજયવર્ગીયએ અભિષેક બેનર્જી વિરુદ્ધ MP/MLA કોર્ટમાં માનહાનિનો કેસ દાખલ કર્યો હતો.

તાજેતરના આદેશમાં મધ્ય પ્રદેશ હાઇકોર્ટે કહ્યું કે વારંવાર તકો આપવા છતાં પણ અભિષેક બેનર્જીના વકીલ તરફથી કોઈ દલીલ શરૂ કરવામાં આવી નથી, જેથી એવું માની લેવામાં આવે કે તેમને કેસ આગળ ચલાવવામાં કોઈ રસ નથી. જેથી નવેમ્બર 2025માં અરેસ્ટ વૉરન્ટ પર જે સ્ટે આપવામાં આવ્યો હતો તે તાત્કાલિક અસરથી રદ કરવામાં આવે છે.

હાઇકોર્ટે 17 જૂનના રોજ આ આદેશ પસાર કર્યો, જેમાં લખવામાં આવ્યું કે, “અરજદાર (અભિષેક બેનર્જી) દ્વારા કોઈ હાજર રહ્યું નથી. પહેલા રાઉન્ડમાં પણ કોઈ આવ્યું ન હતું. લાગે છે કે અરજી આગળ ધપાવવામાં અરજદારને જ કોઈ રસ રહ્યો નથી. જેથી આ કોર્ટ દ્વારા 12 નવેમ્બર 2025ના રોજ આપવામાં આવેલો સ્પેશિયલ જજ, MP/MLA કોર્ટ ભોપાલના વૉરન્ટ ઇસ્યુને સ્ટે કરવાનો આદેશ પરત લેવામાં આવે છે.”

આ મામલે 2020માં આકાશ વિજયવર્ગીયની ફરિયાદ બાદ ભોપાલ MP/MLA કોર્ટે અભિષેક બેનર્જી વિરુદ્ધ માનહાનિનો કેસ શરૂ કર્યો હતો. પરંતુ વારંવાર નોટિસ આપવા છતાં બેનર્જી કોર્ટમાં હાજર ન થતાં કોર્ટે એક વૉરન્ટ ઇસ્યુ કર્યું હતું. આ વૉરન્ટ વિરુદ્ધ અભિષેક બેનર્જી હાઇકોર્ટ પહોંચ્યા હતા. હાઇકોર્ટે નવેમ્બર 2025માં વૉરન્ટ પર રોક લગાવી દીધી હતી, જે હવે પરત લેવામાં આવી છે.

ચર્ચા એવી ચાલી રહી છે કે અભિષેક બેનર્જીની ધરપકડ થઈ શકે છે, કારણ કે વૉરન્ટ પર રોક હવે રહી નથી. કોર્ટ વૉરન્ટ ઇસ્યુ કરે ત્યારબા પોલીસ આરોપીને પકડીને કોર્ટમાં રજૂ કરવાનો હોય છે. અભિષેક બેનર્જી પહેલેથી અનેક એજન્સીઓની કાર્યવાહીનો સામનો કરી રહ્યા છે તેમાં વધુ એક કઠણાઈ ઉમેરાઈ છે.